You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાની જેલમાં મૃત્યુના 45 દિવસ બાદ ગુજરાતી માછીમારનો મૃતદેહ વતન મોકલાયો - પ્રેસ રિવ્યૂ
પાકિસ્તાનની જેલમાં સજા ભોગવી રહેલા એક ગુજરાતી માછીમારનુ 45 દિવસ પહેલાં મૃત્યુ થયું હતું. એમનો મૃતદેહ તાજેતરમાં જ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. પરિવારજનોએ મૃતદેહની હાલત જોઈને નિરાશા વ્યક્ત કરી છે.
ગીર સોમનાથ જિલ્લાના ગામમાં રહેતા 53 વર્ષીય જેન્તી સોલંકીનો મૃતદેહ સોમવારે તેમના વતન પહોંચ્યો હતો. મૃત્યુના 45 દિવસ બાદ પાકિસ્તાનની જેલમાંથી તેમનો મૃતદેહ ભારતમાં મોકલી દેવાયો છે.
એનડીટીવીના અહેવાલ પ્રમાણે, જેન્તીભાઈની અંતિમવિધિ કર્યા બાદ પરિવારજનોને તેમના મૃતદેહની જે પરિસ્થિતિ કરી દેવાઈ હતી, તેને લઈને નિરાશા વ્યક્ત કરી હતી.
અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, ભારતીય સત્તાધીશો તરફથી મૃતદેહ આપવામાં જે મોડું થયું તે માટે પાકિસ્તાનના સત્તાધીશોનો વાંક હોવાનું જણાવવામાં આવ્યું હતું.
સૂત્રોએ એનડીટીવીને જણાવ્યું હતું કે પાકિસ્તાન તરફથી જેન્તી સોલંકીનાં મૃત્યુના સમાચાર 12 જાન્યુઆરીએ આપવામાં આવ્યા હતા, પરંતુ પોસ્ટમૉર્ટમ કરવાનું બાકી હોવાથી મૃતદેહ સોંપ્યો નહોતો. એ બાદ 29 જાન્યુઆરીએ બૉર્ડર પર મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.
ગુજરાત ફિશરીઝ ડિપાર્ટમૅન્ટ દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, જેન્તી સોલંકી છેલ્લાં બે વર્ષથી પાકિસ્તાનની જેલમાં સજા ભોગવી રહ્યા હતા અને બીમારીના કારણે 14 ડિસેમ્બરના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
29 જાન્યુઆરીએ બૉર્ડર પર ગુજરાત ફિશરીઝ ડિપાર્ટમૅન્ટના અધિકારીઓએ તેમના મૃતદેહનો કબજો મેળવ્યો હતો. એ બાદ તેને અમૃતસર લઈ જવાયો હતો.
ત્યાંથી હવાઈ માર્ગે તેને અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો અને અંતે અમદાવાદથી ઍમ્બ્યુલન્સમાં 400 કિલોમીટર દૂર તેમનાં વતન સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં હૉસ્પિટલમાં દાખલ થયેલા 60 ટકા દર્દીઓએ રસી લીધી નહોતી
કોરોના વાઇરસના ઓમિક્રૉન વૅરિયન્ટના આવ્યા બાદ કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો હતો.
જોકે, હૉસ્પિટલાઇઝેશનનો દર નીચો રહ્યો હતો. એવામાં હૉસ્પિટલમાં દાખલ થયેલા 60 ટકા જેટલા દર્દીઓએ રસીનો એક અથવા બન્ને ડોઝ ના લીધા હોવાનું સામે આવ્યું છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, જાન્યુઆરી મહિનામાં અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં દાખલ 700 જેટલા દર્દીઓમાંથી 52 ટકા દર્દીઓએ રસીનો એક પણ ડોઝ ન લીધો હોવાનું અને 9 ટકા દર્દીઓએ માત્ર એક ડોઝ લીધો હોવાનું હૉસ્પિટલ સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું છે.
અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ અખબારને જણાવ્યું કે, "બાકીના 39 ટકા દર્દીઓએ રસીના બન્ને ડોઝ લીધા હતા."
અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાતનાં ચાર મોટાં શહેરોમાં રસીકરણનો દર વધારે હોવા છતાં 60 ટકા દર્દીઓ એવા હતા કે જેમણે રસી લીધી નહોતી.
તજજ્ઞોના જણાવ્યા પ્રમાણે, સરકારી હૉસ્પિટલોમાં ઉપરોક્ત દર જોવા મળ્યો છે. જ્યારે ખાનગી હૉસ્પિટલોમાં આ દર 30થી 40 ટકા જોવા મળ્યો છે.
અખિલેશ યાદવ સામે ભાજપે કેન્દ્રીય મંત્રીને ઉતાર્યા
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સામે મૈનપુરીની કરહાલ બેઠક પરથી કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્યમંત્રી એસ. પી. સિંહ બઘેલને મેદાનમાં ઉતાર્યા છે.
હિંદી અખબાર 'દૈનિક જાગરણ'એ પહેલા પાના પર આ સમાચાર છાપ્યા છે.
અખબારે લખ્યું છે કે, "આગ્રાના સાંસદ બઘેલ એક સમયે સમાજવાદી પાર્ટીના વડા મુલાયમસિંહ યાદવની સુરક્ષામાં તહેનાત હતા. તેમણે રાજકારણના કુસ્તીબાજ મુલાયમસિંહ પાસેથી રાજકારણની યુક્તિઓ શીખી હતી. આવી સ્થિતિમાં ભાજપે તેમને અખિલેશ સામે ઊભા કરીને સ્પર્ધાને રસપ્રદ બનાવી છે.''
બીજી તરફ, અખિલેશના કાકા અને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના પ્રમુખ શિવપાલસિંહ યાદવની વિરુદ્ધ ઈટાવાની જસવંતનગર બેઠક પરથી ભાજપે વિવેક શાક્યને પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.
કરહાલ અને જસવંતનગર બેઠકો સપાનો ગઢ ગણાય છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો