પાકિસ્તાનમાં હજુ પણ કોરોના વાઇરસની રસી કેમ અપાઈ નથી?

સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના લગભગ 16 કરોડ ડોઝ અપાઈ ગયા છે. પરંતુ તેમાંથી મોટા ભાગની રસી અમેરિકા અને યુરોપમાં આપવામાં આવી છે.

એશિયાની વાત કરીએ તો ભારત જેવા દેશમાં રસીકરણ કાર્યક્રમ સ્થિર ગતિએ આગળ વધી રહ્યો છે. ભારતે કહ્યું છે કે તેણે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં વૅક્સિનના લગભગ 1.4 કરોડ ડોઝ આપ્યા છે.

જોકે, બીજા દેશોમાં રસીકરણ કાર્યક્રમ હજુ શરૂ જ થયો છે અથવા પ્રારંભિક તબક્કામાં છે. તેના માટે વિવિધ કારણો જવાબદાર છે. કેટલીક જગ્યાએ અત્યંત સાવધાની રાખવામાં આવે છે અથવા વૅક્સિનની અસરકારકતા અંગે લોકોમાં શંકા છે.

અમે એશિયાના કેટલાક દેશોમાં આ પરિસ્થિતિ પર નજર નાખી અને તેની પાછળના કારણો જાણવાનો પ્રયાસ કર્યો.

પાકિસ્તાનમાં શું સ્થિતિ છે?

પાકિસ્તાનમાં પણ વૅક્સિન અંગે શંકા અને ભય પ્રવર્તે છે. જોકે, લોકોમાં વૅક્સિન અંગેની ગેરમાહિતી અને કેટલાક વાઇરલ વીડિયો તેનું મુખ્ય કારણ છે.

2020ના એક વાઇરલ વીડિયોમાં એક ખાનગી શાળાના શિક્ષક જોરજોરથી બૂમો પાડતા હોય તેવું જોવા મળે છે.

તેમાં છોકરાઓનું એક જૂથ બેહોશ થઈ ગયું હોય તેવું દેખાડવામાં આવ્યું હતું. આ વીડિયોમાં શિક્ષક પોલિયોની રસીનો વાંક કાઢી રહ્યા છે અને કહે છે કે પોલિયોની રસીના કારણે બાળકો 'બેહોશ' થઈ ગયાં હતાં.

તેઓ આ રસી લેવાનું 'દબાણ' કરવા બદલ અધિકારીઓની ઝાટકણી કાઢતા હતા. તેના કારણે લોકોના ટોળાએ એક ક્લિનિકને આગ ચાંપી હતી.

આવા કેટલાક વીડિયોના કારણે પાકિસ્તાનમાં પોલિયોવિરોધી ઝુંબેશને અસર થઈ છે અને રસીકરણનો દર ઘટ્યો છે. આ વીડિયો ખોટા હોવાનું સાબિત થયું હતું અને સોશિયલ મીડિયા પરથી તેને દૂર કરાયા હતા. છતાં કરોડો લોકોએ તેમને જોઈ લીધા હતા.

તેના કારણે કોવિડ સામે લોકોનું રસીકરણ કરવાની યોજનાને આશ્ચર્યજનક રીતે અસર થઈ છે.

પેશાવરના એક ડૉક્ટરને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું કે રસીકરણ કાર્યક્રમના પ્રથમ દિવસે લગભગ 400 હેલ્થકૅર કામદારોને ઇન્જેક્શન લેવાના હતા પરંતુ માત્ર એક ડઝન લોકો જ રસી મૂકાવવા આવ્યા હતા.

ભય અને ગેરમાહિતી

ફિલિપાઇન્સમાં ઘણા લોકોને ડેંગવેક્સિયા નામની વૅક્સિનનો કડવો અનુભવ યાદ છે.

2016માં ડેંગ્યુના તાવ સામે આ રસી આપવાનું શરૂ થયું હતું. પરંતુ આ રસીની આડઅસરના કારણે બે વર્ષ પછી રસીકરણ કાર્યક્રમ અચાનક અટકાવી દેવાયો હતો. ફિલિપાઇન્સમાં આ રસી મૂકાવ્યા પછી કેટલાંક બાળકોનાં મૃત્યુ થયાં હતાં.

ફિલિપાઇન્સના આરોગ્યમંત્રી સામે કેસ ચલાવવામાં આવ્યો હતો અને ભારે વિવાદ પેદા થયો હતો. જાહેર આરોગ્યઅધિકારીઓએ જણાવ્યું કે તે ઘટનાના કારણે વૅક્સિન અંગે લોકોમાં એટલો ભય છે કે કોરોના સામેની લડાઈમાં રસીકરણ કાર્યક્રમને અસર થઈ શકે છે.

તાજેતરના એક સરવેમાં જાણવા મળ્યું હતું કે ફિલિપાઇન્સના માત્ર 19 ટકા લોકો, એટલે કે દર પાંચમાંથી ફક્ત એક વ્યક્તિ કોરોનાની વૅક્સિન લેવા તૈયાર છે. આ ઉપરાંત દેશમાં હજુ વૅક્સિનનો મોટો જથ્થો આવવાનો પણ બાકી છે.

ચીનની સિનોવેક વૅક્સિનનો જથ્થો 28 ફેબ્રુઆરીએ અહીં આવી ગયો હતો જે અહીં પહોંચેલી રસીનું પ્રથમ શિપમૅન્ટ હતું.

ફિલિપાઇન્સ સરકારે આ વૅક્સિનના આગમનથી થોડા દિવસ અગાઉ જ તેના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી હતી.

મનિલા ખાતે બીબીસીના સંવાદદાતા વિરમા સિમોનેટ મુજબ 15 ફેબ્રુઆરીથી જ અહીં રસીકરણ અભિયાન શરૂ થવાનું હતું. પરંતુ ફાઇઝર-બાયૉટેક અને ઍસ્ટ્રાઝેનેકાની વૅક્સિનના શિપમૅન્ટ સમયસર ન પહોંચ્યા તેના કારણે રસીકરણ શરૂ થયું ન હતું. આ બંને વૅક્સિનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી અપાઈ છે.

ઍસ્ટ્રાઝેનેકાની વૅક્સિન છેક ચોથી માર્ચે ફિલિપાઇન્સ પહોંચી હતી.

સાવધ વલણ

એશિયાનાં બીજાં રાષ્ટ્રોમાં કે જ્યાં રસીકરણ અભિયાન હજુ શરૂ જ થયું છે, ત્યાં અધિકારીઓ અને નિષ્ણાતોના કહેવા પ્રમાણે ખચકાટના બદલે સાવધાની વધુ જોવા મળે છે. તેમાંથી ઘણા દેશોએ કોરોનાને અસરકારક રીતે નિયંત્રણમાં લીધો છે. તેમને ઝડપી રસીકરણની ઉતાવળ નથી જણાતી.

ઑસ્ટ્રેલિયાની ડિકિન યુનિવર્સિટીના ઍપિડેમિયોલોજિસ્ટ કૅથેરિન બૅનેટે ઍસોસિયેટેડ પ્રેસ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે રસીકરણ માટે રાહ જોઈને આ દેશો કેટલોક મહત્ત્વનો ડેટા એકત્ર કરી શક્યા છે.

જેમ કે કોઈને આકસ્મિક રીતે ઑવરડોઝ અપાઈ જાય તો શું થાય, ગર્ભવતી મહિલાઓ પર વૅક્સિનની કેવી અસર પડે, વગેરે.

આ દેશો પોતાના લોકોના જીવ જોખમમાં મૂક્યા વગર આ ડેટા મેળવી રહ્યા છે.

સાઉથ કોરિયાની સરકારે પણ રસીકરણ ઝુંબેશ મોડી શરૂ કરી છે. સરકારના આ નિર્ણયનો બચાવ કરતા વડા પ્રધાન ચુંગ સાઇ-ક્યુને જણાવ્યું કે બીજા દેશોમાં વૅક્સિનથી કેવાં પરિણામ આવે છે તે જોવા માટે સાઉથ કોરિયા જાણી જોઈને ઢીલ વર્તી રહ્યું છે.

સૉલ ખાતે બીબીસીનાં લૌરા બિકરને તેમણે જણાવ્યું કે, "તમે જાણો છો કે ઝડપી કામ કરવામાં કોરિયનોને કોઈ ન પહોંચી શકે."

આ વિસ્તારના અન્ય દેશો- સિંગાપોર, કમ્બોડિયા, વિયેતનામમાં પણ અધિકારીઓએ 'રાહ જોવા'ના મહત્ત્વ પર ભાર મૂકીને ટિપ્પણી કરી હતી.

વિલંબ થવા છતાં ઘણા દેશો હવે વહેલી તકે રસીકરણ શરૂ કરવાની આશા રાખે છે. ઉદાહરણ તરીકે સાઉથ કોરિયા પાનખર (સપ્ટેમ્બરથી નવેમ્બર) સુધીમાં હર્ડ ઇમ્યુનિટી પ્રાપ્ત કરવાનો લક્ષ્ય રાખે છે.

થાઇલૅન્ડમાં માર્ચથી જ રસીકરણ શરૂ થશે. પરંતુ તેણે કહ્યું છે કે તે વર્ષના મધ્ય સુધીમાં અડધી વસતીને વૅક્સિન આપવાની અપેક્ષા રાખે છે.

સિંગાપોરે પોતાની સમગ્ર વસતી માટે ઇન્જેક્શન મેળવી લીધા છે છતાં અત્યાર સુધીમાં માત્ર 2.50 લાખ લોકોને રસી આપી છે. તેણે કહ્યું કે એપ્રિલના અંત સુધીમાં તે પોતાના રસીકરણ કાર્યક્રમને વધુ આક્રમક બનાવશે.

વૅક્સિન અંગે ખચકાટ

જાપાનમાં રસીકરણની ઝુંબેશ સફળ રહે તે મહત્ત્વનું છે કારણ કે અહીં યોજના મુજબ ઑલિમ્પિક્સનું આયોજન કરવા માટે તે જરૂરી છે. પરંતુ વૅક્સિન અંગેનો ખચકાટ એક સમસ્યા છે.

સમગ્ર વિશ્વમાં વૅક્સિન અંગે સૌથી ઓછો ભરોસો મૂકનારા દેશોમાં જાપાન સામેલ છે. 1990ના દાયકામાં અહીં ઓરી, ગાલપચોરિયાં અને રુબેલાની રસીના કારણે ઍસેપ્ટિક મૅનિન્જાઈટિસ (મગજનો તાવ)ના કેસ વધ્યા હોવાનું માનવામાં આવે છે.

આ બાબતના કોઈ નક્કર પૂરાવા મળ્યા નહોતા. છતાં આ બીમારીઓની રસીના ઇન્જેક્શન બંધ કરાવી દેવાયાં હતાં.

ક્યૉટો યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિન ખાતે સંશોધક ડૉ. રિકો મુરાનાકા માને છે કે લોકોને વૅક્સિનનું મહત્ત્વ સમજાવવા માટે અસરકારક સ્ટ્રેટેજીનો અભાવ છે.

તેઓ કહે છે કે ભૂતકાળમાં વૅક્સિનને લગતા અકસ્માતો વિશે 'સનસનાટીભર્યા' અહેવાલ છપાતા હતા તેણે પણ ભૂમિકા ભજવી છે. તાજેતરમાં 'ઍન્ટી-વૅક્સર કૅમ્પેન' નામે ઓનલાઈન ઝુંબેશ પણ આ પ્રકારની હતી.

આ પ્રકારનાં આવશ્યક અભિયાનો માટે લોકોનો વિશ્વાસ પ્રાપ્ત કરવાને એટલું મહત્ત્વ આપવામાં આવે છે કે જાપાને ફાઇઝરની વૅક્સિનને મંજૂરી આપવામાં વિલંબ કર્યો હતો.

કંપનીએ ત્રીજા તબક્કાના ટ્રાયલનાં પરિણામો જાહેર કર્યાં પછી અમેરિકા અને યૂકેએ ડિસેમ્બરમાં તેનો ઉપયોગ કરવાની તાત્કાલિક મંજૂરી આપી દીધી હતી. પરંતુ જાપાને હજુ વધારે પરીક્ષણોનો આગ્રહ કર્યો અને 17 ફેબ્રુઆરી પછી જ તેનાથી રસીકરણ શરૂ કર્યું હતું.

ડૉ. મુરાનાકાએ બીબીસીને જણાવ્યું કે જાપાનને કોરોનાથી બીજા દેશોની જેમ અસર નથી થઈ. તેથી લોકોને આ રસી મૂકાવવાની કોઈ જરૂરિયાત દેખાતી નથી. જોકે, તેઓ માને છે કે હવે સૅન્ટિમેન્ટ સુધર્યું છે.

"હવે ઘણા બધા લોકોએ વૅક્સિન મૂકાવી છે અને બહુ ઓછી આડઅસર જોવા મળી છે તેથી વધુ લોકો વૅક્સિન મૂકાવવા તૈયાર છે."

તેઓ માને છે કે લોકોના સેન્ટિમેન્ટમાં ઝડપથી ફેરફાર થયો છે. વધુને વધુ દેશોએ જંગી રસીકરણ અભિયાન શરૂ કર્યું તેના કારણે ફેબ્રુઆરીના છેલ્લાં ત્રણ સપ્તાહમાં સેન્ટિમેન્ટ બદલાયું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો