સોશિયલ મીડિયા : 'એના વીડિયોને લીધે મારી ગર્લફ્રેન્ડની એની સાથે દોસ્તી થઈ, મને ગુસ્સો આવ્યો અને હત્યા કરી નાખી'

મૃતક દક્ષ પટેલ

ઇમેજ સ્રોત, JIYA CHOKSI

ઇમેજ કૅપ્શન, મૃતક દક્ષ પટેલ
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
લાઇન
  • પાર્થે પોલીસ સમક્ષ કરેલી કબૂલાતમાં કહ્યું છે કે, તે અને દક્ષ ગાઢ મિત્રો હતા અને તેમણે કોઈ વાત ક્યારેય એકબીજાથી છુપાવી નહોતી. એની નજર મારી ગર્લફ્રેન્ડ પર હતી એટલે મને ગુસ્સો આવ્યો અને એની હત્યા કરી નાખી.
  • વડોદરાના એસીપી ડી.જે. ચાવડા કહે છે, "પહેલા દક્ષ પટેલ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન અમને એમ.એસ. યુનિવર્સિટીની સામેની ઇમારતના ભોંયરામાંથી કોથળામાં હાથપગ બાંધેલો દક્ષનો મૃતદેહ મળી આવ્યો હતો.
  • મૃતદેહ દક્ષ પટેલનો હોવાની ઓળખ થઈ ત્યાં સુધી એના પરિવાર સાથે પાર્થ કોઠારી પણ પોલીસને દક્ષને શોધવામાં મદદનો અભિનય કરતો હતો
  • સોશિયલ મીડિયા પર વધુ લાઇકની કિંમત ઈર્ષ્યાની આગમાં સળગતા મિત્રે કેવી રીતે જીવન છીનવી લીધું. આગળની ક્રાઇમ કહાણી વાંચો...
લાઇન

"દક્ષને સોશિયલ મીડિયામાં લાઇક મેળવવાનો ભારે ક્રેઝ હતો, એના વીડિયોને કારણે મારી ગર્લફ્રેન્ડ સાથે એની દોસ્તી થઈ ગઈ હતી. અમારા પ્રેમમાં મને એ અડચણરૂપ લાગતો હતો, એટલે સોશિયલ મીડિયા માટે અપહરણનો નાટકીય વીડિયો બનાવવાના બહાને એને લઈ જઈને હાથપગ બાંધીને હત્યા કરી નાખી."

આ શબ્દો છે પોલીસ સમક્ષ મિત્રની હત્યાની કબૂલાત કરનાર પાર્થ કોઠારીના.

19 વર્ષનો પાર્થ કોઠારી અને એનો મિત્ર દક્ષ પટેલ બી.કોમ.ના બીજા વર્ષમાં સાથે અભ્યાસ કરતા હતા. બંને વચ્ચે દોઢ વર્ષથી ગાઢ મિત્રતા હતી. તેઓ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની બહાર બેઠા રહેતા.

દક્ષ ગુમ થયાની એના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી ત્યારે યૂટ્યૂબ પર મર્ડર મિસ્ટ્રી જોઈને મિત્રની હત્યા કરનાર પાર્થ કોઠારી પણ દક્ષને શોધવામાં જોડાયો હતો.

પાર્થે પોલીસ સમક્ષ કરેલી કબૂલાતમાં કહ્યું છે કે, તે અને દક્ષ ગાઢ મિત્રો હતા અને તેમણે કોઈ વાત ક્યારેય એકબીજાથી છુપાવી નહોતી. એની નજર મારી ગર્લફ્રેન્ડ પર હતી એટલે મને ગુસ્સો આવ્યો અને એની હત્યા કરી નાખી.

line

ગુમ મિત્રને શોધવાનો અભિનય

સોશિયલ મીડિયા

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

વડોદરાના એસીપી ડી.જે. ચાવડા બીબીસી સાથે વાત કરતા કહે છે, "પહેલા દક્ષ પટેલ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન અમને એમ.એસ. યુનિવર્સિટીની સામેની ઇમારતના ભોંયરામાંથી કોથળામાં હાથપગ બાંધેલો દક્ષનો મૃતદેહ મળી આવ્યો હતો. એના ગળા પર છરીના ઘા હતા. મૃતદેહ દક્ષ પટેલનો હોવાની ઓળખ થઈ ત્યાં સુધી એના પરિવાર સાથે પાર્થ કોઠારી પણ દક્ષને શોધવામાં પોલીસની મદદનો અભિનય કરતો હતો.

તેઓ વધુમાં કહે છે, "પાર્થે પહેલાં કહ્યું હતું કે એ લોકો માંજલપુર વિસ્તારમાં હતા અને દક્ષનો મૃતદેહ સયાજીગંજ વિસ્તારમાંથી મળ્યો. તપાસ કરી તો દક્ષ એના મિત્રો સાથે અવારનવાર સયાજીગંજ વિસ્તારમાં જતો હતો. અહીં એમની બેઠક હતી. એ જે દોસ્તો સાથે બેસતો હતો એ બધાએ કહ્યું કે દક્ષ ઘણા દિવસથી મળ્યો નથી. બીજી તરફ એનો ખાસ મિત્ર પાર્થ કોઠારી માંજલપુરમાં સાથે હોવાનું રટી રહ્યો હતો."

એસીપી ચાવડા અનુસાર, પોલીસે એ વિસ્તારના સીસીટીવી ફૂટેજ જોયા તો પાર્થ અને દક્ષ સાથે જ સયાજીગંજમાં જોવા મળ્યા હતા. એમની સયાજીગંજમાં જ્યાં બેઠક હતી ત્યાંથી તેમણે પાણીની બૉટલ પણ ખરીદી હતી.

આટલી તપાસ બાદ પોલીસની શંકા મજબૂત થઈ. હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે પાર્થનું બૅકગ્રાઉન્ડ તપાસ્યું તો જાણવા મળ્યું કે તે પહેલેથી ગુનાહિત માનસિકતા ધરાવતો હતો.

line

ચોરી-ઝઘડાનો સ્વભાવ

પાર્થે ઘણી દુકાનોમાં પૈસા ઉધાર રાખ્યા હતા અને પૈસા માગતા ઝઘડા અને મારામારી પણ થઈ હતી

ઇમેજ સ્રોત, JIYA CHOKSI

ઇમેજ કૅપ્શન, પાર્થે ઘણી દુકાનોમાં પૈસા ઉધાર રાખ્યા હતા અને પૈસા માગતા ઝઘડા અને મારામારી પણ થઈ હતી

તપાસમાં એ પણ જાણવા મળ્યું કે બે મહિના પહેલા પાર્થ એના પરિવાર સાથે એમનાં માસીના ઘરે મુંબઈ ગયો હતો અને ત્યાં ઘરેણાં ચોર્યાં હતાં. એમાંથી થોડાં વેચ્યાં પણ હતાં પણ મામલો કૌટુંબિક હોવાને કારણે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી.

એની બેઠક હતી ત્યાં ઘણી દુકાનોમાં પૈસા ઉધાર રાખ્યા હતા અને પૈસા માગતા ત્યારે ઝઘડા અને મારામારી પણ થઈ હતી.

પોલીસે પાર્થનો મોબાઇલ ફોન તપાસ્યો તો તેણે યૂટ્યૂબ પર મર્ડર મિસ્ટ્રીના વીડિયો જોયા હતા. બાદ પાર્થના ફોનનું ટેકનિકલ સર્વેલન્સ કરતા દક્ષના પોસ્ટમૉર્ટમ રિપોર્ટ પ્રમાણે મૃત્યુના સમયે પાર્થ સયાજીગંજમાં હતો. ઉપરાંત સીસીટીવી ફૂટેજમાં પણ એ સમયે તે ત્યાં હતો.

આખરે પોલીસની ઊલટતપાસમાં પાર્થ ભાંગી પડ્યો અને કબૂલ કર્યું કે, દક્ષને સોશિયલ મીડિયા પર ફેમસ થવામાં ઘણો રસ હતો. દક્ષ સોશિયલ મીડિયામાં ઍક્ટિવ થયો ત્યારથી એનું મિત્રવર્તુળ વધ્યું હતું. પાર્થની ગર્લફ્રેન્ડ પણ દક્ષનાં વખાણ કરતી હતી, જેનો એને ગુસ્સો હતો.

પાર્થે પોલીસ સમક્ષ કબૂલાતમાં કહ્યું કે "મેં દક્ષને વાતોમાં ફસાવીને એવું કહ્યું હતું કે હમણાંથી સોશિયલ મીડિયામાં અપહરણના વીડિયોને બહુ લાઈક મળે છે એટલે આપણે અંધારી જગ્યાએ જઈ તારા અપહરણનો વીડિયો બનાવીએ."

આમ કહીને દક્ષને પાર્થ સયાજીગંજ લઈ ગયો હતો.

પાર્થે યૂટ્યૂબ પર ક્રાઇમની સિરિયલો જોઈને સાથે દોરડું અને ચાકુ લીધાં હતાં. દક્ષનો વીડિયો બનાવવાના નામે પહેલાં એના હાથપગ બાંધી દીધા. બાદ એનું ચાકુથી ગળું કાપી મૃતદેહને કોથળામાં બાંધીને મૂકી દીધો હતો.

દક્ષને માર્યા પછી પાર્થે બંનેના ફોન સ્વીચ ઑફ કર્યા હતા. ચાકુ અને દક્ષનો ફોન અલગઅલગ જગ્યાએ ફેંકી દીધાં હતાં.

આ અંગે બીબીસીએ દક્ષના ભાઈ કેવલ અને પિતા હસમુખ પટેલનો સંપર્ક સાધ્યો હતો, પરંતુ તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. પાર્થના પરિવારનો પણ સંપર્ક થઈ શક્યો નહોતો.

line

ગર્લફ્રેન્ડ છિનવાઈ જવાનો ડર

પાર્થે યૂટ્યૂબ પર ક્રાઇમની સિરિયલો જોઈને સાથે દોરડું અને ચાકુ લીધાં હતાં. દક્ષનો વીડિયો બનાવવાના નામે પહેલાં એના હાથપગ બાંધી દીધા

ઇમેજ સ્રોત, JIYA CHOKSI

ઇમેજ કૅપ્શન, પાર્થે યૂટ્યૂબ પર ક્રાઇમની સિરિયલો જોઈને સાથે દોરડું અને ચાકુ લીધાં હતાં. દક્ષનો વીડિયો બનાવવાના નામે પહેલાં એના હાથપગ બાંધી દીધા

દક્ષ અને પાર્થ કોઠારીના મિત્ર મહેક શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમે એમ.એસ. યુનિવર્સિટીની બહાર ચાની લારીએ બેસતા અને ગપ્પાં મારતાં."

"દક્ષને ચશ્માં હતાં અને થોડો પાતળો બાંધો હતો એટલે શરૂઆતમાં તે લઘુતાગ્રંથિથી પીડાતો હતો. સોશિયલ મીડિયા પર આવ્યો ત્યારથી એનું મિત્રવર્તુળ વધી ગયું. કૉલેજ અને ટ્યુશન ક્લાસમાં છોકરા-છોકરીઓનું વર્તુળ સારું બની ગયું હતું."

તેઓ કહે છે, "અમારા ગ્રૂપમાં દક્ષ અને પાર્થ સારા મિત્રો હતા. પાર્થની ગર્લફ્રેન્ડ પણ દક્ષના વીડિયોને વખાણતી હતી. આ કારણે પાર્થ અને દક્ષ વચ્ચે એક-બે વાર બોલાચાલી થઈ હતી. પરંતુ પાછળથી મિત્રતા થઈ ગઈ હતી. દક્ષ પૈસાદાર ઘરનો હતો એટલે એને પૉકેટમની વધુ મળતા હતા. પાર્થ એની હત્યા કરશે એવી અમને કલ્પના નહોતી."

આવી અસાધારણ વર્તણૂક અંગે અમે ક્રિમિનલ સાઇકૉલૉજિસ્ટ ગોપાલ ભાટિયા સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું, "યુવાઓમાં વર્ચ્યુઅલ પબ્લિસિટીનો ક્રેઝ વધી રહ્યો છે, કારણ કે રિયલ પબ્લિસિટી મળતી નથી અને પ્રોત્સાહન પણ મળતું નથી. આ સંજોગમાં યુવાનોનું એક એવું મિત્રવર્તુળ બને છે જેમાં પોતાની એક પોસ્ટ પર 100થી વધુ પણ લાઈક મળે તો પોતાને લોકપ્રિય માનવા લાગે છે."

"તેમની એક નવી દુનિયા રચાય છે. એમાં એની મદદ કરનારને એ હામી સમજે છે અને એના પર ભરોસો મૂકે છે. જ્યારે કેટલાક યુવાનો વર્ચ્યુઅલ વર્લ્ડમાં કોઈ પોતાનાથી આગળ નીકળી જાય તો તેમનામાં ઈર્ષાભાવ જન્મે છે. આવા લોકો પોતાની ગર્લફ્રેન્ડ છિનવાઈ જવાના ડરને કારણે આવું પગલું ભરી બેસે છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન