You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના રસ્તાઓ પર દર વર્ષે સાત હજાર લોકોનો ભોગ કેમ લેવાય છે?
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે માર્ગ અકસ્માત મામલે થતાં મોતનાં આંકડા જાહેર કર્યાં છે. આ આંકડાઓ અનુસાર છેલ્લા ત્રણ વર્ષોમાં એટલે કે વર્ષ 2018, 2019, 2020 (સપ્ટેમ્બર) દરમિયાન 21 હજારથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યાં છે, જ્યારે 46 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં છે.
એનો અર્થ કે સરેરાશ દર વર્ષે 7 હજારથી વધુ લોકો માર્ગ અકસ્માતનો શિકાર બન્યાં છે. અને 15 હજારથી વધુ દર વર્ષે સરેરાશ ઘાયલ થાય છે.
વળી વૈશ્વિક આંકડાઓની છણાવટ કરવામાં આવે તો નોંધવા મળે છે કે વિશ્વમાં માર્ગ અકસ્માતમાં કિશોરવયની વ્યક્તિ સૌથી વધુ મૃત્યુ પામે છે. 'વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન'ના રિપોર્ટ અનુસાર વિશ્વમાં વર્ષ 2015માં માર્ગ અકસ્માતમાં કુલ 1.2 મિલિયન (બાર લાખ) કિશોરવયની વ્યક્તિઓ મૃત્યુ પામી હતી.
સરકારી આંકડા દર્શાવે છે કે રાજ્યમાં સરેરાશ દર કલાકે 2 માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિ મૃત્યુ પામે છે. અને સરેરાશ દરરોજ 52 માર્ગ અકસ્માતમાં કુલ 20 લોકો મૃત્યુ પામે છે.
જ્યારે વિવિધ રિપોર્ટ્સ અનુસાર ભારતમાં માર્ગ અકસ્માતમાં દર કલાકે સરેરાશ 15 અકસ્માત થાય છે અને 17 લોકો મૃત્યુ પામે છે.
અકસ્માતો જીવલેણ પુરવાર કેમથઈ રહ્યાં છે?
'વિદ્યાર્થીનું ટ્રકની અડફેટે મૃત્યુ', 'બાઇકચાલકનું ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ' અને 'કારચાલકે કાબૂ ગુમાવતાં પરિવાર અકસ્માતનો ભોગ બન્યો' જેવા સમાચાર વારંવાર અખબારોમાં જોવા મળે છે.
આથી સવાલ એ છે કે જનતા રોડ સેફ્ટી મામલે કેટલી જાગૃત છે અને રોડ સેફ્ટીની શું સ્થિતિ છે? જોકે અકસ્માત આકસ્મિકપણે બનતી દુર્ઘટના છે, પણ તેને કઈ રીતે નિવારી શકાય એ એક પડકાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં વર્ષ 2017માં કુલ 19081 માર્ગ અકસ્માતો થયાં હતાં જેમાં 7289 લોકો મૃત્યુ પામ્યાં હતાં. આમ છેલ્લા દસ વર્ષોનાં આંકડાઓ પરથી જે સ્થિતિ સર્જાઈ છે તેને નિષ્ણાતો ગંભીર ગણાવે છે.
રાજ્ય સરકારના વાહનવ્યવહાર વિભાગના આંકડાઓ અનુસાર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષો(2011થી2016)માં કુલ 89,514 માર્ગ અકસ્માત નોંધાયાં જેમાં કુલ 39,112 લોકો મૃત્યુ પામ્યાં હતાં.
જો કે, ગુજરાતમાં વર્ષ 2015 અને 2016 કરતાં વર્ષ 2017માં માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુનું પ્રમાણ થોડું ઘટ્યું હતું પરંતુ તેમ છતાં દર વર્ષે 7 હજારથી વધારે મૃત્યુ સાવચેતી અને સુધારાની તાતી જરૂરિયાત દર્શાવે છે. કેમ કે કુલ મૃત્યુની સંખ્યામાં ઘટાડો છતાં અકસ્માતો પહેલાં કરતાં વધુ જીવલેણ પુરવાર થઈ રહ્યાં છે.
અકસ્માતો નિવારવા શું પગલાં લેવાય છે?
જોકે આ મામલે બીબીસીએ સૌપ્રથમ 'રોડ સેફ્ટી' મામલે થતાં પ્રયાસ જાણવાની કોશિશ કરી. જેમાં શહેરની ટ્રાફિક પોલીસ આ મુદ્દે શું ભૂમિકા નિભાવી શકે તે જાણવાનો પ્રયાસ કર્યો.
સુરત શહેરના ટ્રાફિક વિભાગના આઈપીએસ અધિકારી, ડીસીપી (ડેપ્યૂટી કમિશનર ઑફ પોલીસ) પ્રશાંત સુમ્બેએ બીબીસી સાથે વાતચીત કરી.
તેમણે કહ્યું, "ટ્રાફિક અને અકસ્માતોની સમસ્યા સામે એક ખાસ કૉન્સેપ્ટ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. તેમાં ઍજ્યુકેશન, એજિંનિયરિંગ અને ઍન્ફોર્સમૅન્ટ (ટ્રિપલ ઈ)ના માધ્યમથી કામ થઈ રહ્યું છે. આ પ્રકારના અભિયાનથી પરિણામ પણ સારા આવ્યાં છે. આ કાર્યક્રમ સેન્ટ્રલ રોડ સેફ્ટી ઑથોરિટી સંલગ્ન હોય છે."
'રોડ સેફ્ટી' મામલેના આ અભિયાનને વધુ વર્ણવતા તેઓ કહે છે, "અમે સૌપ્રથમ ઍજ્યુકેશનથી શરૂઆત કરીએ છીએ જેમાં શહેર અને ગામડાનાં બાળકો અને યુવાનોને તાલીમ અને માર્ગદર્શન આપીએ છીએ. તેમાં મોટી સંખ્યામાં જનતાને સલામતી વિશે જરૂરી બાબતોથી માહિતગાર કરવામાં આવે છે."
ટેકનૉલૉજીની મદદ
તેમણે વધુમાં ઉમેર્યું, "એંજિનિયરિંગ મુદ્દે અમે રોડની ડિઝાઇન, ટેકનૉલૉજી અને વધુ જોખમ કે ટ્રાફિક ધરાવતા સ્થળોનું મૅપિંગ જેવી બાબતોને આવરી લઈએ છીએ. અને ઍન્ફૉર્સમેન્ટથી અમે કાયદાનો કડક રીતે અમલ થાય તેના પર ભાર મૂકીએ છીએ. એટલે આ રીતે સમગ્ર સમસ્યાને અમે સોલ્વ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમને આનાથી ઘણી સફળતા મળી છે, આ મૉડલ સફળ રહ્યું છે."
તદુપરાંત અકસ્માતોમાં સ્પીડ (ઑવરસ્પીડ) ઘણી વાર એક નિર્ણાયક કારણ રહેતું હોય છે. આને કઈ રીતે નિયંત્રિત કરી શકાય એ વિશે આઈપીએસ અધિકારી પ્રશાંત સુમ્બે કહે છે કે સુરત શહેર પોલીસે એક 'આઈ ફૉલો' અભિયાન હાથ ધર્યું.
પોલીસે આ મામલે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો. આ વિશે તેઓ કહે છે, "અમે જે વાહનચાલકોએ સ્પીડ મામલે કે અન્ય મુદ્દે નિયમભંગ કે ભૂલ કરી હોય તેમને સોશિયલ મીડિયા પર માફી માગી અન્યોને એવું ન કરવા અપીલ કરવા વિનંતી કરીએ છીએ. આ અભિયાનમાં પણ લોકો જોડાયાં અને તેની હકારાત્મક અસર જોવા મળી છે."
અકસ્માતોની પૅટર્ન બદલાઈ
અમદાવાદના અમિત ખત્રી 'રોડ સેફ્ટી' મામલે લોકોને જાગૃત કરવા કાર્યરત છે. તેમનું કહેવું છે કે અકસ્માતોની પૅટર્ન બદલાઈ છે. જે એક ખૂબ જ ધ્યાન માગી લે તેવી બાબત છે.
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "હવે અકસ્માતોની પૅટર્ન બદલાઈ રહી છે. જેમાં અકસ્માતોની સંખ્યા ઘટી હોય પણ તેમાં થતાં મોતનું પ્રમાણ વધ્યું હોય એમ જણાય છે. એક સાથે 10-12 લોકો મૃત્યુ પામે એ ગંભીર બાબત છે."
"વળી શહેરોમાં સ્પીડ અને ઉતાવળના પરિબળને લીધે ટુ-વિહિલરચાલકો પણ અકસ્માતનો શિકાર બને છે. ઉપરાંત ભારે વાહનો સંબધિત અકસ્માતોની વાત કરીએ તો ખરેખર નાના વાહનચાલકો જેવા કે ટુ-વિહિલરચાલકોને તાલીમ આપવાની જરૂર છે કે ભારે વાહનોથી કઈ રીતે અંતર જાળવવું અને કઈ રીતે તેની બાજુમાંથી પસાર થવું. કેમ કે કેટલાક 'બ્લાઇન્ડ સ્પૉટ' હોય છે જેને વાહનચાલકે ધ્યાનમાં રાખવા જ પડે છે."
"ગામડાંઓમાં થતા અકસ્માતોની વાત લઈએ તો ત્યાં કેટલાક 'રોડ મર્જર' એવા હોય છે કે ત્યાં સાવચેતી વધુ રાખવી પડે છે. પરંતુ રોડના લેવલને કારણે વાહનચાલકની ગતિ વધુ હોય છે, કેમ કે ત્યાં ઢાળ હોય છે. એટલે મર્જર પર આ સ્થિતિ જોખમી બની જાય છે."
"બીજી વાત કે કારચાલકો હોય કે ટુ-વિહિલરચાલક હોય તેમણે પોતાની જાતે જ એક શિસ્ત પાળવી પડે. જેમ કે સીટબૅલ્ટ, હૅલ્મેટ વગેરે પ્રત્યે ગંભીર રહેવું પડે. આનાથી અકસ્માતમાં થતાં મોતનું પ્રમાણ ઘટી જ શકે છે."
અમિત ખત્રીએ વધુમાં ઉમેર્યું કે,"સિગ્નલ અને સીસીટીવી જેવી તકનિકો અકસ્માતો ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. તે શહેરોમાં પણ ઉપયોગી છે. જોકે રોડ ડિઝાઇન અને ઑટોમોબાઇલ ક્ષેત્રે પણ કેટલીક બાબતોમાં સુધારનો અવકાશ છે. તેમ છતાં 'સેલ્ફ ડિસિપ્લીન' પણ એક મહત્ત્વનું પરિબળ પુરવાર થાય છે."
ચોમાસામાં ગંભીર અકસ્માતો વધુ થાય છે?
ચોમાસાની ઋતુમાં ડ્રાઇવિંગ વધુ પડકારજનક અને જોખમી બની જાય છે. જેથી આ ચોમાસામાં વાહનચાલકે વધુ તકેદારીથી વાહન ચલાવવું જરૂરી હોય છે.
ચોમાસામાં વરસાદને કારણે રોડની સતત બદલાતી સ્થિતિ અનુસાર વાહનચાલકે ઍડજસ્ટમેન્ટ કરવું પડતું હોય છે.
ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાના કારણે ઊંડા ખાડા પડી જતાં હોય છે. પહેલાંથી જ ખરાબ માર્ગ અને માર્ગ પર સેફ્ટી અંગેના માર્ગદર્શન આપતા વિવિધ સૂચનો-ચિહ્નો પણ વરસાદમાં સ્પષ્ટ જોઈ શકાતા નથી.
અમિત ખત્રીએ આ મામલે કહ્યું કે, "ચોમાસામાં વાહનચાલકે ખાસ તકેદારી રાખવી જોઈએ. કેમ કે હવામાન ડ્રાઇવિંગ માટે ઘણું પડકારજનક હોય છે."
"તેમણે કહ્યું કે વાહનનું પ્રિ-મોન્સુમ ચેક અપ કરાવવું જોઈએ અને તમામ લાઇટ્સ ચાલે છે તેની ખાતરી કરવી જોઈએ."
"ઉપરાંત કારમાં એવી વિન્ડ સ્ક્રીન રાખવી જે સતત વરસતા વરસાદમાં પણ રક્ષણ પૂરુ પાડે."
તેમણે વધુમાં કહ્યું,"ચોમાસામાં શક્ય હોય ત્યાં સુધી ઓછી ગતિથી જ વાહન ચલાવવું જોઈએ અને જો ટાયર ઘસાઈ ગયા હોય તે તેને બદલાવી નાખવા હિતાવહ રહે છે."
"વધુમાં તમે સામાન્ય સ્થિતિમાં જે ગતિથી વાહન હંકારતાં હોવ તે કરતાં સરેરાશ દસની(પ્રતિ/કિ.મી) સ્પિડ ઓછી જ રાખવી જેથી એકાએક બ્રેક લગાવવાનું જોખમ ન ઊભું થાય."
મૃતકોમાં 18-35 વર્ષની વયજૂથનાં યુવાઓનું પ્રમાણ 46.3 ટકા
ગુજરાતમાં 2017માં દર 100 અકસ્માતે 38 લોકોનાં મૃત્યુનો દર જોવા મળ્યો હતો.
ઉપરાંત આ જ વર્ષમાં રાજ્યમાં કુલ નોંધાયેલાં વાહનોની સંખ્યા બે કરોડથી પણ વધુ રહી હતી.
વર્ષ 2016માં રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભારતમાં માર્ગ અકસ્માતથી થતાં મૃત્યુને ઘટાડવાની તાતી જરૂરિયાત હોવાનું કહ્યું હતું.
મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં જણાવાયું હતું કે તમિલનાડુ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, તેલંગણા, ગુજરાત, છત્તીસગઢ, પશ્ચિમબંગાળ અને હરિયાણા એમ કુલ 13 રાજ્યોનાં અકસ્માતોનું પ્રમાણ દેશમાં નોંધાતા કુલ અકસ્માતમાં 86 ટકા છે. આમ ગુજરાત રાજ્ય ટોપ-ફાઇવમાં છે.
કેન્દ્ર સરકારના આ જ રિપોર્ટ મુજબ અકસ્માતોનું પ્રમાણ 2016માં ભલે 4.1 ટકા ઘટ્યું હોય પરંતુ તેની સામે તેમાં થતાં મૃત્યુનો દર 3.2 ટકા જેટલો વધ્યો છે.
આ કુલ અકસ્માતમાં સૌથી ચૌકાવનારી બાબત એ છે કે તેમાં 18-35 વર્ષની વયજૂથનાં યુવાઓનું પ્રમાણ 46.3 ટકા રહ્યું હતું.
સૌથી વધુ અકસ્માત ટુ-વિહિલરનાં?
ઉપરાંત સૌથી વધુ અકસ્માત ટુ-વિહિલરનાં નોંધાયા અને તેનું પ્રમાણ 33.8 ટકા છે.
સરકારના આ અહેવાલ મુજબ તેમાં વાહનચાલકની બેદરકારી સૌથી મોટું પરિબળ હોવાનું બહાર આવ્યું હતું.
ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુ વિશે અમિત ખત્રી કહે છે કે હાઈ-વે પર ગતિ મર્યાદામાં વધારો અને વાહનોની રાજ્યમાં વધેલી સંખ્યા મોટાભાગે આ માટે જવાબદાર છે.
તેમણે ઉમેર્યું, "વહનક્ષમતાથી વધુ માલસામાન લઈ જતા વાહનો અને વાહનચાલકોની સેફ્ટી વિશેની ઉદાસીનતાની પણ તેમાં ભૂમિકા ભજવે છે."
"વાહનોનું સેફ્ટી ચેક અપ, ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરવું પણ અકસ્માત નોતરે છે."
"વરસાદની ઋતુમાં હાઇ-વે પર ધુમ્મસને કારણે વિઝિબિલિટિની ગંભીર સમસ્યા સર્જાતી હોય છે. વળી રસ્તામાં ગ્રીપ ન રહેતા બાઇકસવાર તેનો શિકાર બનતા હોય છે. આથી આ ઋતુમાં ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ. આ ઋતુમાં વધુ અકસ્માત થતાં હોય છે."
'જોખમી સ્થળો વિશે રિપોર્ટ કરવું'
અમિત ખત્રી વધુમાં કહે છે, "મહત્ત્વની બાબાત એ છે કે ઘણી વખત શહેર કે ગામમાં કોઈ એક સ્થળ એવું હોય છે જ્યાં વારંવાર નાના અકસ્માત થતાં હોય છે. પરંતુ લોકો તેને ગંભીર નહીં ગણી રિપોર્ટ નથી કરતાં આથી રોડ ડિઝાઇનમાં કોઈ ફોલ્ટ હોય તો તેની જાણ સરકારને થતી નથી."
તેમણે કહ્યું,"કેન્દ્ર સરકારે હૅલ્મેટ અને સીટ બેલ્ટ માટે કડક નિયમો બનાવ્યા છે. પણ રાજ્ય સરકારને તેમાં નિયમન માટે સત્તા આપેલી હોવાથી રાજ્ય સરકાર તેમાં છૂટ આપે છે."
"જેમ કે કેન્દ્ર સરકારના કાયદા મુજબ ટુ-વિહિલર પર બન્ને રાઇડરે હૅલ્મેટ પહેરવું ફરજિયાત છે. પરંતુ ગુજરાતમાં તેમાં છૂટ આપવામાં આવી છે."
"સીટ બેલ્ટમાં પણ તમામ ચાર સીટ માટે બેલ્ટ ફરજિયાત છે પણ રાજ્યએ માત્ર આગળની બે સીટ માટે ફરજિયાત કરેલો છે."
અકસ્માત ઘટાડવાં શું કરવું જોઈએ?
અકસ્માતોમાં ઘણી વાર બાળકો પણ બાઇક ચલાવતી વખતે અકસ્માતનો શિકાર બનતા હોય છે તેના વિશે અમિત ખત્રીએ કહ્યું,"ખરેખર લાયસન્સ વગરના બાળકોનાં અકસ્માતની જવાબદારી માતાપિતાની હોવી જોઈએ. જો આવો નાનો બનાવ નોંધાય તો તેનો દંડ અને સજા બાળકનાં વાલીને થવો જોઈએ."
દરમિયાન ગુજરાતમાં 'રોડ સેફ્ટી' મામલે ટિપ્પણી માટે બીબીસીએ ગુજરાત સરકારના વાહનવ્યવહાર(ટ્રાન્સપોર્ટ) વિભાગના મંત્રી આર. સી. ફળદુનો સંપર્ક કર્યો હતો પરંતુ તેઓ ટિપ્પણી માટે ઉપલબ્ધ નહોતા.
આતંકવાદ-કુદરતી આપદા કરતાં વધુ મૃત્યુ માર્ગ અકસ્માતમાં
ઉપરાંત ભૂતકાળમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ માર્ગ અકસ્માત ઘટાડવા અને સેફ્ટી સુધારવા માટે વિવિધ પગલાંની જાહેરાત કરી હતી.
વળી દેશમાં માર્ગ અકસ્માત માટે કુખ્યાત 789 બ્લૅક સ્પોટ ઓળખવામાં આવ્યાં હતાં અને તેમાંથી 140ને સુધારી દેવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે ગડકરીએ એક રોડ સેફ્ટી મામલેની વેબસાઈટ www.missionroadsafety.com પણ લૉન્ચ કરી હતી. વેબસાઇટ અનુસાર ભારતમાં દર 3.5 મિનિટે એક અકસ્માત એક વ્યક્તિનો જીવ લે છે.
દેશમાં અને રાજ્યમાં વિવિધ શહેરોમાં ઘણી વખત સર્જાતા ગમખ્વાર અકસ્માતના કમકમાટીભર્યા દૃશ્યો કાળજું કંપાવી દેનારાં હોય છે.
અમદાવાદ શહેર પોલીસના આંકડા અનુસાર વર્ષ-2015(જુલાઈ)માં કુલ 170 જીવલેણ અકસ્માત જ્યારે 202 કિસ્સામાં ગંભીર ઈજા સંબંધિત અકસ્માત નોંધાયાં હતાં.
ભારતમાં રોડ સેફ્ટી (માર્ગ અકસ્માત)ની સ્થિતિ એટલી ગંભીર છે કે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે, "દેશમાં આતંકવાદ અને કુદરતી આપદાથી થતાં મૃત્યુ કરતાં વધુ મૃત્યુ માર્ગ અકસ્માતમાં થાય છે અને તેમ છતાં આપણે તેના વિશે ગંભીરતાથી વાત જ નથી કરતા."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો