છત્તીસગઢ હુમલો : નક્સલવાદીઓની યોજના વિશે પોલીસને પહેલાંથી જાણ હતી?

    • લેેખક, ટીમ બીબીસી
    • પદ, તેલુગુ સર્વિસ

છત્તીસગઢમાં તાજેતરમાં થયેલું લોહીયાળ ઍન્કાઉન્ટર કઈ દિશામાં નિર્દેશ કરે છે? શું આ હુમલાને માઓવાદીઓની તાકાતના પુરાવા તરીકે ગણવો જોઈએ? શું માઓવાદીઓ પોતાના વિસ્તારમાં પ્રભાવ જમાવવા માટે મરણિયો પ્રયાસ કરી રહ્યા છે? જમીની વાસ્તવિકતા શું છે?

આ બાબત સમજવા માટે બીબીસીએ આંધ્ર પ્રદેશ, તેલંગણા અને છત્તીસગઢના પોલીસ અધિકારીઓ, માઓવાદી ચળવળની જાણકારી ધરાવતા નિષ્ણાતો, પૂર્વ માઓવાદીઓ, માઓવાદી વિસ્તારમાં ઘણા સમયથી કામ કરતા પત્રકારો તથા માનવાધિકાર ચળવળકર્તાઓ સાથે વાત કરી હતી.

તેમણે નામ જાહેર ન કરવાની શરતે વાત કરી હતી.

'ઑપરેશન હિડમા'- હકીકતમાં શું થયું હતું?

હુમલાની જાણકારી ધરાવતા વિવિધ અધિકારીઓ પ્રમાણે તેમની પાસે એવી બાતમી હતી કે ટોચના માઓવાદી નેતા હિડમા માડવી પોતાના સાથીદારોની સાથે જોનાગુડા ગામ નજીક જંગલમાં હાજર હતા.

2 એપ્રિલની રાતે હિડમાને પકડવા માટે પોલીસની આઠ ટુકડીઓ સુગમા અને બીજાપુર જિલ્લાના આ વિસ્તારમાં પગપાળા જવા માટે રવાના થઈ હતી. પોલીસની આઠ ટુકડીઓમાં લગભગ 2000 જવાન હતા.

તેઓ પૂર્વનિર્ધારિત સ્થળે પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ માઓવાદીના સગડ ન મળ્યા. તેથી બધી ટીમ પોતાના કૅમ્પ તરફ પાછી જવા રવાના થઈ હતી.

તેઓ પાછા જતા હતા, ત્યારે જુદી-જુદી ટીમના લગભગ 400 જવાનો જોનાગુડા નજીક એક જગ્યાએ રોકાયા. ત્યાં વરિષ્ઠ અધિકારીઓએ આગામી યોજનાની ચર્ચા કરી. બરાબર તે જ સમયે માઓવાદીઓએ તેમને ઘેરી લીધા અને નજીકની એક ટેકરી પરથી પોલીસ પર ભારે ગોળીબાર શરૂ કરી દીધો હતો.

બીબીસી સાથે વાત કરતા એક અધિકારીએ કહ્યું, "માઓવાદીઓએ અમારી ફોર્સ સામે સ્થાનિક સ્તરે ઉત્પાદિત રૉકેટ લૉન્ચરનો મોટા પાયે ઉપયોગ કર્યો હતો. તેના કારણે ઘણા જવાન ઈજાગ્રસ્ત થયા હતા."

"ત્યાર બાદ બુલેટપ્રૂફ જૅકેટ પહેરીને આવેલા માઓવાદીઓએ અમારા જવાનો પર હુમલો કર્યો અને ઈજાગ્રસ્ત જવાનો પર ગોળીબાર કર્યો. અમારા જવાનોએ પણ વળતો જવાબ આપ્યો હતો. તેથી બંને પક્ષે ભારે જાનહાનિ થઈ હતી."

અધિકારીએ કહ્યું કે એક રીતે જોવામાં આવે તો પોલીસની ટુકડીઓ માઓવાદીઓની જાળમાં ફસાઈ ગઈ હતી. પરંતુ તેઓ આને 'ઇન્ટેલિજન્સ ફેલ્યર' ગણવા તૈયાર નથી.

અધિકારીએ કહ્યું કે, 'અમે હિડમા પર હુમલો કરવાના લક્ષ્ય સાથે ગયા હતા, કારણકે અમારી પાસે તેની બાતમી હતી. પરંતુ પાછા ફરતી વખતે પોલીસ ટુકડી ઓછી સાવધ હતી. તેના કારણે આ નુકસાન થયું.'

એક પત્રકારે જણાવ્યું કે, "હિડમાનું ગામ પૂવાર્થી હુમલાના સ્થળની બહુ નજીક છે. આ સમગ્ર વિસ્તાર તેના ગઢ સમાન છે. આ ઉપરાંત તેને સ્થાનિક લોકોનો પણ ટેકો છે. તેથી તેમણે પોલીસ ફોર્સની મૂવમૅન્ટ પર બારીક નજર રાખી હતી અને ત્યારબાદ સ્પષ્ટ યોજનાના ભાગરૂપે હુમલો કર્યો હતો."

'આંધ્ર મૉડલ...'

અવિભાજિત આંધ્ર પ્રદેશમાં તાજેતરમાં માઓવાદી ચળવળ નબળી પડી છે. ભૂતકાળમાં આ વિસ્તાર માઓવાદી પ્રવૃત્તિઓનો ગઢ હતો.

મહત્ત્વની વાત એ છે કે તેલંગણામાં માઓવાદી ચળવળની આગેવાની લેનારા ઘણા આગેવાનો ઍન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. આંધ્ર પ્રદેશ પોલીસ, ખાસ કરીને ગ્રેહાઉન્ડ્સે માઓવાદી ચળવળને ખતમ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ વલણને 'આંધ્ર મૉડલ' તરીકે ઓળખવામાં આવે છે.

ગ્રેહાઉન્ડ્સ એ રાજ્ય સરકારનું દળ છે, પરંતુ માઓવાદીઓ પર હુમલા કરવા માટે તેઓ સરહદ પાર કરીને ઓડિશા અને છત્તીસગઢમાં પણ કાર્યવાહી કરી છે.

હૈદરાબાદના ગ્રેહાઉન્ડ્સ સેન્ટર ખાતે જુદાં-જુદાં રાજ્યોની સ્પેશિયલ ફોર્સિસને તાલીમ આપવામાં આવી રહી છે. 1986માં ગ્રેહાઉન્ડ્સની સ્થાપના થઈ હતી અને તેમણે માઓવાદીઓના હાથે ભાગ્યે જ ભારે નુકસાન સહન કર્યું છે.

જોનાગુડાની ઘટના વિશે વાત કરતા તેલંગણાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે "કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ ગુપ્તચર બાતમી સૌથી મહત્ત્વની ચીજ હોય છે."

"આપણને જ્યારે ગુપ્તચર માહિતી મળે ત્યારે આપણે તેની વિવિધ સ્તરે ચકાસણી કરીએ છીએ."

પોલીસ અધિકારીએ કહ્યું કે રાજ્યોની પોલીસ ફોર્સને ગ્રેહાઉન્ડ્સ જેટલી સફળતા નથી મળતી તેનું કારણ તેમની વચ્ચે સંકલનનો અભાવ છે. "આપણી પાસે પહેલાંથી માહિતી હતી કે હિડમા અને તેના સાથીદારો આ વિસ્તારમાં હુમલાની યોજના ધરાવે છે. અમે સંભવિત હુમલા વિશે છત્તીસગઢ પોલીસને પણ ઍલર્ટ કરી હતી."

માઓવાદીઓ તાજેતરમાં નિયમિત હુમલા શા માટે કરી રહ્યા છે તેમ પૂછવામાં આવતા અધિકારીએ જણાવ્યું, "તેમના TCOCના ભાગરૂપે."

TCOC શું છે?

માઓએ 'ઑન ગેરિલા વૉરફેર' પુસ્તક લખ્યું છે, જેમાં TCOC (ટેકનિકલ કાઉન્ટર ઑફેન્સિવ કૅમ્પેન) એક મહત્ત્વનું તત્ત્વ છે.

'ઑન ગેરિલા વૉરફેર'માં માઓએ આ વ્યૂહરચના વિશે લખ્યું, "જ્યારે દુશ્મનનું સંખ્યાબળ વધારે હોય અને તમારું સંખ્યાબળ ઓછું હોય ત્યારે તમે જ્યાં શક્તિશાળી હોવ તેવી જગ્યાએ તમારાં બધાં દળોને સંકલિત કરો, દુશ્મનના નાનકડા એકમ પર આશ્ચર્યજનક હુમલો કરો અને વિજય મેળવો."

આ જ પોલીસ ઑફિસરે જણાવ્યું કે, "આપણે જંગલમાં ઊંડે જતા જઈએ છીએ અને કૅમ્પ નાખીએ છીએ તેમતેમ માઓવાદીઓ પણ પોતાની ક્ષમતા વધારી રહ્યા છે."

તારેમ, પેગાડુપલ્લી, સરકેગુડા, બાસાગુડામાં હુમલાના સ્થળ નજીક ચાર કૅમ્પ/સ્ટેશન છે. આ તમામ કૅમ્પ જોનાગુડાથી માત્ર ચાર-પાંચ કિમીની અંદર છે.

કેટલાક અધિકારીઓનો મત છે કે સરકાર માઓવાદી વિસ્તારમાં આગામી દિવસોમાં વધુ કૅમ્પ નાખવાની યોજના ધરાવે છે, તેથી માઓવાદીઓએ સરકારની આ યોજના રોકવા માટે હુમલા શરૂ કર્યા છે.

ગૃહમંત્રી અમિત શાહ અને છત્તીસગઢના મુખ્ય મંત્રી ભુપેશ બઘેલના નિવેદનમાં પણ આ વાતનું પ્રતિબિંબ જડે છે.

બંને નેતાઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે માઓવાદીના ગઢ ગણાતા વિસ્તારમાં પોલીસદળો ઊંડે સુધી જઈ રહ્યા છે તેથી માઓવાદીઓ બદલો લેવા માટે હુમલા કરી રહ્યા છે.

તેમણે સ્પષ્ટ કહ્યું છે કે આ યોજનામાં નમતું જોખવાની કોઈ શક્યતા નથી અને માઓવાદનો કાયમી ઉકેલ લાવવા માટે સરકાર હુમલાની તીવ્રતા વધારશે.

માઓવાદીઓના ગઢ કયા છે? તેમની વાસ્તવિક શક્તિ કેટલી છે?

આ સવાલનો જવાબ મેળવવા માટે બીબીસીએ માઓવાદ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લોકો અને નિષ્ણાતો સાથે વાત કરી હતી, જેઓ લાંબા સમયથી આ ચળવળ અંગે સંશોધન કરે છે.

એપ્રિલ 2006માં તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહે જાહેરાત કરી હતી કે 'નક્સલવાદ એ સૌથી મોટો આંતરિક ખતરો છે.' ત્યાં સુધીમાં દેશનાં ઘણાં રાજ્યોમાં માઓવાદી આંદોલન સ્થાપિત થઈ ગયું હતું.

માઓવાદીઓનો દાવો હતો કે તેઓ 14 રાજ્યોમાં હાજરી ધરાવે છે. 2007માં સીપીઆઈ (માઓવાદી) પાર્ટીની 7મી કૉંગ્રેસમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે દંડકરણ્ય, બિહાર-ઝારખંડને મુક્ત વિસ્તાર બનાવો.

આ સાથે એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે કર્ણાટક, કેરળ, તામિલનાડુના સરહદી વિસ્તાર જ્યાં ભેગા થાય છે તે વેસ્ટર્ન ઘાટ તથા આંધ્ર-ઓડિશાના સરહદી વિસ્તારોમાં ગોરીલા યુદ્ધને તીવ્ર બનાવવું.

તેમણે આંધ્ર પ્રદેશમાં જ્યાં માઓવાદી ચળવળ નબળી પડી ગઈ છે, ત્યાં તેમાં નવેસરથી વેગ લાવવાનો પણ નિર્ણય લેવાયો હતો.

જોકે, ત્યારબાદ તરત રાજ્ય અને કેન્દ્ર સરકારોએ બસ્તરમાં ઑપરેશન સાલ્વાજુદમ અને સમગ્ર દેશમાં ઑપરેશન ગ્રીન હન્ટની શરૂઆત કરી. ત્યારબાદ ઑપરેશન સમાધાન અને ઑપરેશન પ્રહાર શરૂ કરવામાં આવ્યાં હતાં.

આ કાર્યવાહીના કારણે માઓવાદીઓએ પોતાના નિયંત્રણ હેઠળનો કેટલોક વિસ્તાર ગુમાવ્યો. સંખ્યાની દૃષ્ટિએ તેમણે ઘટાડો સહન કર્યો. તેના કેટલાક નેતાઓ અને પદાધિકારીઓએ સરકાર સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી.

નવી ભરતીમાં ભારે ઘટાડો થયો. એટલું જ નહીં, શહેરી વર્ગ અને વિદ્યાર્થી વર્ગમાંથી ભરતી સાવ બંધ થઈ ગઈ છે. તેના કારણે નવા નેતૃત્વનો અભાવ છે.

બસ્તરમાંથી રિપોર્ટિંગ કરતા એક પત્રકારે કહ્યું કે માઓવાદીઓ બસ્તરમાં બે જગ્યાએ મજબૂત સ્થાન ધરાવે છે. તેમાંથી એક અભુજમડ છે જે 4000 ચોરસ કિમીનો પટ્ટો છે.

એવું કહેવાય છે કે આ વિસ્તારમાં હજુ સુધી સરકારે પણ પ્રવેશ કર્યો નથી. સરકાર એટલે માત્ર વર્તમાન સરકાર નહીં. એવું કહેવાય છે કે આ વિસ્તારમાં બ્રિટિશરો પણ ક્યારેય પ્રવેશી શક્યા ન હતા. આ વિસ્તાર ગાઢ જંગલોથી ઘેરાયેલો છે અને બહુ પાંખી વસતી વસે છે.

બીજો વિસ્તાર છે ચિંતાલનાર. આ વિસ્તાર પણ અભુજમડ જેટલો જ મોટો છે. જોકે તેમાં ગાઢ જંગલો કે મોટાં પર્વતો નથી. અહીં વસતીનું ઘનત્વ પણ વધારે છે.

છતાં આ વિસ્તારમાં સરકારી દળોએ ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. ખાસ કરીને છેલ્લાં 15 વર્ષમાં તેમને આ વિસ્તારમાં બહુ નુકસાન થયું છે.

2010માં અહીં ટાડીમેટલામાં માઓવાદી હુમલામાં સીઆરપીએફના 76 જવાન માર્યા ગયા હતા. 2020માં લૉકડાઉનની જાહેરાત થઈ તેનાથી બે દિવસ અગાઉ મિનસામાં 17 જવાનો માર્યા ગયા હતા. આ બંને ગામ આ વિસ્તારમાં આવે છે.

બીજી તરફ સરકેગુડા ગામમાં 2012માં સુરક્ષાદળોના એક શંકાસ્પદ ઍન્કાઉન્ટરમાં 6 સગીર વયના છોકરા સહિત કુલ 17 લોકો માર્યા ગયા હતા. આ સ્થળ પણ આ વિસ્તારમાં જ આવે છે.

માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે મરનારા તમામ 17 લોકો ગ્રામવાસીઓ હતા અને તેઓ સ્થાનિક તહેવારની ઉજવણીની ચર્ચા કરવા માટે એકઠા થયા હતા.

જસ્ટિસ અગ્રવાલ પંચે આ અંગેનો તપાસ અહેવાલ વિધાનસભામાં રજૂ કર્યો હતો, જેમાં સ્વીકાર્યું હતું કે મરનારા લોકો માઓવાદી હતા તેવું સાબિત કરવાના કોઈ સંતોષજનક પુરાવા નથી.

એક પૂર્વ મહિલા માઓવાદી કાર્યકરે જણાવ્યું કે, "છેલ્લાં બે વર્ષમાં પોલીસે અભુજમડ વિસ્તાર (નારાયણપુર જિલ્લો)માં નવાં કૅમ્પ સ્થાપ્યાં છે. તેથી તે વિસ્તારમાં પણ હુમલા થયા છે. સાઉથ બસ્તરમાં પણ આવું જ થઈ રહ્યું છે. તેથી સાઉથ બસ્તરમાં પણ હુમલાની સંખ્યામાં વધારો થયો છે."

તેમણે કહ્યું કે આ બાબતને પોલીસ અને માઓવાદીઓ વચ્ચેના સંઘર્ષ તરીકે જોઈ શકાય. પોલીસ માઓવાદી વિસ્તારમાં ઊંડે સુધી પ્રવેશવા માગે છે, જ્યારે માઓવાદીઓ પોતાનો વિસ્તાર જાળવી રાખવા માગે છે.

'સરકાર ખાણો પર પોતાનું પ્રભુત્વ જમાવવા પ્રયાસ કરે છે'

માઓવાદીઓ સાથે સહાનુભૂતિ ધરાવતા લોકોએ કહ્યું કે આ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધન હાજર છે અને તેના માટે આ લડાઈ ચાલે છે.

તેમણે કહ્યું, 'સરકાર ખાણ કંપનીઓને આ વિસ્તાર સોંપવા માટે પ્રયત્ન કરે છે જ્યારે માઓવાદીઓના નેતૃત્વ હેઠળ આદિવાસીઓ તેનો પ્રતિકાર કરે છે.'

તેમનો આરોપ છે કે સરકાર આ વિસ્તારમાંથી માઓવાદીઓ અને આદિવાસીઓ બંનેને દૂર હડસેલી દઈને ત્યાંની જમીન ખાનગી કંપનીઓને સોંપવા માગે છે.

મંત્રણાનું શું?

દંડકારણ્ય સ્પેશિયલ ઝોનલ કમિટી ઑફ સીપીઆઈ (માઓવાદી)એ થોડા સપ્તાહ અગાઉ જાહેરાત કરી હતી કે સરકાર કેટલીક શરતો માન્ય રાખે તો તેઓ મંત્રણા કરવા તૈયાર છે. પરંતુ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે માઓવાદીઓએ સૌપ્રથમ પોતાનાં હથિયાર છોડવા પડશે. ત્યારપછી જ સરકાર મંત્રણા માટે તૈયાર થશે.

કેટલાક લોકોનું કહેવું છે કે હવે મંત્રણા જરૂરી છે. બીજા કેટલાકના મતે મંત્રણા નિરર્થક છે. ભૂતકાળમાં પણ હંમેશાં આવું જ રહ્યું છે.

માઓવાદી નેતાઓએ વિવિધ પ્રસંગે જણાવ્યું છે કે આંધ્ર પ્રદેશ સંયુક્ત રાજ્ય હતું ત્યારે વાય. એસ. રાજશેખર રેડ્ડીના શાસનકાળમાં તેમણે મંત્રણામાં ભાગ લીધો હતો, જેમાં તેમને ફાયદા કરતાં નુકસાન વધુ થયું હતું.

બીજી તરફ કેટલાક સરકારી અધિકારીઓ માને છે કે સશસ્ત્ર લડત દ્વારા સરકારની સત્તા મેળવવા માગતા લોકો સાથે મંત્રણા કરવાથી કંઈ પ્રાપ્ત નહીં થાય.

સિવિલ સોસાયટી, બૌદ્ધિકો, કેટલીક એનજીઓ દ્વારા શાંતિમંત્રણા કરાવવા માટે પ્રયત્ન ચાલુ છે.

ઇતિહાસમાંથી શું શીખવા મળ્યું?

90ના દાયકા પછી વિશ્વ ઝડપથી બદલાઈ ગયું છે. ઇતિહાસની વાત કરીએ તો ચીનની માઓવાદી ચળવળ પરથી પ્રેરણા લઈને પેરુ, ફિલિપાઇન્સ, નેપાળ અને તુર્કીમાં પણ આવી ચળવળ થઈ હતી.

અત્યારે આ પૈકી કોઈ દેશમાં આ ચળવળમાં મજબૂતી રહી નથી. શ્રીલંકામાં તમિળોનો સંઘર્ષ તથા આયરીશ અને કુર્દીશ સંઘર્ષ પણ મોટા ભાગે ખતમ થઈ ગયો છે.

1992માં પેરુમાં 'શાઇનિંગ પાથ' લીડર ગોંઝાલોની ધરપકડ સાથે માઓવાદી ચળવળનું પતન થયું હતું. તેવી જ રીતે ફિલિપાઇન્સમાં પણ માઓવાદી ચળવળ કોઈ પ્રગતિ કરી શકી નથી.

તુર્કીમાં સરકારની કાર્યવાહી બાદ માઓવાદી આંદોલનને ભારે નુકસાન થયું છે. મેક્સિકોમાં ઝેપેટિસ્ટા મૂવમૅન્ટમાં વિશ્વભરના યુવાનોને રસ પડ્યો હતો, પરંતુ તેમણે પણ પોતાની દિશા બદલવી પડી છે.

બીજી તરફ ગૃહમંત્રીએ કહ્યું છે તે રીતે છેલ્લા માઓવાદીને ખતમ કરવાનું લક્ષ્ય ક્યારે સિદ્ધ થશે? માનવાધિકાર ચળવળકર્તાના ધ્યાનમાં આ બાબત લાવવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે માઓવાદી ચળવળને સંપૂર્ણપણે ખતમ કરવાનું કદાચ ક્યારેય શક્ય નથી.

સમાજમાં જ્યાં સુધી અન્યાય અને અસમાનતા હશે ત્યાં સુધી એક કે બીજા સ્વરૂપમાં આવી ચળવળ ચાલતી રહેશે. સામાજિક-આર્થિક બાબતો પર ધ્યાન આપ્યા વગર માત્ર પોલીસ કાર્યવાહીથી આ ચળવળને કચડી શકાશે તેમ માનવું ભૂલ ગણાશે.

તેલંગણાના પોલીસ અધિકારીઓએ પણ જણાવ્યું કે આ ચળવળ પાછળનાં સામાજિક-આર્થિક કારણો પર ધ્યાન આપવાની જરૂર છે. માઓવાદી વિસ્તારમાં યુવાનોને સ્કીલ ટ્રેનિંગ આપીને તેમને રોજગાર આપવાની જરૂર છે. એટલું જ નહીં, તેનાથી તેઓ માઓવાદના પ્રભાવમાંથી બચી શકશે.

સુરક્ષાદળો પર ક્યારેક હુમલો કરીને માઓવાદીઓ વ્યૂહાત્મક વિજય મેળવતા હશે, પરંતુ ભારત જેવા દેશમાં તેઓ માત્ર અમુક વિસ્તાર પૂરતી હાજરી ધરાવતા હોય ત્યારે માઓવાદીઓ માત્ર સશસ્ત્ર લડાઈથી કેવી રીતે ટકી શકશે?

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો