મોદી મંત્રીમંડળમાંથી શા માટે રવિશંકર પ્રસાદ, હર્ષવર્ધન જેવા મોટા મંત્રીઓને દૂર કરાયા?

શપથવિધિના થોડા કલાકો પહેલાં જ દેશના આરોગ્ય, શિક્ષણ અને માહિતી તથા પ્રસારણ પ્રધાનોનાં રાજીનામાં પણ પડ્યાં, મોદી સરકારના કુલ 12 પ્રધાનોને પદ પરથી હઠાવવામાં આવ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શપથવિધિના થોડા કલાકો પહેલાં જ દેશના આરોગ્ય, શિક્ષણ અને માહિતી તથા પ્રસારણ પ્રધાનોનાં રાજીનામાં પણ પડ્યાં, મોદી સરકારના કુલ 12 પ્રધાનોને પદ પરથી હઠાવવામાં આવ્યા
    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા

નરેન્દ્ર મોદી સરકારમાં 43 નવા મંત્રીઓની શપથવિધિ થઈ. આજ સુધીની કોઈ પણ સરકારનું આ સૌથી મોટું મંત્રીમંડળ વિસ્તરણ હતું.

શપથવિધિના થોડા કલાકો પહેલાં જ દેશના આરોગ્ય, શિક્ષણ અને માહિતી તથા પ્રસારણમંત્રીઓનાં રાજીનામાં પણ પડ્યાં. મોદી સરકારના કુલ 12 મંત્રીઓને પદ પરથી હઠાવવામાં આવ્યા.

'મિનિમમ ગવર્નમેન્ટ, મૅક્સિમમ ગર્વનન્સ'નો નારો આપનારા નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં કુલ 36 નવા મંત્રીઓ સામેલ કરાયા છે.

રાજકીય વિશ્લેષકો તેની પાછળ બે મહત્ત્વનાં કારણ જુએ છે - એક વ્યવહારુ રાજકારણની મજબૂરી અને બીજી કોરોના મહામારી પછી જનતાને સરકાર કામ કરે છે તેવું દેખાડવું જરૂરી બન્યું છે.

મંત્રીમંડળના વિસ્તરણમાં નવા મંત્રીઓને સામેલ કરાયા તે વિશેના સવાલના જવાબમાં વરિષ્ઠ પત્રકાર પ્રદીપ સિંહ કહે છે, "આ પૉલિટિકલ પ્રેગ્મેટિઝમ એટલે કે રાજકીય વ્યવહાર છે. સરકારની રાજકીય મજબૂરીઓ પણ હોય છે. એ વાત સાચી કે પહેલાં ઘણાં મુખ્ય મંત્રાલયોને એકબીજા સાથે જોડી દેવાયાં હતાં. આ વખતે એવી કોશિશ છે કે એક મંત્રી પાસે એક મંત્રાલય રહે."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

પ્રદીપ સિંહ કહે છે, "તમે શું નારા આપ્યા, કેવા સિદ્ધાંતો બનાવ્યા કે ઈરાદા શું હતા એનો કોઈ અર્થ રહેતો નથી. આખરે પરિણામ જ દેખાય છે. જનતા એ વાતે જ મત આપશે કે તમે કેવો દેખાવ કર્યો. સરકારે એવી પ્રાથમિકતા દર્શાવી કે પાયાના સ્તરે કામ દેખાવું જોઈએ અને મંત્રીમંડળના વિસ્તરણનો હેતુ પણ એ જ છે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળનું આ પ્રથમ મંત્રીમંડળ વિસ્તરણ છે. તેમાં કુલ 43 પ્રધાનોને સમાવાયા, જેમાંથી 15ને કૅબિનેટ કક્ષાના મંત્રીઓ બનાવાયા છે.

હકીકતમાં વડા પ્રધાન મોદીએ જૂનમાં જ બધાં મંત્રાલયોની સમીક્ષા કરી હતી. બધા મંત્રીઓની કામગીરીની સર્વાંગી તપાસ કરવામાં આવી હતી.

જાણકારો એમ પણ કહે છે કે તેના આધારે જ મોદીએ નક્કી કર્યું હતું કે કયા કયા મંત્રીઓને દૂર કરવા. સૌપ્રથમ એ પાંચ મોટા મંત્રીઓ વિશે જાણીએ, જેમને હઠાવવામાં આવ્યા છે.

line

ડૉ. હર્ષવર્ધન

ભૂતપૂર્વ આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, આરોગ્યમંત્રીને હઠાવવાથી સરકાર સામે એ સવાલ થશે કે તેમણે મહામારી વખતે યોગ્ય વ્યવસ્થા ના કરી અને લોકોના જીવ બચાવવામાં નિષ્ફળ રહી

કોરોના મહામારી વખતે આરોગ્ય મંત્રાલયનું નેતૃત્વ કરી રહેલા હર્ષવર્ધનને રાજીનામું આપી દેવું પડ્યું છે. રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર પ્રદીપ સિંહ કહે છે, "સ્પષ્ટ છે કે વડા પ્રધાન તેમના કામથી ખુશ નહોતા."

વરિષ્ઠ પત્રકાર અદિતિ ફડનીસ કહે છે, "આરોગ્ય મંત્રાલયમાં મોટા ફેરફાર કરાયા છે. સરકાર દેખાડવા માગે છે કે કોરોના મહામારીમાં લોકોને જે મુશ્કેલીઓ થઈ, નુકસાન થયું તે હવે થવા નહીં દેવાય."

આરોગ્યમંત્રીને હઠાવવાથી સરકાર સામે એ સવાલ થશે કે તેમણે મહામારી વખતે યોગ્ય વ્યવસ્થા ના કરી અને લોકોના જીવ બચાવવામાં નિષ્ફળ રહી. વિશ્લેષકોનું માનવું છે કે વડા પ્રધાન મોદીને વિપક્ષની ટીકાની બહુ પરવા હોતી નથી.

પ્રદીપ સિંહ કહે છે, "આરોગ્યમંત્રીને હઠાવાયા તેનો અર્થ એ થયો કે સરકારે વિપક્ષને ટીકા કરવાની તક આપી દીધી. તેમને હઠાવાયા એટલે મુદ્દો ઊભો થશે કે સરકાર કોરોના મહામારીમાં કામગીરીમાં નિષ્ફળ ગઈ. આ વાત વડા પ્રધાન પણ જાણે છે, પણ તેમની કામ કરવાની પદ્ધતિ એ છે કે તેઓ વિપક્ષની ટીકાની બહુ પરવા કરતા નથી."

બીજી બાજુ અદિતિ ફડનીસ કહે છે, "કોરોનામાં એક સમય એવો હતો કે લોકોને તાળી પાડવા અને થાળી ખખડાવવા માટે જણાવાયું હતું. પછી એક એવો સમય આવ્યો કે મોદીજી ટીવી પર આવીને રડવા લાગ્યા અને હવે આ સમય છે કે જ્યાં સંકેત આપવામાં આવ્યો છે કે હવે રોવાનું બંધ અને કામ કરવાનો સમય આવ્યો છે."

line

રમેશ પોખરિયાલ નિશંક

નવી શિક્ષણનીતિ લાગુ કરવામાં નિશંકની નિષ્ફળતાને કારણે તેમને હઠાવાયા હોવાનું કહેવાઈ રહ્યું છે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, નવી શિક્ષણનીતિ લાગુ કરવામાં નિશંકની નિષ્ફળતાને કારણે તેમને હઠાવાયા હોવાનું કહેવાઈ રહ્યું છે

નવા મંત્રીમંડળના વિસ્તરણમાં શિક્ષણમંત્રીને પણ હઠાવી દેવાયા. ઉત્તરાખંડના નેતા રમેશ પોખરિયાલ નિશંકે શિક્ષણમંત્રી તરીકે ભારતની નવી શિક્ષણનીતિ તૈયાર કરી હતી.

પ્રદીપ સિંહ માને છે કે નવી શિક્ષણનીતિ લાગુ કરવામાં નિશંકની નિષ્ફળતાને કારણે તેમને હઠાવાયા છે.

પ્રદીપ સિંહ કહે છે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવી શિક્ષણનીતિની બાબતમાં નિશંકના કામથી નારાજ હતા. શિક્ષણમાં આટલું મોટું પરિવર્તન કર્યું, પરંતુ તેની કોઈ ચર્ચા ના થઈ કે તેને કોઈએ સમાચારોમાં મહત્ત્વ ના આપ્યું."

"નવી શિક્ષણનીતિ શું છે, કેવા ફેરફારો થશે વગેરે વાતો જનતા સુધી પહોંચાડવામાં નિશંક નિષ્ફળ નીવડ્યા. કદાચ એ વાતથી જ વડા પ્રધાન નારાજ હતા."

કોરોના મહામારી વચ્ચે કેન્દ્રીય બોર્ડની દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ રદ કરવી પડી હતી.

અદિતિ કહે છે, "નવી શિક્ષણનીતિ આ મંત્રીએ બનાવી હતી. સીબીએસઈની દસમા અને બારમા ધોરણની પરીક્ષાના મુદ્દે ભારે અસંમજસ ઊભી થઈ હતી અને વાલીઓ પરેશાન થયા હતા. એક મહિનો બાકી હતો, પણ વિદ્યાર્થીઓને ખાતરી નહોતી કે પરીક્ષા લેવાશે. સરકાર કરવા શું માગે છે એ જ લોકો સમજી શકતા નહોતા."

line

રવિશંકર પ્રસાદ

ટ્વિટર સાથે બાખડી પડેલા રવિશંકર પ્રસાદે પણ રાજીનામું આપી દેવું પડ્યું હતું

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ટ્વિટર સાથે બાખડી પડેલા રવિશંકર પ્રસાદે પણ રાજીનામું આપી દેવું પડ્યું હતું

ટ્વિટર સાથે બાખડી પડેલા રવિશંકર પ્રસાદે પણ રાજીનામું આપી દેવું પડ્યું છે. અદિતિ ફડનીસ માને છે કે રવિશંકર પ્રસાદને હઠાવાયા તેની પાછળ આ વિવાદ પણ કારણભૂત હોઈ શકે છે.

ફડનીસ કહે છે, "રવિશંકર પ્રસાદના રાજીનામાને ટ્વિટર વિવાદ સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. રવિશંકર પ્રસાદે દુનિયાની કદાવર આઈટી કંપનીઓને પડકાર ફેંક્યો હતો, જેના કારણે ભારત એક અજબ સ્થિતિમાં ફસાઈ ગયું હતું."

"અમેરિકાએ પણ કહેવું પડ્યું કે ભારત યોગ્ય નથી કરી રહ્યું. મને લાગે છે કે ભારતનો ઈરાદો કોઈ વૈશ્વિક વિવાદમાં ફસાવાનો નથી. તેના કારણે મોટી મુશ્કેલી થઈ છે."

ભારત નાગરિકોની અંગત માહિતીના ખાનગીપણા માટે ડેટા પ્રૉટેક્શનનો કાયદો પણ લાવી રહ્યું છે.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

આ બાબતમાં સંયુક્ત સંસદીય સમિતિ અહેવાલ તૈયાર કરી રહી છે, પરંતુ તે પહેલાં જ રવિશંકર પ્રસાદે ટ્વીટ કરીને જણાવી દીધું કે પોતે આ અહેવાલથી બહુ રાજી નથી.

અદિતિ ફડનીસ કહે છે કે આના કારણે સરકારની બહુ બદનામી થઈ હતી. ભારત સરકાર નવા ડેટા પ્રોટેક્શનનો કાયદો બનાવે છે અને તેની દેખરેખ સંયુક્ત સંસદીય સમિતિ કરી રહી છે અને હજી તે અહેવાલ આવવાનો બાકી છે. રવિશંકર પ્રસાદને એ ખબર જ નહોતી કે આ અહેવાલ હજી પૂરી રીતે તૈયાર થયો નથી. તેમણે અગાઉ જ ટ્વીટ કરી દીધું કે પોતે આ અહેવાલથી ખુશ નથી.

ફડનીસ કહે છે, "ડેટા પૉલિસી માટે ગંભીરતાથી કામ ચાલી રહ્યું છે. ભારતનું બંધારણ જેટલી ગંભીરતાથી લખાયું હતું, તેટલી ગંભીરતા સાથે આના પર કામ ચાલી રહ્યું છે."

line

પ્રકાશ જાવડેકર

પ્રકાશ જાવડેકરની કામગીરીથી ખુશ નહોતી મોદી સરકાર?

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પ્રકાશ જાવડેકરની કામગીરીથી ખુશ નહોતી મોદી સરકાર?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણમંત્રી પ્રકાશ જાવડેકરને પણ બહારનો રસ્તો બતાવી દીધો. તેનાં બે કારણ માનવામાં આવે છે.

એક એ કે પર્યાવરણ મંત્રાલયમાં ખાસ કોઈ કામ થયું નહોતું. બીજું, પ્રકાશ જાવડેકર માટે પક્ષમાં જ સમર્થન ઓછું થઈ રહ્યું છે.

અદિતિ કહે છે, "પર્યાવરણ મંત્રાલયની વેબસાઇટ જુઓ તો લાગે કે સરકાર અને પર્યાવરણ મંત્રાલયે 2020 પછી કોઈ નવી પહેલ કરી જ નથી. એવું લાગે છે કે પર્યાવરણ મંત્રાલયે 2020 પછી કોઈ કામ કર્યું જ નથી. જે પણ કામ છે તે 2019 સુધીનું જ દેખાય છે."

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

ભારતની સામે પર્યાવરણની બાબતમાં ઘણા પડકારો છે. ડિસેમ્બરમાં કેનબરામાં કોપ-26ની બેઠક મળવાની છે, જેમાં પર્યાવરણ અંગેના ઘણા મહત્ત્વના નિર્ણયો લેવાશે.

આમ છતાં પર્યાવરણ મંત્રાલયે આ બાબતમાં કોઈ તૈયારી નહોતી કરી તેમ અદિતિ કહે છે.

અદિતિ કહે છે, "વડા પ્રધાને નારો આપ્યો હતો કે આગામી વર્ષ સુધીમાં ભારત સિંગલ યૂઝ પ્લાસ્ટિકમાંથી મુક્ત થયેલું હશે. પરંતુ પર્યાવરણમંત્રાલયની વેબસાઇટ જોઈને ખ્યાલ પણ ના આવે કે આટલી મોટી કામગીરી થઈ રહી છે. કદાચ એનાથી જ વડા પ્રધાન નારાજ થયા હશે."

line

સંતોષ ગંગવાર

ગંગવારને હઠાવવાનું એક કારણ તેમણે યોગી આદિત્યનાથને લખેલો એક પત્ર પણ હોઈ શકે છે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ગંગવારને હઠાવવાનું એક કારણ તેમણે યોગી આદિત્યનાથને લખેલો એક પત્ર પણ હોઈ શકે છે

થોડા મહિના પહેલાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની સરકારની ખુલ્લેઆમ ટીકા કરનારા સંતોષ ગંગવારને પણ હઠાવાયા છે.

ભારતમાં કોરોનાની પ્રથમ લહેર વખતે રોજમદારોએ મોટા પ્રમાણમાં શહેરો છોડીને ગામડે જવા માટે મજબૂર થવું પડ્યું હતું.

પ્રવાસી રોજમદારોની કરુણ સ્થિતિને કારણે કેન્દ્ર સરકારની ભારે ટીકા થઈ હતી. વૈશ્વિક સ્તરે ભારતની બ્રાન્ડને પણ મોટું કલંક લાગ્યું હતું.

અદિતિ ફડનીસ કહે છે, "સંતોષ ગંગવારને હઠાવવા પાછળનું મોટું કારણ એ માનવામાં આવે છે કે પ્રવાસી મજૂરોની સમસ્યાને તેમણે યોગ્ય રીતે સંભાળી નહીં."

વીડિયો કૅપ્શન, મોદી સરકારના કાર્યકાળમાં સ્વિસ બૅંકોમાં ભારતીયોનાં નાણાં કેમ વધી ગયાં?

"કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વાતચીત કરીને આ માટેની યોગ્ય નીતિ બનાવવાની જરૂર હતી. તેમાં તેઓ શ્રમમંત્રી તરીકે બહુ અગત્યની ભૂમિકા ભજવી શકે તેમ નહોતા. આમ છતાં તેમને હઠાવી દેવામાં આવ્યા."

અદિતિ માને છે કે ગંગવારને હઠાવવાનું એક કારણ તેમણે યોગી આદિત્યનાથને લખેલો એક પત્ર પણ હોઈ શકે છે.

અદિતિ કહે છે, "મને લાગે છે કે સંતોષ ગંગવારને હઠાવવાનું એક મહત્ત્વનું કારણ તેમણે યોગી આદિત્યનાથને લખેલો પત્ર છે. કોરોનાની બીજી લહેર વખતે સરકારની કામગીરીની તેમણે મુક્ત મને ટીકા કરી હતી. સંતોષ ગંગવારે મહત્ત્વના સવાલો ઉઠાવ્યા હતા, પરંતુ કદાચ સરકારે એવા સંકેત આપ્યા છે કે યોગી આદિત્યનાથની ટીકા ચલાવી લેવાશે નહીં."

"ભાજપ સરકાર એ બાબતે સાવધ છે કે યુપીમાં યોગી આદિત્યનાથના કામકાજની ટીકાની અસર આગામી ચૂંટણીમાં પડી શકે છે."

line

અન્ય મંત્રીઓનાં પણ રાજીનામાં

આટલી મોટી સંખ્યામાં પ્રધાનોને હઠાવવાનું એક કારણ એ પણ ખરું કે નવા પ્રધાનો માટે જગ્યા કરવી જરૂરી હતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, આટલી મોટી સંખ્યામાં પ્રધાનોને હઠાવવાનું એક કારણ એ પણ ખરું કે નવા પ્રધાનો માટે જગ્યા કરવી જરૂરી હતી

આ પાંચ મુખ્ય મંત્રી ઉપરાંત પશ્ચિમ બંગાળના બાબુલ સુપ્રિયોને પણ પ્રધાનપદેથી હઠાવાયા. એવું માનવામાં આવે છે કે પશ્ચિમ બંગાળમાં પક્ષનો દેખાવ ખરાબ રહ્યો તેના કારણે તેમને દૂર કર્યા.

પ્રદીપ સિંહ કહે છે, "બાબુલ સુપ્રિયોને પશ્ચિમ બંગાળની ચૂંટણીનાં પરિણામોની કિંમત ચૂકવવી પડી છે. બીજું કે તેમનું વર્તન એક સ્ટાર જેવું હતું. મંત્રી પાસે એવી અપેક્ષા હોતી નથી."

આ ઉપરાંત થાવરચંદ ગેહલોત (સામાજિક ન્યાયમંત્રી), દેબોશ્રી ચૌધરી (મહિલા બાળ વિકાસમંત્રી), સદાનંદ ગૌડા (ખાતર અને રસાયણમંત્રી) સંજય ધોત્રે (શિક્ષણ રાજ્યમંત્રી), પ્રતાપ સારંગી અને રતનલાલ કટારિયાને પણ પ્રધાનપદેથી હઠાવી દેવાયા છે.

આટલી મોટી સંખ્યામાં મંત્રીઓનેને હઠાવવાનું એક કારણ એ પણ ખરું કે નવા મંત્રીઓ માટે જગ્યા કરવી જરૂરી હતી.

બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

જોકે પ્રદીપ સિંહ કહે છે, "સરકારનો સિદ્ધાંત સ્પષ્ટ છે કે તમે કામ કરી બતાવો અને અથવા તો રવાના થાઓ."

પ્રદીપ સિંહ કહે છે, "વડા પ્રધાને દરેક મંત્રાલયની કામગીરીની સમીક્ષા કરી હતી. આ સરકારની એક સમસ્યા એ છે કે વડા પ્રધાન ટાસ્ક માસ્ટર છે. તમે તેને સારી સ્થિતિ પણ કહી શકો છો. પણ તેમની સાથે કદમ મિલાવીને કામ કરવું મુશ્કેલ છે."

"તેમની ગતિએ ના ચાલનારા ધીમેધીમે પાછળ રહી જાય છે. જે મંત્રીઓને હઠાવાયા તેમની સાથે આવું જ થયું છે."

વડા પ્રધાન મોદીની કામ કરવાની શૈલી જ એવી છે કે દરેક મંત્રાલયમાં તેમની સીધી દખલગીરી હોય છે.

પ્રદીપ સિંહ કહે છે, "ઘણા મંત્રીઓને એવું લાગતું હશે કે વડા પ્રધાન જ અમારું મંત્રાલય ચલાવી રહ્યા છે. મંત્રીઓએ દર અઠવાડિયે વડા પ્રધાનને વૉટ્સઍપ પર રિપોર્ટ આપવાનો હોય છે."

line

ધ્યાન ખેંચનારા નવા મંત્રીઓ

અનુપ્રિયા પટેલને પણ ફરીથી કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અનુપ્રિયા પટેલને પણ ફરીથી કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે

કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને કૅબિનેટમંત્રી બનાવાયા છે. આસામના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી સર્વાનંદ સોનોવાલ પણ મંત્રી તરીકે પાછા ફર્યા છે.

આ ઉપરાંત અનુપ્રિયા પટેલને પણ ફરીથી કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. મોદી સરકારના આઠમા વર્ષમાં સૌથી વધુ મહિલા મંત્રીઓને સ્થાન મળ્યું છે. હવે મોદી સરકારમાં 11 મહિલા મંત્રી છે.

બુધવાર સાંજે 15 કૅબિનેટમંત્રી અને 28 રાજ્યકક્ષાના મંત્રીએ શપથ લીધા. તેમાં લોક જનશક્તિ પક્ષના પશુપતિ પારસ અને જેડી(યુ)ના આરસીપી સિંહનો પણ સમાવેશ થાય છે.

line

નજર યુપીની ચૂંટણી પર?

ઉત્તરપ્રદેશની ચૂંટણી માટે માસ્ટર સ્ટ્રોક સાબિત થશે મંત્રીમંડળનું આ વિસ્તરણ?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉત્તરપ્રદેશની ચૂંટણી માટે માસ્ટર સ્ટ્રોક સાબિત થશે મંત્રીમંડળનું આ વિસ્તરણ?

ઉત્તર પ્રદેશમાંથી સાત સાંસદોને મંત્રીમંડળ વિસ્તરણની પ્રક્રિયા બાદ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.

ઉત્તર પ્રદેશની મહારાજગંજ બેઠક પરથી જિતેલા ભાજપના પંકજ ચૌધરીને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે. અપના દળનાં અનુપ્રિયા પટેલને પણ રાજ્યકક્ષાનાં મંત્રી બનાવાયાં છે.

ગત વખતની મોદી સરકારમાં પણ અનુપ્રિયા રાજ્યકક્ષાનાં મંત્રી હતાં

આ ઉપરાંત આગ્રાથી જિતેલા ભાજપના સાંસદ એસ.પી. બઘેલને પણ રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. બઘેલ એસપી અને બીએસપીમાં થઈને ભાજપમાં આવ્યા છે.

રાજકીય વિશ્લેષકો માને છે કે ઉત્તર પ્રદેશની વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈને બધી જ્ઞાતિઓને ખુશ કરવાની કોશિશ થઈ છે.

અદિતિ ફડનીસ કહે છે, "મોટા ભાગના જે નવા મંત્રીઓ આવ્યા તે યુપીના છે. તેથી સ્પષ્ટ થઈ જાય છે કે સરકાર યુપીની ચૂંટણી માટે ગંભીર છે."

"દાખલા તરીકે અનુપ્રિયા પટેલે પ્રથમ કાર્યકાળમાં ખાસ કંઈ કામકાજ કર્યું નહોતું. આમ છતાં ફરીથી તેમને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું, કેમ કે રાજકીય રીતે તેમની હાજરી ફાયદાકારક થાય તેમ છે."

બદલો YouTube કન્ટેન્ટ, 5
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5

બીજી બાજુ પ્રદીપ સિંહ કહે છે, ''આનો રાજકીય અર્થ બિલકુલ સ્પષ્ટ છે. વર્ષ 2014માં ભાજપે સોશિયલ ઇજનેરીનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો તેને હવે મજબૂત કરવામાં આવી રહ્યો છે."

"પહેલાં 2014માં અને પછી યુપી 2017માં અને પછી લોકસભા 2019, આ ચૂંટણીઓમાં ભાજપને જે જ્ઞાતિ સમીકરણોને કારણે સત્તા મળી હતી તેને મજબૂત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે."

પ્રદીપ સિંહ કહે છે, "ભાજપ બિનજાટ દલિતો અને બિનયાદવ ઓબીસીને વધારે હિસ્સો આપવા માગે છે. 2014માં આ જ જ્ઞાતિઓ પર પક્ષનું ધ્યાન કેન્દ્રિત હતું. હવે આ જ્ઞાતિઓને મજબૂત કરવાની કોશિશ થઈ રહી છે."

"સરકાર એ સંદેશ આપવા માગે છે કે પછાતોના નામે રાજકારણ કરનારા પક્ષો કે નેતાઓએ આ જ્ઞાતિઓને જે ના આપ્યું તે પોતે આપવા માગે છે.''

વડા પ્રધાન મોદીના નવા મંત્રીમંડળમાં ચાર ભૂતપૂર્વ અમલદારો પણ છે. અદિતિ માને છે કે વડા પ્રધાન મોદીની નીતિમાં જ ફેરફાર દેખાયો છે. તેઓ હવે સરકારની બાબતમાં વધારે વ્યવહારુ બન્યા છે.

અદિતિ ફડનીસ કહે છે, "વડા પ્રધાન મોદીએ પ્રથમ કાર્યકાળમાં એવા બ્યૂરોક્રેટ્સને મંત્રીમંડળમાં નહોતા લીધા, જેઓ નોકરી છોડીને રાજકારણમાં આવ્યા હોય અને ચૂંટણી જીતી ગયા હોય."

"તે વખતે મોદીએ કહ્યું હતું કે આ લોકોએ આખી જિંદગી સરકારી મીઠાઈ ખાધી છે, હું હવે તેમને વધારે નહીં ખવરાવું. એટલે કે મોદી 360 ડિગ્રીનો ટર્ન લઈને જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં આવી ગયા છે. આ વખતે દર ત્રીજો મંત્રી કાં તો પ્રોફેશનલ છે, વ્યવસાયી છે અથવા તો બ્યૂરોક્રેટ છે."

મંત્રીમંડળ વિસ્તરણમાં જૂના મંત્રીઓને હઠાવી દેવાયાની ટીકા કરવાનું વિપક્ષે શરૂ કરી દીધું છે. પરંતુ વિશ્લેષકોનું માનવું છે કે તેનાથી મોદી સરકારને બહુ ફરક નહીં પડે.

જેમ કે અદિતિ માને છે કે આ એક સાહસભર્યું પગલું છે. વિપક્ષ કહેશે કે તમે આટલા લોકોને હઠાવ્યા, કેમ કે તેમણે બરાબર કામ નહોતું કર્યું. તેનો જવાબ આપો. જોકે મોદીને ખ્યાલ છે કે આજની તારીખમાં વિપક્ષ જે ટીકા કરે છે તેનાથી તેમને બહુ ફરક પડતો નથી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો