You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
CAA કાયદાને બે વર્ષ, પાકિસ્તાનથી આવેલા હિંદુઓને નાગરિકતા મળી?
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા
સમગ્ર દેશમાં વિરોધપ્રદર્શનો વચ્ચે બે વર્ષ પહેલાં ડિસેમ્બર માસમાં જ્યારે સંસદે નાગરિકતા સંશોધન કાયદાને બંધારણીય માન્યતા આપી હતી ત્યારે દિલ્હીના 'મજનૂ કા ટીલા' વિસ્તારમાં વસેલ શ્રીરામ કૉલોનીમાં પાકિસ્તાનથી આવેલા હિંદુ શરણાર્થી પરિવારોએ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
ઢોલ, નગારા અને ગીતો સાથે સરકારના આ નિર્ણયનો સ્વાગત ગરમજોશી સાથે કરાયો.
આશા સેવાઈ રહી હતી કે હવે તેમની મુશ્કેલીઓ દૂર થઈ જશે.
દયાલદાસ, પાકિસ્તાનના સિંધ હૈદરાબાદના રહેનારા છે જેઓ વર્ષ 2013માં પોતાના પરિવાર સાથે ભારત આવ્યા હતા.
તેઓ કહે છે કે, "અમે અહીં કેમ આવ્યા એ ન પૂછશો. ત્યાં અઢળક મુશ્કેલીઓનો સામનો કર્યા પછી પણ અમારા બાપદાદા ધીરજ ધરીને બેઠા રહ્યા. પરંતુ પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે અમે વધુ મુશ્કેલી વેઠવાની હાલતમાં નહોતા."
"તેથી અમે અહીં આવી ગયા. એ વિચાર સાથે કે અમારી દીકરીઓ અને બહેનો અહીં સુરક્ષિત રહેશે."
પરંત નવો કાયદો બન્યાનાં બે વર્ષ બાદ પણ તેમને નાગરિકતા નથી મળી શકી.
દિલ્હીના મજનૂ કા ટીલાસ્થિત હિંદુ શરણાર્થીઓની વસતિના પ્રધાન સોનાદાસ જણાવે છે કે માત્ર દેશના પાટનગરમાં પાકિસ્તાનથી આવેલા હિંદુ શરણાર્થીઓની વસતિની સંખ્યા પાંચ છે જ્યારે તેની કુલ જનસંખ્યા દસ હજારની આસપાસ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ વસતિ મજનૂ કા ટીલા સિવાય રોહિણી, નાંગલોઈ, આદર્શનગર અને ફરીદાબાદમાં છે.
બે વર્ષ બાદ પણ નાગરિકતા મળવાનાં ઠેકાણાં નહીં
સોનાદાસ જણાવે છે કે, "કોઈ પરિવાર 2010માં આવ્યો. કોઈ એ પહેલાં. કોઈ તે પછી. દરેક માત્ર એ જ કારણે આવ્યા છે કારણ કે ત્યાં જીવન કપરું થઈ ગયું હતું. દરેક પ્રકારે જ્યારે અમે પ્રતાડિત થવા લાગ્યા."
"જ્યારે અમને અમારો ધર્મ પાળવામાં તકલીફ પડવા માંડી. જ્યારે અમારી બહેન-દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં પરેશાની થવા લાગી. ત્યારે અમે મજબૂર થઈને અહીં આવી ગયા."
અહીંના રહેવાસી ધર્મવીર જણાવે છે કે આ વસતિઓ રહેનારા આ એ લોકો છે જે 'કાયદાકીયરીતે' ભારત આવ્યા છે. એટલે કે પાસપોર્ટ અને વિઝા સાથે.
બીબીસી સાથેની વાતચીતમાં ધર્મવીરે કહ્યું કે, "હવે અમે માત્ર એવી આશા પર નભેલા રહીએ છીએ કે અમારા વિઝાની સમયમર્યાદા છ મહિના સુધી વધારાય છે. દર છ માસ પછી ફરી વાર તમામ પરિવારોના સભ્યોએ વિઝા માટેનાં ફૉર્મ ભરવાં પડે છે."
આદર્શનગરથી પોતાના પરિવારજનોને મળવા આવેલા ધનરાજ કહે છે કે કાયદા આવ્યા બાદ અમને વિશ્વાસ થયો કે તમામને નાગરિકતા મળી જશે અને વાંરવાર ફૉર્મ ભરવાની પ્રક્રિયાથી છૂટકારો મળશે.
તેમનું કહેવું હતું કે, "માત્ર ફૉર્મ જ નહીં, આના માટે ફી પણ જમા કરાવવી પડે છે. અમારી રોજગારીનાં ઠેકાણાં નથી. ના ઘર અને ના અન્ય સંશાધન. ફીના પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરીએ."
સરકારી દસ્તાવેજમાં 'ગેરકાયદેસર' છે વસવાટ
દિલ્હીમાં હિંદુ શરણાર્થીની જે વસતિઓ છે તે સરકારી દસ્તાવેજોમાં હજુ સુધી 'ગેરકાયદેસર' છે. દિલ્હી સરકારના એક અધિકારીએ બીબીસી સાથે વાત કરતાં આ અંગેનું કારણ જણાવ્યું.
તેમનું કહેવું હતું કે જ્યાં સુધી આ વસતિઓમાં રહેનારા લોકોનો ભારતની નાગરિકતા નથી મળી જતી, ત્યાં સુધી જમીનનો હક પણ આધિકારિકપણે તેમને ન આપી શકાય.
આ જ કારણે આ વસતિઓમાં ન વીજળી છે, ના પીવાના પાણીની કોઈ વ્યવસ્થા. આ પરિવારોને ઓછા ભાવે અનાજની સુવિધા પણ નથી મળતી."
"અન્ય માળખાગત સુવિધાઓ પણ અહીં એટલા માટે લાગુ નથી થઈ શકી રહી કારણ કે આ લોકોને માન્યતા નથી મળી શકી. માત્ર એટલું જ થયું છે કે તેમનાં બાળકો નજીકની સરકારી સ્કૂલોમાં ભણવા માટે જઈ રહ્યાં છે.
પાકિસ્તાનના હૈદરાબાદથી આવેલાં ગૂમતી દેવી જણાવે છે કે જે પૈસા લઈને તેઓ પાકિસ્તાનથી વર્ષ 2011માં આવ્યાં હતાં તે ઘણાં વર્ષો પહેલાં જ ખતમ થઈ ગયા. પછી તેઓ મને લઈને એ તૂટેલીફૂટેલી દુકાનો દેખાડવા માટે લઈ જાય છે જેના આશરે તેઓ ગુજરાન ચલાવી રહ્યાં છે. કોઈ ચા વેચે છે. તો કોઈની નાની દુકાન ચલાવે છે.
પછી વાતવાતમાં તેઓ કહે છે કે, "અમુક લોકો નજીકની મંડીમાં રેકડી ચલાવે છે. પરંતુ પોલીસવાળા તેમને ભગાડી દે છે. ઘણી વખત તો તેઓ ઘણા દિવસો સુધી રેકડી નથી લગાવી શકતા."
"કેટલાક મજૂરીએ જાય છે. પરંતુ જ્યારે કામ આપનારને એ વાતની ખબર પડે છે કે અમે લોકો શરણાર્થી છીએ ત્યારે પૈસા ઓછા આપે છે."
મીરાદાસ પણ પોતાના પરિવાર સાથે અહીં રહે છે. તેઓ કહે છે કે વીજળી અને અન્ય સુવિધાઓના અભાવે વસતિમાં સૌથી વધુ મહિલાઓ જ પરેશાન છે."
"તેમનું કહેવું છે કે અવારનવાર સાપ નીકળવાના કારણે પણ જોખમ છે. તેમજ સાફસફાઈ રાખવાની જવાબદારી પણ અહીના લોકોએ જ પોતાને શીરે લીધેલી છે કારણ કે નગરનિગમના કોઈ કર્મચાર અહીં નથી આવતા.
જોકે, વસતિના પ્રધાન સોનાદાસ જણાવે છે કે આ બે વર્ષો બાદ સરકાર તરફથી આધાર કાર્ડ બનાવવાની પહેલ જરૂર શરૂ કરાઈ છે.
વસતિમાં અમારી મુલાકાત દિલ્હી પોલીસનાં મહિલા અધિકારી સાથે પણ થઈ જેઓ આધાર માટે તમામના દસ્તાવેજોની ખરાઈ કરવા માટે આવ્યાં હતાં.
નાગરિકતા મળે તો જીવન બહેતર બને
પરંતુ સોનાદાસ કહે છે કે આના કરતાં પણ જરૂરી નાગરિકતા છે કારણ કે આ લોકો દેશના અન્ય વિસ્તારોમાં એટલા માટે કામ કરવા માટે નથી જઈ શકતા કારણ કે તેમની પાસેના વિઝા માત્ર દિલ્હી પૂરતા જ સીમિત છે.
તેમનું કહેવું હતું કે, "કાયદો લાવવામાં આવ્યો ત્યારે અમે તો અત્યંત ખુશ થયા હતા. અમને લાગ્યું કે અમારાં જીવન હવે બહેતર બનશે."
"અમારાં બાળકોનાં ભવિષ્ય સુધરી જશે. અમે સરકારના દરેક દ્વાર ખટખટાવ્યાં. પરંતુ ક્યાંય અમારી વાત ન સાંભળવામાં આવી. આજે પણ અમે પાકિસ્તાનથી 11 વર્ષ પહેલાં આવ્યા એ જ પરિસ્થિતિમાં છઈએ. ખબર નહીં અમને નાગરિકતા ક્યારે મળશે."
નાગરિકતા સંશોધન કાયદો સંસદમાં પસાર થયા બાદ દયાલદાસ એટલા ઉત્સાહિત થઈ ગયા હતા કે તે જ સમયે પેદા થયેલ તેમની દીકરીનું નામ તેમણે 'નાગરિકતા' રાખી દીધું હતું.
'નાગરિકતા' હવે બે વર્ષની થઈ ગઈ છે. એટલે કે એટલી મોટી થઈ ગઈ છે જેટલો જૂનો આ કાયદો થયો છે. પરંતુ 'નાગરિકતા'ને હજુ પણ તેનું નાગરિકત્વ નથી મળ્યું.
દયાલદાસ કહે છે કે, "ચાલો દીકરીનું નામ તો નાગરિકતા છે. અમે બધા તો આ જ વાતે ખુશ થઈ જઈએ છીએ."
ભારતીય જનતા પાર્ટીએ જ્યારે નાગરિકતા સંશોધન બિલ સંસદમાં પસાર કર્યું ત્યારે તેને લઈને સમગ્ર દેશમાં વિરોધપ્રદર્શન થયાં હતાં. પરંતુ સરકારનું કહેવું હતું કે આ કાયદાનો ઉપયોગ અન્યને પ્રતાડિત કરવા માટે નહીં કરવામાં આવે.
સરકારનું કહેવું હતું કે કાયદો આવ્યા બાદ પાડોશી દેશોમાં ધર્મના નામે પ્રતાડિત કરાઈ રહેલા હિંદુ, શીખ અને બૌદ્ધ લોકોને ભારતનું નાગરિકત્વ મળી જશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો