You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઝિમ્બાબ્વેમાં સત્તા પરિવર્તન, પરિવાર સાથે રાષ્ટ્રપતિ મુગાબેની અટકાયત
ઝિમ્બાબ્વેની સત્તારૂઢ પાર્ટીએ દાવો કર્યો છે કે સત્તા પરિવર્તન બાદ રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેની અટકાયત કરી લેવામાં આવી છે.
ઝિમ્બાબ્વેની સેનાએ રાષ્ટ્રીય પ્રસારણકર્તા ZBC પર કબજો કરી લીધો છે. મુગાબે સુરક્ષિત છે પરંતુ જાણવા મળતી વિગતો પ્રમાણે તેમની અટકાયત કરી લેવામાં આવી છે.
ચેનલ પર એક નિવેદન વાંચવામાં આવ્યું, જેમાં જણાવવામાં આવ્યું કે 'અપરાધીઓની સામે કાર્યવાહી' હાથ ધરી છે.
સાથે જ કહ્યું છે કે 'સેનાએ સરકારને ઉથલાવી' નથી.
બીજી બાજુ, શાસક પક્ષ ઝાનુ પીએફએ ટ્વિટર પર જાહેર કર્યું છે, "ઈ. મન્નાગગ્વાને વચગાળાના રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે.
"રાષ્ટ્રપતિ તથા તેમના પરિવારની અટકાયત કરવામા આવી છે...બિન-લોહિયાળ સત્તા પરિવર્તન થયું છે.
"ઝિમ્બાબ્વે કે પાર્ટીએ રાષ્ટ્રપતિ કે તેમના પત્નીની જાગીર નથી. ભ્રષ્ટ અને ઠગ લોકોની ધરપકડ કરવામાં આવી છે."
તમને આ પણ વાંચવું ગમશે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બુધવારે વહેલી સવારે ઝિમ્બાબ્વેની રાજધાની હરારેમાં કેટલાક સ્થળોએ ગોળીબારના અવાજો સંભળાયા હતા. મુખ્ય રસ્તા પર સૈન્ય ગોઠવાઈ ગયું છે.
ટીવી પર સેનાનું નિવેદન વાંચવામાં આવ્યું હતું. જેમાં કહેવાયું હતું કે, 'મુગાબેની નજીકના લોકો દેશની આર્થિક અને સામાજિક તારાજી માટે જવાબદાર છે' તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
"અમે અમારું અભિયાન પૂર્ણ કરીશું, એટલે સ્થિતિ સામાન્ય થઈ જશે તેવી આશા છે."
સેના દ્વારા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે 93 વર્ષીય મુગાબે અને તેમનો પરિવાર સુરક્ષિત છે.
બ્રિટનના વિદેશ મંત્રાલય દ્વારા નાગરિકોને બહાર નહીં નીકળવા સલાહ આપી છે. જ્યારે બુધવારે હરારે ખાતેની અમેરિકાની ઍમ્બેસી બંધ રહેશે.
ઝિમ્બાબ્વેના સેનાધ્યક્ષ જનરલ કૉન્સ્ટાનિયો સિવેન્ગાએ સૈન્ય દખલની ચેતવણી આપી હતી. જેને સત્તારૂઢ પાર્ટીએ 'રાષ્ટ્રદ્રોહી કૃત્ય' જણાવ્યું હતું.
સમાચાર સંસ્થા રોયટર્સના કહેવા પ્રમાણે, ZBCની ઓફિસ પર કબ્જો કરતી વખતે સૈનિકોએ ત્યાંના કર્મચારીઓ સાથે ગેરવર્તાવ કર્યો હતો.
સૂત્રોએ ઉમેર્યું કે કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે તેમણે ચિંતા કરવાની જરૂર નથી અને સૈનિકો તેમની સુરક્ષા કરવા માટે તૈનાત કરવામાં આવ્યા છે.
હરારેમાં બીબીસીના શીંગાઈ ન્યોકાએ જણાવ્યું, " ઉત્તરમાં આવેલા વિસ્તારોમાં જ્યાં રાષ્ટ્રપ્રમુખ અને અન્ય ઘણા સરકારી અધિકારીઓ રહે છે ત્યાંથી ભીષણ ગોળીબારનો અવાજ સંભળાયો હતો."
અત્રે નોંધવું કે મુગાબેએ સત્તા મામલે થયેલા વિવાદને પગલે ગત સપ્તાહે ઉપ-પ્રમુખ એમ્મર્સન મન્નાગગ્વાની હકાલપટ્ટી કરી હતી.
અગાઉ ઉપ-રાષ્ટ્રપતિ એમ્મર્સન મન્નાગગ્વાને રાષ્ટ્રપતિ મુગાબેના ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવતા હતા.
પણ હવે મુગાબેના પત્ની ગ્રેસ મુગાબે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
બન્ને વચ્ચેના આ ટકરાવને કારણે ઝાનુ-પીએફ પાર્ટીમાં ફાટ પડી હતી.
ગ્રેસ મુગાબેએ એમ્મર્સન દ્વારા તખ્તાપલટની કોશિશ કરવામાં આવશે તેવી આશંકા વ્યક્ત કરી હતી.
તેમણે ત્યારે કહ્યું હતું કે એમ્મર્સને જે કોઈ તેમને ટેકો નહીં આપે તેમને મારી નાખવાની ધમકી આપી હતી.
આ પહેલા ઝાનુ-પીએફ પાર્ટીએ કહ્યું હતું, 'જનરલ સિવેન્ગાની ટિપ્પણી રાષ્ટ્રની શાંતિ ભંગ કરીને બળવા માટે ઉશ્કેરણી કરવાની હતી.'
પાર્ટીની યુવા પાંખના નેતા કુદઝાઈ સિપાંગેએ કહ્યું હતું કે જનરલ સિવેન્ગાને આર્મીમાં તમામ સૈન્ય અધિકારીઓ અને સૈનિકોનું સમર્થન નથી.
તેમણે ઉમેર્યું, "આ આપણો દેશ છે અને આપણા ભાવિ પર જોખમ છે. અમે લોકો દ્વારા ચૂંટવામાં આવેલા પ્રમુખ અને પાર્ટીની બાબતોમાં લશ્કરને દખલગીરી નહીં કરવા દઈએ."
અત્રે નોંધવું રહે કે કુદઝાઈ સિપાંગએ ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિના પત્ની ગ્રેસ મુગાબેના મજબૂત ટેકેદાર છે.
હવે ગ્રેસ મુગાબેનું શું થશે?
બીબીસી આફ્રિકાના સંપાદક ફ્રેગલ કનેના કહેવા પ્રમાણે, "ગ્રેસ મુગાબેનું શું થાય છે, તે જોવાનું રહેશે. ગ્રેસને મન્નાગગ્વાએ જૂથના 'મુખ્ય દુશ્મન' માનવામાં આવે છે.
''પશ્ચિમી રાષ્ટ્રો દ્વારા થોડી કાગારોળ થશે, પરંતુ તેઓ મન્નાગગ્વે જૂથના સંપર્કમાં હોવાનું જણાય છે અને તે મુજબ જ આગળ વધી રહ્યાં છે.''
બીબીસીના શિમગાય નિયોકાએ કહ્યું હતું કે ઝિમ્બાબ્વેના ઘટનાક્રમમાં 'બળવાનાં બધાં તત્ત્વો' છે.
રાષ્ટ્રપતિનો પરિવાર તથા તેમની નજીકના લોકો જે વિસ્તારમાં રહે છે, ત્યાં ગોળીબારના અવાજ સંભળાયા હતા.
સેનાનું કહેવું છે કે રાષ્ટ્રપતિ સલામત છે અને તેમના પરિવારને કોઈ હાનિ પહોંચાડવામાં નહીં આવે.
સેના બળવો થયા હોવાનો ઇન્કાર કરે છે અને સત્તા પરિવર્તન કર્યું હોવાનો ઇન્કાર કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો