પશ્ચિમ બંગાળ ચૂંટણી : મુસ્લિમ વસતિવાળી સીટો પર ત્રિપાંખીયો જંગ કોને ફાયદો કરાવશે?

ઇમેજ સ્રોત, NURPHOTO
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
પશ્ચિમ બંગાળની ચૂંટણી મુસ્લિમોને નારાજ કરીને લડી શકાતી નથી. એવું એટલા માટે કહેવાય છે કારણ કે રાજ્યની કુલ વસતિમાં મુસ્લિમોની ભાગીદારી લગભગ 30 ટકા છે. સીટોની રીતે જોઈએ તો અંદાજે 70-100 સીટ પર તેમના એક તરફી વોટ જીત અને હાર નક્કી કરે છે.
આ એજ કારણ છે કે કૉંગ્રેસ, લેફ્ટ (ડાબેરી), ભાજપ અને ટીએમસી (તૃણમૂલ કૉંગ્રેસ) આ તમામ વોટરોને (મતદારોને) આકર્ષવાનાં પ્રયત્નો કરી રહ્યાં છે.
કૉંગ્રેસ અને લેફ્ટના ગઠબંધને પહેલાં જ કહ્યું છે કે તેમની સાથે હવે ફુરફુરા શરીફના પીરઝાદા અબ્બાસ સિદ્દીકી પણ છે. રાજકારણમાં સીધી રીતે તેમની પહેલી વખત એન્ટ્રી છે.

ઇમેજ સ્રોત, SANJAY DAS/BBC
ગત અઠવાડિયે ત્રણેય પાર્ટીઓએ સંયુક્ત રીતે એક રેલી કરી હતી, જેના પછી કૉંગ્રેસમાં આ ગઠબંધન પછી કેટલાંક બાગી સૂર સંભળાઈ રહ્યા હતા. રેલીમાં અબ્બાસ સિદ્દીકીના વ્યવહારને જોઈને લેફ્ટ પાર્ટીના સ્થાનિક નેતાઓમાં પણ આ ગઠબંધનને લઈને થોડી અસહજતા જોવા મળી.
બીજી તરફ ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં જે મુકાબલો હાલ સુધી ત્રિકોણીય લાગી રહ્યો હતો, શું તે ઔવેસી અને સિદ્દીકીની એન્ટ્રીથી બદલાઈ જશે?

ટીએમસીને નુકસાન

ઇમેજ સ્રોત, Sanjay das
આજ સમજવા માટે અમે વરિષ્ઠ પત્રકાર મહુઆ ચેટરજી સાથે વાત કરી.
મહુઆ કહે છે, “ઓવૈસી અને સિદ્દીકી બંને સંપૂર્ણ અલગ ભૂમિકામાં છે. ઓવૈસીની પશ્ચિમ બંગાળમાં કોઈ સામેલગીરી નથી. ન તો તેમની ભાષા બંગાળી મુસ્લિમો જેવી છે અને ના તે બંગાળ વિશે વધારે જાણે છે, ના તે ત્યાં રહેનારી વ્યક્તિ છે. એવામાં વિચારવાની વાત એ છે કે બંગાળી મુસ્લિમ તેમને વોટ કેમ આપે?”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફુરફુરા શરીફનો મામલો અલગ છે. તે બંગાળી મુસ્લિમ છે. તેમની કેટલીક દખલગીરી હુગલી જિલ્લાની કેટલીક સીટો પર છે, જ્યાંથી તેમનો સંબંધ છે. તેની બહાર તેમનો કોઈ પ્રભાવ નથી. પરંતુ તેમની મહાત્ત્વકાંક્ષા ખૂબ જ મોટી છે. સીટોની વહેંચણીમાં તેમને ભાગ પણ મોટો જોઈએ છે. આથી આવાનારા દિવસોમાં સીટોની વહેંચણીને લઈને મામલો ફસાઈ શકે છે.
આના માટે ઓવૈસી અને સિદ્દીકીને એક ન કહી શકાય કારણ કે બંનેના પ્રભાવનું સ્તર અલગ અલગ છે.
ઓવૈસી અને સિદ્દીકીની વચ્ચે આ અંતરને કૉંગ્રેસ અને લેફ્ટ પણ સમજે છે. કદાચ એટલા માટે તેમણે ફુરફુરા શરીફના અબ્બાસ સિદ્દીકી સાથે ગઠબંધન કર્યું છે.

લેફ્ટ - કૉંગ્રેસની સંયુક્ત રેલી

ઇમેજ સ્રોત, TWITTER/WByouthCongress
ગત ચૂંટણીમાં લેફ્ટનો હિંદુ વોટ ભાજપની તરફે ગયો અને મુસ્લિમ વોટ ટીએમસીની સાથે. એટલા માટે અબ્બાસ સિદ્દીકીને પોતાની સાથે લાવીને લેફ્ટ ગઠબંધન, મુસ્લિમ વોટ પોતાની સાથે રાખવા માગે છે, જેથી ટીએમસીને નુકસાન પહોંચાડી શકાય.
બંગાળમાં ભાજપ પણ મુસ્લિમ વોટરોનું મહત્ત્વ સમજે છે અને એના માટે સ્થાનિક જાણકાર માને છે કે ઓવૈસી તેમની ચૂંટણી રણનીતિનો એક ભાગ છે. ટીએમસી પણ ઓવૈસીને ભાજપની ‘બી ટીમ’ કહે છે.
મહુઆ કહે છે કે ભાજપ આમ તો કોઈ ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારને બહુ ઓછી ઉતારતી હોય છે પરંતુ આ વખતે જોવા જેવી વાત એ છે કે બંગાળની ચૂંટણીમાં ભાજપે કેટલાં ઉમેદવાર ઉતાર્યાં અથવા નહીં.
તેમનું માનવું છે કે ઓવૈસીની પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં એન્ટ્રીથી ભાજપને ફાયદો પહોંચાડવાની વાત થઈ છે જેથી તેમની પાર્ટી ટીએમસીના વોટ કાપી શકે.
ઓવૈસી પર આ પ્રકારના આરોપ લાગે છે કે તેમનું રાજકારણ ભાજપને ફાયદો પહોંચાડવા માટે હોય છે પરંતુ મુસ્લિમોનો એક મોટો વર્ગ તેમને સંસદમાં મુસ્લિમોના મુદ્દે સીધી અને સચોટ રીતે વાત રાખનારી વ્યક્તિ તરીકે જુએ છે.
હાલમાં જ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેમની પર આ પ્રકારના આરોપ લાગ્યા પરંતુ તેમની પાર્ટીનું પ્રદર્શન સારું રહ્યું અને તેમની પાર્ટીએ પાંચ સીટ મેળવી.
એટલે લેફ્ટ ગઠબંધન અબ્બાસ સિદ્દીકીના સહારે અને ભાજપ ઔવેસીના સહારે ટીએમસીના મુસ્લિમ વોટરમાં ભાગ પડાવવાના પ્રયત્નમાં લાગ્યો છે.

શું છે સમીકરણ?

ઇમેજ સ્રોત, SANJAY DAS
પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ વોટર કેટલાંક નિશ્ચિત વિસ્તારોમાં કેન્દ્રિત નથી, પરંતુ જગ્યાએ જગ્યાએ ફેલાયેલાં પણ છે.
બાંગ્લાદેશની સરહદ પાસેના રાજ્યના જિલ્લામાં મુસ્લિમોની વસતિ ઘણી છે. મુર્શિદાબાદ, માલદા અને ઉત્તર દિનાજપુરમાં તો ક્યાંક ક્યાંક વસતિ 50 ટકાથી વધારે છે. આ સિવાય દક્ષિણ અને ઉત્તર 24 પરગણા જિલ્લામાં પણ તેમની ખાસી અસર છે.
વિધાનસભાની 294 સીટોમાંથી 70 થી 100 સીટ પર આ વર્ગના વોટ નિર્ણાયક છે.
વર્ષ 2006 સુધી રાજ્યની મુસ્લિમ વોટ બૅન્ક પર સામ્યવાદી પક્ષનો કબજો હતો. પરંતુ આની સાથે જ આ વર્ગના વોટર ધીમે-ધીમે મમતાની તૃણમૂલ કૉંગ્રેસ તરફ આકર્ષિત થયાં અને વર્ષ 2011 અને 2016માં આ વોટ બૅન્કના કારણે મમતા સત્તામાં ટક્યાં.

ભાજપને ફાયદો?

ઇમેજ સ્રોત, SANJAY DAS/BBC
એવામાં સવાલ ઉઠે છે કે શું ટીએમસીને નુકસાન ભાજપને ફાયદો પહોંચાડી શકે છે?
આના પર મહુઆ કહે છે, “જો ઓવૈસી કેટલીક સીટો પર વોટ કાપી શકે છે તો સંભવ છે કે ઓવૈસીને બંગાળની ચૂંટણીમાં ચિરાગ પાસવાન બનાવવામાં આવે.”
જેમ ચિરાગે બિહાર ચૂંટણીમાં સીટ ભલે ના જીતી હોય, પરંતુ નીતિશ કુમારની પાર્ટીની સીટ જરૂર ઘટાડી હતી. એવામાં આ વખતે ઓવૈસી ભલે બંગાળ ચૂંટણીમાં જીત ન નોંધાવે, પરંતુ ટીએમસીનો ખેલ બગાડી શકે છે.
તેઓ કહે છે કે લેફ્ટ-કૉંગ્રેસ અને અબ્બાસ સિદ્દીકીની પાર્ટી સંયુક્ત રેલી પછી લેફ્ટના વોટર ઘણા ઉત્સાહિત જોવા નહોતા મળ્યા. એવામાં જોવાનું એ છે કે બંગાળમાં લેફ્ટનું પ્રદર્શન કેવું રહેશે. લેફ્ટ અને કૉંગ્રેસની સાથે આવવાથી જે ચૂંટણી ત્રિકોણીય જંગ લાગવા લાગી હતી, તે ફરીથી મમતા-મોદીની વચ્ચેનો મુકાબલો નજર આવી રહી છે.
એક બીજી વાત પર પણ ધ્યાન આપવાની જરૂર છે. ઓવૈસી અને સિદ્દીકીના આવવાથી મતનું ધ્રુવીકરણ જરૂર થશે, હિંદુ વોટ વધારે સંગઠિત થશે અને આનો ફાયદો હંમેશા ભાજપને થાય છે. ભાજપની રણનીતિ આવી દેખાઈ રહી છે.
કૉંગ્રેસની અંદર જ અબ્બાસ સિદ્દીકીના જોડાણને લઈને હાલ ખૂબ ખેંચતાણ ચાલી રહી છે. આનંદ શર્માએ આ બઠબંધન પર સવાલ ઉભા કર્યાં છે, તો બીજા દિવસે ભાજપે પણ આના પર પ્રેસ કૉન્ફરન્સ કરીને કૉંગ્રેસ ગઠબંધન પર મુસ્લિમ તુષ્ટીકરણનો આરોપ લગાવ્યો છે. જે તે પહેલાં ટીએમસી પર લગાવતો આવ્યો છે.

મમતા પર મુસ્લિમ તુષ્ટીકરણનો આરોપ
વર્ષ 2011માં રાજ્યની સત્તામાં આવ્યાના પછીના વર્ષે મમતાએ ઇમામોને દોઢ હજાર રૂપિયા માસિક ભથ્થું આપવાની જાહેરાત કરી હતી. તેમના આ નિર્ણયની આકરી ટીકા કરવામાં આવી હતી. કોલકાતા હાઇકોર્ટની ટીકા પછી આ ભથ્થાને વકફ બૉર્ડ દ્વારા આપવામાં આવે છે.
પરંતુ આ વખતે ભાજપે તેમની પર મુસ્લિમ તુષ્ટીકરણની સાથે સાથે તેઓ હિંદુ વિરોધી હોવાનો આરોપ પણ મૂક્યો છે.
આ પછી મમતા બેનરજીએ પોતાની રણનીતિ થોડી બદલી છે. મમતાએ રાજ્યના અંદાજે 37 હજાર દુર્ગાપૂજા સમિતિઓને 50-50 હજાર રૂપિયાનું દાન આપવાનું એલાન કર્યું છે.
એટલું જ નહીં કોરોના અને લૉકડાઉનના કારણે આર્થિક તંગી મુદ્દે મુખ્ય મંત્રીએ પૂજા સમિતિઓને વીજળીમાં 50 ટકાની છૂટ આપવાની જાહેરાત કરી હતી.
ઉપરાંત રાજ્યના આઠ હજારથી વધારે ગરીબ બ્રાહ્મણ પુજારીઓને એક હજાર રૂપિયા માસિક ભથ્થુ અને મફત આવાસ આપવાની જાહેરાત કરી હતી.

ઓવૈસી ફૅક્ટર

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
બંગાળના લઘુમતી લોકો મુખ્યત્ત્વે બે ધાર્મિક સંસ્થાઓનું અનુસરણ કરે છે. આમાં એક છે દેવબંદી આદર્શો પર ચાલનારા જમિયતે ઉલેમા-એ-હિંદ અને બીજા છે ફુરફુરા શરીફ.
કોલકાતા વિશ્વ વિદ્યાલયના રાજ્યશાસ્ત્રના પોફેસર સમીર દાસે ફોન પર થયેલી વાતચીતમાં કહ્યું, “અબ્બાસ સિદ્દીકી અને ઓવૈસી બંનેના મેદાનમાં ઉતરવાથી મુસ્લિમોના વોટ તૂટી જશે. બંને નેતાઓના ફૉલોઅર અલગ-અલગ છે. અબ્બાસ સિદ્દીકી જે ફુરફુરા શરીફના પીરઝાદા છે તેમના ફૉલોઅર્સને મૉડરેટ મુસ્લિમ માનવામાં આવે છે. જ્યારે ઓવૈસી જે પ્રકારે પ્રચાર કરે છે, તેમની સાથે કટ્ટર મુસ્લિમ વધારે જોડાય છે.”
જાન્યુઆરીના મહિનામાં ઓવૈસીએ અબ્બાસ સિદ્દીકી સાથે મુલાકાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ઓવૈસી અને અબ્બાસ સિદ્દીકી સાથે આવી શકે છે. પરંતુ અબ્બાસ સિદ્દીકી લેફ્ટ - કૉંગ્રેસ ગઠબંધનની સાથે આવવાના કારણે આ સમીકરણ થોડું બદલાયેલું જોવા મળે છે.
પ્રો. સમીર કહે છે, “અમે હાલના દિવસોમાં જોયું છે કે જે પ્રકારની ભાષા સિદ્દીકી બોલી રહ્યા છે, તેઓ ધીમે-ધીમે ઓવૈસીની જેમ જે એકદમ પ્રચારના આક્રમક મિજાજમાં આવી જશે. ફુરફરા શરીફને માનનારા દક્ષિણ બંગાળના કેટલાંક વિસ્તારોમાં જ છે. પશ્ચિમ બંગાળના મુસ્લિમ આ જાણતા હોવા છતાં કે લેફ્ટની સાથે તેમનું ગઠબંધન આ વખતે સત્તામાં નહીં આવશે, છતાં અબ્બાસ સિદ્દીકીને વોટ આપશે.”

ઓવૈસી બંગાળ ચૂંટણીમાં કેટલી મોટી ભૂમિકા નિભાવશે?

ઇમેજ સ્રોત, ANI
આ અંગે પ્રોફેસર દાસ કહે છે, “કોને ખ્યાલ હતો કે બિહારમાં તે આટલી સીટ જીતશે? એટલા માટે સંપૂર્ણપણે તેમને સાઇડ પર મૂકી શકાય તેમ નથી. તે જે પ્રકારે પ્રચાર કરે છે, મુસ્લિમો હાંસિયા પર મૂકાવાની વાત કરે છે. એવામાં કોઈ બે મત નથી કે તેઓ આ ચૂંટણીમાં એ રીતે જ પ્રચાર કરશે જે રીતે કરે છે અને કટ્ટર મુસ્લિમોના જૂથ તેમની સાથે જોડાશે પણ. ભલે તેમને મળનારા વોટ, તેમને બંગાળમાં સીટ ન અપાવી શકે પરંતુ એક મોટા મુસ્લિમ વર્ગને પોતાની તરફ ખેંચી શકે છે.”


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














