Milkha Singhનું નિધન : પાકિસ્તાને જ્યારે મિલ્ખા સિંહને આપ્યો 'ફ્લાઇંગ શીખ'નો ખિતાબ

- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારતના પ્રખ્યાત ઍથ્લીટ મિલ્ખા સિંહનું ચંડીગઢની હૉસ્પિટલમાં નિધન થયું છે. કેટલાક દિવસો પહેલાં તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
કોરોનાનો ચેપ લાગ્યા બાદ 91 વર્ષના મિલ્ખા સિંહને ચંડીગઢના પીજીઆઈએમઈઆરમાં દાખલ કરાવાયા હતા. જ્યાં શુક્રવાર સાંજે તેમની તબિયત કથળી ગઈ હતી અને ઘણા પ્રયાસો બાદ પણ તેમને બચાવી શકાયા નહોતા.
ચંડીગઢમાં બીબીસીના સહયોગી પત્રકાર રવિંદરસિંહ રૉબિનને હૉસ્પિટલના પ્રવક્તા અશોક કુમારે જણાવ્યું હતું કે મિલ્ખા સિંહનું નિધન રાતે 11.30 વાગ્યે થયું છે.
મિલ્ખા સિંહને કોરોનાના સંક્રમણને પગલે ત્રીજી જૂને પીજીઆઈએમઈઆરના આઈસીયુમાં ભરતી કરાવાયા હતા. તેઓ 13 જૂન સુધી આઈસીયુમાં દાખલ હતા અને દરમિયાન તેમણે કોરોનાને હરાવી દીધો હતો.
13 જૂને ટેસ્ટ નૅગેટિવ આવ્યા બાદ કોવિડ સંબંધિત મુશ્કેલીઓને પગલે તેમને ફરીથી આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તમામ પ્રયાસો બાદ પણ તબીબોની ટીમ તેમને બચાવી શકી નહોતી.

દોડવીર મિલ્ખા સિંહની કહાણી

ઇમેજ સ્રોત, Norris Pritam
વિભાજન સમયે હાલ પાકિસ્તાનના મુલતાનમાં સાત પિતરાઈઓની હત્યા બાદ જેમ-તેમ કરીને ટ્રેનમાં છુપાઈને ભારત પહોંચ્યા.
અહીં બે ટંક ખાવાના સાંસાં હતા. દિલ્હીમાં તેઓ એક ઢાબામાં વાસણ સાફ કરતા, જેથી કરીને ખાવા માટે કંઈક મળી રહે. બાદમાં ભારતીય સેનામાં જોડાયા.
વર્ષો પછી પાકિસ્તાનમાં જઈને તેમણે એવો કારનામો કરી દેખાડ્યો કે દુશ્મન દેશના વડાએ તેમને 'ફ્લાઇંગ શીખ'ની ઉપમા આપી, જે આજીવન તેમની સાથે જોડાયેલી રહી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક જૂની આદતને કારણે મિલ્ખા સિંહ ઘડીભરના ફરકથી રોમ ઑલિમ્પિકમાં પદક ચૂકી ગયા અને સર્વોચ્ચ ખેલ મહાકુંભમાં વ્યક્તિગત સુવર્ણપદક માટે ભારતે વર્ષો સુધી રહા જોવી પડી.
તેમના જીવન ઉપર 'ભાગ મિલ્ખા ભાગ' નામની ફિલ્મ બની, જેનું નિર્દેશન રાકેશ ઓમ પ્રકાશ મહેરાએ કર્યું, જ્યારે ફરહાન અખ્તરે મિલ્ખાસિંહની ભૂમિકા ભજવી.

મિલ્ખા સિંહની જીત કરતાં એ હારની વધુ ચર્ચા

મિલ્ખા સિંહ તેમની કારકિર્દી દરમિયાન એશિયાઈ રમતોત્સવમાં ચાર સુવર્ણપદક જિત્યા, કૉમનવેલ્થમાં પણ એક સુવર્ણપદક જીત્યો હતો. આજે પણ તેમની કારકિર્દીની ચર્ચા થાય એટલે રોમના ઑલિમ્પિકમાં પદક ચૂકવાના કિસ્સાની ચર્ચા ચોક્કસ થાય.
મિલ્ખા સિંહે તેમની આત્મકથા 'ધ રેસ ઑફ માય લાઇફ'માં એ ઘટનાક્રમનો ઉલ્લેખ કરતા લખે છે, "અચાનક કોઈકે મારા રૂમનો દરવાજો ખખડાવ્યો. બહાર અમારા મૅનેજર ઉમરાવ સિંહ હતા. તેઓ મને બહાર વૉક ઉપર લઈ ગયા. અમે બહાર પથ્થરવાળી ગલીઓ, ઇમારતો, ફુવારા તથા તોરણો પાસેથી પસાર થયા."
"તેઓ મારી સાથે પંજાબની વાતો કરી રહ્યા હતા અને શીખ ગુરૂઓની બહાદુરીના કિસ્સા કહી રહ્યા હતા, જેથી કરીને મારું ધ્યાન અન્યત્ર જાય."
સામાન્ય રીતે સેમિફાઇનલના બીજા દિવસે ફાઇનલનું આયોજન થતું હોય છે, પરંતુ રોમ ઑલિમ્પિક સમયે વચ્ચે બે દિવસનો ગાળો હતો. જેના કારણે મિલ્ખા સિંહને તૈયારી કરવાની તક મળી, પરંતુ નર્વસ પણ થયા.
ક્વાર્ટર ફાઇનલ તથા સેમિ-ફાઇનલમાં મિલ્ખા સિંહ બીજા નંબરે રહ્યા હતા, છતાં આ રેસ માટે તેમને ફેવરિટ માનવામાં આવતા હતા.

મિલ્ખા સિંહની બીબીસી સાથેની મુલાકાત
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ફાઇનલમાં કાર્લ કોફમૅનને પહેલી, ઓટિસ ડેવિસ (અમેરિકા) બીજી લેન મળી, જ્યારે મિલ્ખા સિંહનું દુર્ભાગ્ય કે તેમને પાંચમી લેન મળી.
તેમની પાસેની લેન ઉપર જર્મનીના દોડવીર હતા, જેમને મિલ્ખા સિંહ અગાઉ અનેક વખત હરાવી ચૂક્યા હતા, એટલે જ તેમણે આ દોડને પણ જજ કરવામાં ચૂક કરી.
બીબીસી સાથે વાત કરતા મિલ્ખા સિંહે કહ્યું હતું, "જ્યારે સ્ટાર્ટરે 'ઑન યૉર માર્ક'ની બૂમ પાડી, હું ઘૂંટણભેર થઈ ગયો, મેં ધરતીમાતાને પ્રાર્થના કરી કે માતા તમે મને અગાઉ પણ ઘણું આપ્યું છે અને આજે પણ તમારી પાસેથી આશા રાખું છું."
"મેં માથું ઝુકાવ્યું અને ઊંડો શ્વાસ લીધો. પિસ્તોલની અવાજ આવી કે હું દોડવા લાગ્યો. લગભગ અઢીસો મીટર સુધી હું દોડતો રહ્યો."
"ત્યારે અચાનક જ મારા હૃદયમાં વિચાર આવ્યો કે મિલ્ખાસિંહ તમે ખૂબ જ ઝડપભેર દોડી રહ્યા છો, જો આ રીતે દોડશો તો કદાચ દોડ પૂર્ણ પણ ન કરી શકો. આથી મેં મારી દોડને થોડી ધીમી કરી."
"જ્યારે મેં છેલ્લો કર્વ ખતમ કર્યો અને છેલ્લા 100 મીટર ઉપર આવ્યો, ત્યારે જોયું કે જે ત્રણ-ચાર છોકરા મારાથી પાછળ હતા, તેઓ મારાથી આગળ નીકળી ગયા હતા."
"મેં તેમને આંબી જવાનો પ્રયાસ કર્યો, પરંતુ તમે એ વાત સમજી શકો છો કે તેઓ પણ બરાબરના ખેલાડી હોય છે."
"જો ત્રણ-ચાર મીટર આગળ નીકળી જાય તો પણ તેમનાથી આગળ નીકળવાનું મુશ્કેલ બની જતું હોય છે. એ સમયે મારાથી જે ભૂલ થઈ કે મારા નસીબ. મારા હાથમાંથી ભારતનો મેડલ છૂટી ગયો."

મિલ્ખા સિંહ જ્યારે આદતને કારણે હાર્યા

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક વિવેચકોનું કહેવું હતું કે મિલ્ખા સિંહે ઘડીભર માટે પાછળ વળીને તેમના પ્રતિસ્પર્ધીઓને જોવાનો પ્રયાસ કર્યો, જેના કારણે તેમની ગતિમાં વિક્ષેપ ઊભો થયો અને તેઓ ચૂકી ગયા.
એ વાતને યાદ કરતા મિલ્ખા સિંહે બીબીસીને કહ્યું: "મને આદત પડી ગઈ હતી. ચાહે એશિયાઈ રમતોત્સવ હોય કે કૉમનવેલ્થ ગૅમ્સ. હું પાછળ વળીને જોતો કે હરીફ ઍથ્લિટ કેટલા પાછળ છે. રોમમાં પણ મેં એમ જ કર્યું હતું, જેના કારણે રોમમાં ભારે ફેર પડ્યો હતો."
400 મીટરની એ દોડને જોવા માટે ઑલિમ્પિકની ભારતીય હૉકી ટીમના કૅપ્ટન આર. એસ. ભોલા પણ ગયા હતા.
તેમણે બીબીસીને જણાવ્યું, "હું એ દોડને જોવા માટે ગયો હતો, ભારતીય હૉકી ટીમના ખેલાડીઓને લાગતું હતું કે મિલ્ખા સિંહ ચોક્કસપણે કંઇક ઑલિમ્પિક રેકોર્ડ તોડશે. તેમણે સારી શરૂઆત કરી."
"કર્વ સુધી તેઓ લીડ કરી રહ્યા હતા. તેમણે ભૂલ કરી અને ઊર્જાનો બરાબર રીતે ઉપયોગ ન કર્યો. તેમણે પાછળ વળીને જોયું કે ઍથ્લિટ કેટલા દૂર છે, જેમાં તેઓ હારી ગયા."

'ફ્લાઇંગ શીખ'ની કહાણી

ઇમેજ સ્રોત, AFP
1958માં ટોકિયો ખાતે એશિયાઈ રમતોત્સવમાં વિજય બાદ ગ્રાઉન્ડ ઉપર પટકાઈ ગયેલા મિલ્ખા સિંહ
દોડવીર મિલ્ખા સિંહને 'ફ્લાઇંગ શીખ' તરીકે પણ ઓળખવામાં આવે છે, પરંતુ બહુ થોડા લોકને ખબર હશે કે આ ખિતાબ તેમને દુશ્મન દેશના સર્વોચ્ચ નેતાએ આપ્યો હતો.
મિલ્ખા સિંહ પાકિસ્તાનના લાહોર પહોંચ્યા હતા. વિભાજન સમયે પરિવારે ભોગવેલી યાતના અને ત્રાસદી વારંવાર તેમના માનસ ઉપર તરવરી ઊઠતી હતી. તેમની સ્પર્ધા પાકિસ્તાનના દોડવીર અબ્દુલ ખાલિક સાથે હતી. એ દોડમાં મિલ્ખાએ ખાલિકને હરાવ્યા હતા.
એ પછી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ફિલ્ડમાર્શલ અયુબ ખાને કહ્યું, "આજે તું દોડ્યો નથી, ઉડ્યો છે. એટલે હું તમને 'ફ્લાઇંગ શીખ' તરીકે નવાજું છું."
આ પછી દુનિયાભરમાં મિલ્ખા સિંહ 'ફ્લાઇંગ શીખ' તરીકે વિખ્યાત થઈ ગયા.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














