ટોક્યો ઑલિમ્પિકમાં આ ઘોડી ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ઇમેજ સ્રોત, Embassy Group
- લેેખક, જાન્હવી મૂલે
- પદ, બીબીસી સંવાદદાતા
ઑલિમ્પિકમાં ભાગ લેનારા ભારતીય હરીફો અંગે કોઈ વિચારે તો તેમના મનમાં ખેલાડીઓ, કોચ, ખેલ અધિકારીઓની તસવીર સામે આવે. પણ શું તમને ખબર છે કે આ વખતે એક ઘોડી પણ ટોક્યો ઑલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે?
તેનું નામ દયારા-4 છે અને તે ભારતના ઘોડેસવાર ખેલાડી ફવાદ મિર્ઝાની સાથે ઑલિમ્પિકમાં પ્રતિસ્પર્ધા કરશે. વર્ષ 2011માં જન્મેલી દયારા જર્મન બે હોલસ્ટાયનર નસલની ઘોડી છે. તેનો રંગ ભૂરો છે. અત્યાર સુધી તેણે 23 ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને તેમાંથી પાંચમાં જીત મેળવી છે.
ફવાદને પ્રાયોજિત કરનારા એમ્બૅસી ગ્રૂપે વર્ષ 2019માં દયારાને ખરીદી હતી. તેના માટે તેમને 2,75.000 યુરો (અંદાજે બે કરોડ 43 લાખ રૂપિયા) ચૂકવવા પડ્યા હતા. એમ્બૅસી ગ્રૂપે ફવાદ માટે અન્ય ત્રણ ઘોડા ખરીદ્યા હતા.
તેમાં દયારા-4 અને સેન્યૂર મેડિકોટે ઑલિમ્પિક માટે ક્વૉલિફાઇ કર્યું. બંને ઘોડાનું વર્તમાન પ્રદર્શન જોતાં ફવાદે ટોક્યો ઑલિમ્પિકમાં દયારા સાથે ખેલવાનો નિર્ણય કર્યો છે.

ઇમેજ સ્રોત, EMBASSY GROUP
તેમનું કહેવું છે, "દયારા હાલ શાનદાર ફૉર્મમાં છે અને તે વિશ્વકક્ષાએ પ્રદર્શનના દબાણને સહન કરી શકે છે."
ઘોડેસવારી અન્ય રમતોથી અલગ હોય છે. અહીં ખેલાડીઓ એટલે કે ઘોડેસવારોને તેમના ઘોડા સાથેનો સંબંધ ઘણો મહત્ત્વનો હોય છે. સંબંધ બનાવવા માટે ઘોડેસવાર કેટલાંક વર્ષો ઘોડા સાથે વિતાવે છે.
તેની સાથે તાલીમ લે છે અને એટલે સુધી કે તેની સારસંભાળ પણ રાખે છે.
ફવાદ કહે છે, "જો તમે ઘોડા સાથે વર્ષો સુધી કામ કરો તો તમે તેની સાથે વિશ્વાસ કેળવી શકો છો. પછી તે ઘોડાને ખવડાવવાની વાત હોય કે તેમની સારસંભાળની. તેમાં વિતાવેલા કલાકો ઘોડા સાથે મજબૂત સંબંધ કેળવવામાં મદદ કરે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે દયારા સાથે આવો જ સંબંધ વિકસાવ્યો છે.

ઘોડા માટે ક્વોરૅન્ટીન

ઇમેજ સ્રોત, Embassy Group
બેંગલુરુમાં જન્મેલા અને ત્યાં જ મોટા થયેલા ફવાદ 29 વર્ષના છે. હાલમાં તેઓ ઉત્તર-પશ્ચિમ જર્મનીના એક ગામમાં અભ્યાસ કરી રહ્યા છે.
તેઓ લગભગ બાર કલાક રોજ ઘોડા સાથે વિતાવે છે અને તેમને તાલીમ આપે છે. ફવાદ અને દયારા જલદી ટોક્યો ઑલિમ્પિક માટે રવાના થશે.
અન્ય ઍથ્લીટો અને અધિકારીઓની જેમ ઘોડાને પણ કોવિડ પ્રોટોકૉલ હેઠળ ક્વોરૅન્ટીનમાં સમય પસાર કરવો પડશે. આથી ફવાદ અને દયારા ટોક્યો પહોંચતાં પહેલાં અને બાદમાં સાત દિવસ સુધી આઇસોલેશનમાં રહેશે.
દયારાની સારસંભાળ માટે ફવાદ સાથે એક વિશેષ ટીમ પણ છે. આ ટીમમાં ઘોડાની સારસંભાળ કરનારાં યોહાના પોહોનેન, વેટનરી ડૉક્ટર ગ્રિગોરિયો મેલિજ અને ફિઝિયોથૅરપિસ્ટ વ્હેરોનિકા સિન્ઝ પણ સામેલ છે.
ફવાદનું માનવું છે કે દયારા ઑલિમ્પિકમાં સારું પ્રદર્શન કરશે. વર્ષ 2020માં દયારા માત્ર પાંચ પ્રતિસ્પર્ધાઓમાં ભાગ લઈ શકી હતી, કેમ કે કોરોનાને કારણે ઘણી સ્પર્ધાઓ થઈ શકી નહોતી. પરંતુ આ વખતે તે ફૉર્મમાં છે. ઇટાલીમાં આયોજિત સ્પર્ધામાં તે પાંચમા સ્થાને રહી. બાદમાં તે પોલૅન્ડના બાબોરોવ્કોમાં આયોજિત સ્પર્ધામાં ત્રીજા અને પોલૅન્ડના સ્ટર્ઝેગોમમાં આયોજિત એફઈઆઈ નેશન્સ કપમાં બીજા સ્થાને રહી.

20 વરસનો ઇંતેજાર

ઇમેજ સ્રોત, EMBASSY GROUP
બે દશકમાં પહેલી વાર ઑલિમ્પિકમાં કોઈ ઘોડેસવાર ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે.
ફવાદથી પહેલાં દિવંગત વિંગ કમાન્ડર આઈજે લાંબા અને ઇમ્તિયાઝ અનીસ જ એવા ભારતીય છે, જેમણે ઑલિમ્પિકમાં ઘોડેસવારીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
વિંગ કમાન્ડર આઈજે લાંબાએ વર્ષ 1996માં ઍટલાન્ટા ઑલિમ્પિકમાં ઘોડેસવારી સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્ષ 2000માં સીડની ઑલિમ્પિકમાં ઇમ્તિયાઝ અનીસને વાઇલ્ડ કાર્ડ ઍન્ટ્રી મળી હતી.
ફવાદે ગત વર્ષે ઑલિમ્પિક માટે ક્વૉલિફાઇ કર્યું હતું, પણ તેમના માટે આ પહેલી મોટી ખેલસ્પર્ધા નથી. ફવાદ વર્ષ 2018માં જાકાર્તા (ઇન્ડોનેશિયા) એશિયન રમતોમાં બે કૅટેગરી વ્યક્તિગત સ્પર્ધા અને ટીમ સ્પર્ધામાં રજતપદક જીતી ચૂક્યા છે.
આ સિદ્ધિ માટે તેમને 2019માં અર્જુન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. ફવાદ ટોક્યો ઑલિમ્પિકમાં વ્યક્તિગત સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
ગત વર્ષે તેમણે દક્ષિણ અને પૂર્વ એશિયા-ઓશિનિયા સમૂહ વિશ્વ રૅન્કિંગમાં શીર્ષ સ્થાન મેળવ્યું હતું અને ઑલિમ્પિક ટિકિટ મેળવી હતી. ફવાદના પિતા પશુ ચિકિત્સક છે અને બાળપણથી તેઓ ઘોડેસવારીનો શોખ ધરાવે છે.

શું દયારા ભારતમાં ઘોડેસવારીને પ્રોત્સાહન આપશે?

ઇમેજ સ્રોત, EMBASSY GROUP
ઘોડાનું ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિમાં મહત્ત્વનું સ્થાન રહ્યું છે. પછી એ શિવાજી મહારાજનો મોતી હોય કે કૃષ્ણ, મહારાણા પ્રતાપનો ચેતક કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો બાદલ. ભારતની કહાણીઓમાં ઘોડાઓનું મહત્ત્વનું સ્થાન છે.
માનવામાં આવે છે કે દક્કની જાતના ભીમથડી ઘોડાએ સત્તરમી અને અઢારમી સદીમાં મરાઠા સામ્રાજ્યના વિસ્તારમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
મહારાષ્ટ્રના સારંગખેડામાં આજે પણ ઘોડાનું મોટું બજાર છે, જ્યાં કરોડોનો કારોબાર થાય છે. તેમ છતાં ભારતમાં ઘોડેસવારી એક રમત તરીકે બહુ લોકપ્રિય નથી.
એમ્બૅસી ગ્રૂપના ચૅરમૅન અને મૅનેજિંગ ડાયરેક્ટર જિતુ વીરવાણી કહે છે, "તેનું મુખ્ય કારણ એ છે કે આ રમત બહુ મોંઘી છે અને તેમાં બહુ રોકાણની જરૂર પડે છે."
તેઓ કહે છે, "ઘોડા ખરીદવામાં ઘણી મુશ્કેલીઓ હોય છે. એશિયન રમતોમાં ટીમ મોકલવા માટે આપણે ઘણો સંઘર્ષ કરવો પડે છે. પણ હવે અમને આશા છે કે સ્થિતિ બદલાશે."
ભારતમાં ઘોડેસવારી રમત બહુ જાણીતી નથી, પણ જાણકારોનું કહેવું છે કે ફવાદ અને દયારા તેને બદલી શકે છે. ફવાદ પણ તેનાથી સહમત થાય છે કે દયારાને જોઈને લોકોની રમત પ્રત્યેની રુચિ વધશે.
તેઓ કહે છે, અમે પહેલેથી ઇતિહાસ સર્જવાના પ્રયાસો કરી રહ્યા છીએ અને દયારા આ યાત્રામાં મદદ કરશે. તે બહુ સારી, બહુ ખૂબસૂરત ઘોડી છે. મને આશા છે કે એ લોકોનું ધ્યાન આ રમત તરફ ખેંચશે અને યુવાપેઢીને પ્રેરિત કરશે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છે












