મિનિસ્ટ્રી ઑફ કો-ઑપરેશન : નરેન્દ્ર મોદી અને અમિત શાહની આ નવી રાજકીય ચાલ શું છે અને કોણ છે નિશાના પર?

ઇમેજ સ્રોત, Getty Images
મોદી સરકારના મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયામાં દિગ્ગજ નેતાઓની બાદબાકી બાદ સૌથી વધુ ચર્ચા કદાચ નવા રચાયેલ સહકારિતા મંત્રાલય વિશે જ થઈ રહી છે.
આ ખાતાની જવાબદારી ભારતના ગૃહમંત્રી અમિત શાહને સોંપાતાં ઘણાની નજરમાં આ મંત્રાલયનું મહત્ત્વ વધી ગયું છે. અને તે અંગેની ચર્ચાઓમાં વ્યાપક વધારો થયો છે.
આ ચર્ચામાં કેટલાક લોકો એવી પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે મોદી સરકારે ખરેખર આ ખાતાની રચના રાજકીય લાભ મેળવવા માટે કરી છે.
તેથી અહીં એ પ્રશ્ન ઊભો થાય છે કે આખરે આ નવા ખાતાની રચના અને તેની જવાબદારીની સોંપણી અમિત શાહને કરાઈ તે પાછળ સરકારનો ખરો હેતુ શું છે?

કેન્દ્ર સરકારે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્ર સરકારે આ નવા મંત્રાલયની રચના અંગે એક પ્રેસ રિલીઝ જારી કરી હતી.
આ પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે, "કેન્દ્ર સરકારે સહકારિતાથી સમૃદ્ધિના વિકાસલક્ષી ધ્યેયને પાર પાડવા માટે સ્વતંત્ર સહકારિતા મંત્રાલયની સ્થાપના કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે."
દેશમાં સહકારિતા આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે, મંત્રાલય નવાં તંત્રો અને વૈધાનિક અને વ્યૂહરચનાત્મક માળખાંની રચના કરી શકશે.
આ પગલાથી સહકારિતા આંદોલનને સાચા અર્થમાં જરૂરી સહાય મળી શકશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સહકારી પ્રવૃત્તિમાં દરેકેદરેક વ્યક્તિ પોતાની જવાબદારીના ભાન સાથે કામ કરતી હોય છે, તેથી આપણા દેશના આર્થિક વિકાસના મૉડલ તરીકે તે એકદમ બંધબેસતી વ્યવસ્થા છે.
આમ, સરકાર આ મંત્રાલયની રચનાને વિકાસલક્ષી કદમ ગણાવી રહી છે.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં રાજકીય લાભ માટે બનાવાયું નવું મંત્રાલય?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી મરાઠીના સંવાદદાતા હર્ષલ અકુડે સાથે વાત કરતાં વરિષ્ઠ પત્રકાર રાજા માને જણાવે છે કે કદાચ આ નવા મંત્રાલયની રચના રાજકીય લાભ મેળવવા માટે કરાઈ હોઈ શકે છે.
તેઓ કહે છે કે, "સહકારિતાની ચળવળ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વ્યાપકપણે પ્રસરેલી હતી. તેમાં પણ ખાસ કરીને મહારાષ્ટ્રમાં સહકારી મંડળીઓ ખાંડના ઉત્પાદનક્ષેત્રે મોટી ભૂમિકા ભજવી છે."
રાજા માને આગળ જણાવે છે કે, આ નવા મંત્રાલયની રચનામાં સહકારી પ્રવૃત્તિઓ જ્યાં મોટા પાયે ફેલાયેલી છે તેવાં ક્ષેત્રો અંગે જરૂર વિચાર કરાયો હશે.
તેઓ કહે છે કે, "સ્વતંત્રતા પછીના તબક્કામાં, સહકારી ક્ષેત્ર રાજકારણનું કેન્દ્ર બની રહ્યું છે. આ તમામ સંસ્થાઓ ઘણાં વર્ષોથી કૉંગ્રેસના કબજામાં રહી હતી, પરંતુ હવે એ વાત સ્પષ્ટ છે કે ભાજપ આ ક્ષેત્ર પર કબજો જમાવવા માગે છે."
"આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં સહકારી ક્ષેત્ર મહત્ત્વનું ગણાય છે. ગ્રામીણ વિસ્તારોનું રાજકારણ, સમાજશાસ્ત્ર અને અર્થતંત્ર આ ક્ષેત્રની આસપાસ જ ફરતું જોવા મળે છે."

પરિસ્થિતિને સુધારવા માટેનું પગલું પણ હોઈ શકે

ઇમેજ સ્રોત, NURPHOTO
જોકે વરિષ્ઠ પત્રકાર આ નવા ખાતાની રચના માત્ર અને માત્ર રાજકીય હેતુ સિદ્ધ કરવા માટે થઈ હોય તે વાત સાથે સંપૂર્ણ સંમત થતા નથી. તેઓ કહે છે કે સરકાર આ નવા ખાતાની રચના મારફતે આ ક્ષેત્રની વર્તમાન પરિસ્થિતિને સુધારવા માગતી હોય તેવું પણ બની શકે.
રાજા માને કહે છે કે, "પાછલાં 15-20 વર્ષોમાં સહકારી ક્ષેત્રનું ખાનગીકરણ થયું છે. જો નવા ખાતાની રચના આવાં દૂષણોને દૂર કરવા માટે કરાઈ હોય તો તે એક સરાહનીય પગલું છે."
વરિષ્ઠ રાજકીય વિશ્લેષક હેમંત દેસાઈ આ અંગે પોતાનો મત વ્યક્ત કરતાં જણાવે છે કે, "સહકારી ક્ષેત્રમાં પ્રવેશેલાં દૂષણોને ડામવામાં જો નવી વ્યવસ્થા સફળ થશે તો તેનાથી સામાન્ય માણસને ઘણો ફાયદો થશે."
વરિષ્ઠ પત્રકાર વિજય ચોરમરે જણાવે છે કે, "હાલ સહકારી ક્ષેત્ર ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. કેન્દ્ર સરકારે આ વાતની નોંધ લીધી છે. તેથી તેમણે આ ક્ષેત્ર માટે નવા ખાતાની રચના કરી છે. પરંતુ આ નવી વ્યવસ્થા કેટલી સફળ થશે અને તેનો લાભ સામાન્ય માણસને કેટલો થશે તે અંગે હજુ પ્રશ્ન છે."
વિજય ચોરમરે જણાવે છે કે, "હજુ તો માત્ર નવું મંત્રાલય બન્યું જ છે. તે કઈ રીતે કામ કરશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી કરાઈ. પ્રથમ નિર્ણય પણ હજુ સુધી નથી લેવાયો. તેથી આ નવી વ્યવસ્થાનાં પરિણામો સામે આવવામાં થોડો સમય લાગશે. આ ક્ષેત્રનું ભવિષ્ય સરકાર હવે કેવા નિર્ણયો લે છે તેના પર ટકેલું છે."

મંત્રાલયની જવાબદારી અમિત શાહને સોંપાતાં શરૂ થઈ ચર્ચા

ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાતો માને છે કે સહકારિતા મંત્રાલયના ગઠન કરતાં પણ વધુ મહત્ત્વની વાત એ છે કે તેની જવાબદારી અમિત શાહને સોંપવામાં આવી છે.
આ વાત સાથે વરિષ્ઠ રાજકીય વિશ્લેષક હેમંત દેસાઈ પણ સંમત થાય છે.
તેઓ જણાવે છે કે, "અમિત શાહના કામ કરવાના અંદાજને જોતાં એવું લાગે છે કે આ ખાતાની જવાબદારી તેમને ઘણા વિચાર-વિમર્શ પછી સોંપાઈ હશે."
આ અંગે વરિષ્ઠ પત્રકાર વિજય ચોરમરે જણાવે છે કે, "અમિત શાહને આ નવા મંત્રાલયની જવાબદારી સોંપાઈ એ વાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ ક્ષેત્ર અત્યાર સુધી રાજ્યોના હાથમાં હતું."
"તેથી નજીકના ભવિષ્યમાં આ અંગે દખલગીરીના સમાચારો સામે આવી શકે છે જે કારણે નવી ચર્ચા શરૂ થઈ શકે છે."

સહકાર એટલે શું?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
સામાન્ય શબ્દોમાં કહીએ તો સહકાર એટલે સાથે મળીને કામ કરવું. નાગરિકો એક સાથે આવી કોઈ સંસ્થાનું સર્જન કરે છે. જો તેઓ આ મંડળી થકી કોઈ પ્રકારની પ્રવૃત્તિ કે કામ કરે છે તો આવા માળખાને સહકારી ક્ષેત્ર કહે છે.
ભારતની વાત કરીએ તો દેશમાં સહકારી ક્ષેત્રની શરૂઆત વર્ષ 1904માં થઈ હતી. તે સમયે ફ્રેડરિક નિકરસન નામના એક અંગ્રેજ ઑફિસર દ્વારા તેની સ્થાપના કરાઈ હતી.
બાદમાં વર્ષ 1912માં કો-ઑપરેટિવ સોસાયટિઝ ઍક્ટ આવ્યો. આ કાયદાનુસાર, તમામ પ્રકારની સહકારી સોસાયટીઓની નોંધણી કરાવવાનું શક્ય બન્યું.
આ કાયદાને લાગુ કરવા માટે રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવી. આવી રીતે કો-ઑપરેશન વિભાગની શરૂઆત થઈ.
ત્યાર બાદ કેન્દ્ર સરકાર પાસેથી સહકારિતા ક્ષેત્ર અંગેની સત્તા પ્રાદેશિક સરકારોને સોંપવાની શરૂઆત કરવામાં આવી ત્યારે પ્રાદેશિક સરકારોએ આ માટે પોતપોતાના કાયદાઓ ઘડવાનું શરૂ કરી દીધું.
આવી રીતે મુંબઈ પ્રાંતમાં કો-ઑપરેટિવ ઍક્ટ-1925 લાગુ કરવામાં આવ્યો.
સ્વતંત્રતા બાદ સહકારી ક્ષેત્રની જવાબદારી જે તે રાજ્ય સરકારોને સોંપવામાં આવી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છે












