શું મોદી કૉંગ્રેસ પાસેથી મહાત્મા ગાંધીનો વારસો ખૂંચવવાનો પ્રયાસ કરી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વંસત
- પદ, બીબીસી ગુજરાતી માટે
"સાબરમતી આશ્રમેથી ગાંધીજીએ આત્મનિર્ભરતા અને આત્મસન્માનનો સંદેશ આપ્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભ માટે, પ્રેરણા માટે, આ પુણ્યસ્થળી ઉપર ફરી આવીને હું ધન્યતા અનુભવું છું."
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ 75 અઠવાડિયાં સુધી ચાલનારા આઝાદીના દેશવ્યાપી અમૃત મહોત્સવની શરૂઆત કરાવવા માટે અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લીધી, ત્યારે વિઝિટર્સ બૂકમાં આ વાત લખી.
મોદીના ગાંધીપ્રેમની ઉપર સવાલ ઉઠાવતા કૉંગ્રેસનું કહેવું છે કે ભાજપ સ્વતંત્રતા ચળવળના નેતાઓના વારસાને ખૂંચવવા માગે છે; ભાજપ આ દાવા ઉપર સવાલ ઉઠાવે છે.
આ પહેલાં સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી', સંવિધાનનિર્માતા બાબાસાહેબ આંબેડકર તથા આઝાદ હિંદ ફોજના સ્થાપક સુભાષચંદ્ર બોઝ મુદ્દે પણ આ પ્રકારના આરોપ લાગ્યા હતા.
સાબરમતી આશ્રમમાં ગાંધીજીના વારસાને 'પુનઃસ્થાપિત' કરવા તથા તેને વૈશ્વિકકક્ષાનું સ્થળ બનાવવા માટે 'રિડેવલમેન્ટ'ની યોજના તૈયાર કરવામાં આવી છે, પરંતુ તેની જરૂરિયાત ઉપર પ્રશ્નાર્થ છે.

પદયાત્રા વિ. કાર્યક્રમ વિ. રાજકારણ

ઇમેજ સ્રોત, Ani
આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમની શરૂઆતના ભાગરૂપે પ્રધાન મંત્રી મોદીએ શુક્રવારે સાબરમતી આશ્રમ ખાતેથી પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.
આજથી શરૂ થયેલા કાર્યક્રમ દેશની આઝાદીના 75મા વર્ષે તા. 15મી ઑગસ્ટ 2023 સુધી ચાલશે. આ ગાળા દરમિયાન ગુજરાત સહિત દેશભરમાં અલગ-અલગ રાજ્ય તથા કેન્દ્ર સરકારો દ્વારા અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
જોકે ગુજરાત કૉંગ્રેસના મુખ્યકાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નથી. પાર્ટીના પ્રવક્તા જયરાજસિંહ પરમારના કહેવા પ્રમાણે :
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"કૉંગ્રેસ દ્વારા દર વર્ષે દાંડીયાત્રા નિમિતે કોઈ અને કોઈ નિમિતે કાર્યક્રમો આપવામાં આવે છે. કૉંગ્રેસ પક્ષને તેના વડાવાઓનાં સંઘર્ષને વાગોળવાનો અધિકાર છે. માત્ર કૉંગ્રેસ જ નહીં, દેશના કોઈ પણ નાગરિકને આ વિરાસતને વાગોળવાનો અધિકાર છે."
"જો દાંડીકૂચ અટકી ગઈ હોય તો દેશ તથા દુનિયાને ગાંધીજી જેવા નેતા ન મળ્યા હોત."
તેમણે ઉમેર્યું કે અંગ્રેજોએ પણ દાંડીયાત્રાને અટકાવી ન હતી, ત્યારે વર્તમાન સરકાર કેવી રીતે અટકાવી શકે? પરમારે કહ્યું હતું કે જરૂર પડ્યે નિષેધાત્મક આદેશોનો ભંગ કરીને પણ કૉંગ્રેસ દ્વારા દાંડીયાત્રા નિમિતે ખેડૂતોના સત્યાગ્રહનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે.
જોકે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની પાર્ટી આ આરોપોને નકારે છે. ગુજરાત ભાજપના પ્રવક્તા યમલ વ્યાસના કહેવા પ્રમાણે :
"ગાંધીજી પર કૉંગ્રેસના કોપીરાઇટ નથી. તે કૉંગ્રેસના નહીં, પરંતુ દેશના આઇકન છે, વિશ્વના આઇકન છે. દેશના પ્રધાન મંત્રી આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરી રહ્યા હોય, ત્યારે નારાજ ન થવાનું હોય, પરંતુ ખુશ થવાનું હોય."
"કૉંગ્રેસ પાર્ટી રાજકીય દૃષ્ટિએ એટલી નાદાર થઈ ગઈ છે કે તેને આમાં પણ રાજકારણ દેખાય છે."
કૉંગ્રેસના કાર્યક્રમને મંજૂરી આપવા મુદ્દે વ્યાસે કહ્યું કે કોઈ પણ કાર્યક્રમને મંજૂરી આપવી કે ન આપવી એ 'વહીવટી બાબત' છે અને સ્થિતિની સમીક્ષા કરીને તેનો નિર્ણય લેવાતો હોય છે.
ઉલ્લેખનીય છે કે તા. 12મી માર્ચ 1930ના દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ મીઠા ઉપર કરના વિરોધમાં 'દાંડીયાત્રા' શરૂ કરી હતી. 386 કિલોમીટરની પદયાત્રા બાદ નવસારીના દાંડીના કિનારે ચપટી મીઠું ઉઠાવીને ગાંધીજીએ સવિનય કાનૂનભંગ કર્યો હતો.

વિવાદ, વારસો અને કારસો

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા તે સમયે દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર (597 ફૂટ) ઊંચી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
કૉંગ્રેસનો આરોપ છે કે ભાજપ પાસે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ કે જનસંઘ કે હિંદુવાદી ચળવનો વારસો છે, પરંતુ તેની પાસે દેશની આઝાદી માટે સંઘર્ષ માટે પોતાના સ્વતંત્રતાસેનાનીનો કોઈ વારસો નથી.
પોતાની પાસે કોઈ પ્રેરણાદાયી હસ્તીઓ ન હોવાને કારણે તેમણે અન્યો ઉપર નજર દોડાવી પડી રહી છે. 2002ના ગુજરાતમાં હુલ્લડો ફાટી નીકળ્યા, જેમાં હજારો લોકો મૃત્યુ પામ્યા. એ પછી ચરિત્રનિર્માણ માટે સરદાર પટેલ સાથે સરખામણી શરૂ થઈ.
વરિષ્ઠ પત્રકાર ઉર્વીશ કોઠારી કહે છે, "પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા, ત્યારે શરૂઆતના વર્ષોમાં તેમના ભાષણો તથા ચર્ચામાં મહાત્મા ગાંધી કરતાં સરદાર વલ્લભભાઈ પટેલનો ઉલ્લેખ વધુ જોવા મળતો અને તેમનું મહિમાગાન કરતા."
"એ પછી તેઓ રાષ્ટ્રીયસ્તરે પોતાની ભૂમિકા જોવા લાગ્યા, ત્યારથી તેમના ભાષણમાં ગાંધીનો ઉલ્લેખ વધવા લાગ્યો. આંતરરાષ્ટ્રીયસ્તર ઉપર ભારતની ઓળખ 'ગાંધીની ભૂમિ' તરીકેની છે એટલે તેમના ભાષણમાં અને યોજનાઓમાં ગાંધીનો વારંવાર ઉલ્લેખ જોવા મળે છે."
કોઠારીએ દેશના લોહપુરુષ વલ્લભભાઈ પટેલના જીવનપ્રસંગો ઉપર આધારિત પુસ્તક 'સરદાર- સાચો માણસ, સાચી વાત' લખ્યું છે.
અમદાવાદ ખાતે 'આઝાદીના અમૃત મહોત્સવ' કાર્યક્રમમાં સંબોધન કરતા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રાસમના સેનાનીઓ ઉપરાંત દેશ લોકમાન્ય ટિળકના 'પૂર્ણસ્વરાજ', સુભાષચંદ્ર બોઝના આઝાદ હિંદ ફોજના 'ચલો દિલ્હી'ના નારા કે 'હિંદ છોડો આંદોલન'ને યાદ કરતા કહ્યું કે દેશની જનતા તેમને ક્યારેય ન ભૂલી શકે.
વરિષ્ઠ પત્રકાર દર્શન દેસાઈના કહેવા પ્રમાણે, "સરદાર પટેલ, બાબાસાહેબ આંબેડકર તથા સુભાષચંદ્ર બોઝ વગેરેને સન્માન આપીને મોદી એવું જણાવવા માગે છે કે કૉંગ્રેસ ગાંધી-નહેરુ પરિવાર સિવાયના નેતાઓને યોગ્ય સ્થાન અને સન્માન આપવામાં નિષ્ફળ રહ્યા છે જ્યારે અમે દરેકને સન્માન આપીએ છે."
દેસાઈ ઉમેરે છે, બૃહદ હેતુ સ્થાપના સમયે ભાજપની છાપ 'વાણિયા-બ્રાહ્મણની શહેરી પાર્ટી' તરીકેની હતી, હવે તે 'સૌનો સાથ અને સૌનો વિકાસ'ની વાત કરીને 'મનુવાદી-બ્રાહ્મણવાદી પાર્ટી'ની છાપને દૂર કરવાનો છે.

પુનઃવિકાસ, પુનઃવિવાદ?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ જે સ્થળેથી આઝાદીના અમૃતમહોત્સવની શરૂઆત કરાવી, તે સાબરમતી આશ્રમ ખાતે 'પુનઃવિકાસ'ની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જે 'વૈશ્વિકકક્ષા'નું હશે.
સાબરમતી આશ્રમમાં 'મગન નિવાસ' ખાતે એક ચરખો મૂકવામાં આવશે. જ્યારે કોઈ વ્યક્તિસ્વદેશી સામાનની ખરીદી કરીને '#VocalForLocal' સાથે ટ્વીટ કરશે, ત્યારે તે ચરખો ફરશે.
'ગાંધી આશ્રમ બચાવો સમિતિ'ના નેજા હેઠળ કેટલાક આશ્રમનિવાસીઓ તથા ગાંધીવાદીઓ દ્વારા સૌંદર્યકરણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
'નવજીવન'માં ગાંધીજીના લખાણમાં હિંદુ-મુસ્લિમ સંબંધોનું નિરૂપણ વિષય ઉપર મહાશોધ નિબંધ લખનાર કોઠારીનું આશ્રમના રિડેવલપમેન્ટ અંગે માનવું છે, "ગાંધીસંબંધિત કોઈસ્થળમાં સાદગી અને ખુલ્લાપણું હોય તે જરૂરી છે. હાલ ગાંધીના તમામ સ્થળો અને સ્મારકોમાંથી સાબરમતી આશ્રમ ખાતે તે ફિલ આવે છે."
"ટુરિસ્ટ સિઝન ન હોય ત્યારે પણ વર્તમાન સ્વરૂપમાં પણ ગાંધી આશ્રમ ખાતે દરરોજ સેંકડોની સંખ્યામાં મુલાકાતીઓ ગુજરાત સહિત દેશ-વિદેશથી આવે છે." તેઓ ઉમેરે છે કે હેરિટેજની જાળવણી થઈ શકે, પરંતુ નિર્માણ ન થઈ શકે.
રાજકીય વિવેચકોના કહેવા પ્રમાણે, જો પટેલ, આંબેડકર અને બોઝ સહિતના રાજનેતાઓના રાજકીયવારસા ઉપર ધૂળ ન ચડી હોત, તો ભાજપ આ વારસાને આંચકવાનો વિચાર ન કરી શક્યું હોત.

મોદી, મહાત્મા, સંકલ્પ અને પ્રકલ્પ

ઇમેજ સ્રોત, Getty Images
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે અને સરદાર પટેલની સાથે-સાથે તેમણે મહાત્મા ગાંધીના નામથી પણ પ્રકલ્પો શરૂ કર્યા હતા.
મહાત્મા મંદિર: મે-2010માં ગુજરાતના પાટનગર ખાતે રાજ્યકક્ષાના કન્વેન્શન ઍન્ડ એક્ઝિબિશન સેન્ટરના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને 'મહાત્મા મંદિર' એવું નામ આપવામાં આવ્યું છે.
જેના મુખ્ય હૉલમાં છ હજાર લોકો તથા તથા અલગ-અલગ ખંડોમાં કુલ 15 હજાર દર્શકોની બેઠકવ્યવસ્થા છે. વર્ષ 2011, 2013, 2015, 2017 તથા 2019ની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન અહીં જ કરવામાં આવ્યું હતું. જેમાં દેશ-વિદેશના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
મહાત્મા મંદિરના પાયામાં ગુજરાતના તમામ ગામડાંમાંથી માટી લાવીને તેના પાયામાં નાખવામાં આવી હતી.
આ સિવાય મહાત્મા મંદિરમાં ટાઇમ કૅપ્સ્યૂલ પણ મૂકવામાં આવી છે. જેમાં રાજ્યનો 2010 સુધીનો ઇતિહાસ તથા અન્ય ઓડિયો, વીડિયો સામગ્રી પણ મૂકવામાં આવી છે.
2005માં દાંડીકૂચના 75 વર્ષના અનુસંધાને તત્કાલીન યુ.પી.એ. (યુનાઇટેડ પ્રૉગ્રેસિવ અલાન્યસ) દ્વારા અમદાવાદથી દાંડી સુધી જે રસ્તે ગાંધીજી ચાલ્યા હતા તેને 'દાંડી હેરિટેજ રૂટ' નામ આપવામાં આવ્યું હતું. પરંતુ તેને અંતિમ ઓપ છેક 2013માં આપી શકાયો હતો.

ગાંધી આશ્રમના મુલાકાતીઓ

ઇમેજ સ્રોત, Getty Images
મે-2014માં નરેન્દ્ર મોદી દેશના પ્રધાન મંત્રી બન્યા. એ પછી દેશની ઉચ્ચસ્તરીય બેઠકો, દ્વિપક્ષીય કે બહુપક્ષીય વાટાઘાટોને 'દિલ્હીથી બહાર' યોજવાનું વલણ અપનાવ્યું.
સપ્ટેમ્બર-2014માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારતની મુલાકાત લીધી હતી. એ સમયે મોદી તેમને ગાંધી આશ્રમ લઈને આવ્યા હતા.
આ સિવાય જાપાનના તત્કાલીન પ્રધાન મંત્રી શિંઝો એબે (સપ્ટેમ્બર-2017) અને અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ગાંધી આશ્રમ લાવ્યા હતા.
કેટલાક વિવેચકોનું કહેવું છે કે મોદી મુખ્ય મંત્રી હતા ત્યારે કેટલી વખત ગાંધી આશ્રમ ગયા હતા તથા પ્રધાન મંત્રી બન્યા બાદ કેટલી વખત ગાંધી આશ્રમની મુલાકાત લીધી, તે એક અભ્યાસનો વિષય છે.

સ્વચ્છ ભારત અભિયાન

ઇમેજ સ્રોત, ANI
ઑક્ટોબર-2014માં નવી દિલ્હીમાં 'સ્વચ્છ ભારત અભિયાન' હાથ ધરવામાં આવ્યું હતું. જેનો હેતુ દેશમાં શૌચાલયોનું નિર્માણ કરવાનું, જાહેરમાં શૌચથી મુક્ત થવાનું અને ગટરની સફાઈને માનવમુક્ત કરવાનું લક્ષ્યાંક મૂકવામાં આવ્યું હતું.
ઑક્ટોબર-2019માં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી પહેલાં આ લક્ષ્યાંક સિદ્ધ કરવાનું ધ્યેય રાખવામાં આવ્યું હતું. બીજી ઑક્ટોબર, 2019ના અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી પ્રધાન મંત્રી મોદીએ તેમની જાહેરાત કરી હતી.
150મી જન્મજયંતીના અનુસંધાને https://gandhi.gov.in વેબસાઇટ લૉન્ચ કરવામાં આવી, જેના ઉપર રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીના જીવન સંબંધિત માહિતી, 150 વર્ષની ઊજવણી સંબંધે કાર્યક્રમો, અને તેમાં સામેલ થવા વિશેની માહિતી આપવામાં આવી હતી.
મોદીએ દેશને 'જાહેરમાં શૌચથી મુક્ત' જાહેર કર્યો. સરકારનો દાવો છે કે પાંચ વર્ષના ગાળા દરમિયાન 11 કરોડ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું.
જોકે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાના અહેવાલો અને મીડિયા રિપોર્ટ્સ મુજબ આ લક્ષ્યાંક 'સંપૂર્ણપણે' સિદ્ધ નથી થયું અને દાવા વાસ્તવિકતાથી વેગળા છે.
સ્વચ્છ ભારત અભિયાનના બીજા તબક્કામાં ઘન તથા પ્રવાહી કચરાના નિકાલ તથા જલ જીવન મિશનની ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આઝાદીનો અમૃત મહોત્સવ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
તા. 12મી માર્ચ 2021ના દિવસે અમદાવાદના ગાંધી આશ્રમથી પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ 'આઝાદીના અમૃત મહોત્સવ' કાર્યક્રમની શરૂઆત કરાવી. તેમણે પ્રતીકાત્મક દાંડીકૂચને પ્રસ્થાન પણ કરાવ્યું હતું.
કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર, રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના અલગ-અલગ મંત્રાલયો દ્વારા આ ઉપલક્ષમાં આગામી 75 અઠવાડિયાં દરમિયાન અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ કાર્યક્રમોના પાયામાં આઝાદીની ચળવળ, 75મી વર્ષગાંઠે વિચારો, 75મી વર્ષગાંઠે સિદ્ધિઓ, 75મી વર્ષગાંઠના કાર્યકસંકલ્પો તથા 75મી વર્ષગાંઠના નિર્ધારના પાયા ઉપર દેશ માટેના સપનાં અને ફરજોને પૂર્ણ કરવાની પ્રેરણા મળશે.
જેનો હેતુ યુવાપેઢીને દેશની સ્વતંત્રતાચળવળ વિશે માહિતગાર કરવાનો તથા તેમને સામેલ કરવાનો છે. મોદીએ લોકલ ફૉર વોકલ માટે ગાંધીજીના આત્મનિર્ભરતા તથા આત્મસન્માનના સંદેશને યાદ કર્યો હતો.

અન્ય યોજનાઓ અને ભાષણો
કૌશલ્યવર્ધન મંત્રાલય દ્વારા નવ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ સાથે મળીને 'મહાત્મા ગાંધી નેશનલ ફેલોશિપ' યોજના શરૂ કરવામાં આવી છે.
ખાદીના વેચાણની વૃદ્ધિ માટે 'સ્વદેશી' તથા 'ગાંધીવાદી વિચાર' ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સિવાય પુનઃપ્રાપ્ય ઊર્જાસ્રોતોનો વપરાશ વધે તે માટેના અભિયાનને 'ઊર્જાસ્વરાજ' એવું નામ આપવામાં આવ્યું હતું.
નરેન્દ્ર મોદી આંતરાષ્ટ્રીય સંમેલનો તથા સંયુક્ત રાષ્ટ્રસંઘના સંબોધન દરમિયાન તેમના ભાષણોમાં ગાંધી તથા ગાંધીવાદી વિચારોનો ઉલ્લેખ કરી ચૂક્યા છે.

જ્યારે પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ યોજી 'પ્રતીકાત્મક દાંડીયાત્રા'
આજે જ્યારે વડા પ્રધાન મોદીએ પ્રતીકાત્મક યાત્રા લૉન્ચ કરી છે. ત્યારે એ વાત પણ રસપ્રદ છે કે વર્ષ 1988માં પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ પણ એક 'પ્રતીકાત્મક દાંડીયાત્રા'નું આયોજન કર્યું હતું.
જોકે એ વિશે ત્યારે વિવાદ પણ થયો હતો. પરંતુ ત્યાર બાદ ફરી એક વાર વર્ષ 2005માં કૉંગ્રેસે આવી એક યાત્રા કાઢી હતી.
વર્ષ 2005માં કૉંગ્રેસ પાર્ટી અને કેટલીક ગાંધીવાદી સંસ્થાઓએ મળીને પ્રતીકાત્મક યાત્રા યોજી હતી. એ સમયે વરિષ્ઠ ગાંધીવાદી ચુનીભાઈ વૈદ્યએ કહ્યુ હતું કે આ યાત્રાથી મનોવૈજ્ઞાનિક અસર જોવા મળશે.
જોકે ન્યૂ યૉર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર રાજીવ ગાંધીની 1988ની દાંડીયાત્રાની વાત કરીએ તો, રિપોર્ટ પ્રમાણે એ સમયે સરકારી અધિકારીઓ અને સુરક્ષાકર્મીઓની હાજરીમાં મીડિયા કવરૅજ સાથે યાત્રાનું આયોજન થયું હતું જેનો વિવાદ પણ થયો હતો.
કહેવાય છે કે એ યાત્રામાં પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી કેટલાક કિલોમિટર સુધી જોડાયા હતા.
આમ જેટલી પણ વાર સાબરમતીથી દાંડી જવા માટે આ રીતે ફરીથી પ્રતીકાત્મક દાંડીયાત્રા નીકળી છે, તે વિશે વિવાદ થતો જોવા મળ્યો છે. કારણ કે કેટલાક ગાંધીવાદીઓનું કહેવું રહ્યું હતું કે આ માત્ર એક કૃત્રિમ રીતે સર્જાયેલી 'દેખાવ પૂરતી' યાત્રા હોય છે. તેને મહાત્માની અસલ દાંડીયાત્રા સાથે ન સરખાવી શકાય.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















