ગાંધીનગર કૉર્પોરેશનની ચૂંટણી મોકૂફ રાખવાની આમ આદમી પાર્ટીની માગણી

ગુજરાતમાં કોરોના વકરી રહ્યો છે ત્યારે આગામી સમયમાં યોજાનાર ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી મોકૂફ રાખવાની માગણી આમ આદમી પાર્ટીએ કરી છે.

પાર્ટીએ ચૂંટણીપંચને કહ્યું કે, ચૂંટણીપંચને જાહેરનામું બહાર પાડ્યા પછી પણ ત્રણ મહિના માટે ચૂંટણી મુલતવી રાખવાની સત્તા હોય છે અને વર્તમાન સ્થિતિને જોતાં ચૂંટણીઓ મુલતવી રાખવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ ગાંધીનગરની ચૂંટણી માટે 43માંથી 40 ઉમેદવારોની ઘોષણા કરેલી છે અને પાર્ટીનો આ ચૂંટણી જીતશે એવો દાવો કરે છે.

માઓવાદીઓએ સોની સોરીને પરત મોકલ્યાં, 'સરકારી મધ્યસ્થીને જ સોંપાશે જવાન'

બીજાપુરમાં શનિવાર માઓવાદીઓ સાથે થયેલી અથડામણ બાદ લાપતા સીઆરપીએફના રાકેશ્વર સિંહ મનહાસની મુક્તિ હજુ સુધી નથી શકી.

છત્તીસગઢથી બીબીસીના સહયોગી પત્રકાર આલોક પ્રકાશ પુતુલના જણાવ્યા અનુસાર જવાનની મુક્તિ માટે બીજાપુરનાં જંગલોમાં પહોંચેલાં સામાજિક કાર્યકર અને જેલમાં 'જેલ બંદી મુક્તિ સમિતિ'ના સંયોજક સોની સોનીને માઓવાદીઓએ ખાલી હાથે પરત મોકલી દીધાં છે.

માઓવાદીઓનું કહેવું છે કે તેઓ કથિત રીતે તેમના કબજામાં રહેલા સીઆરપીએફના રાકેશ્વર સિંહ મનહાસને સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા મધ્યસ્થીને જ સોંપશે.

સરકાર દ્વારા હજુ સુધી કોઈ મધ્યસ્થની નીમણૂક કરવાની અધિકૃત જાહેરાત કરાઈ નથી.

ભારતમાં કોરોનાનો કેર : 24 કલાકમાં સવા લાખ કરતાં વધુ કેસ નોંધાયા

કેન્દ્રીય આરોગ્યમંત્રાલય અનુસાર ગત 24 કલાકમાં ભારતમાં કોરોના વાઇરસના 1,26,789 કેસ નોંધાયા છે.

આ દરમિયાન 60 હજાર લોકોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 685 લોકોનાં કોવિડ-19થી મૃત્યુ થયાં છે.

સરકારી આંકડા અનુસાર ભારતમાં અત્યાર સુધી કોરોનાના લીધે 1,66,862 લોકોનાં મૃત્યુ થયાં છે.

હાલમાં દેશભરમાં કોરોનાના 9,10,000થી વધુ સક્રિય કેસ છે.

આરોગ્યમંત્રાલય અનુસાર અત્યાર સુધી દેશમાં કોરોનાની રસીના નવ કરોડ એક લાખ 98 હજારથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીસ્થિત ઍમ્સ હૉસ્પિટલમાં જઈને કોવિડ-19 રસીનો બીજો ડોઝ લીધો છે.

વડા પ્રધાને પોતાના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પર સંબંધિત જાણકારી આપતી તસવીર શૅર કરી છે.

તેમણે લખ્યું, "આ વાઇરસ (કોરોના)ને હરાવવા માટેની કેટલાક ઉપાયોમાં ટીકાકરણ મહત્ત્વનો ઉપાય છે."

તેમણે લોકોને અપીલ કરી કે જે લોકો રસીકરણ માટે યોગ્ય છે તેઓ પોતાની નોંધણી ચોક્કસથી કરાવે.

સમાચાર સંસ્થા એનએનઆઈ અનુસાર પંજાબમાંથી આવનારાં નર્સ નિશા શર્માએ વડા પ્રધાન મોદીને રસીનો બીજો ડોઝ આપ્યો.

પીએમ મોદીએ 1 માર્ચે રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. તેમણે રસી લેવા માટે ભારત બાયૉટેકની કોવૅક્સિન પસંદ કરી હતી.

ઍન્ટિલિયા કેસ : મહારાષ્ટ્રના વધુ એક મંત્રી પર કરોડો ઉઘરાવવાનો આરોપ

મુકેશ અંબાણીના મુંબઈસ્થિત નિવાસસ્થાન ઍન્ટિલિયાની બહાર જિલેટિન સ્ટિક ધરાવતી કાર મળી આવ્યા પછીના ઘટનાક્રમમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રીના રજીનામા બાદ હવે વધુ એક મંત્રી વિરુદ્ધ આરોપ લગાવાયા છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અખબાર લખે છે કે ઍન્ટિલિયાની બહાર જિલેટિન સ્ટિક ધરાવતી કાર મળી આવવાના મામલામાં પકડાયેલા મુંબઈ પોલીસના અધિકારી સચીન વાઝે બુધવારે એક પત્ર લખીને ઘટસ્ફોટ કર્યો હતો.

તેમણે પત્રમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી અનિલ પરબ ઉપર આરોપ લગાવ્યા કે તેમણે એક ટ્રસ્ટ સામે તપાસને બંધ કરવા માટે 50 કરોડ રૂપિયાનું સેટલમેન્ટ કરવા માટે વાત શરૂ કરવાનું કહ્યું હતું.

તેમણે આ પત્ર વિશેષ એનઆઈએ અદાલતને સંબોધતાં લખ્યો છે.

તેમણે કહ્યું છે કે શિવસેનાના અનિલ પરબે તેમને બીએમસી સાથે સંબંધિત 'ફ્રૉડ' કૉન્ટ્રૅક્ટરોની યાદી બનાવીને તેમાથી 50ની પાસેથી બે કરોડ રૂપિયા માગવા જણાવ્યું હતું.

તેમણે એનસીપી પ્રમુખ શરદ પવારના ભત્રીજા અને ઉપમુખ્ય મંત્રી અજિત પવાર પર પણ આરોપ મુક્યો છે.

વાઝેએ આરોપ લગાવ્યો છે કે અજિત પવારે તેમને એક ગેરકાયદેસર ગુટકા વેચનાર કંપની પાસેથી દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવા કહ્યું હતું.

ત્યારે ઇન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ અનિલ પરબે પોતાના પર લાગેલા આરોપને નકાર્યા હતા અને કહ્યું હતું કે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને બદનામ કરવા માટે વાઝેના આ પત્ર પાછળ ભાજપનો હાથ છે.

આ પહેલાં મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમવીર સિંહે પત્ર લખીને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પોલીસ અધિકારીને 100 કરોડ રૂપિયાની વસૂલીનું લક્ષ્ય આપવાનો આરોપ લગાવ્યો હતો.

બૉમ્બે હાઈકોર્ટે આ અંગે સીબીઆઈને પ્રારંભિક તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો ત્યાર બાદ અનિલ દેશમુખે રાજીનામું આપ્યું હતું.

હર્ષવર્ધને કોરોનની રસીની કમી અને વયસીમા 18 વર્ષ કરવા અંગે શું કહ્યું?

ભારતમાં કોરોના વાઇરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. મહારાષ્ટ્ર એવું રાજ્ય છે જ્યાં સૌથી વધારે કેસ નોંધાયા છે.

ત્યારે મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં રસીનો સ્ટૉક ખતમ થવાના આરે છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ' મુજબ તેમણે કહ્યું હતું કે રાજ્યની પાસે કોવિડ-19 રસીની લગભગ 14 લાખ ડોઝ વધ્યા છે જે હાલમાં જે ગતિએ રસી અપાઈ રહી છે તેને જોતાં માત્ર ત્રણ દિવસ સુધી ચાલશે.

તેમણે કહ્યું કે આને કારણે કેટલાંક રસીકરણકેન્દ્રો બંધ કરવા પડશે અને ત્યાંથી રસી લેવા આવેલા લોકોને પાછા ફરવું પડે છે.

તેમણે કેન્દ્ર સરકારને મહારાષ્ટ્રને રસીની આપૂર્તિમાં પ્રાથમિકતા આપવાનું નિવેદન કર્યું છે.

તેમનો મત છે કે રાજ્યમાં મૃતકોની સંખ્યા 50 હજારને પાર કરી ગઈ છે એટલે રાજ્યને રસીની આપૂર્તિમાં પ્રાથમિકતા મળવી જોઈએ.

આ દરમિયાન તેમણે કહ્યું કે સંક્રમિત થનાર લોકોમાં મોટા ભાગના 25થી 40 વર્ષની વયના છે.

ડૉ. હર્ષવર્ધને કહ્યું કે આ નિવેદન ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે.

તેમણે કહ્યું, "હાલના દિવસોમાં કેટલીક રાજ્ય સરકારો તરફથી કોરોના મહામારીને લઈને ગેરજવાબદારીપૂર્વક વાતો સાંભળી છે. કેટલીય રાજ્ય સરકારો પોતાને ત્યાં મહામારીને નિયંત્રણમાં રાખવાના ઉપાયો નથી કરી શકી અને આવાં નિવેદનો લોકોનું ધ્યાન ભટકાવવા અને ભય ફેલાવવાનું કામ કરે છે."

તેમણે કહ્યું કે રસીકરણ-અભિયાનની આખી રૂપરેખા રાજ્યો સાથે વાત કરીને તૈયાર થઈ છે.

તેમણે રસીકરણ માટે વયસીમા 18 વર્ષની કરવાની રાજ્યોની માગને નકારતાં કહ્યું કે જ્યારે રાજ્યો આવું કહે છે ત્યારે એમ માનવું જોઈએ કે આનાથી વધારે વયના લોકોને રસી અપાઈ ગઈ હશે. જોકે, આંકડા બીજું કંઈક સૂચવે છે

કોરોનાની રસી સપ્લાય પૂરી ન કરી શકવા બદલ કોને મળી ભારતમાં નોટિસ?

કોરોનાની રસી વિકસાવનાર ઍસ્ટ્રાઝેનેકાએ ભારતમાં રસીના ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાને રસીની ડિલિવરીમાં વિલંબને કારણે નોટિસ પાઠવી છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા યુકેની ઑક્સફોર્ડ યુનિવર્સિટી અને ઍસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસિત રસી કોવિશિલ્ડનું ઉત્પાદન કરીને વેચે છે.

પૂણેસ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) અદાર પૂનાવાલાએ બિઝનેસ સ્ટાન્ડર્ડને જણાવ્યું હતું કે કંપનીને રસીની સપ્લાય સમયસર ન કરી શકવાને કારણે નોટિસ પાઠવવામાં આવી છે.

હિંદુસ્તાન ટાઇમ્સ અખબાર લખે છે કે કંપની સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સમર્થિત 'કોવૅક્સ કાર્યક્રમ'ની મુખ્ય સપ્લાયર છે જેનો હેતુ દુનિયાના બધા દેશોને રસી પહોંચાડવાનો છે.

25 માર્ચે આ કાર્યક્રમ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભારતમાં કોરોના સંક્રમણ વધતાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ પહેલાં સ્થાનિક માગ પૂરી કરવી પડશે.

જેને લીધે વિશ્વના અન્ય દેશો માટે લગભગ નવ કરોડ ડોઝની સપ્લાયમાં મોડું થશે.

અખબારે અદાર પૂનાવાલાને ટાંકતા લખ્યું છે, "ઍસ્ટ્રાઝેનેકાએ રસીની સપ્લાયમાં મોડું થતાં કાયદાકીય નોટિસ પાઠવી છે અને ભારત સરકારને પણ આ વાતની જાણ છે."

"હું આ નોટિસ વિશે વાત નહીં કરી શકું કારણ કે તે ગુપ્ત છે પરંતુ ભારતમાં સપ્લાયને પ્રાથમિકતા આપવાને કારણે સીરમ ઇન્સ્ટિટ્યૂટ કૉન્ટ્રૅક્સ મુજબ રસીની સપ્લાય પૂરી નથી પાડી શકતું ત્યારે અમે આ કાયદાકીય અડચણને દૂર કરવા માટે મિત્રતાપૂર્ણ રીતે પ્રયાસ કરશું."

"સરકાર પણ આ અંગે શું કરી શકાય, એ વિશે વિચારી રહી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો