You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિવ્ય ભાસ્કર પર આવકવેરા ખાતાના દરોડા, અખબારે કહ્યું, 'સાચા પત્રકારત્વથી સરકાર ડરી'
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
ગુરૂવારે સવારે દેશના અગ્રણી મીડિયાજૂથ 'દૈનિક ભાસ્કર'ની અનેક કચેરીઓ પર આવકવેરા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુજરાતીમાં પ્રકાશિત થતું અગ્રણી અખબાર 'દિવ્ય ભાસ્કર' તેની ભગિની સંસ્થા છે.
સીબીડીટી (સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીઝ)ના પ્રવક્તા સુરભિ આહલુવાલિયાએ બીબીસી સાથેની વાતચીતમાં દૈનિક ભાસ્કર સમૂહ પર આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહીની પુષ્ટિ કરી હતી.
એ સ્પષ્ટ નથી થયું કે ભાસ્કર જૂથની અલગ-અલગ રાજ્યોમાં આવેલી કચેરીઓએ શા માટે કાર્યવાહી કરવામાં આવી છે.
ભાસ્કર જૂથના ભોપાલસ્થિત મુખ્યાલય ઉપરાંત તેના મૅનેજમૅન્ટના સભ્યોના ઘરે પણ ટીમો પહોંચી છે. આ સિવાય 'ભારત સમાચાર' જૂથ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે.
બીજી બાજુ, કેન્દ્રીય માહિતી અને પ્રસારણમંત્રી અનુરાગ ઠાકુરનું કહેવું છે કે એજન્સીઓ પોત-પોતાનું કામ કરી રહી છે અને સરકાર તેમાં દખલ નથી દેતી.
'ભાસ્કર છું'
દૈનિક ભાસ્કરના કેટલાક કર્મચારીઓના કહેવા પ્રમાણે, "ઑફિસમાં હાજર કેટલાક કર્મચારીઓના મોબાઇલ જપ્ત કરી લેવામાં આવ્યા, તથા તેમને ઑફિસની બહાર નીકળવાની મંજૂરી નથી અપાઈ રહી."
દૈનિક ભાસ્કર જૂથના નેશનલ ઍડિટર લક્ષ્મીપ્રસાદ પંતે બીબીસીને જણાવ્યું, "અમે આઈટીની ટીમ પાસેથી કાર્યવાહી સંદર્ભે માહિતી માગી હતી, પરંતુ કોઈ જાણકારી આપવામાં નથી આવી."
"મેં પોતે ત્રણ વખત અધિકારીઓને કાર્યવાહી મુદ્દે પૂછ્યું છે, પરંતુ કોઈ માહિતી આપવામાં નથી આવી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિવ્ય ભાસ્કરે તેની વેબસાઇટ પર પ્રકાશિત રિપોર્ટમાં જણાવ્યું છે: 'સાચા પત્રકારત્વથી ડરી સરકાર: ગંગામાં મૃતદેહોથી લઈને કોરોનાથી થયેલા મોતના સાચા આંકડા દેશની સામે રજૂ કરનારા ભાસ્કર જૂથ પર સરકારના દરોડા'.
શું દૈનિક ભાસ્કર જૂથને પત્રકારત્વ માટે ટાર્ગેટ કરવામાં આવ્યું છે, આ સવાલના જવાબમાં પંતે કહ્યું, "અમે દરેક રાજ્યોમાં સત્ય પ્રકાશિત કર્યું છે, આને કારણે સરકારો અસહજ પણ થઈ છે. તે રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ, ગુજરાત હોય કે બિહાર. અમે એ નથી જોયું કે સત્તામાં કોની સરકાર છે."
પંતે ઉમેર્યું કે ભાસ્કર જૂથ જે કામ કરી રહ્યું છે, તે કરતું રહેશે.
ભારત સમાચાર પર પણ રેડ
કેટલાક અહેવાલો મુજબ દૈનિક ભાસ્કર સમૂહ પર ચાલી રહેલી કાર્યવાહીમાં ઍન્ફોર્સમૅન્ટ ડિરેક્ટરેટની ટીમ પણ સામેલ છે.
ભાસ્કરના એક કર્મચારીએ બીબીસીને જણાવ્યું, "શક્ય છે કે કાર્યવાહીમાં ઈડીની ટીમો પણ સામેલ હોય, પરંતુ આ અંગે સત્તાવાર રીતે અમને કશું જણાવવામાં નથી આવ્યું."
દિવ્ય ભાસ્કરની વેબસાઇટ પર પ્રકાશિત રિપોર્ટમાં જણાવ્યું છે, "કોરોનાની લહેર દરમિયાન છ મહિના સુધી ભાસ્કરે દેશ તથા કોરોનાથી પ્રભાવિત રાજ્યોમાં પ્રવર્તમાન વાસ્તવિક સ્થિતિને જોશભેર દેશની સામે રજૂ કરી છે."
"ગંગામાં વહેતી લાશોનો મામલો હોય કે પછી કોરોનાને કારણે થયેલાં મૃત્યુના આંકડા દબાવવાનો પ્રયાસ હોય, ભાસ્કરે નીડર પત્રકારત્વ કર્યું છે અને જનતાની સામે સત્ય રજૂ કર્યું છે."
અમદાવાદમાં સવારે પાંચ વાગ્યે દિવ્ય ભાસ્કરની કચેરી પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. #સ્વતંત્ર_ભાસ્કર એવા હૅશટૅગ સાથે "હું સ્વતંત્ર છું, કેમ કે હું ભાસ્કર છું ભાસ્કરમાં ચાલશે વાચકોની મરજી" સાથે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.
બીજી બાજુ, ઉત્તર પ્રદેશમાંથી સંચાલિત સમાચાર ચેનલ 'ભારત સમાચાર'ની કચેરી તથા સંપાદક બ્રિજેશ મિશ્રાના ઘરે આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાના અહેવાલ છે. જોકે આવકવેરા ખાતા દ્વારા આ અંગે ઔપચારિકપણે કોઈ માહિતી આપવામાં નથી આવી.
'ભારત સમાચાર'એ પોતાના અહેવાલમાં કહ્યું છે કે આવકવેરા ખાતાની અનેક ટીમો દ્વારા સંસ્થા તથા તેના અનેક કર્મચારીઓ સાથે સંકળાયેલાં ઠેકાણાં પર રેડ કરવામાં આવી રહી છે.
મીડિયા જૂથો સામેની કાર્યવાહીની અસર સંસદમાં પણ જોવા મળી હતી. બંને ગૃહોમાં વિપક્ષના સંસદસભ્યોએ હોબાળો કર્યો હતો, જેના કારણે સંસદની કાર્યવાહીને અસર પહોંચી હતી અને મોકૂફ રાખવી પડી હતી.
'પ્રેસની સ્વતંત્રતા પર પ્રહાર'
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટમાં લખ્યું, "દૈનિક ભાસ્કર તથા ભારત સમાચાર પર આવકવેરા વિભાગના દરોડા, એ મીડિયાને ડરાવવાનો પ્રયાસ છે."
"સંદેશ સ્પષ્ટ છે – જે ભાજપ સરકાર વિરુદ્ધ બોલશે, તેને છોડવામાં નહીં આવે. આ વિચાર ખૂબ જ ખતરનાક છે. બધાએ તેની સામે અવાજ ઉઠાવવો જોઈએ. આ દરોડા તત્કાળ બંધ કરવા જોઈએ અને મીડિયાને સ્વતંત્રપણે કામ કરવા દેવું જોઈએ."
દિવ્ય ભાસ્કરે એક ટ્વીટ દ્વારા જણાવ્યું, "હું સ્વતંત્ર છું, કેમ કે હું ભાસ્કર છું, ભાસ્કરમાં ચાલશે માત્ર વાચકોની મરજી." અખબારની માતૃસંસ્થા દૈનિક ભાસ્કરના ટ્વીટને કેજરીવાલે રિટ્વીટ કર્યું હતું.
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી કમલનાથે એક ટ્વીટમાં લખ્યું, "સત્યને દેશભરમાં નિર્ભયતાપૂર્વક બહાર લાવનારા દૈનિક ભાસ્કર મીડિયા જૂથને દબાવવાનું કામ શરૂ થઈ ગયું છે?"
"પોતાના વિરોધીઓને દબાવવા માટે, સત્યને બહાર આવતું અટકાવવા માટે ઈડી, આઈટી તથા અન્ય એજન્સીઓનો આ સરકારે દુરુપયોગ શરૂ કર્યો છે અને આ કામ આજે પણ ચાલુ જ છે."
રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહેલોતે ટ્વિટર ઉપર નિવેદન આપીને આવકવેરા વિભાગની કાર્યવાહીને મીડિયાને દબાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ટ્વિટર પર લખ્યું, "પત્રકારો તથા મીડિયાગૃહો પર હુમલો એ લોકશાહીને કચડવાનો વધુ એક ક્રૂર પ્રયાસ છે."
"મોદી સરકારની લાપરવાહીને કારણે કોરોના દરમિયાન દેશે કેવા ભયાનક દિવસો જોવા પડ્યા, તેના વિશે દૈનિક ભાસ્કરે ખૂબ જ બહાદુરીપૂર્વક રિપોર્ટિંગ કર્યું છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો