કુતુબમિનારમાં પૂજા કરવા દેવાની હિંદુ સંગઠનો માગ કેમ કરે છે, શું પહેલાં ત્યાં હિંદુ મંદિર હતું?

કુતુબમિનાર
ઇમેજ કૅપ્શન, કુતુબમિનાર
    • લેેખક, શકીલ અખ્તર
    • પદ, બીબીસી ઉર્દૂ, નવી દિલ્હી
તમારી ફેવરિટ ભારતીય મહિલા ખેલાડીને વોટ આપવા માટે CLICK HERE

દિલ્હીસ્થિત કુતુબમિનાર સંકુલમાં આવેલ કુતુબમિનાર અને કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જિદ ભારતમાં મુસ્લિમ સુલતાનો દ્વારા બાંધવામાં આવેલી પ્રાચીન ઇમારતોમાં સામેલ છે.

કુતુબમિનાર અને કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જિદના બાંધકામમાં હિંદુ અને જૈન મંદિરોનાં ડઝનબંધ સ્તંભો અને પત્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કેટલાંક હિંદુ સંગઠનોનું કહેવું છે કે કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જિદ ખરેખર એક મંદિર છે અને હિંદુઓને અહીં પૂજા કરવા માટેની પરવાનગી આપવી જોઈએ.

હિંદુ સંગઠનોએ મંદિરની પુનઃસ્થાપના માટે કોર્ટમાં અરજી પણ કરી છે.

દિલ્હીના મહરૌલી વિસ્તારમાં આવેલો કુતુબમિનાર વિશ્વની કેટલીક અજાયબીઓમાંથી એક છે. સદીઓથી આ મિનારને સૌથી ઊંચી ઇમારતનો દરજ્જો મળેલ છે. કુતુબમિનાર નજીક આવેલી મસ્જિદ કુવ્વત-ઉલ-ઇસ્લામ તરીકે જાણીતી છે.

કુતુબમિનાર સંકુલમાં મંદિરના અવશેષો
ઇમેજ કૅપ્શન, કુતુબમિનાર સંકુલમાં મંદિરના અવશેષો

મુસ્લિમ સુલતાનો દ્વારા ભારતમાં નિર્મિત પ્રથમ મસ્જિદોની યાદીમાં કુવ્વત-ઉલ-ઇસ્લામનો સમાવેશ કરવામાં આવે છે.

આ મસ્જિદમાં સદીઓ જૂનાં મંદિરોનો મોટો હિસ્સો પણ સામેલ છે.

પરિસરમાં હાજર સ્તંભો અને દિવાલો પર દેવી-દેવતાની મૂર્તિઓ અને મંદિરની વાસ્તુકલા સ્પષ્ટપણે જોઈ શકાય છે.

કુતુબમિનારના પ્રવેશદ્વાર પરનો એક શિલાલેખ જણાવે છે કે આ મસ્જિદ ત્યાં બનાવવામાં આવી છે, જ્યાં 27 હિંદુ અને જૈન મંદિરોનો કાટમાળ હતો.

line

શું ખરેખર મંદિરોનું અસ્તિત્વ હતું?

કુતુબમિનાર સંકુલમાં 25-27 મંદિરના અવશેષો હોવાના અંદાજ છે.
ઇમેજ કૅપ્શન, કુતુબમિનાર સંકુલમાં 25-27 મંદિરના અવશેષો હોવાનો અંદાજ છે.

જાણીતા ઇતિહાસકાર અને પ્રોફેસર ઇરફાન હબીબ કહે છે, "તેમાં કોઈ શંકા નથી કે આ મંદિરનો ભાગ છે. પરંતુ આ મંદિરો, ત્યાં હતા અથવા નજીકમાં ક્યાંક હતા, તેની પર ચર્ચા થતી રહે છે. સ્વાભાવિક વાત એ છે કે 25 કે 27 મંદિરો છે એક જગ્યાએ તો હશે નહીં. તેથી આ થાંભલાઓને જ્યાં-ત્યાંથી એકત્રિત કરીને અહીં લાવવામાં આવ્યાં હશે. "

'કુતુબ મિનાર ઍન્ડ ઇટ્સ મૉન્યુમેન્ટ્સ' નામના પુસ્તકના લેખક અને ઇતિહાસકાર બી.એમ.પાંડે માને છે કે જો મૂળ મંદિરો હતાં તે અહીં હતાં. જો તમે મસ્જિદની પૂર્વ તરફથી પ્રવેશ કરો છો, તો ત્યાં જે રચના છે તે વાસ્તવિક રચના છે. મને લાગે છે કે અસલ મંદિરો અહીં હતાં. અમુક આસપાસ પણ હોઈ શકે છે, જ્યાંથી તેમણે થાંભલાઓ અને પથ્થરના અન્ય ટુકડાઓનો ઉપયોગ કર્યો હશે.

રાજપૂત રાજા પૃથ્વીરાજ ચૌહાણની હાર બાદ મોહમ્મદ ઘોરીએ તેમના સેનાપતિ કુતુબુદ્દીન ઐબકને દિલ્હીના શાસક બનાવ્યા હતા.

મેહરૌલીમાં કુતુબમિનારનું નિર્માણ કુતુબુદ્દીન ઐબક અને તેમના અનુગામી શમસુદ્દીન ઇલ્તુતમિશે ઈસવીસન 1200માં કરાવ્યું હતું.

મંદિરોના અવશેષો અહીં લાવવામાં આવ્યા હતા
ઇમેજ કૅપ્શન, મંદિરોના અવશેષો અહીં લાવવામાં આવ્યા હતા

કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જિ ઐબકના સમય દરમિયાન બનાવવામાં આવી હતી અને ત્યારબાદ તેનું વિસ્તરણ થતું રહ્યું.

મસ્જિદનો કિબલે (પશ્ચિમ દિશા) તરફનો જે ભાગ છે તે પ્રારંભિક ઇસ્લામિક શૈલીમાં બનાવવામાં આવ્યો છે.

મેહરાબની દિવાલો (જ્યાંથી મુસ્લિમ ધર્મગુરુ નમાઝ પઢાવે છે)માં કુરાનની આયાતો અને ફૂલોની કોતરણી કરવામાં આવી છે. પરંતુ મસ્જિદમાં મંદિરના અવશેષો જોઈ શકાય છે. ક્યાંક-ક્યાંક મંદિરનો જૂનો પૂર્ણ ઢાંચો હાજર છે.

કેટલાક હિંદુ સંગઠનો ઘણા લાંબા સમયથી દાવો કરી રહ્યા છે કે કુતુબ સંકુલ હકીકતમાં હિંદુ ધર્મનું કેન્દ્ર હતું. હિંદુ જાગરણ સંગઠનના કેટલાક કાર્યકરોએ તાજેતરમાં કોર્ટમાં એક અરજી કરી છે અને માગ કરી છે કે આ જગ્યાએ પૂજા કરવાનો અધિકાર આપવામાં આવે.

એક હિંદુ કાર્યકર અને વકીલ હરિશંકર જૈન બીબીસીને જણાવે છે કે "હજી પણ હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ તૂટેલી અવસ્થામાં છે. આ દેશ માટે શરમજનક છે. આ સંદર્ભે અમે દાવો કર્યો હતો કે અમને ત્યાં પૂજા કરવાનો અધિકાર મળવો જોઈએ."

line

અદાલતની કાર્યવાહી

કુતુબમિનાર
ઇમેજ કૅપ્શન, કુતુબમિનાર

આ કેસની સુનાવણી એપ્રિલના પહેલા અઠવાડિયામાં દિલ્હીની કોર્ટમાં થશે.

પુરાતત્ત્વવિદો કહે છે કે ભૂતકાળની ઇમારતો અને ઘટનાઓને આજના સંદર્ભમાં જોવી યોગ્ય નથી. તેમને જેવી હોય એવી જ રાખવી મહત્વપૂર્ણ છે.

પુરાતત્ત્વ વિભાગના ભૂતપૂર્વ વડા સૈયદ જમાલ હસને બીબીસીને જણાવ્યું હતું કે "કલા અને સ્થાપત્યને લગતી જે પણ ઇમારતો, તે કોઈ પણ ધર્મની હોય, બૌદ્ધ, જૈન ધર્મ, હિંદુ ધર્મ અથવા ઇસ્લામની હોય. ભૂતકાળનો વારસો ગમે તે હોય, તે નિશાનો, આપણે 'તેઓ જેમ છે તેમ' રાખવા જોઈએ. જેથી આવનારી પેઢી સ્થાપત્ય શૈલીને જોઈ શકે છે અને સમજી શકે છે કે આ સ્થાપત્યની ગુપ્ત શૈલી છે, આ શૃંગ શૈલી છે, આ મૌર્ય શૈલી છે, આ મુઘલ શૈલી છે. આ શૈલીઓને જીવંત રાખવી એ અમારું કામ છે. "

ઘણા હિંદુ સંગઠનો અને ઇતિહાસકારો ભૂતકાળના મુસ્લિમ શાસકો દ્વારા બાંધવામાં આવેલી ઇમારતો જેવી કે; તાજમહેલ, પુરાના કિલ્લા, જામા મસ્જિદ અને અન્ય ઘણી ઇમારતોને હિંદુ ઇમારતો તરીકે માને છે.

તેઓ માને છે કે મુસ્લિમ શાસકોએ પ્રાચીન હિંદુ મંદિરો અને ઇમારતો તોડી પાડી તેને બદલી નાખી હતી.

હિંદુ કાર્યકર રંજના અગ્નિહોત્રી વ્યવસાયે વકીલ છે અને કુતુબમિનારના પરિસરમાં મંદિરની પુનઃસ્થાપના માટેના એક અરજદાર છે.

તે કહે છે કે "અમે મળીને લોકોએ શપથ લીધા છે કે, ભારતમાં જેટલાં પણ મંદિરો હતાં જે હિંદુઓને અપમાનિત કરવા અને મસ્જિદો બનાવવા માટે મુગલ આક્રમણકારોએ તોડી પાડ્યા એને અમે આઝાદ કરાવીશું અને ભારતની ગૌરવને પુન: સ્થાપિત કરીશું."

કુતુબમિનાર સંકુલમાં મંદિરના અવશેષો
ઇમેજ કૅપ્શન, કુતુબમિનાર સંકુલમાં મંદિરના અવશેષો

પ્રોફેસર ઇરફાન હબીબ કહે છે કે "આ પ્રકારની બાબતો ભારતના વારસાનો નાશ કરી રહી છે. જો તમે ઇતિહાસને આ રીતે જોશો તો આપણે જાણીએ છીએ કે એવા બૌદ્ધ મઠો છે જેને મંદિર બનાવવામાં આવ્યા છે તો પછી એને ફરીથી શું બનાવવું જોઈએ? જ્યાં સુધી મને યાદ છે મહાબોધિ મંદિરની મૂર્તિ શિવની મૂર્તિ છે. આ રીતે તો આ કદી પૂરો ન થનારો સિલસિલો છે."

ભૂતકાળમાં, મુસ્લિમોએ ઘણી એતિહાસિક ધાર્મિક ઇમારતોમાં પૂજા રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઇતિહાસકાર બી.એમ.પાંડે કહે છે કે ધાર્મિક પ્રકૃતિની પ્રાચીન ઇમારતો અંગે પુરાતત્ત્વ વિભાગની નીતિ ખૂબ સ્પષ્ટ છે.

તેઓ કહે છે, "પુરાતત્ત્વીય વિભાગના સંરક્ષણ હેઠળ લેવામાં આવી હોય તે સમયે જે પ્રાચીન ઇમારત ધાર્મિક ઉપયોગમાં ન હતી, તેને પ્રાર્થના અથવા પૂજા-પાઠ કરવા માટે પુન:સ્થાપિત કરી શકાતી નથી. જે ઇમારતો પુરાત્ત્વવિભાગના સંરક્ષણમાં લેવામાં આવી તે પહેલાંથી પૂજા થતી હોય ત્યાં પૂજા કરવાથી અટકાવી ન શકાય."

તેમનું કહેવું છે કે જ્યારે કુતુબમિનાર સંકુલનો પુરાતત્ત્વીય વિભાગ હેઠળ કબજો લેવામાં આવ્યો હતો, ત્યારે ત્યાં કોઈ પ્રાર્થના અથવા પૂજા થતી ન હતી. તેથી, તેને પૂજા માટે પુનર્સ્થાપિત કરવાની આજે માગ કરવી તે સંપૂર્ણપણે ખોટું છે.

કુતુબમિનાર સંકુલ એ પુરાતત્ત્વ વિભાગનું એક એવું જ સંકુલ છે, જેને ખૂબ સારી રીતે સાચવવામાં આવ્યું છે.

ઐતિહાસિક કુતુબમિનાર, તેની કબરો, મસ્જિદો અને મદરેસાઓ દરરોજ હજારો પ્રવાસીઓને આકર્ષે છે.

કુતુબમિનારનું આ સંકુલ અનેક સામ્રાજ્યોનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે. સરકારે તેને રાષ્ટ્રીય વારસા તરીકે સાચવી રાખ્યું છે.

ઇતિહાસકારો કહે છે કે તેને ધાર્મિક વર્તુળોમાં વહેંચવાને બદલે ઇતિહાસના સ્મારક તરીકે જોવું વધુ સારું રહેશે.

line
સ્પૉર્ટ્સ ફૂટર ગ્રાફિક્સ
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો