You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્રના નાગપુરમાં ફરીથી કોરોના લૉકડાઉન, અન્ય શહેરોમાં પણ થવાની સંભાવના
મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં ફરીથી સંપૂર્ણ લૉકડાઉન લાગુ થશે. આ લૉકડાઉન 15થી 21 માર્ચ સુધી રહેશે.
મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નીતિન રાઉતે કહ્યું છે કે નાગપુર શહેરમાં 15થી 21 માર્ચ વચ્ચે સંપૂર્ણ લૉકડાઉન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન લોકોને જરૂરી વસ્તુઓને સેવાઓ મળતી રહેશે.
નાગપુરમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થવાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શરૂઆતથી જ કોરોના કેસોની સંખ્યા વધારે રહી છે.
નાગપુરમાં કોરોના કેસોની સંખ્યામાં અસામાન્ય વધારો જોવા મળ્યો છે.
સ્થાનિક મીડિયા અહેવાલ મુજબ નાગપુરમાં બુધવારે 1710 નવા કોરોના કેસ સામે આવ્યા હતા. શહેરમાં અત્યાર સુધી બે લાખ 43થી વધારે કોરોના કેસ સામે આવી ચૂક્યા છે.
આ અગાઉ કોરોનાના કેસોમાં વધારો થતાં સરકારે 14 માર્ચ સુધી નાગપુરમાં નાઇટ કર્ફ્યુ પણ લાદ્યો હતો.
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સરકાર લૉકડાઉન લાગુ કરવા નથી ઇચ્છતી પણ કેટલાક વિસ્તારોમાં કરવું પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોરોનાને પગલે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાઓ પણ મોકૂફ કરી દેવાઈ છે.
મહારાષ્ટ્રમાં લૉકડાઉન બાબતે આગામી બે દિવસમાં નિર્ણય લેવાઈ શકે છે એમ પણ તેમણે કહ્યું છે.
મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને હરિયાણામાં કોરોનાની સ્થિતિ પર કેન્દ્ર સરકાર પણ નજર રાખી રહી છે.
સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે, આજે મહારાષ્ટ્રમાં એક લાખથી વધારે ઍક્ટિવ કેસો છે. મધ્ય પ્રદેશ, ગુજરાત અને હરિયાણામાં પણ કેસો વધી રહ્યા છે. અમે આ રાજ્યો સાથે ત્રણ મિટિંગ કરી છે અને તેમને સ્થિતિનું આકલન કરવાનું કહ્યું છે.
ગુજરાતમાં કુલ કેટલા કરોડ લોકો ગરીબીની રેખા હેઠળ?
ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન એક પ્રશ્નના જવાબમાં ગુજરાત સરકારે માહિતી આપી છે કે રાજ્યમાં 31.41 લાખ પરિવારો ગરીબીરેખાથી નીચે છે.
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર કૉંગ્રેસના ધારાસભ્યોએ માહિતી માગી હતી કે રાજ્યમાં કેટલા પરિવારો બીપીએલ એટલે ગરીબીરેખાથી નીચેની શ્રેણીમાં આવે છે.
પ્રશ્નનો જવાબ આપતાં ગુજરાતના ગ્રામ્યવિકાસમંત્રી આર. સી. ફળદુએ જણાવ્યું કે રાજ્યામાં 31.41 લાખ પરિવારો છે જેઓ બીપીએલ શ્રેણીમાં આવે છે અને છેલ્લાં બે વર્ષમાં 6051 પરિવારોનો ઉમેરો થયો છે.
અહેવાલ અનુસાર 6051 પરિવારોમાં સૌથી વધુ 2411 પરિવારો અમરેલી જિલ્લામાં નોંધ્યા છે.
બીજા ક્રમાંકે રાજકોટ જિલ્લો આવે છે જ્યાં 1509 પરિવારો છે. રાજ્યના નર્મદા, છોટા ઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં બીપીએલ શ્રેણીમાં આવતા પરિવારોના આંકમાં કોઈ ફેરફાર નોંધાયો નથી.
સરકારના રિપોર્ટ બાદ કૉંગ્રેસના ધારાસભ્યોએ કહ્યું કે જો એક પરિવારમાં છ લોકો પણ હોય તો ગુજરાતમાં 1.80 કરોડ લોકો ગરીબીની રેખા નીચે છે.
ગાય ભારતીય અર્થતંત્રનો પાયો : ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું કહેવું છે કે ગાય એ ભારતીય અર્થતંત્રનો પાયો છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગાંધીનગરસ્થિત કામધેનું યુનિવર્સિટીના સાતમા પદવીદાન સમારોહને સંબોધન કરતી વખતે રાજ્યપાલે જણાવ્યું કે કુદરતી ખેતી ગાય પર આધારિત છે કારણ કે જર્સી ગાયનાં છાણ અને મૂત્રમાં એ ગુણો નથી જે ભારતીય ગાયોમાં હોય છે.
તેમણે કહ્યું કે, "મેં હિસારની કૃષી યુનિવર્સીટીમાં આ બાબતે તપાસ કરાવી હતી, જેમાં બહાર આવ્યું કે દેશી ગાયના એક ગ્રામ છાણમાં 300 કરોડ બૅક્ટરિયા હોય છે, જે જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદ કરે છે."
"સાથે ગોમૂત્રમાં પુષ્કળ પ્રમાણમાં મિનરલ હોય છે અને એટલા માટે ગાય એ ભારતીય અર્થતંત્રનો પાયો છે."
તેમણે ઉમેર્યું, "તે (ગાય) આપણા પોષણ માટે દૂધ આપે છે. છાણ અને ગૌમૂત્ર ખેતીમાં મદદ કરે છે. ખેડુતો તેમની આવકમાં વધારો કરી શકે છે. ગુજરાતમાં એક ઉદાહરણ અમૂલનું છે જ્યાં 30 લાખથી વધુ ખેડૂતો તેની સાથે સંકળાયેલા છે અને હવે સમૃદ્ધ બન્યા છે."
સુપ્રીમ કોર્ટની સંરક્ષણમંત્રાલયને નોટિસ
ધ હિંદુસ્તાન ટાઇમ્સ અનુસાર નૅશનલ ડિફેન્સ ઍકડમી (એનડીએ) અને નૅવલ ઍકડમીમાં મહિલા ઉમેદવારોને તક આપવામાં ન આવતા સુપ્રીમ કોર્ટે રક્ષામંત્રાલય, એનડીએ અને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સને નોટિસ પાઠવી છે.
ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેની વડપણ હેઠળની ત્રણ જજોની ખંડપીઠે નોટિસમાં પૂછ્યું છે કે મહિલાઓને એનડીએ અને નૅવલ ઍકેડમીની પરીક્ષા આપવાની તક કેમ આપવામાં આવતી નથી.
અહેવાલ અનુસાર અનિતા નામનાં એક મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ સૈન્યમાં અધિકારી તરીકે જોડાવવા માગતાં હતાં પરતું ભરતી માટેના ભેદભાવપૂર્ણ નિયમોના કારણે તેઓ પોતાનું સપનું પૂર્ણ કરી શક્યાં નહીં.
અનિતાના વકિલ કુશ કાલરાએ જણાવ્યું કે માત્ર સ્ત્રી હોવાના કારણે તમે એનડીએમાં ટ્રેનિંગ ન મળવી શકો અને સૈન્યમાં ન જોડાઈ શકો એ વ્યક્તિના મૂળભૂત અધિકારોનું હનન છે અને ભારતીય બંધારણની જોગવાઈઓની વિરુદ્ધ છે.
એનડીએની પરીક્ષા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યૂપીએસસી) દ્વારા લેવામાં આવે છે.
મોહન ડેલકર આપઘાત કેસ : પ્રશાસક પ્રફુલ્લ પટેલ સહિત 9 લોકો સામે કેસ
સાંસદ મોહન ડેલકર આપઘાત કેસમાં મુંબઈ પોલીસે દાદરા અને નગર હેવલી તથા દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલ સહિત નવ લોકો સામે કેસ નોંધીને તપાસ શરુ કરી છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસનાઅહેવાલ અનુસાર મુંબઈના મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશન દ્વારા પ્રફુલ્લ પટેલ અને અન્યો સામે આપઘાતની દુષ્પ્રેરણાની ફરીયાદ નોંધી છે. મોહન ડેલકરના પુત્ર અભિનવ ડેલકર અને પત્ની કલાબહેન ડેલકરે મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધાવી છે.
અહેવાલ અનુસાર ફરિયાદમાં દાદરા અને નગર હવેલીના કલેક્ટર સંદીપસિંહ, પૂર્વ જિલ્લા પોલીસ અધિક્ષક શરદ દરાડે, ડેપ્યુટી કલેક્ટર અપૂર્વ શર્મા, સબ-ડિવિઝનલ ઑફિસર મનસ્વી જૈન, પોલીસ ઇન્સ્પેક્ટર મનોજ પટેલ, દાદરા અને નગર હવેલીના કાયદાસચિવ રોહિત યાદવ, ભાજપના નેતા ફતેસિંહ ચૌહાણ અને તલાટી દિલીપ પટેલનાં નામો સામેલ છે.
પોલીસને આપેલા પોતાના નિવેદનમાં અભિનવ ડેલકરે જણાવ્યું કે પ્રશાસક પ્રફુલ્લ પટેલ એસએસઆર કૉલેજનો વહીવટ હસ્તગત કરવા માટે છેલ્લા ઘણા સમયથી તેમના પિતાને પરેશાન કરી રહ્યા હતા.
તેમણે આરોપ લગાવ્યો, "તેમણે મારા પિતા પાસે 25 કરોડ રૂપિયાની માંગણી કરી હતી અને જો પૈસા નહીં આપવામાં આવે તો પાસા એક્ટ હેઠળ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી."
અભિનવ અનુસાર એસએસઆર કૉલેજની સ્થાપના તેમના પિતાએ કરી હતી જેની કિંમત 100 કરોડ રૂપિયા છે.
22 ફેબ્રુઆરીએ મોહન ડેલકરે મુંબઈની હોટલ સી ગ્રીનમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો