હાર્દિક પટેલ હવે લડી શકશે ગુજરાત વિધાનસભા ચૂંટણી, સુપ્રીમ કોર્ટે રાહત આપી એ કેસ શું છે?

કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી લડી શકે, તેવા સંજોગો ઊભા થયા છે. પટેલની સજા મોકૂફીની અરજી પર મંગળવારે દેશની સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી થઈ હતી. સર્વોચ્ચ અદાલતની ખંડપીઠે જ્યાં સુધી અપીલો પર સુનાવણી ન થાય, ત્યાં સુધી સજા મોકૂફ કરી છે.

હાર્દિક પટેલ હવે લડી શકશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી

ઇમેજ સ્રોત, Twitter/Hardik Patel

ઇમેજ કૅપ્શન, હાર્દિક પટેલ હવે લડી શકશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી

આ પહેલાં બે વર્ષની સજાને કારણે તેમણે 2019ની લોકસભા ચૂંટણી લડવાની તક પણ ગુમાવી હતી.

line

અદાલતમાં શું થયું?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

'બાર ઍન્ડ બૅન્ચ'એ કોર્ટની કાર્યવાહી અંગે રિપોર્ટિંગ કરતા ટ્વિટર પર અદાલતમાં શું થયું, તેના વિશે પ્રકાશ પાડ્યો હતો.

મંગળવારે હાર્દિક પટેલના વકીલ મનીન્દરસિંહે દલીલ કરી હતી કે સજાને કારણે તેમના અસીલ 2019ની લોકસભા ચૂંટણી લડી શક્યા ન હતા. ચૂંટણી ન લડવા દેવાથી બંધારણના અનુચ્છેદ 19(1)(અ) હેઠળ મળેલા વાણીસ્વાતંત્ર્યના હકનો ભંગ થાય છે.

સિંહે દલીલ કરી કે પોલીસ દ્વારા તેમને મળેલી સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને તેમના અસીલ કોઈ ખૂંખાર હત્યારા નથી. આથી ખંડપીઠે સુનાવણી હાથ ધરવાનું વલણ અપનાવ્યું હતું.

આ અંગે સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે ફોજદારી કાયદામાં કોઈ ચોક્કસ ધોરણ નથી, અદાલત આ અંગે નિર્ણય લઈ શકે છે. હાર્દિક પટેલ જીત્યા હોત કે હાર્યા હોત તે બાબત ગૌણ છે.

મહેતાએ કહ્યું હતું કે, "જો આજે હાર્દિક પટેલે સજા ભોગવવાની થાય તો તે બે વર્ષની છે. આ સિવાય આઈપીસીની 395ની કલમ હેઠળનો એક કેસ છે. જે ગંભીર પ્રકારનો છે."

આ તકે અદાલતે પૃચ્છા કરી હતી કે શું તેમાં આરોપો નાબૂદ નહોતા કરી દેવાયા અને ચાર્જશીટ દાખલ નથી થઈ ગઈ.

તેના જવાબમાં સૉલિસિટર જનરલે જણાવ્યું હતું કે હુલ્લડના કેસમાં અનેક ગુના જોડાયેલા હોય છે.

સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે વરિષ્ઠ વકીલ સિંહે આપેલી દલીલો અને તથ્યોને જોતાં લાગે છે કે હાઈકોર્ટ સજા મોકૂફ કરી શકી હોત.

આથી અપીલોનું નિવારણ ન થાય, ત્યાર સુધી સજા મોકૂફ (સ્થગિત) કરવામાં આવે છે.

line

હાર્દિક પટેલ સામે શું કેસ છે?

હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, Twitter/HardikPatel

ઇમેજ કૅપ્શન, હાર્દિક પટેલની સામે રાજદ્રોહના બે કેસ પણ છે. જેના માટે તેઓ સુરતની લાજપોર જેલમાં સજા પણ ભોગવી ચૂક્યા છે.

2015માં હિંસા ફેલાવવાના એક કેસમાં મહેસાણા જિલ્લાની સ્થાનિક અદાલતે હાર્દિક પટેલને બે વર્ષની જેલની સજા ફટકારી છે.

બચાવમાં હાર્દિક પટેલનું કહેવું છે કે જ્યારે હિંસા ફાટી નીકળી ત્યારે તેઓ મહેસાણામાં હતા જ નહીં.

લોકપ્રતિનિધિત્વ ધારા, 1951ની જોગવાઈઓ પ્રમાણે, બે વર્ષથી વધુની સજા થઈ હોય અને અદાલતે સજાને મોકૂફ ન કરી હોય તો જે-તે વ્યક્તિ કોઈ ચૂંટણી માટે ઉમેદવારી કરી શકતી નથી.

હાર્દિક પટેલની સામે રાજદ્રોહના બે કેસ પણ છે. જેના માટે તેઓ સુરતની લાજપોર જેલમાં સજા પણ ભોગવી ચૂક્યા છે.

ગત લોકસભા ચૂંટણી પહેલાં હાર્દિક પટેલે સજામોકૂફી માટે ગુજરાત હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા હતા.

જોકે હાઈકોર્ટે તેમની સજા મોકૂફ કરી ન હતી અને સુપ્રીમ કોર્ટે તેની પર તત્કાળ સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો, જેના કારણે હાર્દિક ચૂંટણી લડી શક્યા ન હતા.

એ સમયે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ હાર્દિક પટેલ વતી સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતા.

હવે, તેમની ગણતરી ગાંધી પરિવાર વિરુદ્ધના કૅમ્પમાં થાય છે, જ્યારે હાર્દિકની ગણતરી ગાંધી પરિવારની ગુડબૂકમાં રહેલા નેતાઓમાં થાય છે.

line

મારો હેતુ માત્ર ચૂંટણી લડવાનો નથી- હાર્દિક

વીડિયો કૅપ્શન, મોંઘવારી મુદ્દે ગુજરાતના યુવાનોએ વડા પ્રધાન મોદીને શું ફરિયાદ કરી?

સુપ્રીમ કોર્ટના ઘટનાક્રમ અંગે પ્રતિક્રિયા આપતા કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ટ્વિટર પર હિંદીમાં લખ્યું, "મારો હેતુ માત્ર ચૂંટણી લડવાનો નથી, પરંતુ ગુજરાતના લોકોની દૃઢતાપૂર્વક સેવા કરવાનો છે. આજથી ત્રણ વર્ષ પહેલાં મને ખોટ કેસમાં બે વર્ષની સજા સંભળાવાઈ હતી, પરંતુ આજે સુપ્રીમ કોર્ટે બે વર્ષની સજાને મોકૂફ કરી છે, હું ન્યાયપાલિકાનો હૃદયપૂર્વક આભાર માનું છું."

સુપ્રીમ કોર્ટની બેન્ચમાં ન્યાયાધીશ એસ. નઝીર તથા વિક્રમનાથ બેઠા હતા. વિક્રમનાથ અગાઉ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે સૉલિસિટર જનરલે બેન્ચનું ધ્યાન આઈપીસીની કલમ 395 હેઠળ ચાલી રહેલા કેસ તરફ દોર્યું હતું. ભારતીય દંડસંહિતાની કલમ 395 સશસ્ત્ર ધાડ સંબંધિત છે, જેના માટે મહત્તમ 10 વર્ષની જેલની સજા થઈ શકે છે.

line
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો