રમણ પાટકર : ભાજપ પશ્ચિમ બંગાળમાં જીતે તો ગુજરાતમાં સમય કરતાં વહેલી ચૂંટણી યોજાશે?

ઇમેજ સ્રોત, DIBYANGSHU SARKAR/AFP via Getty Images
ગુજરાતમાં ભાજપની સરકારમાં વન અને આદિવાસી બાબતોના મંત્રી રમણ પાટકરે દાવો કર્યો છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં જો ભાજપ જીતે તો રાજ્યમાં સમય પહેલાં ચૂંટણી યોજી શકાય છે.
પશ્ચિમ બંગાળમાં 27 માર્ચથી વિધાનસભા માટે આઠ તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. જ્યારે ચૂંટણીપંચે મતદાનની તારીખે બીજી મે નક્કી કરી છે. વર્તમાન ગુજરાત વિધાનસભાનો કાર્યાકળ આગામી વર્ષના ડિસેમ્બર મહિના સુધીનો છે.
ગુજરાતના વલસાડ જિલ્લામાં પત્રકારો સાથે વાતચીત કરતાં રાજ્યના વન અને આદિવાસી બાબતોના મંત્રી રમણ પાટકરે કહ્યું કે આવા સમયે જ્યારે ભાજપ ચારેય તરફ જીતી રહ્યો છે, ત્યારે ચોક્કસથી ગુજરાતમાં સમય પહેલાં ચૂંટણી યોજવા માટેનો માહોલ અનુકૂળ છે.
તેમણે કહ્યું, "જ્યારે ભાજપ ચારેય તરફ ચૂંટણી જીતી રહ્યો છે તો પક્ષના સંસદીય બોર્ડ અને રાજ્ય અને કેન્દ્રીય નેતૃત્વ એ સમજે છે કે ગુજરાતમાં આ અનુકૂળ માહોલમાં ચૂંટણી યોજવી સારી રહેશે."
"જો પશ્ચિમ બંગાળમાં ભાજપ ચૂંટણી જીતે છે તો ગુજરાતમાં ચૂંટણી કરવાની જાહેરાત આગામી સમયમાં થઈ શકે છે."
ગુજરાતમાં તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓમાં ભાજપને સારી સફળતા મળી હતી. ભાજપે આ ચૂંટણીમાં લગભગ 90 બેઠકો પર વિજય મેળવ્યો હતો.
રાજ્યની છ મહાનગરપાલિકા અને 81માંથી 75 નગરપાલિકા તેમજ તમામ 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતમાંથી 196 ભાજપની ઝોળીમાં આવી ગઈ હતી.
જોકે, ગુજરાત ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેએ બીબીસીના સહયોગી પત્રકાર ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં પાટકરનું આ નિવેદન તેમનું અંગત ગણાવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ. યજ્ઞેશ દવેએ જણાવ્યું, "રમણ પાટકરનું નિવેદન એમનું અંગત હોઈ શકે. હાલ ચૂંટણી લાવવાનો કોઈ વિચાર નથી. ચૂંટણી પ્રક્રિયાનો નિર્ણય ચૂંટણીપંચ કરતું હોય છે, કોઈ પાર્ટી કરતી નથી. એટલે ચૂંટણીપંચ જ્યારે કહે ત્યારે ચૂંટણી યોજાય. હાલમાં પક્ષમાં વહેલી ચૂંટણી યોજાવાની કોઈ ચર્ચા પણ થઈ નથી."

રમણ પાટકર કોણ છે?

ઇમેજ સ્રોત, ramanlal patkar/fb
રમણ પાટકર રૂપાણી સરકારમાં રાજ્યકક્ષાના વન અને આદિજાતિ મંત્રાલયના મંત્રી છે. તેઓ પોતે એક ખેડૂત સમુદાયમાંથી આવે છે.
પાટકર વલસાડની ઉમરગામ (એસટી) વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે. તેઓ ભાજપના વરિષ્ઠ નેતા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે તેઓ કોરોના સંક્રમિત થયા હતા એ પૂર્વે કૅબિનેટ બેઠકમાં ભાગ લીધો હતો. જેને તેઓ ચર્ચામાં આવ્યા હતા.
સ્થાનિકસ્વરાજ ચૂંટણીઓના સમયગાળામાં તેમણે એક કથિત નિવેદન આપ્યું હતું કે, "તમે ભાજપમાં ન હોવ તો વિકાસનાં કામોને મંજૂરી નહીં મળે" જેને પગલે પણ તેમણે ચર્ચા જગાવી હતી.
ઉમરગામના ઘોડા પાડા ગામના વતની પાટકર વર્ષ 2012માં પણ તેઓ ઉમરગામની જ બેઠકથી ચૂંટાયા હતા અને છેલ્લી ત્રણ ટર્મથી આ બેઠક પરથી ચૂંટાતા આવ્યા છે.

બંગાળમાં ચૂંટણી

ઇમેજ સ્રોત, NURPHOTO
માર્ચ-એપ્રિલ મહિના દરમિયાન પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી યોજાશે, જે ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસનાં અધ્યક્ષા મમતા બેનરજીનું રાજકીય ભાવિ નક્કી કરશે. આ સાથે જ આ ચૂંટણી ભાજપના કેન્દ્રીય નેતૃત્વ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન પણ બની છે.
અહીં તૃણમુલ કૉંગ્રેસ, ભાજપ તથા કૉંગ્રેસ-ડાબેરી પક્ષો અને ઇન્ડિયા સૅક્યુલર ફ્રન્ટની યુતિ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.
મમતા બેનરજીને આશા છે કે તેમનો પક્ષ સળંગ ત્રીજી વખત ચૂંટણી જીતવામાં સફળ રહેશે, જ્યારે ભાજપ અહીં પોતાનો ગઢ સ્થાપિત કરવા માગે છે.
294 ધારાસભ્યોવાળી વિધાનસભા માટે આઠ તબક્કામાં મતદાન યોજાશે અને બીજી મેના રોજ પરિણામ જાહેર થશે.
ચોથી મે સુધીમાં આગામી વિધાનસભાના ગઠનસંબંધિત સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી દેવાની રહેશે. આગામી સમયમાં પશ્ચિમ બંગાળ ઉપરાંત આસામ, તામિલનાડુ, કેરળ અને પુડ્ડચેરી વિધાનસભાની ચૂંટણી પણ યોજશે.

ભાજપને ભરોસો

ઇમેજ સ્રોત, NURPHOTO
કેન્દ્રમાં ભાજપની સરકાર બની તે પછી રાજ્યમાં રાજકીય સમીકરણો ઝડપભેર બદલાયાં છે. 2016ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તૃણમુલ કૉંગ્રેસને 211 બેઠક મળી હતી અને પાર્ટી ફરી સત્તા ઉપર આવી હતી. કૉંગ્રેસને 32, ડાબેરી મોરચાને 44 તથા ભાજપને ત્રણ બેઠક મળી હતી.
એ સમયે તૃણમુલ કૉંગ્રેસને 45 ટકા, ડાબેરીઓને 25 ટકા, કૉંગ્રેસને 12 ટકા, જ્યારે ભાજપને 10 ટકા મત મળ્યા હતા.
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાજ્યમાં ભાજપની બેઠક સંખ્યા બે (2014માં) થી વધીને 18 ઉપર તથા મતની ટકાવારી 10થી વધીને 40% ઉપર પહોંચી છે.
43% મત સાથે તૃણમુલ કૉંગ્રેસને લોકસભાની 22 બેઠક મળી હતી. કૉંગ્રેસને બે બેઠક મળી હતી, જ્યારે ડાબેરીઓનું ખાતું પણ ખુલ્યું ન હતું. કૉંગ્રેસ તથા ડાબેરીઓની મતોની સંયુક્ત ટકાવારી 10 ટકા કરતાં પણ ઓછી રહેવા પામી હતી.
આમ ભાજપ તથા ટીએમસી વચ્ચે મતની ટકાવારીમાં ત્રણ ટકા જેટલો તફાવત રહ્યો હોવાથી પાર્ટીને આશા છે કે તે 200 કરતાં વધુ બેઠક જીતી લેશે.
294 બેઠક 23 જિલ્લામાં વહેંચાયેલી છે. જેમાં સૌથી વધુ 33 બેઠક 24-પરગણા જિલ્લામાં આવેલી છે.


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













