You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલમાં સૌથી લાંબા સમય સુધી PM રહેલા બેન્જામિન નેતન્યાહૂનો રાજકારણમાં દોર ખતમ થઈ જશે?
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને તેમના પદ પરથી હઠાવવા માટે દેશના વિપક્ષ દળો સરકાર બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.
બેન્જામિન નેતન્યાહૂ ઇઝરાયલમાં સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન રહ્યા છે.
ઇઝરાયલમાં રવિવારનો દિવસ રાજનીતિક રૂપે ઘણો નાટકીય રહ્યો.
રાજધાની તેલ અવીવમાં નવી ઇઝરાયલી સરકારના ગઠનના પ્રયાસ ચાલી રહ્યા છે.
બેન્જામિન નેતન્યાહૂને તેમના પદ પરથી હઠવું પડી શકે છે.
વિપક્ષના નેતા યાઇર લાપિડ ધુર દક્ષિણપંથી યામિના પાર્ટીના નેતા નફ્તાલી બૅનેટની સાથે આ બાબતે વાતચીત કરી રહ્યા છે.
યાઇર લાપિડે એવા સંકેત આપ્યા છે કે યામિના પાર્ટીની સાથે તેમની સમજૂતી થઈ શકે છે.
બુધવાર સુધી એવું લાગી રહ્યું હતું કે યાઇર લાપિડ નવી ગઠબંધન સરકાર માટે સમજૂતી કરી લેશે, પરંતુ હવે તેમનું ભાગ્ય એ વાત પર નિર્ભર કરે છે કે પૂર્વ રક્ષામંત્રી નફ્તાલી બૅનેટ તેમની સાથે સત્તામાં ગઠબંધનને લઈને તૈયાર છે કે નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આને એક બદલાવવાળી સરકારના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવી રહી છે. જેમાં દક્ષિણપંથી મધ્યમાર્ગી અને ડાબેરી દળ સામેલ થઈ શકે છે.
નવી સરકારના ગઠનના પ્રયત્નો જો સફળ થઈ જશે તો એ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની બાર વર્ષથી ચાલી રહેલી સરકારને હઠાવવા જેવું હશે.
પરંતુ કોઈ એવું માનીને નથી ચાલી રહ્યું કે જે વ્યક્તિએ ઇઝરાયલના રાજકારણને લાંબા સમય સુધી પ્રભાવિત કર્યું તેની સંભાવના ખતમ થઈ ગઈ છે.
ભલે તેમના પર ભ્રષ્ટાચારના આરોપ હોય અને છેલ્લાં બે વર્ષમાં થયેલી ચાર ચૂંટણીમાં તેઓ એક વખત પણ નિર્ણાયક જનાદેશ નહોતા મેળવી શક્યા, પરંતુ રાજકીય રૂપે તેમનામાં બચવાની ક્ષમતા પર કોઈ પ્રશ્ન ન ઊભા કરી શકે.
શનિવારે બેન્જામિન નેતન્યાહૂની લિકુડ પાર્ટીએ બૅનેટની પાર્ટી અને અન્ય પાર્ટીને ગઠબંધનની ઑફર આપી હતી, પરંતુ તે ઠુકરાવી દેવામાં આવી હતી.
જો યાઇર લાપિડ ગઠબંધન નહીં બનાવી શકે તો ઇઝરાયલમાં ફરી ચૂંટણી થશે, જે બે વર્ષમાં પાંચમી ચૂંટણી હશે.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ભારત સાથે વાતચીત માટે શું શરત રાખી?
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે તેમનો દેશ ભારત સાથે ત્યારે જ વાત કરશે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં પાંચ ઑગસ્ટ, 2019થી પહેલાંની પરિસ્થિતિને ફરીથી સ્થાપિત કરે.
ભારતે પાંચ ઑગસ્ટ, 2019ના દિવસે જમ્મુ અને કાશ્મીરને અપાયેલો વિશેષ બંધારણીય દરજ્જો ખતમ કરી નાખ્યો હતો અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરી નાખ્યું હતું.
વડા પ્રધાન ઇમરાન ખાન એક કાર્યક્રમમાં લોકોના સવાલોના જવાબ આપી રહ્યા હતા.
તેમણે કહ્યું, "જો પાકિસ્તાન ભારતની સાથે પોતાના સંબંધ ફરીથી સ્થાપિત કરી લે અને ભારત કાશ્મીરમાં પહેલાવાળી પરિસ્થિતિ ન લાવે તો આ કાશ્મીરીઓને પીઠ દેખાડવા સમાન હશે."
તેમણે કહ્યું કે જો ભારત પાંચ ઑગસ્ટે લેવામાં આવેલાં પગલાં પાછાં લે તો "અમે જરૂર વાત કરી શકીએ છીએ."
જોકે ઇમરાન ખાને આ વાત માની કે એમાં કોઈ શંકા નથી કે ભારતની સાથે સંબંધ સુધારવાની પરિસ્થિતિના ઘણા ફાયદા થશે.
તેમણે યુરોપિયન સંઘનો દાખલો આપતા કહ્યું કે આનો લાભ બધા દેશોને થયો હતો.
તેમણે કહ્યું, "સત્તામાં આવવાના પ્રથમ દિવસથી અમારો પ્રયત્ન રહ્યો છે કે અમે ભારત સાથે મિત્રતાપૂર્ણ સંબંધ બનાવીએ અને કાશ્મીરના મુદ્દાનો વાતચીતના માધ્યમથી ઉકેલ લાવી શકાય. જો અમે ભારત સાથે સંબંધ સુધાર્યા તો આ કાશ્મીરના લોકો સાથે દગો હશે."
"આપણો વેપાર વધશે એ વાતમાં કોઈ શંકા નથી પરંતુ તેમની શહાદત બરબાદ જશે. એટલે તેમના લોહીની કિંમત પર અમારી વચ્ચે વેપારની પરિસ્થિતિ ન સુધારી શકાય."
ભારતે વારંવાર કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીર તેના અભિન્ન અંગ છે અને તે પોતાની સમસ્યાઓનું સમાધાન કરવામાં પોતે સક્ષમ છે.
ભારતે પાકિસ્તાનને કહ્યું કે તે તેની સાથે સામાન્ય પાડોશીવાળા સંબંધ રાખવા માગે છે અને તેના માટે આતંક અને હિંસાથી મુક્ત માહોલની જરૂર છે.
ભારતે કહ્યું હતું કે આવો માહોલ તૈયાર કરવાની જવાબદારી પાકિસ્તાનની છે.
PNB ફ્રોડ કેસના આરોપી મેહુલ ચોકસી 'રોમૅન્ટિક ટ્રિપ પર ડૉમિનિકા આવ્યા ત્યારે પકડાયા' : એંટિગાના વડા પ્રધાન
સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ એંટિગાના વડા પ્રધાન ગેસ્ટૉન બ્રાઉને કહ્યું કે હીરા વેપારી મેહુલ ચોકસી જ્યારે પોતાનાં ગર્લફ્રેન્ડને ડૉમિનિકામાં રોમૅન્ટિક ટ્રિપ પર લઈને આવ્યા ત્યારે તેઓ પકડાઈ ગયા હશે.
એએનઆઈએ એંટિગા ન્યૂઝ રૂમના હવાલે આ માહિતી આપી હતી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ડોટકૉમના એક અહેવાલ અનુસાર શનિવારે વહેલી સવારે નવી દિલ્હીથી ઉડાણ ભરીને એક ચાર્ટર પ્લેન ડૉમિનિકા પહોંચ્યું હતું.
નોંધનીય છે કે ભારતમાં જાહેર ક્ષેત્રની બૅંક પંજાબ નૅશનલ બૅંક સાથે 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપી મેહુલ ચોકસી હાલ ડૉમિનિકામાં છે.
ભારતથી ખાનગી જેટ વિમાન ડૉમિનિકા ખાતે પહોંચતાં મેહુલ ચોકસીના પ્રત્યર્પણ અંગેની અટકળો શરૂ થઈ છે.
નોંધનીય છે કે છેતરપિંડી કેસમાં ભારત નીરવ મોદી સહિત મેહુલ ચોકસીના પ્રત્યાર્પણ માટે ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યું છે.
ગઈ કાલે ભાગેડુ હીરાવેપારી મેહુલ ચોકસીની ડૉમિનિકામાં ધરપકડ બાદ તેમની પ્રથમ તસવીર સામે આવી છે.
અંગ્રેજી અખબાર 'હિંદુસ્તાન ટાઇમ્સ'ના સમાચાર અનુસાર એંટીગા ન્યૂઝરૂમ નામની વેબસાઇટે ચોકસીની તસવીરો પ્રકાશિત કરી છે અને દાવો કર્યો છે કે તેઓ એંટીગાના મુખ્ય વિપક્ષ યૂપીપીને આર્થિક મદદ કરતા હતા.
વેબસાઇટે અહેવાલમાં ડૉમિનિકા પોલીસની સકંજામાં કેદ મેહુલ ચોકસીની બે તસવીરો છાપી છે.
ચોકસીની જે બે તસવીરો સામે આવી છે તે પૈકી એકમાં તેઓ સળિયાની પાછળ દેખાઈ રહ્યા છે અને તેમની આંખ સોજાઈ ગયેલી દેખાઈ રહી છે.
બીજી તસવીરમાં તેમના હાથ પર થયેલી ઈજા દેખાઈ રહી છે. તસવીરોમાં દેખાઈ રહ્યું છે કે તેમનું વજન ઘણું ઓછું થઈ ચુક્યું છે.
નોંધનીય છે કે વેપારી મેહુલ ચોકસી અને તેમના ભાણેજ નીરવ મોદી પર સરકારી બૅંક PNBના 13,500નો ગોટાળો કરવાનો આરોપ છે.
મોદી સરકાર 73 વર્ષમાં ભારતની સૌથી નબળી સરકાર : કૉંગ્રેસ
મોદી સરકારને આજે સત્તાની ધુરા સંભાળ્યે સાત વર્ષ પૂરાં થયાં છે.
આ પ્રસંગે ભાજપ જ્યાં ઉજવણી સાથે ઉપલબ્ધિઓ ગણાવી રહ્યો છે. ત્યાં જ બીજી બાજું વિપક્ષ, તેમાં પણ ખાસ કરીને કૉંગ્રેસ તેમના પર શાબ્દિક હુમલા કરી રહી છે.
કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ રવિવારે એક પત્રકારપરિષદ કરીને મોદી સરકાને 'દેશ માટે હાનિકારક' ગણાવી.
તેમણે મોંઘવારી અને બેરોજગારીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે મોદી સરકાર પાછલાં 73 વર્ષોમાં ભારતની 'સૌથી નબળી સરકાર' છે.
સુરજેવાલાએ કહ્યું, "દેશને એક નક્કામી અને નાસમજુ સરકારનો બોજ માથે લઈને ચાલતાં સાત વર્ષ થઈ ગયાં. દેશ ભોગવી રહ્યો છે કારણ કે સાત વર્ષમાં બેરોજગારી 11.3 ટકા થઈ ગઈ. ઘણા પ્રાંતોમાં પેટ્રોલ 100 અને સરસવનું તેલ 200 રૂપિયાની સપાટી વટાવી ચુક્યાં છે. આ 73 વર્ષમાં દેશની સૌથી કમજોર સરકાર સાબિત થઈ છે."
સોશિયલ મીડિયા પર પણ તે અંગે જોરદાર ચર્ચા છે અને ટ્વિટર પર મોદી સરકારના સમર્થન અને વિરોધ બંનેમાં હૅશટૅગ જોવા મળી રહ્યાં છે.
એક તરફ #7yearsOfSeva ટ્રેન્ડ કરી રહ્યું છે તો બીજી તરફ #7YearsOfModiMadeDisaster.
રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, વિપ્લવ દેવ, સર્વાનંદ સોનોવાલ અને પ્રમોદ રાવત સહિત ઘણા ભાજપના નેતા ટ્વીટ કરીને અલગ-અલગ ક્ષેત્રોમાં મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી રહી છે.
બીજી તરફ કૉંગ્રેસ પાર્ટીએ પોતાના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કર્યું છે, "નફરત કમજોરોનું હથિયાર છે અને વડા પ્રદાન મોદી પાછલાં સાત વર્ષથી તેનો જ ઉપયોગ કરી રહ્યા છે."
ગુજરાત કોરોનાની ત્રીજી લહેર આવશે જ? શું બોલ્યા CM રૂપાણી?
શનિવારે ગાંધીનગરના મહાત્મામંદિર ખાતે બનેલ કોવિડ-19 હૉસ્પિટલની મુલાકાત બાદ મીડિયા સાથેની વાતચીતમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાત સરકાર કોરોનાની ત્રીજી લહેર માટેની તૈયારી કરી રહી છે.
તેમણે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે સરકાર આ મામલે જલદી જ ઍક્શન પ્લાન તૈયાર કરશે.
ઇન્ડ઼િયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર જ્યાારે તેમને પૂછવામાં આવ્યું કે શું ગુજરાતમાં ત્રીજી લહેર આવવાનું નિશ્ચિત છે? તો તેના જવાબમાં તેમણે કહેલું કે, "કોઈ પણ વરતારો સંપૂર્ણપણે સચોટ હોતો નથી. પરંતુ સરકાર એવું વિચારીને આગળ વધી રહી છે કે ત્રીજી લહેર આવશે."
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે તેમની સરકાર પ્રથમ અને બીજી લહેરના અનુભવોને આધારે વિગતવાર ઍક્શન પ્લાન ઘડી રહી છે.
તેમણે કહ્યું કે, "ત્રીજી લહેરની ખરાબમાં ખરાબમાં ખરાબ શક્યતાઓ જેમ કે, બાળકોનું સંક્રમિત થવું, દરરોજ 25,000 કેસ આવવા વગેરે જેવા સંજોગો માટે સરકાર જલદી જ એક ઍક્શન પ્લાન સાથે ઊતરશે. જે થોડા સમયમાં જ જાહેર પણ કરાશે."
કોરોના : પાકિસ્તાનમાં ભારતની નાલેશી માટે સંબિત પાત્રા કેમ કૉંગ્રેસને જવાબદાર ઠેરવી રહ્યા છે?
ભાજપના નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ માઇક્રો બ્લૉગિંગ સાઇટ ટ્વિટર પર ટ્વીટ કરીને ફરી એક વાર કૉંગ્રેસ અને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કર્યો છે.
તેમણે પોતાના ટ્વીટમાં પાકિસ્તાનના મીડિયા દ્વારા કોરોનાના નવા કેસ મળી આવવા બાબતે 'ભારતીય વૅરિયન્ટ' શબ્દનો ઉપયોગ કરાયો તેના માટે કૉંગ્રેસ અને રાહુલ ગાંધીને કટાક્ષમાં અભિનંદન પાઠવ્યાં છે.
તેમણે પોતાના ટ્વીટ સાથે ન્યૂઝ ચૅનલોના સોશિયલ પૅજના સ્ક્રીનશોટ શૅર કર્યા હતા.
જેમાં લખાયું હતું કે પાકિસ્તાનમાં પણ કોરોનાના 'ભારતીય વૅરિયન્ટ'નો પ્રથમ કેસ મળી આવ્યો છે.
આ સાથે જ તેમણે લખ્યું હતું કે, "અભિનંદન રાહુલ ગાંધી, કૉંગ્રેસનું મિશન સફળ રહ્યું."
નોંધનીય છે કે સંબિત પાત્રા સહિત ભાજપના ઘણા નેતાઓએ મીડિયા અને નેતાઓ દ્વારા કોરોનાના 'ભારતીય વૅરિયન્ટ' શબ્દનો ઉપયોગ કરવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી.
તેમણે દાવો કર્યો હતો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા આવું કોઈ નામ અપાયું નથી.
કૉંગ્રેસના નેતા શશી થરૂર સામે આ શબ્દનો ઉપયોગ કરવા બદલ સંસદીય સમિતિમાંથી તેમને બહાર કરવાની માગણી પણ ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી હતી.
વિયેતનામમાં મળ્યો કોરોના વાઇરસનો નવો વૅરિયન્ટ
વિયેતનામમાં કોરોના વૅરિયન્ટનું એવું સ્વરૂપ મળી આવ્યું છે જે ભારત અને બ્રિટનમાં પ્રથમ મળી આવેલા વૅરિયન્ટોનું મિશ્રિત સ્વરૂપ છે. અધિકારીઓનું કહેવું છે કે તે હવા થકી વધુ ઝડપથી ફેલાય છે.
વિયેતનામના સ્વાસ્થ્યમંત્રી ગુયેન થાન્હ લૉંગે શનિવારે જણાવ્યું કે કોરોનાનો આ નવો વૅરિયન્ટ અત્યંત ખતરનાક છે.
વાઇરસ હંમેશાં પોતાનું રૂપ બદલે છે. એટલે કે મ્યુટેટ થાય છે. મોટા ભાગના વૅરિયન્ટ અસરકારક નથી હોતા પરંતુ અમુક વૅરિયન્ટ મ્યુટેશન બાદ વધુ ખતરનાક બની જાય છે.
જાન્યુઆરી 2020માં કોવિડ-19 વાઇરસની ઓળખ બાદથી અત્યાર સુધી તેના ઘણાં મ્યુટેશન સામે આવી ચુક્યાં છે.
સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર વિયેતનામના સ્વાસ્થ્યમંત્રીએ સરકારની એક બેઠકમાં કહ્યું, "વિયેતનામમાં કોરોના વાઇરસનો નવો વૅરિયન્ટ મળ્યો છે, જે બ્રિટન અને ભારતમાં સૌથી પહેલાં મળેલા વાઇરસનો મિશ્રિત સ્વરૂપ છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો