You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પશ્ચિમ બંગાળ ચૂંટણી : મમતા બેનરજી કે શુભેન્દુ સરકાર નહીં, નંદીગ્રામ ઇચ્છે છે બીજું જ કંઈક - ગ્રાઉન્ડ રિપોર્ટ
- લેેખક, અપૂર્વ કૃષ્ણ
- પદ, બીબીસી સંવાદદાતા, નંદીગ્રામથી
નંદીગ્રામ સમાચારોમાં સતત ચમકી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી માટે 10 માર્ચે ઉમેદવારી નોંધાવવા ગયેલાં મમતા બેનરજી પરના કથિત હુમલાના સમાચાર બાદ રાજકીય માહોલ ગરમાયો છે.
મમતાને 50,000થી વધુ મતથી હરાવવાનો પડકાર ફેંકી ચૂકેલા તેમના જૂના સાથી શુભેન્દુ અધિકારી આજે ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવવાના છે, પણ આ રાજકીય લડાઈ દરમિયાન નંદીગ્રામની વાસ્તવિક સ્થિતિ કેવી છે? વાંચો આ ગ્રાઉન્ડ રિપોર્ટ.
નંદીગ્રામ, નામમાં ભલે ગ્રામ લખ્યું હોય પણ નંદીગ્રામ ગામડું નથી, જે નંદીગ્રામ સમાચારોમાં ચમકી રહ્યું છે તે એક વિધાનસભા મતવિસ્તાર છે અને તેમાં 138 ગામનો સમાવેશ થાય છે.
પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લામાં સ્થિત નંદીગ્રામ મતવિસ્તાર રાજ્યની રાજધાની કોલકાતાથી 160 કિલોમિટર દૂર આવેલો છે.
આ મતવિસ્તારમાં નંદીગ્રામ નામનું એક નાનું ગામ પણ છે, જેમાં પાંચ-છ હજાર લોકો રહે છે. 2011ના આંકડા મુજબ સમગ્ર નંદીગ્રામ મતવિસ્તારની વસતી સવા ત્રણ લાખથી વધુ હતી.
નંદીગ્રામ નાનાં ગામડાંઓ અને ખેડૂતોનો બનેલો મતવિસ્તાર છે. અહીંના ખેડૂતોએ પોતાની જમીન બચાવવા માટે 13 વર્ષ પહેલાં જે વિરોધ કર્યો હતો, તેને આંદોલનનું સ્વરૂપ આપીને મમતા બેનરજીએ 2011ની વિધાનસભા ચૂંટણીમાં ડાબેરીઓના 34 વર્ષના શાસન પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.
નંદીગ્રામ ફરી એક વખત ચર્ચામાં છે. અગાઉ કરતાં વધુ ચર્ચામાં છે. 2021માં એટલે કે વર્તમાન વર્ષમાં છ રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીની થઈ રહી છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભાની કુલ 294 બેઠકોમાંથી પણ સૌથી વધુ ચર્ચા જે બેઠક બાબતે થઈ રહી છે એ છે: નંદીગ્રામ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મમતા બેનરજીને, નંદીગ્રામના તેમના સહયોગી તથા ત્યાંના ધારાસભ્ય શુભેન્દુ અધિકારીની બળવાખોરીએ એવો તે આઘાત આપ્યો છે કે તેમણે શુભેન્દુના ગઢમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.
શુભેન્દુએ પડકાર ફેંક્યો છે કે મુખ્ય મંત્રીને 50,000થી વધુ મતથી નહીં હરાવું તો રાજકારણ છોડી દઈશ.
મતદારો મમતા દીદીની સાથે છે કે શુભેન્દુ દાદાની સાથે તે નંદીગ્રામના લોકોએ પહેલી એપ્રિલે નક્કી કરવાનું છે.
નંદીગ્રામમાં શું થયું હતું?
નંદીગ્રામમાં શું થયેલું એ ટૂંકમાં સમજવું હોય તો કથા એટલી જ છે કે રાજ્ય સરકારે એક ખાનગી ફેકટરી માટે ખેડૂતોની જમીન ખરીદવાનો નિર્ણય કર્યો હતો, પણ ખેડૂતોએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો. પછી જોરદાર હિંસા થઈ હતી અને સરકારે સત્તા ગુમાવવી પડી હતી.
2007માં નંદીગ્રામમાં હિંસા થઈ ત્યારે રાજ્યમાં ડાબેરી મોરચાની સરકાર હતી અને બુદ્ધદેવ ભટ્ટાચાર્ય મુખ્યપ્રધાન હતા.
1977થી પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન તરીકે કાર્યરત રહેલા જ્યોતિ બસુએ 86 વર્ષની વયે નિવૃત્તિનો નિર્ણય કર્યો ત્યારે વર્ષ 2000માં બુદ્ધદેવે ડાબેરી મોરચાનું નેતૃત્વ સંભાળ્યું હતું.
ડાબેરીઓ ઉદ્યોગવિરોધી હોવાની છાપ બદલવાના પ્રયાસ બુદ્ધદેવ ભટ્ટાચાર્યે કર્યા હતા.
આ સંદર્ભે ભારત સરકારે 2005માં સમગ્ર દેશમાં કૅમિકલ હબ બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે તેમાં નંદીગ્રામ બાબતે પણ વિચાર કરાયો હતો.
બંદર ધરાવતા ઔદ્યોગિક શહેર હલ્દિયા નજીકના નંદીગ્રામને પેટ્રોલિયમ, કૅમિકલ તથા પેટ્રોકૅમિકલ્સ ક્ષેત્ર અને સ્પેશિયલ ઇકૉનોમિક ઝોન (એસઈઝેડ) તરીકે વિકસાવવામાં આવશે એવો નિર્ણય કરવામાં આવ્યો હતો.
14,000 એકર જમીનમાં આકાર લેનારા એ કૅમિકલ હબ માટે બુદ્ધદેવ સરકારે ઇન્ડોનેશિયાની દિગ્ગજ કંપની સલીમ ગ્રૂપ પાસેથી રોકાણ મેળવ્યું હતું.
જોકે, એ પ્રોજેક્ટ બાબતે નંદીગ્રામના ખેડૂતોના મનમાં એવી શંકાના બીજ રોપાયાં હતાં કે પોલીસ અને પોતાના ટેકેદારોની મદદથી સરકાર ખેતીની જમીનનો કબજો બળજબરીથી લઈ લેશે.
તૃણમૂલ કૉંગ્રેસે ખેડૂતોના વિરોધને એક આંદોલનનું સ્વરૂપ આપ્યું હતું. પક્ષના ટેકેદારો તથા નેતાઓએ નંદીગ્રામમાં ખેડૂતોનું એક સંગઠન બનાવ્યું હતું અને તેને 'ભૂમિ ઉચ્છેદ પ્રતિરોધ સમિતિ' એવું નામ આપ્યું હતું.
હિંસા અને સત્તા પરિવર્તન
વિરોધ અને તંગદિલી સતત વધતાં રહ્યાં હતાં. મહિનાઓ સુધી એવું વાતાવરણ રહ્યું હતું.
ગ્રામજનોએ અનેક ઠેકાણે રસ્તાઓ ખોદી નાખ્યા હતા અથવા રસ્તાઓમાં એવી અડચણો સર્જી હતી કે પોલીસ તથા વહીવટીતંત્રનું સૂચિત સ્થળે પહોંચવું મુશ્કેલ બની ગયું હતું.
જાન્યુઆરી-2007થી પરિસ્થિતિ વણસવા લાગી હતી અને જાન્યુઆરીથી માર્ચ દરમિયાન પોલીસ તથા સત્તાધારી પક્ષના સભ્યો અને ગ્રામજનો વચ્ચે અનેકવાર સંઘર્ષ થયો હતો.
2007ની 14 માર્ચે સૌથી વધુ ગંભીર હિંસા થઈ હતી, જેમાં 14 લોકો માર્યા ગયા હતા.
નંદીગ્રામના ગોકુલપુરનાં કંચન માલ નામનાં મહિલા પણ એ દિવસના વિરોધપ્રદર્શનમાં સામેલ થયાં હતાં. તેમને હાથમાં એક ગોળી વાગી હતી.
60 વર્ષનાં કંચન માલ કહે છે, "હું એક ઘાયલ છોકરાને પાણી પીવડાવી રહી હતી ત્યારે મને ગોળી લાગી હતી. પહેલાં મને નંદીગ્રામ લઈ ગયાં હતાં. પછી તામલુક હૉસ્પિટલમાં. ત્યાં મમતા દીદી આવ્યાં હતાં અને મારી હાલત જોયા બાદ તેમણે મને તરત કોલકાતાની પીજી હોસ્પિટલમાં લઈ જવા જણાવ્યું હતું."
એ ઘટના પછી કોલકાતામાં જોરદાર ધમાલ થઈ હતી. સરકારી બસોને આગ ચાંપવામાં આવી હતી, રેલવે ટ્રેક પર અડચણો સર્જવામાં આવી હતી.
બીજી તરફ નંદીગ્રામમાં હજારો લોકો વિરોધ કરવા નીકળી પડ્યા હતા. એક સરકારી ઑફિસમાં આગ ચાંપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે ટીયરગૅસનો ઉપયોગ કરવો પડ્યો હતો.
પશ્ચિમ બંગાળ બહાર પણ વિરોધપ્રદર્શન થયું હતું. સંસદમાં પાંચ દિવસ કોઈ કામ થઈ શક્યું ન હતું. વિરોધ પક્ષ બીજેપી તથા તૃણમૂલ કૉંગ્રેસે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગણી કરી હતી.
ઘટનાના બે દિવસ બાદ કોલકાતા હાઈકોર્ટે આંદોલનકારીઓ પરના ગોળીબારને ગેરબંધારણીય ગણાવ્યો હતો અને સીબીઆઈને તપાસનો આદેશ આપ્યો હતો.
સમગ્ર પ્રકરણની જવાબદારી લઈને બુદ્ધદેવે ભટ્ટાચાર્યે એ મહિને સમગ્ર પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે "અમે રક્તપાત ઈચ્છતા નથી, મરનાર ભલે ગમે તે પક્ષનો હોય."
સાત વર્ષ પછી 2014માં સીબીઆઈએ તેના રિપોર્ટમાં બુદ્ધદેવ સરકારને ક્લીનચીટ આપી હતી, પણ તેનાં ત્રણ વર્ષ પહેલાં એટલે કે 2011માં બુદ્ધદેવ સત્તા ગુમાવી ચૂક્યા હતા.
2007માં હિંસા પછી 2008માં નંદીગ્રામમાં પંચાયત તથા જિલ્લા પરિષદની ચૂંટણીમાં ડાબેરીઓની હાર અને તૃણમૂલ કૉંગ્રેસની જીતનો સિલસિલો શરૂ થયો હતો. તેનું ચરમ 2011માં જોવા મળ્યું હતું.
ડાબેરી મોરચાની 34 વર્ષ જૂની સરકારના હાથમાંથી મમતા બેનરજીએ સત્તા આંચકી લીધી હતી.
મમતા બેનરજીએ નંદીગ્રામથી જે લડાઈ શરૂ કરી હતી તેનો અંત કોલકાતામાં વિજયની પ્રાપ્તિ સાથે થયો હતો. એ સમગ્ર પ્રક્રિયામાં તેમના સૌથી વિશ્વાસુ સાથી હતી, શુભેન્દુ અધિકારી.
ફેક ન્યૂઝની શરૂઆત?
ડાબેરી નેતાઓ કહે છે કે નંદીગ્રામમાં જે થયું હતું તેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું અને ધમાલ થઈ ગઈ હતી. હકીકતમાં એકેય ખેડૂતની જમીન હસ્તગત કરવામાં આવી ન હતી.
માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ-એમ)ના મહામંત્રી પ્રકાશ કરાતે એ સમયે એક લેખમાં જણાવ્યું હતું કે હલ્દિયા ડેવલપમેન્ટ ઑથોરિટીએ એક નોટિસ બહાર પાડી હતી. પ્રોજેક્ટના સંભવિત સ્થળની માહિતી એ નોટિસમાં આપવામાં આવી હતી. એ નોટિસને કારણે વિરોધ શરૂ થયો હતો.
પક્ષના વરિષ્ઠ નેતા મોહમ્મદ સલીમ નંદીગ્રામ આંદોલનને ફેક ન્યૂઝની શરૂઆત ગણાવે છે અને હિંસામાં માર્યા ગયેલા બધા લોકો ખેડૂત હોવાનો ઇનકાર કરે છે.
મોહમ્મદ સલીમ કહે છે, "જે 14 લોકોનાં મૃત્યુ થતાં હતાં, એ પૈકીના 9ની ઓળખ થઈ શકી હતી. બાકીના પાંચ લોકો માઓવાદી અથવા બહારથી લાવવામાં આવેલા હતા. એમની ઓળખ આજ સુધી થઈ શકી નથી. પોલીસ ગોળીબારને કારણે નહીં, પણ બોમ્બના છરા લાગવાને કારણે વધુ લોકો મર્યા હતા."
મમતા બેનરજીએ સીબીઆઈ મારફત તપાસની માગણી કહી હતી અને તેને તરત સ્વીકારી લેવામાં આવી હતી એવું જણાવતાં મોહમ્મદ સલીમ સવાલ કરે છે, "મમતા બેનરજી સરકાર તો છેલ્લાં 10 વર્ષથી સત્તા પર છે તો તેમણે સીબીઆઈના રિપોર્ટ બાબતે કોઈ કાર્યવાહી કેમ કરી નથી?"
જોકે, નંદીગ્રામમાં વિરોધ આંદોલનમાં મોખરે રહેલા નેતાઓ પૈકીના એક તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક નેતા શેખ સૂફિયાં કહે છે, "ડાબેરી મોરચાની સરકારના શાસન દરમિયાન પોલીસે તમામ કેસને નબળા પાડી દીધા હતા. તેથી પોલીસ કે નેતાઓને સજા મળી શકી નહીં."
નંદીગ્રામ - 14 વર્ષ પછી
અલબત, જાણકારો કહે છે કે અત્યારની લડાઈ તૃણમૂલ વિરુદ્ધ તૃણમૂલની છે. ઉમેદવારોના પક્ષ ભલે અલગ-અલગ હોય, પણ એ લોકો એકમેકની સામે લડી રહ્યા છે, જે અગાઉ સાથે હતા.
નંદીગ્રામના બીજેપીના સ્થાનિક નેતા અભિજીત મૈતી કહે છે, "અગાઉનું આંદોલન ડાબેરી મોરચા સામેનું હતું. જે ભૂમિ ઉચ્છેદન પ્રતિરોધ સમિતિની રચના થઈ હતી એ માત્ર તૃણમૂલનું નહીં, પણ નંદીગ્રામના તમામ લોકોનું આંદોલન હતી. મમતા બેનરજી ત્યારે નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) સાથે હતાં."
નંદીગ્રામમાં તૃણમૂલ કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે આ વખતે "મમતા બેનરજીની જીત નક્કી છે."
આ વખતની ચૂંટણીમાં મમતા બેનરજીના ચૂંટણી એજન્ટ શેખ સૂફિયાં કહે છે, "જુઓ. જે રીતે હું એક નેતા છું, એ રીતે શુભેન્દુ પણ એક નેતા છે. એટલે લીડરના આવવા-જવાથી કોઈ ફરક પડતો નથી. સામાન્ય લોકોએ નિર્ણય કરી લીધો છે કે અહીં તૃણમૂલ કોંગ્રેસની જરૂર છે."
બીજી તરફ રાજ્યમાં સત્તા ગૂમાવ્યાના એક દાયકા પછી ડાબેરી મોરચો નંદીગ્રામમાં ફરી સ્થાન જમાવવાનો પ્રયાસ છેલ્લાં બેએક વર્ષથી કરી રહ્યો છે.
સીપીએમે 12 વર્ષ પછી 2019માં નંદીગ્રામમાં પોતાની ઓફિસ ફરી શરૂ કરી હતી.
ગયા વર્ષે લોકડાઉન દરમિયાન અને એ પછી પણ ડાબેરી પક્ષો નંદીગ્રામમાં સભાઓ યોજી રહ્યાં છે અને સરઘસો કાઢી રહ્યાં છે.
નંદીગ્રામના સીપીએમના નેતા પરિતોષ પટનાયક કહે છે, "આજના સમયનો પરિહાસ જુઓ. લાલ ઝંડો પકડવાવાળો કોઈ માણસ શોધ્યો નહીં જડે એવું જે શુભેન્દુ અધિકારીએ કહ્યું હતું એ શુભેન્દુ તેમના પોતાના પક્ષને છોડી ચૂક્યા છે. તેઓ આજે ભગવો ઝંડો પકડી ચૂક્યા છે. આ જ હોય છે ઈતિહાસ."
ઉદ્યોગો શરૂ ન થયાનો રંજ
નંદીગ્રામની રાજકીય લડાઈ એક તરફ છે, જ્યારે બીજી તરફ અહીં એવા અનેક લોકો છે, જેમને અહીં ફેકટરી શરૂ ન થયાનો રંજ છે. એ લોકો માને છે કે ડાબેરી મોરચાની સરકારનો ઈરાદો ખોટો ન હતો.
બીજેપીના સ્થાનિક નેતા અભિજીત મૈતી કહે છે, "ફેકટરીનું નિર્માણ થયું હોત તો સારું થાત. અહીં ફેકટરી થાય તેવું અમે ઈચ્છતા હતા, પણ ડાબેરી મોરચાની સિસ્ટમ અયોગ્ય હતી. તેઓ કંપનીઓને અહીં તબક્કાવાર લાવ્યા હોત તો સારું હતું, પણ તેઓ હજારો એકર જમીન લેવા લાગ્યા હતા, જે ખોટું હતું."
શુભેન્દુ અધિકારી માટે ચૂંટણીપ્રચાર કરતા અભિજીત કહે છે, "એ સિસ્ટમ યોગ્ય હોત તો નંદીગ્રામ અને પશ્ચિમ બંગાળમાં આજે જે બેરોજગારી છે તે ન હોત."
નંદીગ્રામમાં એ સમયે ડાબેરી મોરચાનો વિરોધ કરી ચૂકેલા એવા લોકો પણ છે, જેઓ કહે છે કે બુદ્ધદેવ ભટ્ટાચાર્યની સરકારે સાવચેતીથી પગલાં લીધાં હોત તો વિકટ પરિસ્થિતિ સર્જાઈ ન હોત.
નંદીગ્રામના રહેવાસી જયદેવ દાસ કહે છે, "ફેકટરી અહીંની જરૂરિયાત છે. સરકારે લોકોને સમજાવવું જોઈતું હતું કે અહીં શું થવાનું છે અને કેટલા વિસ્તારમાં ફેક્ટરીનું નિર્માણ થવાનું છે."
એ જે હોય તે, પણ 2011ની ચૂંટણીમાં પરિવર્તનનું પ્રતિક બનેલું નંદીગ્રામ ફરી એક વખત પરિવર્તનનું બેરોમીટર બન્યું છે.
પશ્ચિમ બંગાળ ફરી એકવાર બદલાશે કે નહીં? મમતા દીદી જીતશે કે શુભેન્દુ દાદા? આ સવાલોના જવાબ તો 2021ની બીજી મેએ મળશે, પણ 2007ની 14 માર્ચે ઘાયલ થયેલાં કંચન માલને ખબર છે કે તેમના સવાલના જવાબ દીદી કે દાદા પાસે નથી.
તૂટ્યા-ફૂટ્યા મકાનમાં થીગડાંવાળાં વસ્ત્રોમાં લપેટાયેલાં અને તાજેતરમાં જ વિધવા થયેલી પોતાની પુત્રવધુ તથા તેમના બે બાળકો સાથે જીવતાં રહેવાની લડાઈ રોજ લડતાં કંચન માલ કહે છે, "એ લોકો તો નેતાઓ-પ્રધાનો છે. મારા કહેવાથી કોઈ કશું ન થાય. અમે સાધારણ લોકો છીએ. અમારી પાસે એક મત સિવાય બીજું શું છે?"
કંચન માલ સજળ આંખે ઉમેરે છે, "મારવાવાળો મારશે અને બચાવનારો બચાવશે. અમારા માટે તો બન્ને બાજુએ હાર જ છે."
પરિવર્તનનું પ્રતિક બનેલું નંદીગ્રામ ભારતના રાજકારણનો એ આયનો છે, જેમાં છેલ્લી હરોળમાં બેઠેલા સામાન્ય લોકો દેખાતા નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો