You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL 2022 CSK VS MI : મહેન્દ્રસિંહ ધોની સામે રવીન્દ્ર જાડેજાએ મેદાનમાં કેમ ઝુકાવી દીધું સર?
ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે આઇપીએલની મૅચ જે હાઇ વૉલ્ટેજ ડ્રામા અને રોમાંચ માટે જાણીતી છે, ગુરુવારે આવું જ કંઈક થયું. ઘણા લોકોને આને એક યાદગાર મૅચ ગણાવી રહ્યા છે.
મૅચમાં મુંબઈની ટીમ આમ તો પ્રથમ ઓવરથી જ નબળી લાગી હતી પરંતુ તે બાદ તેમણે મૅચ પર ફરી પકડ મેળવી હતી. એક સમયે એવું લાગતું હતું કે મૅચ ચેન્નઈના હાથમાંથી નીકળી જશે.
જોકે, ક્રિકેટના સૌથી મોટા ફિનિશર ગણાતા મહેન્દ્રસિંહ ધોની મેદાનમાં કંઈક અલગ જ ઇરાદાથી ઊતર્યા હતા અને તેમણે મૅચને યાદગાર બનાવી દીધી.
છેલ્લા 18 બૉલમાં ચેન્નઈને જીત માટે 42 રન કરવાના હતા. ધોનીએ પ્રથમ છ બૉલમાં માત્ર છ રન બનાવ્યા. સાતમા બૉલે ચોગ્ગો માર્યો અને પછી બે સિંગલ લીધા.
અંબાતિ રાયડુના આઉટ થયા બાદ ધોની જ્યારે 15મી ઓવરના છેલ્લા બૉલે મેદાનમાં ઊતર્યા તો શરૂઆતમાં ધીમી બૅટિંગ કરી રહ્યા હતા.
હવે 12 બૉલમાં 28 રન કરવાના હતા. આ ઑવરમાં પ્રિટોરિયસે બે ચોગ્ગા માર્યા અને 11 રન બન્યા.
મૅચ છેલ્લી ઑવરમાં પહોંચી. હવે બૉલિંગ જયદેવ ઉનડકટને આપવામાં આવી અને ચેન્નઈને જીત માટે છ બૉલ પર 17 રન કરવાના હતા.
પ્રથમ બૉલમાં પ્રિટોરિયસ એલબીડબલ્યુ આઉટ થયા. બ્રેવો મેદાનમાં આવ્યા. બીજા બૉલે તેમણે એક રન બનાવ્યો. હવે સ્ટ્રાઇક પર ધોની હતા અને ચાર બૉલમાં 16 રન બનાવવાના હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધોનીએ પ્રથમ બૉલ પર લૉંગ ઑફ પર સિક્સ ફટકારી. ઉનડકટે તે પછીનો બૉલ બાઉન્સર નાખ્યો જેને ધોનીએ ફાઇન લેગ પર બાઉન્ડ્રીની બહાર ચાર રન માટે મોકલી દીધો. તે બાદ ધોનીએ બે રન લીધા.
હવે છેલ્લા બૉલ પર ચેન્નઈને જીત માટે ચાર રન કરવાના હતા. ઉનડકટે લેગ સ્ટમ્પ પર યૉર્કર બૉલ નાખ્યો. ધોનીએ તેને ફાઇન લેગ પર બાઉન્ડ્રીની બહાર પહોંચાડી દીધો અને અંતિમ બૉલમાં ચાર રન કરી ચેન્નઈ સુપર કિંગ્સે યાદગાર જીત મેળવી.
જાડેજા મેદાનમાં ધોનીને પગે લાગ્યા
છેલ્લી ઓવરમાં 16 રન બનાવીને ચેન્નઈને જીત અપાવનાર ધોની આ પહેલાં પણ આવી દિલધડક રીતે જીત અપાવી ચૂક્યા છે. આ પહેલાં 2016માં પણ તેમણે પંજાબની સામે છેલ્લા ચાર બૉલમાં 16 રન બનાવ્યા હતા.
આ સાથે જ મુંબઈ ઇન્ડિયન્સ તેની સાતમી મૅચ હારી ગયું. જે બાદ એક વીડિયો વાઇરલ થયો. જેની પણ ચર્ચા ધોનીની જેમ થઈ રહી છે.
મૅચ જીતીને ધોની મેદાનની બહાર જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવેલા ખેલાડીઓ તેમનું અભિવાદન કરી રહ્યા હતા.
આ સમયે ચેન્નઈના કપ્તાન રવીન્દ્ર જાડેજા આવ્યા અને તે નીચે નમીને ધોનીને પગે લાગ્યા. જે રીતે મૅચ ધોનીએ ફિનિશ કરી તેના કારણે જાડેજા આશ્ચર્યચકિત હતા.
ધોનીની જાળમાં ફસાયા પોલાર્ડ
જ્યારે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ બૅટિંગ કરી રહી હતી ત્યારે પોલાર્ડ આઠ બૉલ પર 14 રન બનાવીને રમતા હતા. ત્યારે ધોની એક ફિલ્ડિંગ સેટ કરતા જોવા મળ્યા હતા.
ધોનીએ બે ખેલાડીઓને લૉંગ ઑન પર ફિલ્ડિંગ કરવા માટે મોકલ્યા. એકને નિયમિત લૉંગ ઑન પર જ્યારે બીજાને બીજી વિકેટની નજીક છ ઇંચ હઠાવીને લગભગ એમની સામે જ રાખ્યા.
પોલાર્ડે તે પછીના બૉલે જ આ અનિયમિત ફિલ્ડિંગ પોઝિશન પર પોતાનો કૅચ આપી દીધો. ધોનીએ ત્યાં પોતાના સૌથી લાંબા ખેલાડી શિવમ દુબેને ફિલ્ડિંગ માટે ઊભા રાખ્યા હતા.
મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નઈને પ્રથમ બૅટિંગ કરતા 20 ઓવરમાં 156 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ચેન્નઈએ અંતિમ બૉલે ચાર રન ફટકારીને ત્રણ વિકેટે વિજય હાંસલ કરી લીધો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો