વિક્રાંત : 'દરિયામાં તરતા શહેર જેવું' ભારતીય ઍરક્રાફ્ટ કૅરિયર અંદરથી કેવું લાગે છે?

દરિયામાં ટ્રાયલ દરમિયાન વિક્રાંતની તસવીર

ઇમેજ સ્રોત, Indian Navy

ઇમેજ કૅપ્શન, દરિયામાં ટ્રાયલ દરમિયાન વિક્રાંતની તસવીર
    • લેેખક, જુગલ આર. પુરોહિત
    • પદ, વિમાનવાહક ઍરક્રાફ્ટ વિક્રાંત પરથી, કોચી
લાઇન
  • 2 સપ્ટેમ્બરના રોજ 13 વર્ષ સુધી જેના પર કામ ચાલ્યું તે સૌથી મોટું યુદ્ધજહાજ વિક્રાંત ભારતીય નૅવીમાં જોડાશે.
  • આ જહાજ ભારતમાં જ ડિઝાઇન થયું છે અને નિર્માણ પામ્યું છે
  • વિમાનવાહક જહાજ વિક્રાંતનું નામ સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવ્યું છે જેનો મતલબ છે નીડર
  • જહાજ ભારતની યુદ્ધક્ષમતામાં કેટલો વધારો કરી શકશે? તેમાં કઈ કઈ સુવિધાઓ છે?
  • યુદ્ધજહાજનિર્માણ બાબતે ભારતે હજુ શું બોધપાઠ લેવાની જરૂરિયાત છે?
લાઇન

મેં પૂછ્યું, "જો તમે આ જહાજ પર એકલા હો, તો તમને તમારો રસ્તો મળી શકે ખરા?"

તેના જવાબમાં સ્મિત સામે ભારતીય નૅવીના ઑફિસરે કહ્યું, "હવે હું શોધી શકું છું. પરંતુ રસ્તાઓ જાણવામાં અને સમજવામાં મને આશરે બે મહિના જેટલો સમય લાગી ગયો."

13 વર્ષ સુધી જેના પર કામ ચાલ્યું તે સૌથી મોટું યુદ્ધજહાજ વિક્રાંત ભારતીય નૅવીમાં 2 સપ્ટેમ્બરના રોજ જોડાશે. વિમાનવાહક જહાજ વિક્રાંતનું નામ સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવ્યું છે જેનો મતલબ છે નીડર. આ જહાજ ભારતમાં જ ડિઝાઇન થયું છે અને નિર્માણ પામ્યું છે.

કોચીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં વિક્રાંત ભારતીય નૅવીમાં જોડાશે. 2 સપ્ટેમ્બરના રોજ પહેલાં કમિશનિંગ કરવામાં આવશે અને પછી વિક્રાંતને ઇન્ડિયન નૅવલ શિપ એટલે કે INSનું ટાઇટલ મળશે.

લાઇન
  • 2 સપ્ટેમ્બરના રોજ 13 વર્ષ સુધી જેના પર કામ ચાલ્યું તે સૌથી મોટું યુદ્ધજહાજ વિક્રાંત ભારતીય નૅવીમાં જોડાશે.
  • આ જહાજ ભારતમાં જ ડિઝાઇન થયું છે અને નિર્માણ પામ્યું છે
  • વિમાનવાહક જહાજ વિક્રાંતનું નામ સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવ્યું છે જેનો મતલબ છે નીડર
  • જહાજ ભારતની યુદ્ધક્ષમતામાં કેટલો વધારો કરી શકશે? તેમાં કઈ કઈ સુવિધાઓ છે?
  • યુદ્ધજહાજનિર્માણ બાબતે ભારતે હજુ શું બોધપાઠ લેવાની જરૂરિયાત છે?
લાઇન

અંદરથી આ જહાજ કેવું છે?

વિક્રાંતનું કન્ટ્રોલ રૂમ
ઇમેજ કૅપ્શન, વિક્રાંતનું કન્ટ્રોલ રૂમ

કોઈ વ્યક્તિ જ્યારે આ જહાજમાં પ્રવેશે અને અંદર અલગ અલગ કમ્પાર્ટમેન્ટમાં જાય ત્યારે એ ભૂલી જવું શક્ય છે કે આ એક જહાજ છે. તેની અંદર આશરે 2,300 જેટલાં કમ્પાર્ટમેન્ટ છે.

જ્યારે તમે 262 મિટર લાંબા અને 60 મિટર ઊંચા જહાજમાં હો, ત્યારે દરિયાનાં મોજાં પણ કોઈ ખાસ અસર કરી શકતાં નથી.

પહોળા રસ્તા અને સીડીઓ જહાજને આડી અને ઊભી બંને રીતે સારી રીતે જોડે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ અવરજવર સહેલી થઈ જાય છે.

કાર્યક્ષમ ઍર કન્ડિશનિંગ ભેજ અને ગરમીને નિયંત્રિત રાખે છે. વિક્રાંત એવું જૂનું નામ છે જેનાથી ભારતીયો પરિચિત છે.

આ નામે ભારતનું પહેલું વિમાનવાહક જહાજ હતું. તેને રૉયલ નૅવી પાસેથી ખરીદીને 1961માં સોંપવામાં આવ્યું હતું અને 1997માં INS વિક્રાંતને ડી-કમિશન કરી દેવામાં આવ્યું હતું. આ જહાજે અલગ અલગ મિલિટ્રી ઑપરેશનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

આજના દિવસે નવા વિક્રાંત વિશે વાત કરીએ તો, આ જહાજ 1,700 જેટલાં મહિલા અને પુરુષોનું કાર્યસ્થળ હોવાની સાથે ઘર હશે. આ લોકો જહાજનાં ક્રૂ સભ્યો છે.

હાલ તો આ અતિરિક્ત 2,000 લોકો માટેનું પણ કાર્યસ્થળ છે. આ 2,000 લોકોમાં ટેકનિશિયનનો સમાવેશ થાય છે જેઓ કૅબલ ચેક કરી રહ્યા છે, અંદરના ભાગને પોલિશ કરી રહ્યા છે અને શુક્રવાર પહેલાં છેલ્લી મિનિટનું દરેક નાનું મોટું બચેલું કામ પૂર્ણ કરી રહ્યા છે.

ક્રૂ અને અમારા જેવા મુલાકાતીઓ માટે હાલ આ જહાજ એક ખૂબ મોટું કૉમ્પ્લેક્સ છે જે ખૂબ વ્યસ્ત છે, જ્યાં ખૂબ ઘોંઘાટ છે અને કેટલાક પ્રકારની ગંધ ફેલાવતા વર્કશોપ ચાલી રહ્યા છે.

અમે બીજું કમ્પાર્ટમેન્ટ જોયું તેને ટીસીઆર અથવા તો થ્રોટલ કંટ્રોલ રૂમ કહેવામાં આવે છે.

દરિયામાં ટ્રાયલ દરમિયાન વિક્રાંત

ઇમેજ સ્રોત, Indian Navy

ઇમેજ કૅપ્શન, દરિયામાં ટ્રાયલ દરમિયાન વિક્રાંત

વરિષ્ઠ ઇજનેરી અધિકારી લેફ્ટનન્ટ કમાન્ડર સાંઈ કૃષ્ણન કહે છે, "આપણે હમણાં જહાજના એવા ભાગમાં છીએ જેને તેનું દિલ કહેવામાં આવે છે. અહીંથી ગૅસ ટર્બાઇન ઇંજિનને ચલાવી શકાય છે અને અહીંથી આ તરતું શહેર ફરી શકે છે."

જહાજ પર રહેલાં ચાર ઇંજિન 88 મેગાવૉટ પાવર ઉત્પન્ન કરે છે. ક્રૂ કહે છે કે આટલી ઊર્જા એક શહેર માટે પૂરતી છે.

પછી અમે એ વિસ્તારમાં આવ્યા જેને નૅવીમાં લોકો ગૅલી કહે છે. ત્યાં કૉફી મશીન છે, સારી રીતે રાખેલાં સ્વચ્છ ટેબલ અને ખુરશી છે, મોટાં કન્ટેનર છે. વિક્રાંતમાં આવી ત્રણ ગૅલી છે.

એક અધિકારી જણાવે છે, "જો તમે ત્રણેય ગૅલીને ભેગી કરો તો એકસાથે આશરે 600 લોકોનું ભોજન તૈયાર થઈ શકે છે."

આગળ ચાલતાં અમે જોયું કે અમારી ડાબી બાજુ લોકોના રહેવા માટે ક્વાર્ટર હતાં જેમાં ગાદલાં પ્લાસ્ટિકમાં વિંટાયેલાં હતાં. હવે રાહ હતી કે કોઈ તેમને બેડ પર પાથરે.

આગળ અમે વિક્રાંતની ખૂબ મોટી મેડિકલ ફૅસિલિટી જોઈ. અહીં જહાજ પર જ 16 બેડની હૉસ્પિટલ છે, બે ઑપરેશન થિયેટર છે, લૅબોરેટરી અને ICU તેમજ સિટી સ્કૅન માટેના અલગ વૉર્ડ પણ છે.

આ હૉસ્પિટલ પાંચ ડૉક્ટરોથી ચાલશે અને તેમાં 15 પૅરામેડિક્સ હશે. અમને કહેવામાં આવ્યું કે નૅવી પાસે આ સૌથી મોટી હૉસ્પિટલ છે.

ત્યાર બાદ આમાં એવી જગ્યાઓ આવે છે જે તમને જણાવે કે તમે ખરેખર એક જહાજ પર છો. એ પણ એવું જહાજ જેમાં 30 યુદ્ધવિમાન અને હેલિકૉપ્ટર સમાઈ શકે છે.

અમે વિમાનઘરમાં છીએ.

ક્ષમતા પ્રમાણે જોઈએ તો એ સમજવું જરૂરી છે કે બીજાં કેટલાંક યુદ્ધજહાજો છે જે વધારે વિમાન લઈને ચાલી શકે છે.

ઉદાહરણ તરીકે નૅવીનું જૂનું ઍરક્રાફ્ટ કૅરિયર INS વિક્રમાદિત્ય થોડાં વધારે વિમાન લઈ જઈ શકે છે. યુકે રૉયલ નૅવીનું ક્વીન ઍલિઝાબેથ 40 જેટલાં યુદ્ધવિમાન લઈ જઈ શકે છે અને અમેરિકન નૅવીનું નિમિત્ઝ ક્લાસ કૅરિયર 60થી વધારે યુદ્ધવિમાન પોતાની સાથે લઈને ચાલી શકે છે.

આ સાથે જ વિમાનઘરમાં અમે બે રશિયન ઍરક્રાફ્ટ જોયાં, મિગ-29 ફાઇટર અને કામોવ-31 અર્લી વૉર્નિંગ હેલિકૉપ્ટર. આ બંને ઍરક્રાફ્ટ પાછળના ભાગમાં મૂકવામાં આવ્યાં છે.

લેફ્ટનન્ટ કમાન્ડર વિજય શેઓરાન કહે છે, "એવું માનો કે આ એક પાર્કિંગની જગ્યા છે અને એક ટીમ તેની જાળવણી કરે છે અને તેનું સમારકામ પણ. અહીંથી ખાસ લિફ્ટ ઍરક્રાફ્ટને ઊડવા માટે ફ્લાઇટ ડેક પર લઈ જાય છે."

અમે અંતે એ ડેક પર પહોંચ્યા, જ્યાં ઍરક્રાફ્ટ લૅન્ડ થઈ શકે છે અને મિશન માટે નીકળી પણ શકે છે.

વિક્રાંતના અલગ અલગ સ્ટેજ પર અલગ અલગ સિસ્ટમને તપાસવામાં આવે છે. હવે માત્ર એક તપાસ બાકી છે અને તે છે જહાજ પરથી સઘન ફ્લાયિંગ ઑપરેશન. નૅવી પ્રમાણે તે પરીક્ષણ તેઓ આ વર્ષ બાદ કરશે.

લેફ્ટનન્ટ કમાન્ડર સિદ્ધાર્થ સોની ફ્લાઇટ ડેક ઑફિસર છે અને એક હેલિકૉપ્ટર પાઇલટ પણ
ઇમેજ કૅપ્શન, લેફ્ટનન્ટ કમાન્ડર સિદ્ધાર્થ સોની ફ્લાઇટ ડેક ઑફિસર છે અને એક હેલિકૉપ્ટર પાઇલટ પણ

લેફ્ટનન્ટ કમાન્ડર સિદ્ધાર્થ સોની ફ્લાઇટ ડેક ઑફિસર છે અને એક હેલિકૉપ્ટર પાઇલટ પણ.

તેઓ કહે છે, "અમારા ફ્લાઇટ ડેકનો આકાર આશરે 12,500 સ્ક્વેર મિટર છે, જે હૉકીનાં અઢી મેદાન સમાન છે. અહીંથી અમે એકસાથે 12 યુદ્ધજહાજો અને છ હેલિકૉપ્ટરને ચલાવી શકીએ છીએ. આ અમારા જૂના વિમાનવાહક જહાજ કરતાં મોટું છે. ચોખી વાત છે કે તમારી પાસે જેટલો મોટો વિસ્તાર છે, એટલાં જ વધારે વિમાન તમે અહીં સમાવી શકો છો."

વિક્રાંતમાં એક જ વિમાનઘરની અંદર રશિયન, અમેરિકન અને ભારતીય ઍરક્રાફ્ટ હશે.

45 હજાર ટનનું વજન ધરાવતું યુદ્ધજહાજ શક્તિશાળી અને પ્રેરણાદાયક બની શકે છે. તેની સાથે જ દુશ્મનનાં વિમાન અને મિસાઇલનું નિશાન પણ બની શકે છે.

ચીને પોતાનાં કૅરિયર્સનો વિકાસ કરતી વખતે તેની 'ઍરક્રાફ્ટ કૅરિયર કિલર હાઇપરસોનિક' મિસાઇલ પણ બનાવી છે.

line

તો આ યુદ્ધજહાજ પોતાનું રક્ષણ કેવી રીતે કરે છે?

વિક્રાંતમાં મિગ
ઇમેજ કૅપ્શન, વિક્રાંતમાં મિગ

વિક્રાંતના કૅપ્ટન રજતકુમાર મને જણાવે છે, "આ વાહકજહાજ ખરેખર એકલું દરિયામાં હોતું નથી. તેની સાથે બીજું જહાજ પણ હોય છે જેમાં વિનાશક, ફ્રિગેટ્સ હોય છે. અમારી પાસે સબમરિનવિરોધી ક્ષમતા છે. હવાઈ યુદ્ધવિરોધી ક્ષમતાઓ છે. વિક્રાંત પાસે પણ આવા ખતરા સામે લડવાની ક્ષમતા છે. તે જહાજો અને ઍરક્રાફ્ટ કૅરિયર વચ્ચેનો સહજીવન સંબંધ છે."

નીકળતા પહેલાં અમારી મુલાકાત લેફ્ટનન્ટ કમાન્ડર ચૈતન્ય મલ્હોત્રા સાથે થઈ.

તેમની ટીમ વિક્રાંતને હવામાનની આગાહી અંગેની માહિતી આપે છે જેનાથી તે દરિયામાં કોઈ મિશન પર નીકળી શકે છે અથવા મિશનને રોકી શકે છે.

તેઓ કહે છે, "ઉદાહરણ તરીકે ઍરક્રાફ્ટનાં લૅન્ડિંગ અને ટેક-ઑફમાં હવા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેવા સમયે મારી ટીમે આપેલી માહિતી ખૂબ મહત્ત્વની સાબિત થાય છે. અમે હવામાન પર નજર રાખીએ અને નિયમિતરૂપે હવામાનની આગાહી કરીએ છીએ."

line

મોટું ચિત્ર

અન્ય યુદ્ધજહાજની સરખામણીએ વિમાનવાહક યુદ્ધજહાજની સારી વાત એ છે કે જ્યાં જરૂર પડે ત્યાં આ જહાજ આખું ઍરફિલ્ડ લઈને ચાલી શકે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અન્ય યુદ્ધજહાજની સરખામણીએ વિમાનવાહક યુદ્ધજહાજની સારી વાત એ છે કે જ્યાં જરૂર પડે ત્યાં આ જહાજ આખું ઍરફિલ્ડ લઈને ચાલી શકે છે

અન્ય યુદ્ધજહાજની સરખામણીએ વિમાનવાહક યુદ્ધજહાજની સારી વાત એ છે કે જ્યાં જરૂર પડે ત્યાં આ જહાજ આખું ઍરફિલ્ડ લઈને ચાલી શકે છે.

વિક્રાંતની સાથે હવે ભારત પાસે બે વિમાનવાહક છે. જોકે, નૅવી માને છે કે તેમને વધુ એક વિમાનવાહક જહાજની જરૂર છે. આ વિશે અનુગામી નૌકદાળના વડાઓએ જાહેરમાં તેમનાં મંતવ્યો રજૂ કર્યાં છે.

જોકે, મોદી સરકાર ભલે સંરક્ષણ મામલે આત્મનિર્ભર બનવા મુદ્દે ભાર આપતી હોય, પણ તેમણે હજુ આ મુદ્દે કોઈ વિશેષ જાહેરાત કરી નથી.

વાઇસ એડમિરલ એ. કે. ચાવલા (નિવૃત્ત)એ અત્યાર સુધી વ્યક્તિગતરૂપે વિક્રાંતની બનાવટ પર નજર રાખી હતી, તેમણે મને કહ્યું કે અત્યારે કામ કરવું અથવા બહાર થઈ જવું, તે જ બે વિકલ્પો આપણી પાસે છે.

તેઓ કહે છે, "આર્થિક ઉદારીકરણ બાદ ચીનને 1980ના સમયમાં જ લાગ્યું કે સમુદ્રી શક્તિ વગર તે વૈશ્વિકશક્તિનો ભાગ ક્યારેય નહીં બની શકે. તેમને આજે જુઓ. આજે તે દુનિયામાં સૌથી વધારે સમુદ્રી શક્તિ ધરાવતા દેશોમાંથી એક છે અને ખૂબ સારી ગતિએ તે વિમાનવાહક જહાજો બનાવી રહ્યું છે."

"તમે વાહકજહાજ રાતોરાત બનાવી શકતા નથી. તેના માટે સમય લાગે છે અને તેના માટે જ જરૂરી છે કે આપણી પાસે વિક્રાંત જેવાં વધારે જહાજ હોય જે આપણા યુદ્ધનૌકાના કાફલાને રક્ષણ આપે, વધુ દૂર સુધી જઈ શકે અને દુશ્મન જહાજ જ્યારે ઍરક્રાફ્ટ કૅરિયર કે બીજા કોઈ જહાજ પર હુમલો કરવાનો પ્રયાસ કરે તે પહેલાં તે તેના પર હુમલો કરી દે."

2012 અને 2022 વચ્ચે બેઇજિંગે બે વિમાનવાહક જહાજ બનાવી કમિશન કર્યાં છે અને ત્રીજા પર પણ કામ ચાલી રહ્યું છે જે અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ બની શકે છે.

તેણે અત્યાર સુધી પોતાની નૅવીની ક્ષમતાઓ પણ ખૂબ ઝડપથી વધારી છે અને સાથે જ પોતાનો કાફલો પણ વધાર્યો છે. આ સાથે ચીન અમેરિકન નૅવીને પણ પાછળ છોડી રહ્યું છે.

line

અને અંતિમ શબ્દો

અંજના નાયર
ઇમેજ કૅપ્શન, અંજના નાયર

જહાજની બહાર નૅવીનું બૅન્ડ રિહર્સલ કરી રહ્યું છે. શિપયાર્ડની વિશાળ ક્રૅન્સ તેમના ભારે વજનને ઉઠાવતી વખતે સાયરન વગાડે છે.

આ દૃશ્યો વચ્ચે શિપબિલ્ડર, સરકારની માલિકીની કોચી શિપયાર્ડ લિમિટેડ (CSL) તરફથી રાહતનો અનુભવ કરવો મુશ્કેલ નથી.

સરકારે જહાજ માટે પ્રારંભિક માન્યતા જાન્યુઆરી 2003માં આપી દીધી હતી પરંતુ યાર્ડમાં કામ 2007માં પહેલો કૉન્ટ્રેક્ટ સાઇન થયા બાદ શરૂ થયું હતું.

2013માં જહાજ પહેલી વખત પાણીમાં તર્યું હતું. સરકારનું અનુમાન હતું કે નૅવીને વિક્રાંત 2016-17 આસપાસ મળશે.

જહાજના બાંધકામના 'બીજા તબક્કા'માં વિલંબ થયો. આ વિલંબ ખાસ કરીને જુદાં જુદાં હથિયારોની ફિટિંગ, પ્રોપલ્શન સિસ્ટમ અને રશિયાથી આવેલા એવિએશન કૉમ્પ્લેક્સના કારણે થયો હતો.

CSLના ચૅરમૅન અને મેનેજિંગ ડાયરેક્ટર મધુ નાયર માટે જહાજને બનવામાં 13 વર્ષ લાગી ગયાં તે સુધારવાની જરૂર છે.

તેઓ કહે છે, "હું નથી કહેતો કે 13 વર્ષમાં કામ કરવું ખૂબ સારું છે. આપણે ચોક્કસપણે સારું કામ કરી શકીએ છીએ. પણ આપણે એ પણ સમજવું જોઈએ કે આ આપણે પહેલી વખત કરી રહ્યા છીએ. તો હું નાખુશ પણ નથી."

હું જણાવવા માગીશ કે ચીને કેટલી ઝડપથી પોતાના વિમાનવાહક જહાજોની સંખ્યા વધારી છે.

તેઓ કહે છે, "જ્યારે આપણે આપણી સરખામણી ચીન સાથે કરીએ છીએ ત્યારે આપણે ત્યાંની ઇકૉસિસ્ટમ સમજવાની જરૂર છે. કદાચ ચીન વસ્તુઓ ખૂબ ઝડપથી કરી રહ્યું છે, યુકે અને અમેરિકા કરતાં પણ વધારે ઝડપથી."

અત્યારે વિક્રાંતે શિપયાર્ડને નવો આત્મવિશ્વાસ આપ્યો છે. તે વધુ ક્ષમતાઓ પ્રાપ્ત કરવા માટે રોકાણ કરી રહ્યું છે.

તેઓ વાયદો કરે છે કે, "અમે એક નવું ડૉક બનાવવા પર રોકાણ કરી રહ્યા છીએ જે ભારતની નવી પેઢીના ઍરક્રાફ્ટ કૅરિયર બનાવી શકે અને તે ડૉક 2024માં બનીને તૈયાર થઈ જશે. હું આશા રાખું છું નવું જહાજ બનાવવાની મંજૂરી જલદી મળી જાય. જો એવું થાય છે, તો અમે વધારે ઝડપથી ડિલિવરી આપવા માટે તૈયાર રહીશું."

વિક્રાંતને બનાવવાનો ખર્ચ આશરે 20 હજાર કરોડ રૂપિયા થયો છે. જોકે, જહાજ બનાવવા માટે 76 ટકા જેટલો સામાન સ્વદેશી છે જેના માટે 500 જેટલી ભારતીય કંપનીઓ પાસેથી મદદ લેવામાં આવી હતી.

સરકાર પ્રમાણે જહાજ બનાવવાનાં 13 વર્ષની સફર દરમિયાન આશરે 15 હજાર જેટલા લોકોને નોકરી મળી છે.

CSLનાં જનરલ મૅનેજર ડિઝાઇન, અંજના કે.આર. માને છે કે જહાજને સોંપવા માટે જે સમારોહ યોજાયો તે અત્યાર સુધીની ભાવનાત્મક સફરને રજૂ કરશે.

તેઓ કહે છે, "2009થી હું ડિઝાઇનિંગ સાથે જોડાયેલી છું અને તે પછી મેં મટિરિયલ વિભાગ સંભાળ્યું હતું. હું જહાજ માટે વિવિધ સાધનો મેળવવામાં સામેલ હતી અને હવે ફરી ડિઝાઇન વિભાગ સાથે જોડાઈ ગઈ છું. તે ખૂબ પડકારજનક હતું. એક સમયે અમને લાગતું કે હવે બસ થઈ ગયું. પરંતુ એકબીજા સાથે અને નૅવી સાથે કામ કરીને અમે દરેક પડકારોને પાર કર્યા હતા."

2013માં વિક્રાંત પહેલી વખત પાણીમાં ઊતર્યું હતું અને ગયા વર્ષે જ્યારે તે પોતાની પ્રથમ ટ્રાયલ માટે દરિયામાં ઊતર્યું હતું તે બધું જ અંજનાએ નજીકથી જોયું છે.

એવી જ રીતે જાણે એક માતાપિતા પોતાના બાળકને જુએ છે.

પોતાના ચહેરા પર સ્મિત સાથે અંજના કહે છે, "વિક્રાંત જહાજ મારા બાળક જેવું છે. તે અહીં ઘણાં વર્ષોથી છે. અમે તેનું પાલનપોષણ કર્યું છે. ડિઝાઇનની પહેલી લાઇનથી માંડીને આજે તે એક આખું જહાજ છે જેને દુનિયા જોશે. એવું લાગે છે કે જાણે દીકરીનાં લગ્ન થઈ રહ્યાં છે અને અમે તેને તેના સાસરામાં સોંપી રહ્યા છીએ. હવે તેની દેખભાળ નૅવીએ કરવાની છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ