You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પશ્ચિમ બંગાળ ચૂંટણી : મમતા બેનરજી પરનાં કથિત હુમલા બાદ રાજકારણ ગરમાયું, થયો ગુજરાત અને ગોધરાનો પણ ઉલ્લેખ
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીની સારવાર કરી રહેલા ડૉક્ટરોનું કહેવું છે કે તેમના ડાબા પગ અને પગની ઘૂંટીમાં ગંભીર ઈજા થઈ છે. જ્યારે જમણા ખભા, હાથ અને ડોક પર પણ ઈજા પહોંચી છે.
પૂર્વ મેદિનીપુરના જિલ્લા અધિકારી અને પોલીસ અધિક્ષકે જ્યાં કથિત રીતે અજ્ઞાત લોકોએ એમને ધક્કો આપ્યો એ નંદીગ્રામના બિરુલિયા બજારની મુલાકાત લીધી છે.
મમતા બેનરજીએ હૉસ્પિટલમાંથી નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદનમાં એમણે લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે.
સમાચાર સંસ્થા એએનઆઈએ મમતા બેનરજીનાં હવાલાથી લખ્યું છે કે, "મને હાથ, પગ અને લિંગામેંટમાં ઈજા થઈ છે. જ્યારે મને ધક્કો મારવામાં આવ્યો ત્યારે હું કારની પાસે ઊભી હતી. હું જલદી જ કોલકાતા માટે રવાના થઈશ."
આ દરમિયાન તૃણમૂલ કૉંગ્રેસે પોતાના નેતા પર હુમલાને કારણે ગુરુવારે થનારો ઘોષણાપત્રની જાહેરાતનો કાર્યક્રમ મુલતવી કરી દીધો છે.
ગુરુવારે પાર્ટીના પ્રતિનિધિઓએ ચૂંટણીપંચના અધિકારીઓની મુલાકાત લીધી અને આ કથિત હુમલા બાબતે પોતાની ફરિયાદ નોંધાવી છે. સાંસદ ડેરેક ઓ'બ્રાયન રજૂ કરી તથા મમતા બેનરજીની સરકારમાં બે મંત્રીઓ ચંદ્રિમા ભટ્ટાચાર્ય અને પાર્થ ચેટરજીએ ચૂંટણીપંચ પાસે ઘટનાની તપાસ કરવાની માગ કરી છે.
ગુજરાત અને ગોધરા
ડેરેક ઓ'બ્રાયને કહ્યું કે "આ જઘન્ય ઘટના માટે જવાબદાર લોકો સામે કેસ થવો જોઈએ. આ ઘટના બન્યાની 30 મિનિટમાં જ લોકોએ ખૂબ ખરાબ નિવેદનો આપ્યાં છે, અમે એ નિવેદનોની નિંદા કરીએ છીએ. ડૉક્ટરો સાથે વાત કરો અને જુઓ કે આખરે શું થયું છે."
ડેરેક ઓ'બ્રાયનના હવાલાથી એએનઆઈ લખે છે કે, "9 માર્ચે ચૂંટણીપંચે ડીજીપીને બદલ્યા, 10 માર્ચે એક ભાજપ નેતાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી-'તમે સમજી જશો કે સાંજે 5 વાગ્યા પછી શું થવાનું છે' અને કાલે છ વાગે નંદીગ્રામમાં મમતા દીદી સાથે આ દુર્ઘટના બની. અમે આની નિંદા કરીએ છીએ અને ઇચ્છીએ છીએ કે સત્ય સામે આવે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાર્થ ચેટરજીએ કહ્યું, "ચૂંટણીપંચે મમતા બેનરજી પર થયેલા હુમલાની જવાબદારી લેવી પડશે. એ ભાજપના આદેશ પર કામ કરી રહ્યું છે."
મમતા બેનરજી પર થયેલા કથિત હુમલાને લઈને અનેક નિવેદનો આવી રહ્યાં છે એમાં ગુજરાતનો પણ ઉલ્લેખ થઈ રહ્યો છે.
તૃણમૂલ નેતા મદન મિત્રાએ મમતા બેનરજી પર થયેલા હુમલાને વખોડતાં ગુજરાત અને ગોધરાનો ઉલ્લેખ કર્યો.
સમાચાર સંસ્થા એએનઆઈ મદન મિત્રાના હવાલાથી લખે છે કે, "આ ઘટનાને 'ચડ્ડી'માં ટ્રેનિંગ લેનારા ખાસ તાલીમબદ્ધ લોકોએ અંજામ આપ્યો છે. જો આ પ્રકારની ઘટના બીજે ક્યાંય બની હોત, કહો કે ગુજરાતમાં બની હોત બીજું ગોધરા સર્જાયું હોત. આ હત્યાની કોશિશનો કેસ છે."
સમાચાર સંસ્થા પીટીઆઈ મુજબ નંદીગ્રામમાં સ્થાનિક તૃણમૂલ નેતા શેખ સૂફિયાંની ફરિયાદ પર કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ કથિત હુમલાને નૌટંકી ગણાવનાર ભાજપ નેતાઓએ પણ ચૂંટણીપંચ આગળ ઘટનાની તપાસની માગ કરી છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે મમતા બેનરજીને લાંબા આયુષ્યની અને જલદી સ્વસ્થ થવાની શુભકામનાઓ આપી છે.
એમણે કહ્યું, "ચૂંટણીપંચે ઉમેદવારની પાછળ ચાલી રહેલા વીડિયોમાં જે આવ્યું છે એને સાર્વજનિક કરવું જોઈએ. આશ્ચર્ય છે તે મમતા બેનરજીની સાથે આટલી પોલીસ હોય છે અને ચાર લોકો હુમલો કરીને જતાં રહ્યા. આ ખૂબ દુખદ વાત છે."
ડૉક્ટરોએ શું કહ્યું?
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીની સારવાર કરી રહેલા ડૉક્ટરોનું કહેવું છે કે તેમના ડાબા પગ અને પગની ઘૂંટીમાં ગંભીર ઈજા થઈ છે. જ્યારે જમણા ખભા, હાથ અને ડોક પર પણ ઈજા પહોંચી છે.
કોલકાતાના એક સરકારી હૉસ્પિટલ એસએસકેએમના વરિષ્ઠ તબીબ ડૉક્ટર એમ. બંદોપાધ્યાયે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું, "મુખ્ય મંત્રીને આગામી 48 કલાક સુધી દેખરેખ હેઠળ રખાયાં છે. હજુ વધારે તપાસની જરૂર છે. તેમની સ્થિતિ જોયા બાદ અમે આગળની સારવાર માટેનો નિર્ણય લઈશું."
તેમણે કહ્યું કે મમતા બેનરજીએ નંદીગ્રામમાં કથિત હુમલા બાદ છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી જે બાદ ડૉક્ટરોએ તેમના સ્વાસ્થ્યની સતત દેખરેખ રાખવાનો નિર્ણય કર્યો.
ડૉક્ટરે જણાવ્યું કે મુખ્ય મંત્રીને હળવો તાવ પણ હતો અને બાંગુર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુરૉસાયન્સમાંથી એમઆરઆઈ કરાવાયા બાદ તેમને એસએસકેએમ હૉસ્પિટલના વિશેષ વૉર્ડમાં શિફ્ટ કરી દેવાયાં હતાં.
રાજ્ય સરકારે તેમની સારવાર માટે પાંચ તબીબોની એક ટીમ રચી છે. તેમાં એક કાર્ડિયોલૉજિસ્ટ, એક ઍન્ડોક્રાઇનૉલોજિસ્ટ, એક સર્જન, એક ઑર્થોપીડિસ્ટ અને એક મેડિસિન ડૉક્ટર સામેલ છે.
નંદીગ્રામમાં હુમલાનો આરોપ
મમતા બેનરજીએ બુધવારે મેદિનીપુર જિલ્લાની નંદીગ્રીમ બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવ્યા બાદ તેમના પર હુમલો થયો હોવાનો આરોપ લગાવ્યો હતો.
તેમણે કહ્યું કે જ્યારે તેમની સાથે પોલીસ નહોતી ત્યારે ચારથી પાંચ લોકોએ તેમને ધક્કો માર્યો હતો.
તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ મંદિરમાંથી પરત ફરીને કારમાં જઈ રહ્યાં હતાં ત્યારે ચાર કે પાંચ પુરુષોએ તેમને ધક્કો માર્યો હતો.
મમતાના જણાવ્યા અનુસાર એ લોકોએ કારના દરવાજાને ધક્કો માર્યો અને તેમનો પગ કારના દરવાજામાં ફસાઈ ગયો હતો. જે દરમિયાન તેમને ગોઠણ અને ઘૂંટીમાં ઈજા પહોંચી હતી.
મુખ્ય મંત્રીએ કહ્યું, "આ એક ષડ્યંત્ર છે. એ વખતે તંત્રની કોઈ વ્યક્તિ મારા રક્ષણ માટે ત્યાં હાજર નહોતી. હકીકતમાં તે લોકો મને ઈજા પહોંચાડવા આવ્યા હતા. મેં અત્યારે કોલકાતા પરત ફરવાનો નિર્ણય કર્યો છે."
એક વીડિયોમાં મમતાએ પોતાનો પગ બતાવતા કહ્યું છે કે, "જુઓ આ કેટલો સોજી ગયો છે."
મમતા રાત નંદીગ્રામમાં વિતાવે એવી શક્યતા હતી. જોકે, તેમણે કોલકાતા પરત ફરવાનો નિર્ણય કર્યો અને તેમને સીધાં જ હૉસ્પિટલ લઈ જવાયાં.
રાજ્યના રાજ્યપાલ જગદીપ ઘનખડ પણ તેમના ખબરઅંતર પૂછવા માટે હૉસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન તૃણમૂલ કૉંગ્રેસના સમર્થકોએ રાજ્યપાલ વિરુદ્ધમાં 'ગો બૅક'ના સૂત્રો પોકાર્યા હતા.
રાજ્યપાલ ઘનખડે ટ્વીટ કરીને જણાવ્યું કે તેમણે મુખ્ય મંત્રી મમતા બેનરજી સાથે વાત કરી છે અને આ મામલે મુખ્ય સચિવ અને સુરક્ષા નિદેશક પાસેથી જવાબ માગ્યો છે. તેમણે હૉસ્પિટલના નિદેશક અને આરોગ્યસચિવને પણ જરૂરી તમામ પગલાં ભરવા કહ્યું છે.
વિપક્ષે કહ્યું, નૌટંકી"
વિપક્ષે મમતાના ષડ્યંત્રનો આરોપ ફગાવી દેતાં પૂછ્યું કે આખરે ઝેડ પ્લસ સુરક્ષાવ્યવસ્થામાં કોઈ બહારની વ્યક્તિ કઈ રીતે ઘૂસી ગઈ?
રાજ્યના ભાજપના અધ્યક્ષ અર્જુનસિંહે કહ્યું કે મમતા આવું કરીને સહાનભૂતિ મેળવવાનો પ્રયાસ કરે છે.
કૉંગ્રેસ અને સીપીએમે આને 'રાજકીય પાખંડ' ગણાવ્યું છે.
પશ્ચિમ બંગાળનાં કૉંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું છે, "નંદીગ્રામમાં રાજકીય મુશ્કેલીઓ કળી લેતાં ચૂંટણી પહેલાં તેમણ આ 'નૌટંકી'ની યોજના બનાવી છે. સીએમ ઉપરાંત તેઓ પોલીસમંત્રી પણ છે. શું તમને લાગે છે કે પોલીસમંત્રી પાસે પોલીસ ન હોય?"
સીપીએમના વરિષ્ઠ નેતા મોહમ્મદ સલીમે ટ્વિટર પર લખ્યું છે, "એકદમ સ્પષ્ટ છે, આ એક સ્ટેજ કરાયેલો ડ્રામા છે."
આ દરમિયાન દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે મમતા બેનરજી પર હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી છે.
કેજરીવાલે કહ્યું છે કે જે પણ આ હુમલા પાછળ જવાબદાર હોય એને તત્કાલ પકડી લેવા જોઈએ. તેમણે કહ્યું કે તેઓ મમતા જલદી સારાં થઈ જાય એવી કામના કરે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો