કોરોના વાઇરસ: ગોબર અને ગોમૂત્રથી શું કોરોના વાઇરસ ભાગી જશે?

છેલ્લા એક વર્ષ કરતાં પણ વધુ સમયથી ભારતમાં કોરોનાનો કેર વર્તાઈ રહ્યો છે અને તેની સાથે જ કોરોના સામે લડવા માટે જુદા-જુદા ઘરેલુ ઉપાયો લોકો દ્વારા સૂચવવામાં આવી રહ્યા છે.

સોશિયલ મીડિયા સહિત વૉટ્સઍપમાં પણ કોરોના વાઇરસથી બચવા માટેના ઘરેલુ નુસખાઓની વાત કરાઈ રહી છે.

આ મહામારી દરમિયાન ગાયનાં ગોબર અને ગૌમૂત્ર દ્વારા કોરોનાની સારવાર માટેના અનેક ઉપાયો બતાવવામાં આવી રહ્યા છે. તો ઘણા લોકો આ ઉપાયોને અનુસરી પણ રહ્યા છે.

હાલમાં એક દાવો કરવામાં આવી રહ્યો છે કે શરીર પર ગાયના ગોબર અને ગૌમૂત્રનો લેપ લગાવવામાં આવે તો તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તેનાથી કોરોનાના સંક્રમણથી સ્વસ્થ થવામાં પણ મદદ મળે છે.

પરંતુ નિષ્ણાત તબીબો કોરોનાની સારવાર માટે ઉપયોગ થઈ રહેલા ગાયના ગોબરના ઉપાય અંગે ચેતવણી આપી રહ્યા છે.

એનડીટીવી ડોટકોમના એક અહેવાલમાં જણાવાયું છે કે ભારત અને દુનિયાભરમાં ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોએ કોવિડ-19 માટે વૈકલ્પિક ઉપચારનો અભ્યાસ કરવા સામે વારંવાર ચેતાવણી આપી છે અને કહ્યું છે કે સુરક્ષાની ખોટી ભાવના પેદા કરી શકે છે અને આરોગ્ય સમસ્યાઓને વધુ જટિલ બનાવી શકે છે.

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના નેશનલ પ્રૅસિડેન્ટ ડૉ. જે.એ. જયલાલે જણાવ્યું કે ગાયનું ગોબર અથવા ગૌમૂત્ર કોવિડ-19 સામેની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કામ કરે છે તેવા કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા નથી.

તેઓ કહે છે કે તે સંપૂર્ણ માન્યતા પર આધારિત છે. આ ઉત્પાદનોને સૂંઘવાથી કે તેના વપરાશમાં આરોગ્યનાં જોખમો પણ રહેલાં છે. પ્રાણીમાંથી મનુષ્યમાં અન્ય રોગો પણ ફેલાઈ શકે છે.

મહામારીમાં ઘરેલુ ઉપાયોની ભરમાર

હાલ રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોનાનો કેર વર્તાઈ રહ્યો છે.

દેશમાં સાડા ત્રણ લાખથી વધુ કોરોના વાઇરસના કેસ દરરોજ નોંધાઈ રહ્યા છે.

ગુજરાતમાં પણ 11 હજારથી વધુ કોરોના વાઇરસના કેસ નોંધાવાની સાથે અનેક મોત થઈ રહ્યાં છે.

અનેક રાજ્યોમાં કોરોનાને લઈ ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં પણ કેટલાક દિવસ અગાઉ કોરોનાને લઈ સ્થિતિ ખૂબ વણસી હતી.

દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવા માટે હૉસ્પિટલની બહાર લાઇન લાગેલી જોવા મળતી હતી. ઓક્સિજન માટે લોકોને આમથી તેમ આંટાફેરા કરવા પડી રહ્યા હતા.

જોકે રાજ્ય સરકારના આંકડાઓ અનુસાર, છેલ્લા કેટલાક સમયથી કોરોના વાઇરસના કેસમાં ઘટાડો નોંધાયો છે.

ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે લોકો દ્વારા ઓક્સિજન લેવલ વધારવા, ઇમ્યુનિટી વધારવા સહિતના અનેક પ્રકારના નુસખાઓ જણાવવામાં આવી રહ્યા હતા.

હાલમાં ઘણા લોકો ગૌશાળામાં જઈને પોતાના આખા શરીરને ગોબર અને ગૌમૂત્રથી લીપે છે.

તેમનું માનવું છે કે તેનાથી તેમની રોગપ્રતિકારક શક્તિ વધશે અને કોરોના વાઇરસના સંક્રમણનું જોખમ ઘટશે.

ગાયનાં ગોબર અને ગૌમૂત્રથી કોરોના મટી જશે?

હિન્દુ ધર્મમાં ગાય, ગોબર અને ગૌમૂત્રને પવિત્ર માનવામાં આવે છે. પૂજાપાઠથી માંડી ઘરમાં ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં અનેક બીમારીઓના ઉપચાર માટે ગોમૂત્ર તથા ગાયનું છાણ પરંપરાગત નુસખા તરીકે પ્રચલિત છે.

પરંતુ હાલ કોરોનાની મહામારી દરમિયાન અલગઅલગ પ્રકારના જે ઉપાયો કોરોનાની સારવાર માટે બતાવાઈ રહ્યા છે તેને લઈને ડૉક્ટરો ચેતવી રહ્યા છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના નિદેશક ડૉ. દિલીપ માવળંકરને આ અંગે પૂછતા તેઓ જણાવ્યું કે ગાયનું ગોબર અને ગૌમૂત્રને શરીર પર લગાવવાથી ઇમ્યુનિટી વધે તેનો વૈજ્ઞાનિક રીતે કોઈ પુરાવો નથી. ઍલોપથીમાં આના વિશે કોઈ પ્રમાણ નથી.

"આનાથી કદાચ ચામડીને અસર પહોંચી શકે પણ આપણી ચામડીમાં સંરક્ષણ સારું એવું હોય છે એટલે આનાથી વધારે અસર થતી નથી પણ જો ચામડીમાં પહેલેથી જ કાપા પડેલા હોય કે કંઈ વાગ્યું હોય તો ઇન્ફેક્શન થઈ શકે છે."

"પરંતુ વૈજ્ઞાનિક રીતે કોરોનાની સારવારમાં આનો ઉપયોગ થઈ શકે તેવો કોઈ આધાર પુરાવો નથી."

ગુજરાતમાં થોડા દિવસો અગાઉ એક ગૌશાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

આ સેન્ટરમાં કોરોનાનાં હળવાં લક્ષણ ધરાવતા દર્દીઓની આયુર્વેદિક દવાઓની મદદથી સારવાર કરવામાં આવી રહી છે.

જે દવાઓ ગાયનાં દૂધ, ઘી અને ગૌમૂત્રમાંથી તૈયાર કરવામાં આવી રહી છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે ગૌમૂત્ર અને ગોબર અસાધ્ય રોગોમાં દર્દીઓને રોગપ્રતિકારક શક્તિ આપે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો