દિલ્હીમાં ખેડૂતોની સંસદ : મીનાક્ષી લેખીએ પ્રદર્શનકારી ખેડૂતોને 'મવાલી' કહ્યા, રાકેશ ટિકૈતે શું આપ્યો જવાબ?

સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં આજે દિલ્હીના જંતર-મંતર ખાતે ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા હતા અને 'ખેડૂત સંસદ' પણ યોજાઈ હતી, એ વચ્ચે કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીના નિવેદને વિવાદ સર્જી દીધો છે.

કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ પ્રદર્શનકારી ખેડૂતોને 'મવાલી' કહ્યા, પત્રકારપરિષદને સંબોધતાં લેખીએ કહ્યું, "તેમને ખેડૂત કેમ કહો છો, તેઓ ખેડૂત નહીં મવાલી છે."

તેમણે કહ્યું, "આ ગુનાહિત ગતિવિધિ છે, 26 જાન્યુઆરીએ જે કંઈ થયું એ શરમજનક હતું, ઉપરથી વિપક્ષ દ્વારા આવી બાબતોને પ્રોત્સાહન આપવામાં આવ્યું."

રાકેશ ટિકૈતે લેખીની ટિપ્પણીનો જવાબ આપતાં કહ્યું, "મવાલી નહીં ખેડૂત છે, ખેડૂતો વિશે આવી વાત ન કરવી જોઈએ, ખેડૂત દેશનો અન્નદાતા છે."

ખેડૂતોની સંસદ વિશે ટિકૈતે કહ્યું, "શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવાની આ પણ એક રીત છે. જ્યાં સુધી સંસદ ચાલશે, અમે અહીં આવતા રહીશું. સરકાર ઇચ્છશે તો વાતચીત ફરી શરૂ થઈ શકશે."

ખેડૂતો અને સરકાર વચ્ચેની વાતચીત છેલ્લા છ મહિનાથી અટકી ગઈ છે, અનેક બેઠકો બાદ પણ ખેડૂતો સાથે સમાધાન કરવામાં સરકારને સફળતા મળી નથી.

ખેડૂત સંગઠનો કેન્દ્ર સરકાર સમક્ષ ત્રણ વિવાદાસ્પદ કૃષિકાયદા પરત લેવાની માગ કરી રહ્યા છે.

રાજધાની દિલ્હીને પાડોશી રાજ્યો સાથે જોડતા માર્ગો પર ખેડૂતો આઠ મહિનાથી તંબુ તાણીને વિરોધ કરી રહ્યા છે.

આ દરમિયાન ખેડૂતોના પ્રદર્શનના સમર્થનમાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું હતું.

સિંઘુ બૉર્ડરથી ખેડૂતો જંતર-મંતર પહોંચ્યા

કૃષિકાયદના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો દિલ્હીના જંતર-મંતર ખાતે પહોંચ્યા હતા. દિલ્હી આવવા માટે ખેડૂતો સિંઘુ બૉર્ડર પર સવારથી એકઠા થઈ રહ્યા હતા અને ત્યાંથી બસોમાં ખેડૂતોને જંતર-મંતર લાવવામાં આવ્યા હતા.

ખેડૂતોના નેતા પ્રેમસિંહ ભંગુએ સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં કહ્યુ કે "અમે ચર્ચા કરીશું, અમે સ્પીકર પણ બનાવીશું અને પ્રશ્નકાળ પણ રાખવામાં આવશે. 200થી વધારે ખેડૂતો એકઠા નહીં થાય."

બીજી તરફ ખેડૂતોના નેતા મનજીત સિંહે સિંઘુ બૉર્ડર પહોંચતાં પહેલાં જણાવ્યું હતું, "જંતર-મંતર પર અમારી બસો રોકાશે, ત્યાંથી પગપાળા અમે જઈશું. પોલીસ અમને જ્યાં રોકશે ત્યાં જ અમે અમારી સંસદ યોજીશું. જે ખેડૂતોનાં આઈડી કાર્ડ બન્યાં છે, તેઓ આગળ જશે."

શું છે પ્રદર્શનકારી ખેડૂતોની યોજના?

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે આયોજન વિશે વાત કરતાં બુધવારે જણાવ્યું હતું કે "કાલે (ગુરુવારે) 200 લોકો ચારથી પાંચ બસમાં સિંઘુ બૉર્ડરથી દિલ્હી જવા માટે રવાના થશે."

ટિકૈતે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે "લોકો સિંઘુ બૉર્ડર ખાતે એકઠા થશે અને ત્યાંથી સાથે મળીને જંતરમંતર જવા માટે રવાના થશે. જ્યાં સુધી સંસદનું ચોમાસુ સત્ર ચાલશે, ત્યાં સુધી અમે આમ કરીશું."

ખેડૂતનેતા દર્શનપાલ સિંહે બુધવારે કહ્યું હતું કે "આવતીકાલે ખેડૂતોની સંસદ બેસશે અને ખેડૂતોના મુદ્દાઓ પર ચર્ચા કરીશું. સાંજે પાંચ વાગ્યા સુધી સંસદ ચાલશે. બીજા દિવસે વધુ 200 લોકો ભાગ લેવા માટે જશે અને નહીં જવા દેવામાં આવે તો ધરપકડ વહોરશે."

પોલીસનો બંદોબસ્ત

ખેડૂતોના વિરોધપ્રદર્શનને ધ્યાને રાખીને દિલ્હીમાં પણ સુરક્ષાની કડક વ્યવસ્થા કરાઈ છે. જંતર-મંતર પર મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવ્યાં છે.

ડીસીપી પરવિન્દર સિંહ જણાવે છે કે "ખેડૂતોના પ્રદર્શનને ધ્યાને રાખીને ટીકરી બૉર્ડર પર જાપતો મૂક્યો છે."

"માત્ર સિંઘુ બૉર્ડરથી અવર-જવરની પરવાનગી છે, ટીકરી બૉર્ડરથી પ્રદર્શન માટે ખેડૂતોને અવર-જવર કરવાની પરવાનગી નથી. અન્ય પ્રકારની અવર-જવર પર કોઈ રોક નથી."

પોલીસના ઉચ્ચ અધિકારીએ એએનઆઈને જણાવ્યું, "અમે યોગ્ય બંદોબસ્ત ગોઠવ્યો છે. ડ્રોનની મદદથી નજર રાખવામાં આવશે તથા હુલ્લડવિરોધી ટુકડીઓને પણ તૈયાર રાખવામાં આવશે."

પોલીસ અધિકારીઓના કહેવા પ્રમાણે, એક વરિષ્ઠ અધિકારી દ્વારા ખેડૂતનેતાઓનો સંપર્ક સાધવામાં આવ્યો છે અને તેમની સાથે વાટાઘાટ ચાલી રહી છે, જેથી કરીને શાંતિનો ભંગ ન થાય.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો