પંજાબી ગાયક અને કૉંગ્રેસના યુવા નેતા સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારી હત્યા - પ્રેસ રિવ્યૂ
પંજાબના માનસમાં પંજાબી ગાયક અને કૉંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.

ઇમેજ સ્રોત, Getty Images
માનસાના એસએસપી ગૌરવ તોરાએ બીબીસી સંવાદદાતા સુરિંદર માનને હત્યાની પુષ્ટિ કરી છે.
માનસાના સિવિલ સર્જન ડૉ. રણજીતસિંહે બીબીસી સંવાદદાતા અરવિંદ છાબડાને જણાવ્યું હતું, "સિદ્ધુ મૂસેવાલા સહિત ત્રણ લોકોને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સિદ્ધુ મૂસેવાલાનું હૉસ્પિટલમાં દાખલ થતા પહેલાં જ મૃત્યુ થયું હતું. બાકીના ઘાયલોને પટિયાલાની રાજીન્દ્ર હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા."
"સિદ્ધુ મૂસેવાલાના શરીર પર ચારથી પાંચ ગોળીઓના નિશાન જોવા મળ્યા છે. તેમને છાતી અને જાંઘમાં ગોળી વાગી છે."
ભટિંડા રેન્જના આઈજી શિવ કુમાર વર્માએ બીબીસી સંવાદદાતા અરવિંદ છાબડાને જણાવ્યું હતું કે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
તેમણે કહ્યું, "હાલમાં, ઘટના વિશેની માહિતી સામે આવી રહી છે. ચાલતા વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ ઘટના જવાહરકે ગામ નજીક બની હતી. એસએસપી ઘટનાની તપાસ કરી રહ્યા છે."
પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને ટ્વીટ કરીને સિદ્ધુ મૂસેવાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે આ કેસમાં સામેલ કોઈને પણ છોડવામાં આવશે નહીં. તેમણે લોકોને શાંત રહેવાની અપીલ પણ કરી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
તો, પંજાબના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને ભૂતપૂર્વ કૉંગ્રેસ નેતા અમરિંદર સિંહે સોશિયલ મીડિયા પર લખ્યું, "સિદ્ધુ મૂસેવાલાની ઘાતકી હત્યા આઘાતજનક છે. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે. પંજાબમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. કોઈ ડર નથી. અહીંની આમ આદમી પાર્ટીની સરકાર નિષ્ફળ ગઈ છે. પંજાબમાં કોઈ સુરક્ષિત નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

નેપાળ : 22 લોકોને લઈ જઈ રહેલું વિમાન હવામાં જ ગાયબ, શોધખોળ શરૂ

ઇમેજ સ્રોત, EPA
નેપાળની નાગરિક ઉડ્ડયન ઑથોરિટીના પ્રવક્તાએ જણાવ્યું કે રવિવારે સવારે તારા ઍર ફ્લાઇંગના એક યાત્રી વિમાને પોખરાથી જોમ્સોમ માટે ઉડ્યું હતું. ટેક ઑફ બાદ ઍર કંટ્રોલિંગ સિસ્ટમથી વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો.
જોમ્સોમ ઍરપૉર્ટના કર્મચારી પુષ્કલ રાજ શર્માના જણાવ્યા અનુસાર સવારે 9.55 વાગે ટેક ઑફ થયેલા વિમાનનો સંપર્ક સવારે 10.11 વાગે તૂટી ગયો હતો.
શર્માએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "વિમાન તૂટ્યા બાદ ધૌલાગિરી વિસ્તારમાં હેલિકૉપ્ટર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ ખરાબ હવામાનને લીધે વિમાન શોધવામાં મુશ્કેલી થઈ રહી હતી."
આ વિમાનમાં 3 ક્રૂ મેમ્બર્સ ઉપરાંત 22 લોકો હાજર હતા.

ભારતમાં અહીં દટાયેલું છે હજારો ટન સોનું, સરકારે ખોદવાની પરવાનગી આપી

ઇમેજ સ્રોત, Getty Images
એક સર્વેમાં દાવો કરાયો છે કે બિહારના જમુઈમાં 222 મિલિયન ટન સોનું છે. બિહાર સરકારે જમુઈ જિલ્લામાં દેશના સૌથી મોટા સોનાના ભંડારને શોધવાની પરવાનગી આપવાનો નિર્ણય કર્યો છે.
ભારતીય ભૂ-વૈજ્ઞાનિક સર્વેના પ્રમાણે, જમુઈ જિલ્લામાં 222 મિલિયન ટન સોનું અને 37.6 ટન અયસ્ક એટલે કે કાચી ધાતુ છે.
ધ હિંદુના અહેવાલ પ્રમાણે, અધિક મુખ્ય સચિવ હરજોતકૌર બમ્હરાએ પીટીઆઈને જણાવ્યું, "રાજ્યનો ખાણખનિજ વિભાગ જમુઈમાં સોનાના ભંડારના ખોદકામ માટે જીએસઆઈ અને રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ (એનએમડીસી) સહિતની એજન્સીઓ સાથે વિચારવિમર્શ કરી રહ્યો છે."

ડીસામાં OBC યુવકના વરઘોડા પર 200 લોકોનો પથ્થરમારો, આઠ પોલીસકર્મીને ઈજા

ઇમેજ સ્રોત, Hindustan Times
બનાસકાંઠાના ડીસા તાલુકામાં પોલીસસુરક્ષા વચ્ચે નીકળેલા ઓબીસી યુવકના વરઘોડા પર અંદાજે 200 લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો હતો. જેમાં આઠ પોલીસકર્મીને ઈજા થઈ છે. પોલીસે 82 લોકો સામે ગુનો નોંધ્યો છે અને તે પૈકી 70 લોકોની ધરપકડ કરી છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, શુક્રવારે સાંજે ડીસાના કુંપાટ ગામે રહેતા વિષ્ણુસિંહ ચૌહાણનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. કથિત રીતે તેઓ OBC સમુદાયમાંથી હોવાથી ગામના દરબારોએ તેમને ઘોડા પર ન બેસવા ધમકી આપી હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
પોલીસને ટાંકીને અહેવાલમાં જણાવ્યું છે કે, વિષ્ણુસિંહ દ્વારા આ મુદ્દે પોલીસને જાણ કરાઈ હતી. જેથી ત્રણ પોલીસમથકનો સ્ટાફ તહેનાત કરાયો હતો. આ ઉપરાંત ગામમાં તમામ સમાજના આગેવાનો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી.
આમ છતાં વરઘોડો નીકળ્યો ત્યારે ગામના એક મંદિર પાસેથી ટોળાએ પથ્થરમારો કરવાનો શરૂ કર્યો હતો. જેમાં આઠ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા અને પોલીસની પાંચ ગાડીઓને પણ નુકસાન થયું હતું.
પોલીસે આ મામલે 82 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી, જે પૈકી 70 લોકોની ધરપકડ કરી લેવાઈ છે.

મહારાષ્ટ્રમાં ઓમિક્રૉનના સબવૅરિયન્ટના કેસ નોંધાયા

ઇમેજ સ્રોત, CIPHOTOS
મહારાષ્ટ્રમાં કોરોનાના સાત દર્દીઓમાં ઓમિક્રૉનના સબવૅરિયન્ટ BA.4 અને BA.5 હોવાની પુષ્ટિ થઈ છે. મહારાષ્ટ્રમાં પહેલી વખત આ સબવૅરિયન્ટના કેસ નોંધાયા છે.
ટાઇમ્સ નાઉના અહેવાલ પ્રમાણે, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા જિનોમ સિક્વન્સિંગ દરમિયાન પુનેના આ સાત દર્દીઓમાં આ સબવૅરિયન્ટ મળી આવ્યા હતા.
આ સાત દર્દીઓ પૈકી ચાર દર્દીઓમાં BA.4 અને ત્રણ દર્દીઓમાં BA.5 મળ્યા છે.
આ પહેલાં દેશમાં તામિલનાડુ અને તેલંગાણામાં આ સબવૅરિયન્ટના કેસ નોંધાઈ ચૂક્યા છે. BA.4નો સૌથી પહેલો કેસ આ મહિનાની શરૂઆતમાં હૈદરાબાદમાં નોંધાયો હોવાની શક્યતા સેવાય છે.
તજજ્ઞો પ્રમાણે, ઓમિક્રૉન વૅરિયન્ટ વધુ ઘાતકી ન હોવાથી તેના આ સબવૅરિયન્ટ અત્યાર સુધી ચિંતાજનક બન્યા નથી.

હિજાબ પહેરીને આવેલી વિદ્યાર્થિનીઓને પાછી મોકલાઈ

ઇમેજ સ્રોત, Getty Images
મૅંગ્લૉર યુનિવર્સિટીએ પરિપત્ર જાહેર કરીને યુનિફોર્મ ફરજિયાત કર્યો તેના બીજા જ દિવસે કેટલીક વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને કૅમ્પસમાં પહોંચી હતી.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં યુનિવર્સિટી કૉલેજના પ્રિન્સિપાલ અનસૂયા રાય હિજાબ પહેરીને આવેલી વિદ્યાર્થિનીઓને સમજાવતાં જોવા મળ્યાં હતાં.
આ મુદ્દાને લઈને મુખ્ય મંત્રી બસવારાજ બોમ્માઈએ પણ લોકોને હાઈકોર્ટના ચુકાદાનું પાલન કરવા કહ્યું હતું.
તેમણે કહ્યું કે હિજાબનો મુદ્દો ફરી ચગાવવાની જરૂર નથી, કોર્ટે ચુકાદો આપી દીધો છે. બધાએ તેનું પાલન કરવું જોઈએ. મોટાભાગના લોકો તેનું પાલન કરી જ રહ્યા છે.
યુનિવર્સિટી દ્વારા હિજાબ પહેરીને આવેલી વિદ્યાર્થિનીઓને પાછી મોકલી દેવામાં આવી હતી.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












