You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મરણપથારીએ રહેલા પતિના વીર્યથી માતા બનવા જ્યારે ગુજરાતી યુવતી અદાલતમાં ગઈ
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
રંજનબહેન તથા મનીષભાઈ (બંને નામ બદલ્યાં છે)ના લગ્નને એક વર્ષ કરતાં પણ ઓછો સમય થયો હતો. આ દરમિયાન મનીષભાઈને કોરોનાનો ચેપ લાગ્યો હતો. સારવાર દરમિયાન મલ્ટિપલ ઑર્ગન ફેલ્યૉર થતાં તેમના બચવાની કોઈ શક્યતા નથી, એવો મત તબીબોએ વ્યક્ત કર્યો હતો.
રંજનબહેને ભવિષ્યમાં મનીષભાઈના જ વીર્યથી માતૃત્વ ધારણ કરી શકાય તે માટે જરૂરી નમૂના લેવા તબીબોને વિનંતી કરી હતી. પરંતુ તબીબોએ દરદીની લેખિત મંજૂરી ન હોવાથી અદાલતી આદેશનો આગ્રહ રાખ્યો હતો.
રંજનબહેન ગુજરાત હાઈકોર્ટના દ્વારે પહોંચ્યાં હતાં, અદાલતે સંવેદનશીલતા દાખવીને ગણતરીની મિનિટોમાં વચગાળાનો ચુકાદો આપ્યો હતો.
રંજનબહેને પહેલો કાયદાકીય અવરોધ તો પસાર કરી લીધો, પરંતુ તે અંતિમ નહીં હોય અને હવે કાયદાકીય, વૈજ્ઞાનિક, સામાજિક જંગની સાથે કુદરત સામેની જંગ લડવાની હતી.
પ્રેમ, કહાણી અને પડકાર
મનીષભાઈના નિકટના એક પરિવારજનના કહેવા પ્રમાણે, "મનીષભાઈ મૂળ ભરૂચના છે, તેઓ કૅનેડામાં રહેતા હતા. ત્યાં તેમની મુલાકાત અમદાવાદનાં રંજનબહેન સાથે થઈ અને ગત વર્ષે બંનેએ લગ્ન કરી લીધું હતું."
"વર્ષની શરૂઆતમાં યુવતીના સસરાની તબિયત કથળી, એટલે તેમની સંભાળ લેવા માટે દંપતી ગુજરાત આવી ગયું હતું. આ અરસામાં જ મનીષભાઈને કોરોના થયો હતો. 10મી મેથી તેઓ હૉસ્પિટલમાં દાખલ હતા."
તેઓ કહે છે, "વધુ સારવાર માટે સ્ટર્લિંગમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચાર-પાંચ દિવસ પહેલાં તબીબોએ સ્થિતિ હાથની બહાર નીકળી ગઈ હોવાનું જણાવ્યું હતું. આથી, રંજનબહેને પરિવારજનો સાથે પરામર્શ કરીને આઈવીએફનો નિર્ણય લીધો હતો."
પરિવારે મનીષભાઈના વીર્યના નમૂના માટે હૉસ્પિટલને વિનંતી કરી હતી, પરંતુ ટેકનિકલ કારણોસર હૉસ્પિટલે દરદીની લેખિત સહમતિ અથવા અદાલતના આદેશનો આગ્રહ રાખ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાઈકોર્ટમાં શું બન્યું હતું?
સાંજે અરજદાર મહિલા રંજનબહેન તથા મનીષભાઈનાં માતા-પિતાએ ઍડ્વોકેટ નિલય પટેલ મારફત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જે પછીની સવારે મુખ્ય ન્યાયાધીશની અદાલતમાં સુનાવણી માટે આવી હતી.
મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથે અરજદારના વકીલ નિલય પટેલને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠ સમક્ષ રજૂઆત કરવાના નિર્દેશ આપ્યા હતા. લંચ પછી બપોરે અઢી વાગ્યે આ મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી.
પટેલે પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે "10મી મેથી મનીષભાઈ બીમાર છે અને સારવાર હેઠળ છે. તેઓ કોવિડ પૉઝિટિવ છે અને તેઓ મલ્ટિપલ ઑર્ગન ફેલ્યોર સામે ઝઝૂમી રહ્યા છે."
"તબીબોએ જણાવ્યું છે કે દરદીનું બ્લડપ્રેશર ઘટી રહ્યું છે અને ત્રણેક કલાક જેટલો જ સમય છે. આ સંજોગોમાં દરદીનાં પત્ની ઇચ્છે છે કે તેમના પતિના વીર્યના નમૂના લેવાની છૂટ આપવામાં આવે અને તેને ફ્રીઝ કરવા માટેની મંજૂરી આપવામાં આવે."
અરજદારના વકીલ નિલય પટેલે બીબીસીને જણાવ્યું હતું કે "હૉસ્પિટલ દ્વારા 'વ્યક્ત સહમતી'નો આગ્રહ રાખવામાં આવ્યો હતો. દરદી છેલ્લા કેટલાક દિવસથી બેસુધ હતા અને ભાનમાં આવીને સહમતિ આપે તેની કોઈ શક્યતા ન હતી. તે છેલ્લા સ્ટેજમાં છે, જેથી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવી પડી હતી."
ગવર્નમેન્ટ પ્લીડર મનીષા લવકુમારે હાઈકોર્ટને સૂચન કર્યું હતું, "મહિલા હાલ ભાવનાત્મક સ્થિતિમાં હોઈ તે બહુ મોટો નિર્ણય લેવા જઈ રહી છે, ત્યારે આટલું મોટું પગલું લેતાં પહેલાં તેનું કાઉન્સેલિંગ કરવું જોઈએ. અમે પ્રાર્થના કરીએ છીએ કે કોઈ ચમત્કાર થાય અને મહિલાના પતિ સાજા થઈ જાય અને સંભવિત સ્થિતિ ઊભી જ ન થાય."
અસામાન્ય સત્તાનો ઉપયોગ
અદાલતે આ સુનાવણી દરમિયાન બંધારણના અનુચ્છેદ 226 હેઠળ મળેલી અસામાન્ય સત્તાનો ઉપયોગ કર્યો હતો.
જસ્ટિસ આચાર્યે નોંધ્યું હતું કે પાછળથી સુધારા ન થઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ થાય તેમ હોવાથી દરદીના જરૂરી નમૂના લેવા તથા તેને તબીબી સલાહ મુજબ સાચવવાના નિર્દેશ આપવામાં આવે છે.
વચગાળાનો ચુકાદો આપતી વખતે હાઈકોર્ટના જસ્ટિસ આશુતોષ આચાર્યે અરજદારની પિટિશનમાં રહેલી ટેકનિકલ ત્રુટિઓની અવગણના કરી હતી.
સાથે જ સ્પષ્ટતા કરી હતી કે અરજદારની અરજી તથા કોઈ વાંધાઅરજી આવે તો તેના ચુકાદા પછી જ આઈવીએફ માટે વીર્યના નમૂનાનો ઉપયોગ કરી શકાશે તથા સૅમ્પલ પર હકદાવો ઊભો નહીં થાય.
આ ચુકાદો પહેલાં ટેલિફોનથી અને બાદમાં લેખિતમાં હૉસ્પિટલ તથા સંબંધિત પક્ષકારોને પહોંચાડવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. જસ્ટિસ આચાર્યે 4.45થી 5.01ની વચ્ચે માત્ર 15 મિનિટમાં જ આ કેસમાં વચગાળાનો ચુકાદો આપ્યો હતો.
બંધારણના અનુચ્છેદ 226 તથા 227માં હેઠળ દેશભરની હાઈકોર્ટોને વિશેષ સત્તા મળેલી છે. અનુચ્છેદ 226 હેઠળ મળેલી સત્તાની રૂએ હાઈકોર્ટ કોઈ પણ વ્યક્તિ, સત્તાધિકારી કે સરકારને પણ નિર્દેશ કે આદેશ આપી શકે છે.
બંધારણના ભાગ IIIમાં નાગરિકોને મળેલા મૂળભૂત અધિકારો કે અન્ય કોઈ હેતુસર અદાલત આ વિશેષાધિકારનો ઉપયોગ કરી શકે છે.
બંદી પ્રત્યક્ષીકરણ, કોઈ વ્યક્તિને જાહેર કે કાયદાકીય ફરજ બજાવવા, નીચેની અદાલતો કે ટ્રિબ્યૂનલ દ્વારા અધિકારક્ષેત્રની બહાર કરવામાં આવેલા આદેશ માટે કે કોઈ પદ માટે લાયક ન હોય તેવી વ્યક્તિને હઠાવવા જેવા અધિકાર આ અનુચ્છેદ હેઠળ મળેલા છે.
શું કહેવું હતું હૉસ્પિટલનું?
સ્ટર્લિંગ હૉસ્પિટલના પ્રવક્તા અનિલ નામ્બિયારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું, "દરદી કોવિડ સંક્રમિત છે અને તેઓ અન્ય હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જ્યાં તેમની સ્થિતિ કથળતાં તેમને અમારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા."
"તેમને એકમો (ઍક્સ્ટ્રકૉર્પોરિયલ મૅમ્બરિન ઑક્સિજિનેશન) પર રાખવામાં આવ્યા હતા. તેમની પરિસ્થિતિ સુધરવા લાગી હતી, પરંતુ ચાર-પાંચ દિવસ અગાઉ તેમની સ્થિતિ કથળવા લાગી અને તેમનાં અંગો એક પછી એક કામ કરવાનું બંધ કરી રહ્યાં હતાં. આ સંજોગોમાં અમે પેશન્ટના પરિવારજનોને પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા."
"એ પછી પેશન્ટનાં પત્નીએ તેમના પરિવારજનો સાથે વાતચીત અને મસલત કર્યાં બાદ દરદીના વીર્યના નમૂના સાચવી રાખવા માટે કહ્યું હતું, જેથી તેઓ ભવિષ્યમાં તેના દ્વારા માતા બની શકે. સામાન્ય સંજોગોમાં વીર્ય આપનારની લેખિત સહમતિની જરૂર રહેતી હોય છે."
"આ કિસ્સામાં તબીબો દ્વારા જ અદાલતનો આદેશ મેળવવાનું સૂચન કરવામાં આવ્યું હતું અને અદાલતે પણ માત્ર 15 મિનિટમાં ચુકાદો આપી દીધો હતો."
અદાલતમાં સુનાવણી બાદ પણ નમૂના લેવામાં મોડું થયું હોવાના અહેવાલોને નામ્બિયારે નકારી કાઢ્યા હતા અને દાવો કર્યો હતો કે ચુકાદો મળ્યાના ગણતરીના કલાકોમાં ટેસા પૂર્ણ કરી લેવાયું હતું.
TESA, TESE અને IVF
ભારતમાં IVFનું ચલણ વધી રહ્યું છે, પરંતુ ટેસા અંગે જાગૃતિ નથી. વિદેશમાં કોમામાં સરી ગયેલા, ગંભીર બીમારીનો સામનો કરી રહેલા કે ગંભીર અકસ્માતનો ભોગ બનેલા પતિ (કે પ્રેમી)ના વીર્યને ટેસા દ્વારા મેળવવામાં આવે છે અને પછી શૂન્યથી પણ નીચા તાપમાને લૅબોરેટરીમાં સાચવી રાખવામાં આવે છે.
આવી જ રીતે મહિલાઓના અંડકોશને મેળવવા, તેને લૅબોરેટરીમાં સાચવી રાખવાની બાબત સામાન્ય છે.
22 કરતાં વધુ વર્ષથી એઆરટીના ક્ષેત્રમાં કાર્યરત્ ડૉ. હિમાંશુ બાવીશીના જણાવ્યા પ્રમાણે, "મગજમાં પિચ્યૂટરી ગ્રંથિમાંથી સ્રાવ ઝરે, ત્યારે શુક્રપિંડમાં વીર્ય ઉત્પન્ન થાય છે, જે સંભોગ કે હસ્તમૈથુન સમયે લિંગમાંથી બહાર આવે છે, આ એક સામાન્ય પ્રક્રિયા છે."
"કેટલાક સંજોગોમાં આમ કરવું શક્ય ન હોય, ત્યારે શુક્રપિંડમાંથી શુક્રાણુઓ મેળવવામાં આવે છે. TESAએ ટેસ્ટિક્યુલર સ્પર્મ ઍસ્પિરેશનની પદ્ધતિ છે, જેમાં સોઈ અને સિરિંજ મારફત પુરુષના શુક્રપિંડમાંથી કેટલાક કોષ અને ટિસ્યૂ મેળવવામાં આવે છે."
"જ્યારે શુક્રવાહક નળી બ્લૉક હોય અથવા તો અમુક સંજોગોમાં શુક્રાણુઓનું ઉત્પાદન ખૂબ જ ઓછું હોય કે તે બહાર આવી ન શકતાં હોય ત્યારે TESA કે TESE દ્વારા શુક્રાણુઓ મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે."
TESA કે TESE (ટેસ્ટિક્યુલર સ્પર્મ ઍસ્ટ્રેક્શન) પ્રક્રિયા અંતર્ગત લૅબોરેટરીમાં માઇક્રૉસ્કૉપિક પ્રક્રિયા દ્વારા કોષમાંથી શુક્રાણુઓને અલગ કરવામાં આવે છે. આવી રીતે તારવવામાં આવેલા શુક્રાણુઓને ખૂબ જ નીચા તાપમાને લૅબોરેટરીમાં સંગ્રહિત કરવામાં આવે છે.
પુરુષને વીર્યસ્ખલનમાં સમસ્યા હોય, શીઘ્રસ્ખલનની સમસ્યા હોય, ઇન્ફૅક્શન થયું હોય, ઉંમર વધી ગઈ હોય અથવા નસબંધી કરાવી હોય ત્યારે TESA (કે TESE)ની મદદ લેવામાં આવે છે.
IVF એ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનનું ટૂંકુ સ્વરૂપ છે, જે ART (આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનૉલૉજી)નો એક ભાગ છે. ઉપરોક્ત પ્રકારના કિસ્સામાં અથવા તો નિઃસંતાન દંપતીને સંતતિ મેળવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
આઈવીએફમાં સ્ત્રીના અંડબીજ તથા પુરુષના શુક્રાણુઓનું લૅબોરેટરીમાં પરખનળીમાં મિલન કરાવવામાં આવે છે. ત્યારબાદ તૈયાર થતાં ભ્રૂણને મહિલા (અને કેટલાક કિસ્સામાં સરોગેટ મધર)ના ગર્ભમાં પ્રત્યારોપિત કરવામાં આવે છે.
એક જ વખતમાં મહિલા માતૃત્વ ધારણ કરી લે તેવું નથી હોતું અને સામાન્યતઃ બેથી ચાર પિરિયડ સાઇકલમાં ગર્ભધારણ થતું હોય છે. અમુક સંજોગોમાં લેવાયેલા વીર્યના સૅમ્પલની મદદથી એક કરતાં વધુ વખત માતા બની શકે છે.
આથી, રંજનબહેન સામે કાયદાકીય અડચણો પાર કર્યા બાદ વૈજ્ઞાનિક, કુદરતના તથા ઉછેર માટેના સામાજિક પડકારો પણ રહેશે.
(આ અહેવાલ સૌપ્રથમ 22 જુલાઈ 2021માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો)
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો