સુરતના કથિત સીમી કેસના આરોપીઓને નિર્દોષ છૂટતાં 20 વર્ષ કેમ લાગ્યાં?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સુરતની એક કોર્ટે તાજેતરમાં જ 20 વર્ષ બાદ ભારતમાં પ્રતિબંધિત સંગઠન 'સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમૅન્ટ ઑફ ઇન્ડિયા' (એસઆઈએમઆઈ -સીમી) સાથે કથિત સંડોવણીના કુલ 127 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. નોંધનીય છે કે, વર્ષ 2001માં આ કેસમાં કુલ 127 લોકોની સુરતમાં ધરપકડ કરવામાં આવી હતી.

તેમની ધરપકડ એ વખતના 'અનલૉફૂલ ઍક્ટિવિટી (પ્રિવેન્શન) ઍક્ટ- 1967'ના ભંગ બદલ થઈ હોવાનું પોલીસે ફરિયાદમાં નોંધ્યું હતું.

20 વર્ષ પૂર્વે બનેલા આ કેસમાં 127 ઍક્ટિવિસ્ટો વિરુદ્ધ કેસની કાર્યવાહી બાદ સુરતની સ્થાનિક કોર્ટમાં અંતિમ સુનાવણી પછી કોર્ટે તમામને દોષમુક્ત કરવાનો હુકમ કર્યો હતો.

જોકે, અહીં પ્રશ્ન એ થાય છે કે આખરે આવા સંવેદનશીલ અને મહત્ત્વપૂર્ણ કેસ અંગે આખરી ચુકાદો આપવામાં ન્યાયતંત્રને આટલો બધો સમય શું કામ લાગ્યો?

અંગ્રેજી કહેવતમાં કહેવાયું છે તેમ 'જસ્ટિસ ડિલેઇડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ' એટલે કે ન્યાયમાં વિલંબ એ ન્યાય ન મળવા બરોબર છે.

આ અંગે બીબીસી ગુજરાતીએ ન્યાયતંત્રની કાર્યવાહીના કેટલાક જાણકારો સાથે વાત કરીને 127 લોકોને ન્યાય મળવામાં થયેલા આ વિલંબ માટેનાં સંભવિત કારણો જાણવાનો પ્રયાસ કર્યો હતો.

ન્યાય મેળવવામાં દાયકાનો સમય કેમ?

"સુરતમાં સીમી સાથેની સંડોવણીના કેસમાં આરોપીઓને નિર્દોષ છૂટતાં બે દાયકાનો સમય લાગે એ બહુ મોટી વાત છે પણ ઘણી વખત, દસ્તાવેજી પુરાવાનો અભાવ, તપાસઅધિકારીની ગેરહાજરી અને સાક્ષીઓની ગેરહાજરી પણ વિલંબ માટેનું એક કારણ છે. જોકે, નીચલી અદાલતમાં આટલો સમય ના લાગવો જોઈએ." સિટી સિવિલ અને સેશન કોર્ટનાં પૂર્વ પ્રિન્સિપાલ જજ જ્યોત્સનાબહેન યાજ્ઞિક આવું માને છે .

નરોડા પાટિયા હત્યાકાંડમાં બાબુ બજરંગી અને માયા કોડનાની સહિત અનેક નેતાઓ વિરુદ્ધ ચુકાદો આપનારાં રિટાયર્ડ પ્રિન્સિપાલ જજ જ્યોત્સનાબહેન યાજ્ઞિકે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "સંવેદનશીલ કેસમાં સાક્ષી તપાસવાનું અને દસ્તાવેજી પુરાવા જોવાનું કામ મહત્ત્વનું હોય છે જે સમય માગી લે છે. પરંતુ 20 વર્ષનો સમયગાળો વધુ છે."

તેઓ આગળ કહે છે કે, "આવા સંવેદનશીલ કેસમાં ઘણીવાર તપાસ અધિકારીની ગેરહાજરીને કારણે વિલંબ થાય છે. ઘણી વખત સાક્ષીઓની ગેરહાજરીને કારણે મુદ્દતો પડે છે અને કેસ લંબાતો જતો હોય છે."

નિવૃત્ત જજ જ્યોત્સ્નાબહેન પોતાના કાર્યકાળ વિશે વર્તમાન સમયની પરિસ્થિતિને સરખાવતાં કહે છે કે, "મેં ઘણા કેસ ચલાવ્યા છે પણ કાનૂની જોગવાઈને કારણે સંવેદનશીલ કેસમાં 127આરોપી હોય ત્યારે એમની હાજરીમાં કેસ ચલાવવો પડે, એમાંથી કોઈ પણ ગેરહાજર હોય તો મુદ્દત પડે, એટલે કેસ લાંબો ચાલે."

"આ ઉપરાંત ઘણી વખત એવું પણ થાય છે કે સાક્ષીઓ હાજર ન હોય અને સાક્ષીઓને સમન્સ બજાવવામાં આવે ત્યારે તેમનું સરનામું બદલાઈ ગયું. આ કારણે પણ વિલંબ થાય છે. આ માટે જજે કડક વલણ અપનાવવું પડે અને કેસ લંબાવવાને કારણે આરોપીને 'મેન્ટલ સ્ટીગ્મા' ન આવે એ જોવું જોઈએ."

‘ન્યાયતંત્ર નહીં પોલીસતંત્રના કારણે આરોપીઓને વેઠવું પડ્યું’

આવા સંવેદનશીલ કેસોમાં વિલંબનાં કારણોની છણાવટ કરતાં સિનિયર ઍડ્વોકેટ એમ.આઈ. લાલીવાળાએ કહે છે કે, "આવા સંવેદનશીલ કેસમાં જજ કરતાં વધુ વાંક હું પોલીસવાળાનો જોઉં છું કારણકે કોર્ટ સાક્ષીના સમન્સ કાઢે છે અને સમન્સની બજવણી પોલીસ દ્વારા સમયસર થતી નથી."

"કોર્ટ વારંવાર હાજર નહીં રહેનાર સાક્ષી સામે વૉરંટ કાઢે તો એ વૉરંટની બજવણી થતી નથી આવા સંજોગોમાં સરકારી વકીલ પાસે આવા બે જવાબદાર સાક્ષીઓને રદ કરવાની સત્તા છે પણ તેઓ આવું કરતા નથી. આ પણ વિલંબનું એક મુખ્ય કારણ છે."

તેઓ કોર્ટની કાર્યવાહીમાં વિલંબ અંગેનાં કારણો વિશે આગળ વાત કરતાં કહે છે કે, "ઘણા કેસમાં એવું થાય છે કે સાક્ષી હાજર ન હોય એટલે કોર્ટ પુરાવા રેકર્ડ પર ન લઈ શકાય અને પુરાવા રેકર્ડ પર ન લેવાયા હોઈ જજમઍન્ટ આવવામાં વિલંબ થાય છે."

સુરતમાં સીમી સાથે સંકળાયેલા હોવાના આરોપીઓને ન્યાય મળવામાં જે 20 વર્ષનો સમય લાગ્યો તે માટે પણ આ જ કારણો જવાબદાર છે તેવું સિનિયર ઍડ્વોકેટ એમ. આઈ. લાલીવાળાનું માનવું છે.

તેઓ સમગ્ર પ્રક્રિયામાં પોલીસતંત્રની ઉદાસીનતાને કારણભૂત ગણાવતાં કહે છે કે, "જો સાક્ષીઓ સમયસર કોર્ટમાં હાજર રહ્યા હોત તો આ સમસ્યા ઊભી જ ના થઈ હોત. કોર્ટમાં આવા સંવેદનશીલ કેસમાં વિલંબ થવા પાછળનું મુખ્ય કારણ પોલીસની સમન્સ અને વૉરંટ બજાવવાની કામગીરીમાં ઉદાસીનતા છે. જેના કારણે આ 127 આરોપી અને એમના પરિવારને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે" .

સિનિયર ઍડ્વોકેટ એમ. આઈ. લાલીવાળાની વાત સાથે સંમત થતાં આ કેસના મુખ્ય સિનિયર વકીલ એમ.એમ. ખાને બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, "આ કેસ ઝડપી ચલાવવા માટે અમે પૂરો પ્રયાસ કર્યો. વારંવાર અમે સાક્ષીઓ હાજર રહે એવો પ્રયાસ કર્યો પણ સાક્ષીઓ હાજર ન રહે એટલે મુદ્દતો પડતી રહી અને કેસ લંબાતો ગયો."

જોકે, આવા વિલંબ પાછળનું કારણ જણાવતા નિવૃત એ.સી.પી. એન. જી. પટેલ જણાવે છે, "પોલીસ પાસે જે કામગીરી હોય એ ઉપરાંત કોર્ટના સમન્સ અને વૉરન્ટની બજવણીનું પણ કામ હોય છે, જેના કારણે કેટલાક કિસ્સાઓમાં વિલંબ થતો હોય છે."

"જોકે, પોલીસ બને ત્યાં સુધી ચોકસાઇ રાખતી હોય છે કે કોર્ટના આદેશનું પાલન થયા. ઘણીવાર એવું બને કે તપાસ અધિકારીની બદલી થઈ હોય અને તે કોર્ટમાં હાજર ના રહે."

"આજે પણ એવા ઘણા કેસ છે જેમાં મારે નિવૃત થયા બાદ પણ કોર્ટમાં જવું પડે છે. કારણ કે હું એ કેસમાં તપાસ અધિકારી હતો."

તેઓ ઓવું પણ જણાવે છે, "સામાજિક કામ કે અન્ય કારણોસર જો હું કોર્ટમાં હાજર ન રહું અને મુદ્દત પડે તો પોલીસનો વાંક ન ગણાય."

તેઓ આ કેસમાં આરોપીઓને આરોપમુક્ત જાહેર કરવા માટે કોર્ટે કેમ વધુ સમય લીધો તે અંગે વાત કરતાં કહે છે કે, "આ કેસમાં એક સાક્ષી એવા હતા કે જેઓ મુદતે હાજર નહોતા રહેતા તેથી કોર્ટ દરેક વખત બે મહિનાની મુદ્દત આપતી. આવું ઘણી વખત બન્યું અને આ કેસમાં આવું દોઢ વર્ષ સુધી ચાલ્યું."

આ કેસના મુખ્ય સિનિયર વકીલ એમ. એમ. ખાન કેસની વધુ વિગતો આપતાં કહે છે કે, "ત્યાર બાદ અમુક સમય પસાર થયા બાદ 127 આરોપીઓને જામીન મળ્યા હતા અને બધા આરોપી ગુજરાતના નહોતા. દેશનાં અલગ-અલગ રાજ્યના હતા."

"તેથી કેસ ચાલવામાં વિલંબ ના થાય એ હેતુસર અમે અલગઅલગ રાજ્યમાં રહેતા આરોપીઓને દરેક મુદ્દતે હાજર ન રહેવું પડે એ માટે ઍક્ઝેમ્પશન માંગ્યું."

"કોર્ટે સ્થિતિને જોઈ કલમ 205 હેઠળ અમારી દરખાસ્ત મંજૂર કરી. પરંતુ સામે સરકારી વકીલ દોઢ વર્ષ સુધી હાજર ન રહ્યા અને મુદતો પડતી ગઈ. જેથી આટલો વિલંબ થયો."

‘ક્યારેક તપાસ અધિકારી હાજર ન રહ્યા તો ક્યારેક સરકારી વકીલ’

ખાન સાથે આ કેસમાં જોડાયેલા બીજા વકીલ કે. જી. શેખ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે, "અમારી પાસે અમારા 127 લોકો નિર્દોષ હોવાના પુરાવા હતા, કેસ ઝડપી ચાલી શકે એમ હતો, પણ કયારેક તપાસ અધિકારી હાજર ન હોય તો ક્યારેક સરકારી વકીલ હાજર ન હોય તેવું બનતું."

તેઓ કેસનો નિકાલ જલદી લાવવાના પોતાના પ્રયત્નો વિશે વાત કરતાં કહે છે કે, "છેવટે અમે આ કેસ ઝડપથી ચલાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે પણ કેસ ઝડપી ચલાવવાનો આદેશ આપ્યો. પરંતુ થોડાં સમયમાં જ જજની બદલી થઈ. નવા જજ આવ્યા અને તે કેસ સમજે એ પહેલાં એમની પણ બદલી થઈ અને કેસની મુદ્દતો પડતી ગઈ."

આ કેસના સિનિયર વકીલ એમ.એમ ખાન આ કેસની કોર્ટની કાર્યવાહી અંગે વધુ વિગતો આપતાં કહે છે કે "એક તબક્કો એવો આવ્યો કે કોર્ટ એક્સ પાર્ટી સુનાવણી (એકતરફી સુનાવણી) માટે તૈયાર થઈ પણ અમને એ મંજૂર નહોતું."

"કારણકે ઉપલી કોર્ટમાં સરકાર અપીલ કરે તો ઍક્સ પાર્ટી સુનાવણીના આધારે અમારે ફરીથી તમામ પ્રોસિજર કરવી પડે. જેથી આ પ્રસ્તાવ અમે નામંજૂર કર્યો."

તેઓ આગળ કહે છે કે, "અંતે 127 આરોપીઓ તરફથી 22-3-2016ના દિવસે દલીલો પૂરી થઈ. જોકે, સમન્સ નહીં બજાવવાને કારણે અને સરકારી વકીલ તથા સાક્ષી નહીં હોવાને કારણે સામા પક્ષની દલીલો 17-04-2018ના રોજ પૂરી થઈ અને 27-6-2018ના દિવસે અંતિમ સુનાવણી થઈ."

આરોપીઓના વકીલ કે. જી. શેખ ત્યાર બાદની કાર્યવાહી વિશે વાત કરતાં કહે છે કે "ત્યાર બાદ ત્રણ જજની બદલી થઈ, 4-2-2021ના દિવસે અનેક મુદ્દતો પડ્યા પછી સરકારની ચુકાદા પહેલાંની અંતિમ દલીલ પૂરી થઈ અને 15-2-2021ના દિવસે આરોપીની દલીલ પૂરી થઈ. પણ સમન્સ નહીં બજાવવાને કારણે માત્ર 20 સાક્ષી હોવા છતાં આટલો બધો વિલંબ થયો છે."

સેસન્સ કોર્ટના રિટાયર્ડ જજ એસ.એમ. પીરઝાદાએ આ કેસમાં ન્યાય મેળવવામાં થયેલા વિલંબ અંગે વાત કરતાં કહ્યું કે, "આ વિલંબ ઘણો લાંબો છે, હાઈકોર્ટના આદેશ પછી કેસ ઝડપથી ચાલવો જોઈતો હતો. આટલી મુદ્દતો પાડવી યોગ્ય નથી."

"જો આટલી મુદ્દતો ન પડી હોત તો કેસનો ઝડપી નિકાલ આવી શક્યો હોત. આરોપી જામીન પર બહાર હતા એટલે કેસને પ્રાયોરિટી ન અપાઈ પણ આવા સંવેદનશીલ કેસમાં ઝડપી નિકાલ લાવવો જોઈએ જેથી આરોપીઓને રાહત થાય અને લોકોનો ન્યાયતંત્ર પરનો ભરોસો મજબૂત બને. ન્યાય મેળવવામાં વિલંબ એ યોગ્ય ન્યાયિક પ્રક્રિયા નથી."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો