બંગાળ ચૂંટણી : મોદીની રેલીમાં ભીડ દર્શાવવાથી માંડીને ભાજપે નાણાં વહેંચ્યાં હોવાનો દાવો કરતી ફેક તસવીરોની હકીકત

    • લેેખક, રિયાલિટી ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

પશ્ચિમ બંગાળમાં મહિનાઓ સુધી રેલીઓ યોજી અને ચૂંટણીપ્રચાર કર્યા બાદ સત્તાધારી તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) અને ભારતીય જનતા પક્ષ (ભાજપ) મહત્ત્વની અને રસાકસી ભરેલી ચૂંટણી લડી રહ્યાં છે. 27 માર્ચે ચૂંટણીનો પ્રાંરભ થઈ રહ્યો છે. વિવિધ તબક્કામાં યોજાઈ રહેલી આ ચૂંટણી એક મહિના સુધી ચાલશે.

આ દરમિયાન ઇન્ટનેટ પર ઘણી ખોટી માહિતીઓ ફેલાવવામાં આવી રહી છે. રાજકીય પક્ષો વિરોધીઓની જૂની અને સંબંધ ન હોય તેવી તસવીરો પોસ્ટ કરી રહ્યા છે, જેમાં ખોટા અને ભ્રામક દાવા કરાયા છે.

સૌરવ ગાંગુલીની તસવીરનો રાજકીય પક્ષો દ્વારા ઉપયોગ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન અને બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઈ)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની તસવીરો વાઇરલ થઈ છે.

તસવીરમાં સૌરવ ગાંગુલીને હાથ જોડીને ઊભેલા જોઈ શકાય છે, જેમાં બંગાળી ભાષામાં 'સ્વાગત' લખવામાં આવ્યું છે.

અમુક યુઝર્સ દ્વારા ભાજપનો લોગો ધરાવતી આ તસવીર સંબંધિત લખાણ સાથે પોસ્ટ કરાઈ રહી છે. આવું એ દર્શાવવા માટે કરાયું છે કે સૌરવ ગાંગુલી ભાજપમાં સામેલ થઈ રહ્યા છે.

આ પોસ્ટર બીજા સ્વરૂપમાં પણ વાઇરલ થઈ રહ્યું છે, જેમાં તસવીરને ટીએમસીના લોગો સાથે જોઈ શકાય છે, જે ભાજપની વિરોધી પાર્ટી છે.

જોકે રિવર્સ ઇમેજ જણાવે છે કે બંને પોસ્ટરને મૉર્ફ કરવામાં આવ્યાં છે.

રિવર્સ ઇમેજ સર્ચ જણાવે છે કે સૌરવ ગાંગુલીની અસલ તસવીર 2016ની એક જાહેરાતમાંથી લેવામાં આવી છે. એ સમયે એક અગરબત્તીની જાહેરાતમાં ગાંગુલીની આ તસવીર છપાઈ હતી.

એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે સૌરવ ગાંગુલી રાજકરણમાં પ્રવેશશે, પરંતુ તે અટકળ માત્ર હતી.

સૌરવ ગાંગુલીના રાજકરણમાં પ્રવેશ બાબતે બીબીસીએ તેમની ઓફિસનો સંપર્ક કર્યો હતો, પરંતુ હજુ સુધી કોઈ પ્રતિભાવ મળ્યો નથી.

મોદીની રેલીમાં આટલી ભીડ?

પંજાબ ભાજપના સત્તાવાર એકાઉન્ટ દ્વારા કરાયેલી એક પોસ્ટમાં ભારે જનમેદનીની એક તસવીર શૅર કરવામાં આવી હતી. આ સાથે દાવો કરવામાં આવ્યો હતો કે અઠવાડિયા પહેલાં કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર યોજાયેલી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલીની એ તસવીર છે.

પંજાબ ભાજપના ટ્વિટર અને ફેસબુક એકાઉન્ટ દ્વારા શૅર કરવામાં આવેલી તસવીર સાથે મોદી કથિત રીતે કહી રહ્યા છે કે, 'હું ભાગ્યશાળી છું કે રાજકીય કારકિર્દીમાં મને હજારો રેલીઓ સંબોધવાની તક મળી, પરંતુ આજે મેં જેટલી મોટી ભીડ જોઈ છે, એટલી જનમેદનીને આટલાં વર્ષોમાં જોવાની તક નથી મળી.'

રિવર્સ ઇમેજ જણાવે છે કે ખરેખર તો આ તસવીર ડાબેરી પક્ષો દ્વારા ફેબ્રુઆરી 2019માં યોજાયલી રેલીની હતી, જે કેન્દ્રની ભાજપ સરકાર અને રાજ્યની તૃણમૂલ પાર્ટીની સરકારના વિરુદ્ધમાં હતી.

પોસ્ટ સામે યુઝર્સ કૉમેન્ટ કરવાનું શરૂ કરતાં તસવીરને ડિલિટ કરી નાખવામાં આવી હતી.

ભાજપે નાણાં વહેચ્યાં?

ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સ એક વીડિયો શૅર કરી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પશ્ચિમ બંગાળમાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની રેલી માટે ભીડ એકઠી કરવા ભાજપના કાર્યકરો નાણાં વહેંચી રહ્યા છે.

વીડિયોમાં અમુક મોટરસાઇકલ પર કતાર લગાવી ઊભા છે અને અન્યોને કંઈક આપી રહ્યા છે. (જોકે, એ શું છે એ સ્પષ્ટ નથી થતું).

ભાજપના કાર્યકરો યોગીની રેલી માટે લોકોને એકઠા કરવા માટે નાણાં વહેંચી રહ્યા હોવાના કૅપ્શન સાથે ફેસબુકમાં આ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.

યોગી આદિત્યનાથની રેલી બીજી માર્ચના રોજ યોજાઈ હતી, પરંતુ જે વીડિયો વાઇરલ થયો છે, તે તાજેતરનો નથી.

વીડિયોની મુખ્ય ફ્રૅમની 'રિવર્સ ઇમેજ સર્ચ' જણાવે છે કે આ વીડિયો 2019માં ઝારખંડમાં યોજાયેલા એક ચૂંટણીકાર્યક્રમનો છે.

ટી-શર્ટ પર 'અબકી બાર 65 પાર' (આ વખતે આપણે 65 બેઠકો પાર કરીશું) લખ્યું છે, જે ઝારખંડ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપની ટૅગલાઇન હતી.

તે સમયે પણ આ વીડિયો આવા જ સંદેશ સાથે વાઇરલ થયો હતો કે રેલીમાં ભીડ એકઠી કરવા માટે પૈસા આપવામાં આવી રહ્યા છે. અમારી પાસે કોઈ પુરાવા નથી કે આ ઘટના શું હતી.

'ભાજપને મત ન આપો'ની તસવીર

ફેસબુક પર વાઇરલ થયેલી એક તસ્વીરમાં એક મહિલાને પ્લૅકાર્ડ પકડીને જોઈ શકાય છે, જેમાં લખ્યું છે, "ભાજપને કોઈ વોટ નહીં."

ચૂંટણીની મોસમમાં #NoVoteToBJPનો સોશિયલ મીડિયા પર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ગત નવેમ્બરમાં 'બંગાળ અગેઇન્સ્ટ ફાસ્ટિસ્ટ આરએસએસ-બીજેપી' તરીકે ઓળખાતા રાજકીય આંદોલન દ્વારા આ ટૅગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જોકે, આ પોસ્ટની તસ્વીર સાથે છેડછાડ કરાઈ છે.

આ તસ્વીર એપ્રિલ 2018ની છે. કોલકાતામાં એક ફોટો-જર્નાલિસ્ટને માર મારવામાં આવતા તેમના સમર્થનમાં વિરોધપ્રદર્શન યોજાયું હતું, ત્યારે આ તસ્વીર ખેંચવામાં આવી હતી.

આ પ્લૅકાર્ડના અસલ શબ્દો છે 'કૅમેરા બંધ કરો', જે મૂળ રૂપે ભારતીય પ્રેસને ચૂપ કરાવવાના પ્રયાસના વિરોધમાં લખવામાં આવ્યા હતા અને તેનો ભાજપ અથવા અન્ય કોઈ પક્ષ સાથે કોઈ સંબંધ નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો