ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી, જાણો કયા-કયા જિલ્લામાં પડી શકે છે?

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી દિવસો વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે 27 જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. કેટલીક જગ્યાએ ધીમોધીમો વરસાદ પણ શરૂ થયો છે.

અગાઉ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો, ત્યારે હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના વિવિધ વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું પ્રમાણ અન્ય વિસ્તારની સરખામણીમાં અત્યાર સુધી ઓછું રહ્યું છે.

વરસાદ ખેંચાયો હોવાથી ખેડૂતો પણ ચિંતિત બન્યા છે અને માફકસર વરસાદની રાહ જોઈ રહ્યા છે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાવણી કરાઈ છે, તો કેટલાક વિસ્તારોમાં હજુ પણ વાવણીલાયક વરસાદ વરસ્યો નથી.

હવામાન વિભાગની માહિતી મુજબ રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, દાહોદ, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, કચ્છ અને દીવના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.

મહારાષ્ટ્ર અને ગોવા પણ ભારે વરસાદથી પ્રભાવિત

ભારે વરસાદના કારણે એકતરફ મહારાષ્ટ્ર અને ગોવામાં અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે, ત્યારે હવે ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.

વરસાદના કારણે મહારાષ્ટ્ર અને ગોવામાં લગભગ દસ હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં 136 લોકોનાં મોત થઈ ચૂંક્યા છે, જ્યારે ગોવામાં અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે.

બચાવકર્મીઓની ટીમનું નેતૃત્વ કરી રહેલા અધિકારીઓનું કહેવું છે કે કેટલાક વિસ્તારોમાં બચાવકર્મીઓનું પહોંચવું પણ મુશ્કેલ થઈ ગયું છે.

ભૂસ્ખલનથી રસ્તા બંધ થઈ ગયા છે, જેમાં મુંબઈ-ગોવાનો હાઇવે પણ સામેલ છે.

અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્તારોમાં હેલિકૉપ્ટર અને નૌસેનાની રેસ્ક્યુ ટીમોએ પણ કામગીરી હાથ ધરી છે.

મહારાષ્ટ્રમાં લગભગ 90 હજાર લોકોને અત્યાર સુધી અસરગ્રસ્ત વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

દક્ષિણ-પૂર્વ મુંબઈના તળિયા ગામમાં ભૂસ્ખલનથી મોટાં ભાગનાં ઘર જમીનદોસ્ત થઈ ગયાં છે. એક અધિકારીએ અહીંયાં લગભગ 42 લોકોનાં મૃત્યુ થયાં હોવાની જાણકારી આપી છે.

હવામાન વિભાગ અનુસાર આગામી કેટલાક દિવસો સુધી આ વિસ્તારમાં ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનાઓ પર દુઃખ વ્યક્ત કર્યું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો