રામસ્વરૂપ શર્મા : મોહન ડેલકર બાદ ભાજપના હિમાચલ પ્રદેશના સાંસદનો મૃતદેહ ઘરમાંથી મળ્યો

હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના સાંસદ રામસ્વરૂપ શર્મા દિલ્હીસ્થિત પોતાના ઘરે મૃત મળી આવ્યા છે.

દિલ્હી પોલીસે આ મામલે તપાસ આદરી દીધી છે અને મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધો છે.

1958માં મંડી જિલ્લામાં જન્મેલા શર્મા પ્રથમ વખત 2014માં લોકસભામાં સાંસદ બન્યા હતા.

વર્ષ 2019માં તેઓ ફરીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ વિદેશી બાબતોની સંસદીય સ્થાયી સમિતિમાં પણ રહી ચૂક્યા છે. તેમના પરિવારમાં તેમનાં પત્ની અને ત્રણ બાળકો છે.

આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરી શકો છો.

દાદરા-નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો પણ મૃતદેહ મળ્યો હતો

ગત ફેબ્રઆરી માસમાં કેન્દ્રશાસિત દાદરા અને નગર હવેલીના 58 વર્ષના સાંસદ મોહન ડેલકર મુંબઈની એક હોટલ સી ગ્રીન સાઉથના રૂમમાં મૃત મળી આવ્યા હતા.

પોલીસનું કહેવું હતું કે ગુજરાતી ભાષામાં લખાયેલી સુસાઇડ નોટ તેમના રૂમમાંથી મળી આવી હતી. મોહન ડેલકર સાત વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા હતા.

ડેલકર દાદરા અને નગર હવેલીના આદિવાસી સમાજમાં ખૂબ જ ખ્યાતિપ્રાપ્ત આગેવાન હતા. સાથે જ તેઓ આદિવાસી વિકાસ સંગઠન, દાદરા અને નગર હવેલીના વર્ષ 1985થી પ્રમુખ હતા.

આદિવાસીઓના કલ્યાણાર્થે તેમણે નોંધપાત્ર કામગીરી કરી હતી. સાથે જ તેઓ યુવાનો અને ગ્રામીણ અને ઔદ્યોગિક કામદારોના વિકાસ માટે પણ પ્રયત્નશીલ હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો