અમદાવાદ દંપતી હત્યાકેસ : બહેનનાં લગ્ન માટે લૂંટના ઇરાદે વૃદ્ધ દંપતીની હત્યા કરનારાઓને પોલીસે કેવી રીતે પકડ્યા?

ઇમેજ સ્રોત, Ahmedabad police
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"મારા દીકરાએ ચોરી કે લૂંટ કરી હોત તો કદાચ હું એને માફ કરી દેત, પણ બબ્બે ખૂન હું ક્યારેય માફ ના કરી શકું, પોલીસ અને કોર્ટ એને જે સજા કરશે એ મને મંજૂર હશે..."
આ શબ્દો છે અમદાવાદમાં બહેનનાં લગ્ન કરવા માટે પૈસાની લૂંટ કરાવીને બે ખૂન કરનારા મિસ્ત્રી ભરત અને નીતિનના પિતા કમલેશ ગૌરના.
કમલેશ ગૌર પોતાના પરિવાર સાથે મધ્ય પ્રદેશના ભિન્ડ જિલ્લાથી પરિવાર સાથે અમદાવાદ આવ્યા હતા.
એમના મોટા દીકરા ભરત મિસ્ત્રી કામ કરી ઘરખર્ચ ચલાવતા હતા.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા જનતાનગરમાં રહેતા કમલેશ ગૌરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "ભિન્ડમાં અમારી આવક સારી નહોતી, લોકોએ અમને કહ્યું કે અમદાવાદમાં કામ મળી રહેશે એટલે હું મારા બાળકો સાથે અમદાવાદ આવ્યો."
"મારો દીકરો ભરત સુથારીકામ કરીને પૈસા કમાતો હતો. અમે સારા પૈસા કમાતા હતા એટલે મારી દીકરીનાં લગ્ન નક્કી થયાં. પણ એક વર્ષથી ખાસ કામ મળતું નહોતું એટલે ભરત મુંઝાતો હતો."
તેઓ વધુમાં કહે છે, "એને જાન્યુઆરી મહિનામાં મોટા કોઈ બંગલામાં કામ મળ્યું. અમે ખુશ હતા. મને શું ખબર કે મારો સીધો સાદો છોકરો પૈસા માટે એના સગાભાઈ રાહુલ અને સાઢુ નીતિન અને બીજા દોસ્ત સાથે મળી પૈસા માટે ખૂન કરશે."

મિસ્ત્રીનું કામ અને ગુનાખોરીમાં મગજ

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
ભરત આમ તો સુથારીકામ કરનારો સારો મિસ્ત્રી હતો. એને અમદાવાદના પ્રખ્યાત ગણાતા સોલા વિસ્તારમાં એક બંગલામાં રિટાયર્ડ જિંદગી જીવતા અશોકભાઈ અને જ્યોત્સનાબહેનના ઘરે ફર્નિચર બનાવવાનું મોટું કામ મળી ગયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક જમાનામાં પ્લાયવૂડનો ધંધો કરતા અશોકભાઈના દીકરાનાં લગ્ન થયાં અને એ ધંધા માટે દુબઈ ગયા હતા. તો દીકરીનાં લગ્ન પણ થઈ ગયાં હતાં.
બધી જવાબદારીમાંથી મુક્ત થયેલા અશોકભાઈ અને એમનાં પત્ની જ્યોત્સનાબહેન આરામથી પોતાનું ઘડપણ વિતાવી રહ્યાં હતાં. એ ભરતને મિસ્ત્રી નહીં પણ ઘરના સભ્યની જેમ રાખતાં.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "ભરતનું દિમાગ મિસ્ત્રીકામમાં જેટલું ચાલતું હતું, એનાથી ત્રણ ગણું વધારે ગુનાખોરીમાં ચાલતું હતું."
"એના મિત્રો મધ્યપ્રદેશના ભિન્ડના હતા અને નાના-મોટા ગુનામાં સંડોવાયેલા હતા. એને પોતાના ફોનથી ભિન્ડમાં રહેતા પોતાના સાઢુ નીતિનને વાત કરી. નીતિને મધ્યપ્રદેશમાં ગુનાખોરીમાં પોતાના ગુરુ રવિ વર્મા ઉર્ફે પંડિતની સલાહ લીધી અને અમદાવાદ આવ્યો."
"ચાર તારીખે નીતિને ભરતની સાથે કારીગર તરીકે જ્યાં કામ ચાલતું હતું ત્યાં જય રેકી કરી. બંગલામાં કેટલા રૂમ છે, કયા રૂમમાં તિજોરી છે એ જોઈ લીધું હતું. તો ભરતે વાતવાતમાંથી ઘરમાં કેટલી રકમ હશે એ આ વૃદ્ધ દંપતી પાસેથી જાણી લીધું હતું."
ડીસીપી માંડલિક કહે છે કે "તેઓ પહેલાંથી પ્લાન કરીને ગુજરાત આવ્યા હતા. જનતાનગરમાં એમના ભિન્ડ ગામના અનેક લોકો રહે છે. એમના ઘરે રોકાયા હતા, જેથી હોટલમાં કે ભાડે રૂમ રાખીને રહે તો આસાનીથી પકડાઈ ના જાય."
માંડલિક કહે છે, "14 ફેબ્રુઆરીથી એમણે પ્લાનિંગ શરૂ કર્યું હતું અને માટે સાધનો પણ ભેગાં કરવા મંડ્યા હતા."

'મધ્યપ્રદેશથી તમંચો લાવ્યા'

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
ક્રાઇમ બ્રાન્ચના એસીપી પ્રેમવીર સિંહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "એમની પાસે મધ્યપ્રદેશથી લાવેલો દેશી તમંચો હતો. પાવાગઢ જઈને ચાકુ લઈ આવ્યા. પરત ફરતા વડોદરાના ગોત્રી વિસ્તારમાંથી બે બાઇક ચોરી કરીને લાવ્યા હતા."
"એમને આ વૃદ્ધ દંપતીની દિનચર્યા જોઈ હતી. સવારે મૉર્નિંગ વૉક કરીને પરત આવે એટલે અશોકભાઈ એમની કાર અને એક્ટિવા સાફ કરતા, તો જ્યોત્સનાબહેન ઉપરના માળે પૂજા કરતાં."
પ્રેમવીર સિંહ કહે છે, "એ લોકોને ડર હતો કે જો રાત્રે એ ચોરી કરવા નીકળે તો અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂમાં પોલીસના હાથે આવતા-જતા ઝડપાઈ જાય એટલે એમણે સવારે 7.30નો સમય નક્કી કર્યો અને ચોરેલી મોટર સાઇકલ પર અહીં આવી ગયા."
"અગાઉથી નક્કી કરેલા પ્લાન પ્રમાણે નીતિને ડોરબેલ વગાડી અને ઘરમાં ફર્નિચર બનાવ્યું છે એના ફોટા પાડવાના બહાને ઘરમાં ઘૂસી ગયા."
"એમણે પહેલાં અશોકભાઈ પર હુમલો કર્યો અને ઘરમાં અવાજ થતા એમનાં પત્ની જ્યોત્સનાબહેન નીચે આવ્યાં, એમણે કોઈને ફોન કર્યો. એ નીતિન જોઈ ગયો એટલે એને જ્યોત્સનાબહેનનો ફોન આંચકી એમના ગળા પર ચાકુ મારી ફોન લઈ લીધો."
"અશોકભાઈ બૂમાબૂમ ના કરે એટલે એમને ગળા અને પેટના ભાગમાં ચાકુ મારીને હત્યા કરી નાખી. સમય બહુ થઇ ગયો એટલે એમની ગણતરી ઘરેણાં અને બીજી વસ્તુ ચોરવાની હતી, પણ માત્ર 12 હાજર રૂપિયા હાથ લાગ્યા. એ લઈને બહાર નીકળી ગયા."
"એમણે કાર લઈ ભાગવાનો પ્રયાસ કર્યો પણ કાર ચલાવતા આવડી નહીં અને એ અથડાઈ. એ સમયે સોસાયટીના ચોકીદાર જયંતી ભરવાડને આવતાં જોઈને ચારે જણ ભાગી ગયા."

હત્યારાને શોધવા પોલીસની ટીમ બનાવી

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, "આ લોકોએ રેકી કરી, એમાં જોયું હશે. સોસાયટીમાં સીસીટીવી નથી એટલે એમણે હિમ્મત કરી હોય, અને જો એ લોકો કાર લઈને ભાગ્યા હોત તો તેઓ વડોદરાથી ચોરેલી મોટર સાઇકલ મૂકીને જાત, નંબર પ્લેટ વિનાની બાઇકને શોધવામાં પોલીસને વધુ સમય જાત, પણ એ લોકો બાઇક લઈને ભાગ્યા."
"આ ગુનેગારોને શોધવા એટલે ઘાસની ગંજીમાંથી સોઈ શોધવા બરાબર હતું. અમે ટેકનિકલ સર્વેલન્સ કરે એવી 50 ચુનંદા પોલીસની ટીમ બનાવી અને અન્ય ઇન્વેસ્ટિગેશન માટે 100 પોલીસની ટીમ કામે લગાડી દીધી, જેથી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગુનો ઉકેલી શકાય."
ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિક કહે છે કે "અમે આસપાસના 200 જેટલાં સીસીટીવી ફૂટેજ તપાસ્યાં, જેમાં બે મોટર સાઇકલ જનતાનગર ચાણક્યપુરી તરફ જતી દેખાઈ હતી. અને આ આરોપીઓએ જ્યોત્સનાબહેનનું ખૂન કરતી વખતે જે મોબાઇલ ચોર્યો હતો એ જનતાનગર પાસેથી સ્વીચઑફ આવતો હતો."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
તેઓ કહે છે, "અમે ત્યાં તપાસ કરી તો પગેરું ભરતના ઘર સુધી પહોંચ્યું. ત્યારે અમને ખબર પડી કે આ લોકો મોટર સાઇકલ લઈ મધ્યપ્રદેશ ભાગી ગયા છે. અમે એમને ત્યાંથી પકડી લાવ્યા."
"અમે એમને ચોરેલી મોટર સાઇકલ ઉપરાંત ચોરીના 20 મોબાઇલ ફોન અને પૈસા રીકવર કરી દીધા છે. તપાસમાં ખબર પડી કે ભરતે પોતાની બહેનનાં એપ્રિલ મહિનામાં લગ્ન કરવા રૂપિયાની જરૂર હતી એટલે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. અમે ચાર લોકોને પકડ્યા છે. એકની શોધખોળ ચાલુ છે."
પોતાના સાથીદારો સાથે બે વૃદ્ધોની હત્યા કરનાર ભરતના પિતા કમલેશ ગૌર કહે છે કે "આ લોકો હત્યા કરીને આવ્યા છે એની અમને ખબર નહોતી."
"રાતે ઘરે આવીને મને છ હજાર રૂપિયા આપીને કહ્યું કે ખોલીના ભાડાના બે મહિનાના પૈસા ચૂકવી દેજો. મને એને કહ્યું હોત કે એ એની બહેનના લગ્ન માટે આ કરે છે તો હું એને ના પડી દેત."
"મારી પાસે ગામમાં 50 હજાર પડ્યા હતા. પણ એને પૈસા માટે ખૂન કર્યું છે, હું એને ક્યારેય માફ નહીં કરું, એને આવા અપરાધ માટે જે સજા થતી હોય એ થવી જોઈએ."

અમદાવાદમાં વૃદ્ધોની હત્યાના વણઉકેલાયેલા ચાર કેસ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
- 12 ફેબ્રુઆરી 2021 : વેજલપુરમાં 80 વર્ષીય મેનાબહેન ઠાકોરની હત્યા
- 1 ઑગસ્ટ, 2018 : અમરાઈવાડીમાં 63 વર્ષીય શાંતાબહેન વેગડાની હત્યા
- 13 નવેમ્બર : સરખેજમાં 62 વર્ષીય રાધિકાબહેનની લૂંટના ઇરાદે હત્યા
- 18 સપ્ટેમ્બર : નવરંગપુરામાં નિર્મળાબહેનની હત્યા
આવા લૂંટના ઇરાદે થયેલી હત્યાના વણઉકલ્યા કેસ અંગે વાત કરતા અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે કહ્યું કે "મોટા ભાગના કેસમાં હત્યારાની લીડ મળતાં આ કેસની જેમ ઘણા કેસ પકડાઈ જાય છે, પરંતુ વૃદ્ધોની કાળજી રાખવા માટે અમે એક ખાસ ટીમ બનાવી છે, જે મહિલા કે એકલા રહેતા વૃદ્ધોની દેખભાળ રાખે છે."
"આ કોરોનાકાળમાં (She) ટીમે ઘણા એકલા રહેતા વૃદ્ધોની મદદ કરી છે, જેના કારણે અમારી પાસે 5000 વૃદ્ધો એકલવાયું જીવન જીવે છે એમનો ડેટા બેઝ મેન્યુઅલી વધી ગયો છે."
તેઓ વધુમાં કહે છે, "અમે ટેકનોસેવી વૃદ્ધો પાટે એક પોર્ટલ બનાવ્યું છે. એટલું જ નહીં એકલા રહેતા વૃદ્ધો માટે એક ઍપ બનાવી છે, જે સ્માર્ટ ફોનમાં આસાનીથી ડાઉનલોડ થાય છે અને એમાં અમને સમસ્યા મળે એટલે સી ટીમ એમની મદદમાં પહોંચી જાય છે."
"આમ છતાં અમે હજુ પણ વધુ ડેટા મેન્યુઅલી ભેગો કરીશું, જેથી કોઈ અપ્રિય ઘટના ન બને."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













