પાટીદાર આગેવાન 'નરેશ પટેલના કૉંગ્રેસમાં આવવાથી' ભાજપ માટે ગુજરાત વિધાનસભાની જીત કેટલી મુશ્કેલ?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

વિધાનસભા ચૂંટણી પહેલાં ખોડલધામના આગેવાન નરેશ પટેલ કૉંગ્રેસમાં જોડાશે અને આ અંગે ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે, એવી ચર્ચાએ જોર પકડ્યું છે.

આ પહેલાં નરેશ પટેલે કહ્યું હતું કે, તેમને ભાજપ, કૉંગ્રેસ તથા આમ આદમી પાર્ટી તરફથી પક્ષમાં જોડાવાની ઑફરો મળી છે અને 'સમાજનો આદેશ' થશે તો રાજકારણમાં ઝંપલાવશે.

અગાઉ તેમણે 30મી માર્ચ સુધીમાં નિર્ણય લેવાની જાહેરાત કરી હતી, હવે 10મી એપ્રિલે નિર્ણય લેશે તેવી ચર્ચા છે.

લોકસભા હોય કે વિધાનસભાની ચૂંટણી, એ પહેલાં નરેશ પટેલ રાજકારણમાં ઝંપલાવશે તેવી ચર્ચાઓ વેગ પકડતી રહે છે અને તેમનાં સાંપ્રત નિવેદનો આ અટકળોને વેગ પણ આપે છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ચર્ચામાં આવેલા તથા કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ 'ખુલ્લો પત્ર' લખીને પટેલને હાથનો સાથ આપવાનું આમંત્રણ આપી ચૂક્યા છે.

તેમણે ગુજરાતના કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી સાથે પણ બેઠક કરી હતી.

અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા નરેશ પટેલને પંજાબના રસ્તે રાજ્યસભામાં મોકલવામાં આવશે, એવી ચર્ચાએ પણ જોર પકડ્યું હતું.

'નરેશ પટેલ કૉંગ્રેસમાં જોડાશે'

નરેશ પટેલ સાર્વજનિક રીતે સ્વીકારી ચૂક્યા છે કે તેમની તથા તેમના પરિવારની વિચારધારા કૉંગ્રેસની રહી છે. સાથે જ તેઓ વાત ભૂતકાળ હોવાનું પણ કહી ચૂક્યા છે.

બીજી બાજુ, રાજકીય વર્તુળોમાં થઈ રહેલી ચર્ચા પ્રમાણે, નરેશ પટેલ તથા વ્યાવસાયિક ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર વચ્ચે રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતની વચ્ચે બેઠક થઈ હતી. જે મુજબ પ્રશાંત કિશોરને ચૂંટણીવ્યૂહરચના તથા પ્રચારની જવાબદારી સોંપાશે.

ગુજરાત કૉંગ્રેસના ઉપપ્રમુખ હેમાંગ વસાવડાએ બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ ભાર્ગવ પરીખ સાથે વાત કરતા કહ્યું, "નરેશ પટેલ કૉંગ્રસમાં જોડાય છે, એ નક્કી છે. એમને કોઈ મોટું પદ આપવાનું નક્કી છે, પરંતુ એમને મુખ્ય મંત્રીનો ચહેરો બનાવવો કે નહીં, તેની કોઈ ચર્ચા ગુજરાત કૉંગ્રેસમાં થઈ નથી."

"એમને ચહેરો બનાવવા કે નહીં એનો અંતિમ નિર્ણય હાઇકમાન્ડ લેશે, પરંતુ કૉંગ્રેસમાં પાંચ પદ એવાં છે કે જ્યાં એમને મોટું સ્થાન આપવામાં આવી શકે છે. નરેશ પટેલ ગુજરાત કૉંગ્રેસના પ્રભારી સાથે મળીને ગુજરાતમાં કૉંગ્રેસને મજબૂત કરવાની સ્ટ્રૅટેજી નક્કી કરશે."

ગેહલોત વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન પાર્ટીના પ્રભારી હતા. હાલમાં તેમની સરકારમાં આરોગ્યમંત્રી રઘુ શર્માને આ જવાબદારી સોંપવામાં આવી છે. તેમને ગેહલોતની નજીક માનવામાં આવે છે.

ગુજરાતમાં આપની વ્યૂહરચના ઘડવાની કામગીરી ડૉ. સંદીપ પાઠકને સોંપવામાં આવશે. જેમને 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણી તથા 2022ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આપના વિજયની વ્યૂહરચના ઘડવાનું શ્રેય આપવામાં આવે છે.

બીજી બાજુ, ભાજપની કમાન પાર્ટીના પ્રદેશાધ્યક્ષ સીઆર પાટીલ પાસે છે, જેમણે પદભાર સંભાળ્યા પછીની દરેક પેટાચૂંટણી તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને જીત અપાવી છે.

આ સિવાય ભાજપ પાસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ છે.

નરેશ પટેલ ભાજપ માટે મુશ્કેલી સર્જી શકે?

માર્ચ મહિના બીજા અઠવાડિયામાં કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે 'ખુલ્લો પત્ર' લખીને નરેશ પટેલને રાજકારણમાં જોડાવા માટે આહ્વાન કર્યું હતું.

સાથે જ લખ્યું હતું કે 'બાહ્ય પરિબળો'ને ભૂલી જાવ અને પાટીદાર યુવાનો ઉપર ભરોસો રાખીને રાજ્યના હિત અને અસ્તિત્વની લડાઈ શરૂ કરો.

કેટલાક રાજકીય વિશ્લેષકોને લાગે છે કે પ્રશાંત કિશોર તથા નરેશ પટેલનું કૉમ્બિનેશન ભાજપને માટે જોખમી સાબિત થઈ શકે છે અને ગત વિધાનસભા ચૂંટણી કરતાં પણ તેની ખરાબ હાલત થશે અને કૉંગ્રેસને તેનો લાભ થશે. જ્યારે અન્ય કેટલાક નિષ્ણાતો અલગ મત ધરાવે છે.

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અલકેશ પટેલના કહેવા પ્રમાણે, "ભાજપ સતત ઇલેક્શન મૉડમાં હોય છે. ગત વર્ષે યોજાયેલી સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણી બાદ પણ તેની જાહેર બેઠકો, તાલીમ કાર્યક્રમો અને સંપર્ક અભિયાન વગેરે સતત ચાલુ જ છે. બીજી બાજુ, કૉંગ્રેસ હવે જાગી હોય તેમ જણાય છે."

"ભાજપ પાસે સંગઠન તથા કાર્યકરોનું પીઠબળ છે. વડા પ્રધાન બન્યા પછી પણ નરેન્દ્ર મોદી કહે છે કે તેઓ પાર્ટીના કાર્યકર્તા છે. બીજી બાજુ, કૉંગ્રેસ પાસે ધરાતલ પર કામ કરી શકે તેવી કાર્યકરોની ફોજ નથી. આ સિવાય પાર્ટીમાં મોટા પાયે જૂથવાદ પ્રવર્તે છે અને તે સંગઠિત નથી. જૂના નેતા હજુ પણ હાર્દિક પટેલને પોતાના નેતા તરીકે સ્વીકારવા તૈયાર નથી. આ સંજોગોમાં તેઓ નરેશ પટેલને સ્વીકારી શકશે કે કેમ, તે પણ એક સવાલ છે."

"પ્રશાંત કિશોર જેવા વ્યાવસાયિક વ્યૂહરચનાકાર કૉંગ્રેસ સાથે જોડાય, તો તે પાર્ટીને પણ નિર્ધારિત સમયે (ડિસેમ્બર મહિનામાં) ચૂંટણી યોજાય તેમ ધારી લઈએ તો પણ તેમની પાસે કામ કરવા માટે માંડ આઠ મહિના જેટલો સમય રહે."

અલકેશ પટેલ સ્વીકારે છે કે નરેશ પટેલ સૌરાષ્ટ્રની અમુક બેઠકો ઉપર અસર ઊભી કરી શકે છે, પરંતુ તે બાજી પલટી શકે તેટલી મોટી કદાચ નહીં હોય. આ માટે તેઓ 'વિધાનસભા ચૂંટણીની સેમિફાઇનલ' એવી સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસની વચ્ચેની બેઠકસંખ્યાના તફાવતને ટાંકે છે.

અલકેશ પટેલ કહે છે, "નરેશ પટેલ શુદ્ધ અને સ્વચ્ચ પ્રતિભા ધરાવે છે. તેઓ સમાજના પ્રતિષ્ઠિત નેતા છે અને તેમનો પ્રભાવ છે. પરંતુ રાજકારણમાં તેમનું કોઈ પ્રદાન નથી. સમાજ તેમના કહેવા પ્રમાણે મતદાન કરે તે જરૂરી નથી."

"નરેશ પટેલનું વ્યક્તિત્વ પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ કે એ સમયના ગોરધન ઝડફિયા જેટલું મોટું નથી. તેઓ પણ જ્યારે ભાજપથી અલગ થયા હતા, ત્યારે રાજકીય રીતે ધોવાઈ ગયા હતા. આવાં બીજાં અનેક ઉદાહરણ મળી રહે છે."

નરેશ પટેલ અને ગુજરાતનું રાજકારણ

ડિસેમ્બરમાં પાટીદાર આગેવાનો સાથે મળીને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે મુલાકાત કરીને વર્ષ 2015માં પાટીદાર યુવક-યુવતીઓ સામે થયેલા કેસને પરત ખેંચવા, મૃતકોના પરિવારજનોને વળતર આપવા તથા નોકરીઓ આપવા માટે રજૂઆત કરી હતી.

તાજેતરમાં કેટલાક કેસ પાછા પણ ખેંચવામાં આવ્યા છે. ગત વર્ષે ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સીઆર પાટીલ સાથે પણ નરેશ પટેલે બંધબારણે ચર્ચા કરી હતી.

સુરતના યુવા પાટીદાર નેતા ધાર્મિક માલવીયના જણાવ્યા પ્રમાણે, "છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર જે પ્રકારની રાજકીય સ્થિતિ ઉદ્દભવી છે તે પાટીદાર અનામત આંદોલન હોય, આદિવાસી, ઠાકોર કે દલિત સમાજના પ્રશ્ન હોય- આ તમામ આંદોલન તથા તેમાં વર્તમાન સરકારના લોકોનો અવાજ દબાવવાના પ્રયાસ થયા."

"સત્તાના જોરે જે-તે સમાજ અને સમાજના લોકોને દબાવી અને ગુજરાતની અંદર જે પ્રકારની સ્થિતિ ઊભી કરી છે, ત્યારે નરેશ પટેલ જેવા સંનિષ્ઠ અને લાગણીસભર આગેવાને રાજનીતિની અંદર આવવું જોઈએ. આવી વ્યક્તિના આવવાની પ્રજાની પીડાનો ઉકેલ 100 ટકા આવશે."

"નરેશભાઈ જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ રાજકારણમાં આવશે, તો જ ગુજરાતના રાજકારણમાં નવી દિશા અને બદલાવ આવશે, એમ લાગે છે. હાલની સરકારમાં પક્ષાપક્ષી અને ખરીદ-વેચાણ થાય છે અને તેમાં પ્રજાના હિતની વાત થતી નથી, જેથી રાજકીય દિશામાં પરિવર્તન આવે તેવું લાગતું નથી. પરંતુ જો નરેશભાઈ જેવું વિશાળ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ રાજકારણમાં આવે તો ચોક્કસપણે રાજકીય દિશામાં પરિવર્તન જશે."

માલવીય ઉમેરે છે કે નરેશ પટેલ જે પક્ષમાં જશે, ત્યાં મજબૂતાઈથી આગળ વધશે અને નવી રાજકીય દિશા આપશે.

ગુજરાત સરકારમાં શિક્ષણમંત્રી તથા ભાજપના પૂર્વ પ્રદેશાધ્યક્ષ જિતુભાઈ વાઘાણીએ પત્રકારપરિષદ દરમિયાન નરેશ પટેલના કૉંગ્રેસમાં જોડાવાની ચર્ચા વિશે સીધી ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાટીદાર આગેવાન તથા ખોડલધામની સાથે નજીકથી સંકળાયેલા ઉદ્યોગપતિએ નામ ન છાપવાની શરતે બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ જયદીપ વસંત સાથે વાત કરતા જણાવ્યું, "છેલ્લાં 10-15 વર્ષથી નરેશભાઈને રાજકારણમાં જોડાવાના અભરખા જાગ્યા છે. તેઓ પોતાને સાંભળવું છે એવું સમાજ પાસેથી બોલાવવા ઇચ્છે છે. ગત વિધાનસભા ચૂંટણી સમયે તેમની પાસે તક હતી, પરંતુ તેમણે એ ગુમાવી દીધી."

"હાર્દિક પટેલે સમાજના નામે લાગણીઓને ઉશ્કેરી અને પછી રાજકારણ રમ્યું. હવે જો નરેશભાઈ પણ રાજકારણમાં ઝંપલાવશે તો તેમની પ્રતિષ્ઠાને ઝાંખપ ચોક્કસથી લાગશે."

પટેલ, પોલિટિક્સ અને પાવર

વર્ષ 2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં નરેશ પટેલે કહ્યું હતું, "વ્યક્તિગત રીતે હું ગુજરાતમાં પરિવર્તન (મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીના બદલે અન્ય કોઈને) જોવા ઇચ્છીશ."

એ વખતે કાગવડ ખાતે સમાજના કરદેવી ખોડિયાર માતાના મંદિરના ભૂમિપૂજન વખતે 21 લાખ લેઉઆ પાટીદારોને એકઠા કરીને શક્તિપ્રદર્શન કર્યું હતું.

એ ચૂંટણીમાં કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું અને બે બેઠક જીતી હતી. કથિત રીતે તેમણે જ પોતાના પૂર્વ પાડોશી કેશુભાઈ પટેલને અલગ પાર્ટી ઊભી કરવા તથા મોદીને પડકારવા માટે તૈયાર કર્યા હતા. કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા, ત્યારથી નરેશ પટેલ તેમની નજીક હતા.

જાન્યુઆરી-2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન નરેશ પટેલે ઊંઝા ખાતે ઉમિયાધામની મુલાકાત લેતી વખતે કહ્યું હતું, "મહદ્અંશે આપણે સંગઠિત થયા છીએ, પરંતુ હજુ કોઈક ઊણપ છે. ઘણા સમાજના લોકો ટાંટિયા ખેંચે છે. રાજકારણમાં આપણી નોંધ નથી લેવાતી, તે બાબતે આપણે ચિંતા કરવાની જરૂર છે."

2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસે ખોડલધામના બે ટ્રસ્ટીને ટિકિટ આપી હતી. દિનેશ ચોવટિયા (રાજકોટ દક્ષિણ) તથા રવિ આંબલિયાને (જેતપુર) ટિકિટ આપી હતી. જ્યારે ભાજપે મંદિરના ટ્રસ્ટી ગોપાલ વસ્તારપરાને લાઠીની બેઠક ઉપરથી ઉમેદવાર બનાવ્યા હતા.

ખોડલધામ સાથે નજીકથી સંકળાયેલા મિત્તુલ દોંગાને કૉંગ્રેસે રાજકોટ પૂર્વની બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા.

પાટીદાર અનામત આંદોલન દ્વારા ચર્ચામાં આવેલા હાર્દિક પટેલે ખોડલધામનું 'ભગવાકરણ' થઈ ગયું હોવાના આરોપ મૂક્યા હતા, જેના પગલે નરેશ પટેલે ટ્રસ્ટના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ સમાજના આગેવાનોની સમજાવટ બાદ રાજીનામું પાછું ખેંચ્યું હતું અને સંગઠનના ચૅરમૅન બન્યા.

જોકે, નરેશ પટેલનાં દીકરા શિવરાજે કૉંગ્રેસના ઉમેદવારને માટે પ્રચાર કર્યો હતો. એ પછી હાર્દિક પટેલ કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષના પદ સુધી પહોંચ્યા છે.

2014ની લોકસભા ચૂંટણી પહેલાં ખોડલધામે તત્કાલીન મુખ્ય મંત્રી તથા ભાજપના વડા પ્રધાનપદના ઉમદેવાર નરેન્દ્ર મોદીને સમાજના કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હતું અને વડા પ્રધાન મોદીએ તેમનું શાલ ઓઢાડીને સન્માન પણ કર્યું હતું.

તેના એક મહિના બાદ કેશુભાઈએ તેમની પાર્ટીનું ભાજપમાં વિલીનીકરણ કરી દીધું હતું અને ગોરધન ઝડફિયા જેવા મોદીવિરોધી નેતાઓ ભાજપના વિજય માટે ફરી એક વખત પક્ષમાં જોડાઈ ગયા હતા.

2019ની લોકસભા ચૂંટણી તથા તાજેતરની યુપી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઝડફિયાએ સંગઠનસ્તરે ભૂમિકા ભજવી હતી.

2019ની લોકસભા ચૂંટણી દરમિયાન નરેશ પટેલના પુત્ર શિવરાજને કૉંગ્રેસની ટિકિટ મળશે, તેવી ચર્ચા વહેતી થઈ હતી. પરંતુ પટેલે એવું ચોક્કસ કહ્યું હતું કે 'પાટીદાર સમાજ સંગઠિત હશે તો કોઈ તેની સામે આંગળી નહીં ચીંધી શકે. આપણે સરકારી નોકરીઓ અને રાજકારણમાં આગળ આવવાની જરૂર છે.'

ખોડલધામ વિશે રાજકીય વિશ્લેષક હરિ દેસાઈએ આ પહેલાં બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું, "રાજકારણમાં ધર્મને લાવીને તેનો ઉપયોગ કરવો કે જ્ઞાતિનાં ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરવો યોગ્ય નથી, પરંતુ ભારતીય રાજકારણમાં એ જ ચાલતું આવે છે."

દેસાઈએ ઉમેર્યું હતું, "સત્તા જેની હોય ત્યાં પટેલોની વગ ચાલે જ છે અને જે સત્તા ઉપર હોય તેની સાથે રહેવાનું પસંદ કરે છે અને તેની સામે નથી જતા. એટલે ત્રણેય પક્ષમાંથી (ભાજપ, કૉંગ્રેસ કે આમ આદમી પાર્ટી) જેની સરકાર આવશે, પટેલો તેમની સાથે રહેશે. ખોડલધામ હોય, ઉમિયાધામ હોય કે અર્બુદાધામ, આ બધી સંસ્થાઓ પોતાનું રાજકારણ ચાલે તે માટે રાજકીય પક્ષોનો સહારો લે છે અને રાજકીય પક્ષો તેમનો."

તો નરેશ પટેલનું કહેવું છે કે તેઓ અને ખોડલધામ રાજકીય દૃષ્ટિએ 'તટસ્થ' છે. તેમની સાથે મુલાકાત કરવા તમામ રાજકીયપક્ષના નેતા આવતા હોય છે અને તમામની સાથે સરખો વ્યવહાર કરવામાં આવે છે. છતાં કોઈ પણ રાજનેતા સાથે મુલાકાત બાદ જે-તે પક્ષમાં જોડાવાની અટકળો વહેતી થાય છે.

કોણ છે નરેશ પટેલ?

નરેશ પટેલ 2008-09 લેઉઆ પાટીદારોના કરદેવીનું કાગવડ ખાતે મંદિર સ્થાપવાના વિચાર સાથે ચર્ચામાં આવ્યા. આગળ જતાં ખોડલધામ તરીકે સ્થાપિત આ મંદિરના તેઓ સ્થાપક ટ્રસ્ટી છે.

જે પાટીદાર સમાજની આસ્થા જ નહીં, પરંતુ સામાજિક શક્તિનું પણ કેન્દ્ર છે. આ સિવાય પણ તેઓ કેટલીક સામાજિક અને ધાર્મિક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે.

2018માં હાર્દિક પટેલે આમરણાંત અનશન કર્યાં અને વીલ પણ લખી નાખ્યું હતું, ત્યારે સરકારે મચક આપી ન હતી. એ સમયે અનશનના 'સન્માનજનક સમાધન' માટે નરેશ પટેલે તેમને પારણાં કરાવ્યાં હતાં.

છ ભાઈ-બહેનોમાં નાના એવા નરેશભાઈનો જન્મ અને ઉછેર રાજકોટમાં જ થયો છે. તેમણે તત્કાલીન રાજવીઓના વારસો માટે અંગ્રેજો દ્વારા સ્થાપિત આરકેસીમાં (રાજકુમાર કૉલેજ) અભ્યાસ કર્યો છે. જ્યાં તેઓ ઊંચી હાઇટને કારણે બાસ્કેટબૉલના પ્લેયર હતા.

'નરેશ પટેલ વિઝનનું ફ્યુઝન' નામનું પુસ્તક લખનારા યશપાલ બક્ષીના કહેવા પ્રમાણે, "નરેશ પટેલ તેઓ ભણતા હતા ત્યારથી જ પિતા રવજીભાઈ ઉંધાડ (પટેલ) દ્વારા સ્થાપિત પટેલ બ્રાસ વર્કમાં જતાં અને ત્યાં મશીન પણ ચલાવતા. તેમણે બ્રાસપાર્ટ તથા બૉલબેરિંગના વ્યવસાયને આગળ ધપાવ્યો અને અમેરિકન કંપની સાથે પણ સંયુક્ત સાહસ કર્યું. આજે તેની 20 જેટલા દેશોમાં પણ નિકાસ થાય છે. તેમની કંપની ભારતીય રેલવેને પણ સામગ્રી સપ્લાય કરે છે."

નરેશ પટેલ ભગવાન શિવમાં ખૂબ જ આસ્થા ધરાવે છે. તેમના ઘર (શિવાલય) તથા ફાર્મહાઉસ (શિવોત્તરી)માં શિવની મૂર્તિ સ્થાપવામાં આવી છે.

તેમના પુત્રનું નામ શિવરાજ, જ્યારે પુત્રીનું નામ શિવાની છે. તેઓ 12 જ્યોર્તિલિંગ, અમરનાથ તથા કૈલાશ માનસરોવરની યાત્રા કરી ચૂક્યા છે. તેઓ શ્રાવણ મહિનાનો ઉપવાસ પણ કરે છે.

નરેશ પટેલે શાલિનીબહેન સાથે પ્રેમલગ્ન કર્યું છે. તેમને બે દીકરી અને એક દીકરો છે. તેમનાં મોટા દીકરી શિવાની કૉમર્શિયલ પાઇલટ છે, જ્યારે પુત્ર શિવરાજ બિઝનેસમાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો