You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પશ્ચિમ બંગાળ ચૂંટણી : ભાજપે આપી બંગાળ ચૂંટણીમાં ટિકિટ અને ઉમેદવારે કહ્યું, 'હું ભાજપમાં નથી'
પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી પહેલાં બંગાળના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ભાજપ, ટીએમસી અને અન્ય પક્ષો પોતપોતાના ઉમેદવારો પણ જાહેર કરી રહ્યા છે.
મમતા બેનરજી પશ્ચિમ બંગાળમાં સત્તા જાળવી રાખવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે, તો ભાજપ આ સમયે બંગાળમાં સત્તામાં આવવા માટે રાતદિવસ એક કરી રહ્યો છે.
ભાજપે પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે વધુ 148 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારોની યાદીમાં એક નામ ચર્ચામાં આવ્યું છે.
આ ઉમેદવારનું નામ છે શિખા મિત્રા. તેમનું કહેવું છે કે 'પાર્ટીએ તેમને પૂછ્યા વિના તેમને ઉમેદવાર જાહેર કરી દીધા છે.'
કૉંગ્રેસ પાર્ટીના પૂર્વ નેતા, દિવંગત સોમન મિત્રાનાં પત્ની શિખા મિત્રાએ કહ્યું કે 'તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી નહીં લડે.' જ્યારે ભાજપે તેમને કોલકાતાની ચૌરિંગી સીટ પરથી ઉમેદવાર બનાવ્યાં છે.
'ભાજપ પાસે કોઈ ઉમેદવાર નથી'
ભાજપે પશ્ચિમ બંગાળની આગામી વિધાનસભા ચૂંટણી માટે ગુરુવારે પોતાના 148 ઉમેદવારોની સૂચિ જાહેર કરી હતી, જેમાં શિખા મિત્રા, પાર્ટીના ઉપાધ્યક્ષ મુકુલ રૉય, પાર્ટીના રાજ્ય એકમના પૂર્વ અધ્યક્ષ રાહુલ સિન્હાનું નામ સામેલ છે.
મીડિયા સાથે વાત કરતાં શિખા મિત્રાએ શુક્રવારે કહ્યું કે, "મને મીડિયાથી જાણવા મળ્યું છે કે ભાજપે મને ઉમેદવાર બનાવ્યાં છે. તેઓ કહી રહ્યા છે કે હું ભાજપમાં જોડાઈ ગઈ છું. કોઈ જણાવો કે આખું પ્લેટફૉર્મ અલગ છે, બધું જ અલગ છે. તો હું કેવી રીતે ભાજપ જોઇન કરું?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમને ઉમેદવાર બનાવ્યાં છે, તો તેઓએ કહ્યું, "ભાજપનું માથું (દિમાગ) ખરાબ થઈ ગયું છે. કોઈ જણાવો કે તબિયત સારી છે ભાજપવાળાની. આ સાંભળીને મારો મૂડ ખરાબ થઈ ગયો. બહુ હેરાનગતિ થઈ છે."
તેઓએ કહ્યું, "પહેલી વાર શુભેન્દ્રજી આવ્યા, ત્યારે મેં તેમને ના પાડી દીધી હતી. પછી આજે આ કેમ સાંભળવા મળી રહી છે, એ મને સમજાતું નથી. મને લાગે છે કે ભાજપ પાસે કોઈ ઉમેદવાર નથી."
તૃણમૂલ કૉંગ્રેસના નેતા નેતા ભાજપની આ ભૂલ પર પાર્ટીની મજાક ઉડાવી રહ્યાં છે.
ટીએમસીનાં સાંસદ મહુઆ મોઇત્રાએ ટ્વીટ કર્યું કે "ભાજપે અંતે બે સપ્તાહ બાદ ઉમેદવારોની સૂચિ જાહેર કરી અને તેમાં જેમનું નામ છે, તેઓ કહે છે કે તેઓ પાર્ટીમાં નથી, તે ચૂંટણી નહીં લડે. અમિતને શાહને થોડું હોમવર્ક કરવાની જરૂર છે."
તો ટીએમસીના નેતા ડૈરેક ઓ બ્રાયને લખ્યું, દર વખતે ભાજપ પોતાના ઉમેદવારોની જાહેરાત કરે છે, તો આમલેટ બનાવી શકાય, કેમ કે તેમના પર આટલાં ઈંડાં ફેંકવામાં આવે છે."
ગત સપ્તાહે એક 31 વર્ષીય નેતાએ કેરળમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો અને તેઓએ કહ્યું હતું કે તેઓ રાજકારણ છોડી રહ્યા છે.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ક્યારે છે?
માર્ચ-એપ્રિલ મહિના દરમિયાન પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી યોજાશે, જે ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસનાં અધ્યક્ષા મમતા બેનરજીનું રાજકીય ભાવિ નક્કી કરશે.
આ સાથે જ આ ચૂંટણી ભાજપના કેન્દ્રીય નેતૃત્વ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન પણ બની છે.
અહીં તૃણમુલ કૉંગ્રેસ, ભાજપ તથા કૉંગ્રેસ-ડાબેરી પક્ષો અને ઇન્ડિયા સૅક્યુલર ફ્રન્ટની યુતિ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.
મમતા બેનરજીને આશા છે કે તેમનો પક્ષ સળંગ ત્રીજી વખત ચૂંટણી જીતવામાં સફળ રહેશે, જ્યારે ભાજપ અહીં પોતાનો ગઢ સ્થાપિત કરવા માગે છે.
પશ્ચિમ બંગાળમાં આ વખતે આઠ તબક્કામાં મતદાન થશે, ગત વખતે સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી.
પ્રથમ તબક્કામાં (30 બેઠક ઉપર તા.27મી માર્ચ), બીજા તબક્કામાં (30 બેઠક ઉપર પહેલી એપ્રિલે) યોજાશે.
ત્રીજા તબક્કામાં (31 બેઠક ઉપર છઠ્ઠી એપ્રિલે), ચોથા તબક્કામાં (44 બેઠક ઉપર, 10મી એપ્રિલે) અને પાંચમા તબક્કામાં (45 બેઠક ઉપર 17મી એપ્રિલે ) વૉટર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
છઠ્ઠા તબક્કામાં 43 બેઠક ઉપર 22મી એપ્રિલે, સાતમા તબક્કામાં 36 બેઠક ઉપર 26મી એપ્રિલે, આઠમા અને અંતિમ તબક્કામાં 35 બેઠક ઉપર 29મી એપ્રિલે મતદાન યોજાશે.
294 ધારાસભ્યોવાળી વિધાનસભા માટે આઠ તબક્કામાં મતદાન યોજાશે અને બીજી મેના રોજ પરિણામ જાહેર થશે.
ચોથી મે સુધીમાં આગામી વિધાનસભાના ગઠનસંબંધિત સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી દેવાની રહેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો