યુક્રેનનું યુદ્ધ : ભારત આખી દુનિયાને ખવડાવી શકે તેટલા અનાજનું ઉત્પાદન કરી શકે તેમ છે?

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારત પાસે 1 અબજ 40 કરોડ લોકો માટે "પૂરતું અનાજ" છે અને જો વિશ્વ વેપાર સંગઠન (ડબલ્યુટીઓ) તેને મંજૂરી આપે તો "કાલથી વિશ્વને અન્ન સપ્લાય" કરી શકે છે.

સંયુક્ત રાષ્ટ્રના ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઈઝેશન અનુસાર, વિશ્વભરમાં કૃષિ સમસ્યાઓના કારણે યુક્રેનના યુદ્ધ પહેલાં પણ કૉમોડિટીના ભાવ 10 વર્ષના સૌથી ઊંચા સ્તરે હતા.

લડાઈ શરૂ થયા બાદ તેમાં વધારો થયો છે અને ભાવ 1990 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે.

યુક્રેન યુદ્ધ ખાદ્ય સુરક્ષા માટે કેટલો મોટો પડકાર છે

રશિયા અને યુક્રેન ઘઉંના બે સૌથી મોટા નિકાસકાર દેશો છે. દુનિયાનાં બજારોમાં જેટલા ઘઉં વેચાણ માટે ઉપલબ્ધ છે તેમાંથી ત્રીજા ભાગના ઘઉં આ બે દેશોમાંથી આવે છે.

સૂર્યમુખીના તેલની વૈશ્વિક તેલનિકાસમાં 55% હિસ્સો આ બે દેશો ધરાવે છે. ઉપરાંત યુક્રેન અને રશિયા મકાઈ અને જવની વૈશ્વિક નિકાસના 17 ટકા પુરા પાડે છે.

યુએનએફઓ અનુસાર, આ બંને દેશો આ વર્ષે 1 કરોડ 40 લાખ ટન ઘઉં અને 60 લાખ ટન મકાઈની નિકાસ કરવાના હતા.

રોમમાં યુએનએફઓના અર્થશાસ્ત્રી ઉપાલી ગલકેટી કહે છે, "આપૂર્તિમાં ખલેલ અને રશિયા પરના પ્રતિબંધોનો અર્થ એ છે કે નિકાસને અસર થઈ છે અને આ સ્થિતિમાં ભારત નિકાસ દ્વારા મદદરૂપ સાબિત થઈ શકે છે કારણ કે ભારત પાસે ઘઉંનો પૂરતો જથ્થો પણ છે."

ચોખા અને ઘઉંમાં ભારત વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું ઉત્પાદક છે. એપ્રિલની શરૂઆતમાં ભારતમાં 740 મિલિયન ટન ઘઉં અને ચોખાનો જથ્થો હતો. તેમાંથી બે કરોડ 10 લાખ ટન પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (પીડીએસ) માટે અનામત રાખવામાં આવ્યો હતો. તેના દ્વારા 70 કરોડથી વધુ ગરીબો માટે સસ્તું ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું હતું.

ભારત ઘઉં અને ચોખાનો એક સૌથી સસ્તો વૈશ્વિક સપ્લાયર દેશ છે. ભારત પહેલાંથી જ 150 દેશોમાં ચોખા અને 68 દેશોમાં ઘઉંની નિકાસ કરી રહ્યું છે.

ભારતે વર્ષ 2020-2021માં સાત લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં વધતી માંગને ધ્યાનમાં રાખીને, વેપારીઓએ એપ્રિલથી જુલાઈ દરમિયાન 30 લાખ ટન ઘઉંની નિકાસ કરવા માટે કરાર કર્યા છે.

2021-22માં ભારતની કૃષિ નિકાસ વધીને 50 અબજ ડોલરના રેકૉર્ડ સ્તરે પહોંચી છે.

સળંગ છઠ્ઠીવાર 11 કરોડ 10 લાખ ટન ઘઉંનું ઉત્પાદન થશે?

ઇન્ડિયન કાઉન્સિલ ફૉર રિસર્ચ ઑન ઇન્ટરનેશનલ ઇકૉનોમિક રિલેશન્સમાં કૃષિવિજ્ઞાનના પ્રોફેસર અશોક ગુલાટીના જણાવ્યા અનુસાર, ભારત આ વર્ષે 22 લાખ ટન ચોખા અને 1 કરોડ 60 લાખ ટન ઘઉંની નિકાસ કરવાની ક્ષમતા ધરાવે છે.

તેઓ કહે છે, "જો વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઈઝેશન પરવાનગી આપે તો સરકાર તેનાં ગોદામોમાં રાખેલા અનાજની નિકાસ કરી શકે છે. તેનાથી વૈશ્વિક સ્તરે કિંમતોને અંકુશમાં રાખવામાં મદદ મળશે અને અનાજની આયાત કરતાં તમામ દેશોનો બોજ ઓછો કરી શકાશે."

જોકે તેમાં કેટલીક સમસ્યાઓ પણ છે. સેન્ટર ફૉ઼ર પોલિસી રિસર્ચના સિનિયર ફેલો હરીશ દામોદરન કહે છે, "આપણી પાસે અત્યારે પૂરતો ભંડાર છે. જોકે કેટલીક સમસ્યાઓ પણ છે અને આપણે આખી દુનિયાને અનાજ પૂરું પાડવાને લઈને અતિ ઉત્સાહિત ન થવું જોઈએ."

ભારતમાં ઘઉંનો પાક તૈયાર થઈ રહ્યો છે અને અધિકારીઓનો અંદાજ છે કે આ વખતે રેકૉર્ડ 11 કરોડ 10 લાખ ટન ઘઉંનું ઉત્પાદન થઈ શકે છે. જો આમ થશે તો સળંગ છઠ્ઠી વખત આવો બમ્પર પાક થશે.

પરંતુ દામોદરન જેવા નિષ્ણાતો આ સાથે સહમત નથી. તેમને લાગે છે કે આ વખતે ખાતરની અછત અને હવામાન સંબંધિત અનિશ્ચિતતાને કારણે ઉપજ ઘણી ઓછી થશે.

તેઓ કહે છે, "આપણે ઉત્પાદન વિશે ઘણી વધુ પડતી ધારણાઓ બાંધી રહ્યા છીએ. આપણને 10 દિવસમાં તેની ખબર પડી જશે.

નિષ્ણાતો ખેતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ એવા ખાતરને લઈને પણ ચિંતા કરી રહ્યા છે. યુક્રેનના યુદ્ધ પછી ભારતનો ખાતરનો જથ્થો નબળો પડી ગયો છે. ભારત ડાય-ઍમોનિયમ ફોસ્ફેટ અને નાઈટ્રોજન, ફોસ્ફેટ, સલ્ફર અને પોટાશ જેવા ખાતરની આયાત કરે છે.

વિશ્વની પોટાશની નિકાસમાં રશિયા અને બેલારુસનો હિસ્સો 40 ટકા છે. ગૅસના વધતાં ભાવને કારણે દુનિયાભરમાં ખાતરના ભાવમાં પહેલેથી જ વધારો થઈ ગયો છે.

ખાતરની અસર મોટી સમસ્યા

ખાતરની અછતને કારણે આગામી સિઝનમાં પાકના ઉત્પાદનને અસર થવાની ધારણા છે. દામોદરન કહે છે કે એક રસ્તો એ છે કે ભારતે ઈજિપ્ત જેવા દેશો સાથે 'ઘઉંના બદલામાં ખાતર માટે કરાર' કરવો જોઈએ.

તેમજ જો યુક્રેનની લડાઈ લાંબો સમય ચાલે તો ભારતને નિકાસ વધારવામાં સંસાધનોની અછતનો સામનો કરવો પડી શકે છે.

અર્થશાસ્ત્રી ઉપાલી ગલકેટી કહે છે, "અનાજની મોટા પાયે નિકાસ માટે પરિવહન, સંગ્રહ, જહાજ વગેરે જેવી વિશાળ માળખાકીય સુવિધાઓની જરૂર પડે છે."

આજના યુગમાં પરિવહનનો ખર્ચ ઘણો વધી ગયો છે તેનો પણ પ્રશ્ન છે.

છેલ્લે, સૌથી મોટી ચિંતા એ છે કે વર્તમાન સમયમાં દેશમાં ખાણીપીણીનો સામાન ઝડપથી મોંઘો થયો છે. માર્ચમાં ખાદ્ય ચીજવસ્તુઓનો મોંઘવારીદર 16 મહિનામાં સૌથી વધુ 7.68 ટકાએ પહોંચ્યો હતો.

તેનું મુખ્ય કારણ ખાદ્યતેલ, શાકભાજી, અનાજ, દૂધ, માંસ અને માછલીના ભાવમાં ઘણો વધારો થવાનું છે. ભારતીય રિઝર્વ બૅન્કે ચેતવણી આપી છે કે "વિશ્વભરમાં મુખ્ય ખાદ્ય ચીજોના ભાવમાં વધારાએ ફુગાવાના મુદ્દાને "ખૂબ જ અનિશ્ચિત" બનાવી દીધો છે."

ઇન્ટરનેશનલ ફૂડ પૉલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (આઈએફપીઆરઆઈ) નામની થિંક ટૅન્ક અનુસાર, યુક્રેન પર રશિયાના હુમલાની વિશ્વની ખાદ્યસુરક્ષા પર "અતિ ગંભીર અસર" થઈ શકે છે.

એફએઓઓનું અનુમાન છે કે રશિયા અને યુક્રેનમાંથી ઘઉં, ખાતર અને અન્ય ચીજવસ્તુઓની નિકાસમાં સમસ્યાઓના કારણે વિશ્વમાં કુપોષિત લોકોની સંખ્યામાં ભારે વધારો થવાની સંભાવના છે. તેમનો અંદાજ છે કે આવા લોકોની સંખ્યા 80 લાખથી વધીને 1.3 કરોડ થઈ શકે છે.

કેન્દ્ર સરકાર પણ માને છે કે પર્યાપ્ત ઉત્પાદન અને અનાજના વિશાળ ભંડાર હોવા છતાં, ભારતમાં 30 લાખથી વધુ બાળકો ગંભીર રીતે કુપોષિત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય ગુજરાત આવાં કુપોષિત બાળકોની બાબતમાં દેશમાં ત્રીજા ક્રમે આવે છે.

હરીશ દામોદરન કહે છે, "તમારે ખાદ્ય સુરક્ષા પર ગર્વ ન લેવો જોઈએ. તમારે સબસિડીવાળા અનાજની વ્યવસ્થા સાથે છેડછાડ ન કરવી જોઈએ."

ભારતના નેતાઓ સારી રીતે જાણે છે કે જો ખાદ્યપદાર્થો ખૂબ મોંઘા થઈ જાય તો તેમના ભવિષ્યને પણ અસર થઈ શકે છે. દેશમાં અગાઉ પણ ડૂંગળી મોંઘી હોવાના કારણે સરકાર ઊથલી ચૂકી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો