You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ આઠ ચીજો કઈ છે જે ખાવાથી પેટમાં ગેસ થઈ શકે?
વાછૂટ એક સ્વાભાવિક બાબત છે. દરેક માણસ સામાન્ય રીતે દિવસ દરમિયાન પાંચથી પંદર વખત વાછૂટ કરતો હોય છે. કોઈક દિવસે પેટમાં બહુ ગેસ થાય એ પણ સારા સ્વાસ્થ્યનો સંકેત હોઈ શકે છે.
ગેસને કારણે સર્જાતી અકળામણ અને અસ્વસ્થતાની વાત અલગ બાબત છે. વાછૂટ માટેનું કારણ બનતા ખાદ્યપદાર્થો હૃદય માટે આરોગ્યવર્ધક, રેસાયુક્ત કાર્બોહાઈડ્રેટ્સ હોઈ શકે છે.
આ જટિલ કાર્બોહાઈડ્રેટ્સને આપણું શરીર તોડી શકતું નથી, પણ એ કામ આંતરડામાંના બૅક્ટેરિયા કરે છે.
સવાલ એ છે કે ક્યા પદાર્થો ખાવાથી આપણને ગેસ-વાછૂટ થાય છે, દુર્ગંધયુક્ત વાછૂટ થાય છે અને કઈ પરિસ્થિતિમાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે?
1. ચરબીયુક્ત ખાદ્યપદાર્થ
ચરબીયુક્ત પદાર્થોથી પાચનક્રિયા મંદ પડે છે. એવા પદાર્થો આપણા આંતરડામાં ચોંટી જવાની શક્યતા હોય છે. તે પિત્તનું કારણ બને છે અને તેમાંથી દુર્ગંધનું નિર્માણ થાય છે.
ખાસ કરીને ચરબીયુક્ત માંસથી ચિકાશ સર્જાય છે, કારણ કે તેમાં એમિનો એસિડ, મેથિયોનીન અને સલ્ફર મોટા પ્રમાણમાં હોય છે.
આપણા આંતરડામાંના બૅક્ટેરિયા સલ્ફરને તોડીને હાઈડ્રોજન સલ્ફાઈડ બનાવે છે. તેની દુર્ગંધ સડેલાં ઈંડાં જેવી હોય છે.
આંતરડામાં રહેલા બૅક્ટેરિયા સલ્ફરને તોડીને હાઇડ્રોજન સલ્ફાઇડ બનાવે છે. તે સડેલાં ઈંડાં જેવી દુર્ગંધ આપે છે. આ પછી તમે અન્ય ખાદ્યપદાર્થો સાથે ખાઓ છો તે માંસમાંથી ઉત્પાદિત ગેસની ગંધ વધે છે. તેથી અન્ય ખાદ્યસામગ્રી સાથે ખાવામાં આવેલા માંસમાંથી ઉત્પન્ન થયેલા ગેસની દુર્ગંધ તીવ્ર બને છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2. દ્વિદળ અનાજ
દ્વિદળ અનાજમાં મોટા પ્રમાણમાં ફાઈબર્સ હોવાની સાથે રેફિનોઝ પણ હોય છે. રેફિનોસ એક પ્રકારની સુગર છે, જેને આપણું શરીર પ્રોસેસ કરી શકતું નથી.
તે સુગર આંતરડામાં જાય છે અને આંતરડા તેનો ઉપયોગ ઊર્જા મેળવવા માટે કરે છે. આ પ્રક્રિયામાં હાઈડ્રોજન, મિથેન અને દુર્ગંધયુક્ત સલ્ફર સર્જાય છે.
3. ઈંડાં
ઈંડાં બાબતે જાતજાતની ગેરસમજ પ્રવર્તે છે, પણ ઈંડાં ખાવાથી આપણા પૈકીના મોટા ભાગનાને ગેસ થતો નથી. ઈંડાંમાં સલ્ફરમિશ્રિત મેથિઓનીન હોય છે. તેથી દુર્ગંધયુક્ત વાછૂટ ન ઇચ્છતા લોકોએ કઠોળ અને ચરબીયુક્ત માંસ સાથે ઈંડાં ખાવાં ન જોઈએ.
ઈંડાં ખાધાં પછી તમારું પેટ ફૂલી જતું હોય અને વાછૂટ થતી હોય તો તેનો અર્થ એ છે કે તમને ઈંડાં પચતાં નથી, તમને ઈંડાંની ઍલર્જી છે, એવું કહી શકાય.
4. કાંદા/ડુંગળી
કાંદા, લસણ અને તેનાં જેવાં ખાદ્યપદાર્થોમાં ફ્રૂક્ટેન અને કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. તેથી તે ખાવાથી ગેસ થઈ શકે અને પેટ ફૂલી શકે.
5. દૂધજન્ય પદાર્થો
ગાય અને બકરીના દૂધમાં લેક્ટોઝ હોય છે. એમાંની સુગર પણ પેટમાં ગેસ વધવાનું કારણ હોય છે. તેનાથી પણ વધારે મહત્ત્વની વાત એ છે કે વિશ્વના આશરે 65 ટકા પ્રોઢ લોકો માટે લેક્ટોઝ પચાવવાનું મુશ્કેલ હોય છે. તેથી તેઓ ડેરી પ્રોડક્ટ્સનો આહાર કરે તો તેમને ગેસ થવાની શક્યતા હોય છે.
6. ઘઉં અને ધાન્ય
ગેસનું નિર્માણ કરતા ફ્રૂક્ટન અને ફાઈબર્સ ઘઉંના ઉત્પાદનોમાં તથા ઓટ્સ જેવાં ધાન્યોમાં હોય છે. તેથી બ્રેડ, પાસ્તા અને હોલ ગ્રેઈન્સ વાછૂટ માટે કારણભૂત બની શકે છે.
વધારે મહત્ત્વની વાત એ છે કે ઘઉં, જુવાર અને જવ જેવાં કેટલાંક ધાન્યોમાં ગ્લુટન હોય છે. શરીર ગ્લુટન ન પચાવી શકે તો ગેસ થવાની કે પેટ ફૂલવાની તકલીફ થઈ શકે છે.
7. કોબી, ફ્લાવર અને બ્રોકોલી
કોબી, ફ્લાવર, બ્રોકોલી તથા પાંદડાંવાળા અન્ય શાકભાજી અને ધાન્યમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. આ બધાનું પાચન મુશ્કેલ હોય છે, પણ આંતરડામાંના બૅક્ટેરિયા તેનો ઉપયોગ ઊર્જા માટે કરે છે અને ગેસ પેદા કરે છે.
અનેક શાકભાજીમાં સલ્ફર હોય છે. તેમાંથી કેવી દુર્ગંધ સર્જાતી હશે તેની કલ્પના તમે કરી શકો.
8. ફળો
સફરજન, કેરી અને નાસપતી જેવાં અનેક ફળોમાં કુદરતી સુગર એટલે ફ્રૂક્ટોસ મોટા પ્રમાણમાં હોય છે. એ સિવાય સફરજન અને નાસપતીમાં ફાઈબર્સ પણ મોટા પ્રમાણમાં હોય છે.
અનેક લોકો માટે ફ્રૂક્ટોઝ પચાવવાનું બહુ મુશ્કેલ હોય છે અને આવા ગળ્યા પદાર્થો ખાવાથી ગેસ થતો હોય છે, કારણ કે તેમના માટે સુગરનું પાચન શક્ય હોતું નથી.
જોકે, ફ્રૂક્ટોઝ પચાવવાનું લેક્ટોઝ પચાવવા જેટલું મુશ્કેલ હોતું નથી.
વાછૂટ અટકાવી શકાય?
ફળો, શાકભાજી અને કઠોળ ખાવાથી ગેસ થાય છે, પણ વાછૂટ અટકાવવા કરતાં આ બધી સામગ્રી રોજ ખાવી વધારે જરૂરી છે. તમે ફાઈબરયુક્ત ફૂડ ખાતા જ ન હો અને અચાનક એવું ફૂડ ખાવાનું શરૂ કરો તો અસ્વસ્થતા સર્જાઈ શકે છે. ભોજનમાં ફાઈબરની માત્રા તબક્કા વાર વધારીને તેની આડઅસરને નિવારી શકાય.
કબજિયાત ગેસ થવાનું કારણ બનતી હોય છે, પણ શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી જાળવી રાખવાથી કબજિયાતનું જોખમ નિવારી શકાય છે. મળ આંતરડામાં જ પડ્યો રહે તો તેના ફર્મેન્ટેશનની પ્રક્રિયા શરૂ થાય છે અને અત્યંત દુર્ગંધયુક્ત ગેસનું નિર્માણ થાય છે.
દરેક ભોજન સાથે કંઈ ને કંઈ પીતા રહો અને દિવસ દરમિયાન પાણી પીવાતું રહે તે સુનિશ્ચિત કરો. ફૂલેલા પેટના અને ગેસના ઈલાજ તરીકે પીપરમિન્ટ ચગળવાની કે ચા પીવાની સલાહ ડૉક્ટર્સ પણ આપતા હોય છે.
મસાલેદાર પીણાંમાં ગેસ હોય છે. એવાં પીણાં જેટલાં વધારે પ્રમાણમાં પીવાય તેટલું વાછૂટનું પ્રમાણ વધે છે. ચ્યૂઈંગ-ગમ ચાવવાથી કે ચમચા વડે સૂપ પીવાથી પણ ગેસનું નિર્માણ થાય છે. આપણે પેટમાં હવા જવા દઈએ ત્યારે તેનું કોઈક સ્વરૂપમાં રૂપાંતર થાય તે સ્વાભાવિક છે.
તેની ચિંતા કરવી જોઈએ?
વાછૂટ કે ગેસ થવો એ મોટા ભાગે ચિંતાજનક હોતું નથી. ગેસના અનેક નિરુપદ્રવી કારણોના ઉપચારની કે તેના વિશે વધુ પડતો વિચાર કરવાની જરૂર હોતી નથી.
વધારે પડતો ગેસ ક્યારેક કોઈ અન્ય શારીરિક સમસ્યાનો સંકેત હોઈ શકે છે. તેથી ડૉક્ટરની સલાહ લેવી બહેતર છે.
દુર્ગધયુક્ત વાછૂટ કોઈ દવાની આડઅસર પણ હોઈ શકે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો