પશ્ચિમ બંગાળ ચૂંટણી : મમતા બેનરજીની લડાયક છબી સામે ભાજપ ટકી શકશે?

ઇમેજ સ્રોત, SANJAY DAS/BBC
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ગઈ છે. બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, અહીં 27મી માર્ચથી પ્રથમ તબક્કો શરૂ થઈ જશે અને 29મી એપ્રિલે આઠમો અંતિમ તબક્કો યોજાશે. તથા 2જીમેના રોજ મતગણતરી થશે. પરંતુ સમગ્ર રાજ્યમાં ચૂંટણીનો માહોલ અત્યારથી બહુ ગરમ થઈ ગયો છે.
કોણ જીતશે એ કહેવું અત્યારે મુશકેલ છે, પરંતુ હાલમાં માત્ર એક જ સ્પષ્ટ વલણ છે અને તે એ છે કે આ ચૂંટણી સત્તાધારી તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) અને ભાજપ વચ્ચે છે.
ભાજપ કોઈ પણ સંજોગોમાં પશ્ચિમ બંગાળ જીતવા માંગે છે. પક્ષ પ્રમુખ જે.પી.નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહનો રોડ શૉ હોય અથવા રાષ્ટ્રીય સ્વંયસેવક સંધના પ્રમુખ મોહન ભાગવતનો પ્રવાસ હોય, ભાજપ બહું ગંભીરતાથી ચૂંટણીના રણમાં કૂદી ગયો છે.
આ ઉપરાંત સુવેંદુ અધિકારી અને બીજા નેતાઓનું ટીમએસી છોડીને ભાજપમાં સામેલ થવું એ ભાજપના ચૂંટણી પ્રચાર માટે મહત્ત્વનું માનવામાં આવે છે.
પરતું ચૂંટણી જીતીને ભાજપ પ્રથમ વખત સત્તા પર આવશે છે કે પછી ટીએમસી ત્રીજી વાર વિધાનસભાની ચૂંટણી જીતીને સત્તા પર ટકી રહેશે, તે ઘણી બાબતો પર આધાર રાખશે.

વોટ શૅરમાં ફેરબદલની શી અસર થશે?

ઇમેજ સ્રોત, BAPI BANERJEE
કોલકાતામાં રાજકીય વિશ્લેષક અરુંધતિ મુખરજી કહે છે, "હાલમાં તો ભાજપ તરફી વલણ દેખાઈ રહ્યું છે."
કોલકાતા રિસર્ચ ગ્રુપના રાજકીય વિશ્લેષક રજત રૉયને પણ લાગે છે કે હાલમાં ભાજપના પ્રચારમાં એક ઝડપ દેખાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરતું અરુંધતિ મુખરજીના જણાવ્યા અનુસાર તેનો અર્થ એ નથી કે ભાજપ જ ચૂંટણી જીતશે.
તેઓ કહે છે, "રાજ્યમાં એવા ઘણાં લોકો છે જે મમતા બેનરજીની સરકારથી કંટાળી ગયા છે. ઍન્ટી ઈન્કમ્બંસી પણ એક ફૅક્ટર છે. એવા પણ ઘણા લોકો છે જેઓ મોદીની સરકાર પસંદ કરતા નથી. આ બે પ્રકારના લોકો કૉંગ્રેસ અને ડાબેરી મોરચાના મહાગઠબંધનને મત આપશે. જો મહાગઠબંધનનું વોટ શૅર વધી જાય તો મમતા બેનરજી સરળતાથી જીતી જશે."
કોલકાતામાં રહેતા રાજકીય વિશ્લેષક વિશ્વજીત ભટ્ટાચાર્ય પણ આ વાતથી સંમત છે કે મહાગઠબંધનને જો વધુ મતો મળશે તો ભાજપને નુકસાન થશે. કારણ કે ઘણી ચૂંટણીઓથી ટીએમસીનો વોટ શૅર લગભગ સમાન છે.
તેઓ કહે છે, "મારું માનવું છે કે કૉંગ્રેસ અને ડાબેરી મોરચાના મતદારો મમતા બેનરજીને મત આપશે, કારણ કે તેઓ વ્યૂહાત્મક રીતે મદતાન કરશે અને જો આવું થાય તો મમતા બેનરજી ચૂંટણી જીતી શકે છે."

ઇમેજ સ્રોત, EPA/PIYAL ADHIKARI
આથી એવું આકલન કરવામાં આવી રહ્યું છે કે જો આવનારી ચૂંટણીમાં મમતા બેનરજીનો પક્ષ પોતાનો વોટ શૅર જાળવી રાખવામાં સફળ થાય છે અને ગત ચૂંટણીની જેમ આ વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ અને ડાબેરી મોરચાના જોડાણને 12 ટકા મતો મળે છે, તો ટીએમસીની જીત નક્કી છે.
બંગાળમાં ભાજપને જે મત મળે છે તે એક સમયે ડાબેરી પક્ષોને મળતા હતા. ટીએમસી મતદારો ભાજપ તરફ ગયા થયા નથી.
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો વોટ શૅર વધીને 40 ટકા સુધી પહોંચી ગયો, જેનાથી ઘણાને નવાઈ પણ લાગી હતી અને આ વધારો ડાબેરી મોરચા તરફ ટ્રાન્સફર થવાના કારણે થયો હતો.
ભાજપે રાજ્યમાં ધીમે-ધીમે પગ જમાવવાની શરુઆત કરી દીધી છે. 2011માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કુલ 294 બેઠકોમાંથી 289 પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યાં હતાં, પરંતુ પક્ષને એક પણ બેઠક મળી નહોતી. પક્ષનોવોટ શૅર માત્ર ચાર ટકા રહ્યો હતો.
2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 42 બેઠકોમાંથી માત્ર 2 બેઠકો મળી હતી. પક્ષનો વોટ શૅર 17 ટકા હતો. ગત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને 10 ટકાથી થોડા વધારે મત મળ્યા હતા અને માત્ર 3 બેઠકો.

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
પરંતુ 2019ની લોકસભાની ચૂંટણીમાં પાર્ટીએ 18 બેઠકો પર જીત મેળવી હતી. ભાજપનો વોટ શૅર વધીને 40.64 ટકા થઈ ગયો. હવે એપ્રિલ-મે મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ આ પરિણામની પુનરાવર્તનની આશા રાખે છે.
બીજી બાજુ 2011ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષ સાથે મળીને 34 વર્ષ જુની ડાબેરી મોરચાની સરકારને ઉખેડી ફેંકયા બાદ મમતા બેનરજીને બંગાળમાં પહેલી વખત સરકાર બનાવવાની તક મળી. ચૂંટણીમાં ટીએમસીએ 184 બેઠકો પર જીત મેળવી હતી અને પક્ષનો વોટ શૅર 39.9 ટકા હતો.
2014ની લોકસભા ચૂંટણી વખતે સમગ્ર દેશમાં મોદી લહેર હતી, પરંતુ તેમ છતાં મમતા બેનરજીની ટીએમસીએ 42માથી 34 બેઠકો કબજે કરી હતી. 2016ની વિધાનસભાની ચૂંટણીમાં પક્ષે કૉંગ્રેસ સાથેનું જોડાણ ખતમ કર્યું હોવા છતાં 211 બેઠકો પર જીત મેળવી હતી અને પક્ષનો વોટ શૅર 44.9 ટકા હતો.
2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ટીએમસીને માત્ર 22 બેઠકો મળી હતી પરતું પક્ષના વોટ શૅરમાં માત્ર 5 ટકાનો ઘટાડો આવ્યો હતો.

મમતા બેનરજી વિરુદ્ધ કોણ?

ઇમેજ સ્રોત, SANJAY DAS/BBC
રજત રોયની દલીલ એવી છે કે પક્ષોના વોટ શૅરના બદલે બીજા ઘણા પરિબળો ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે. તેમના મતે મમતા બેનરજી ટીએમસીનાં ચહેરા છે અને મુખ્યમંત્રી પણ છે. મતદારને ખબર છે કે જો તેમનો પક્ષ જીતે છે તો મુખ્યમંત્રી કોણ બનશે.
તેઓ કહે છે, "ભાજપ પાસે મુખ્યમંત્રીના પદ માટે કોઈ ચેહરો નથી. કોઈ પણ વ્યક્તિ મમતાના કદના નથી.ભાજપ નરેન્દ્ર મોદી અને અમિત શાહને સામે લાવી રહી છે, પરતું તેના કારણે મમતા બેનરજીને કહેવાનો મોકો મળી ગયો છે કે ભાજપ બહારની પાર્ટી છે."
રજત રૉય કહે છે, "મમતા બેનરજી બંગાળી વિરુદ્ધ બહારનાનો કાર્ડ રમી રહ્યાં છે અને તેની અસર દેખાઈ રહી છે. સોશિયલ મીડિયામાં પણ આ ચર્ચાનો વિષય બની ગયો છે."
રજત રૉયના જણાવ્યાં અનુસાર ભાજપની અમુક ભૂલો પણ મમતા બેનરજીના આ પ્રચારને બળ આપી રહી છે. રવીન્દ્રનાથ ટાગોર અને અમર્ત્ય સેન વિશે કરવામાં આવેલ નિવેદનો દ્વારા મમતા બેનરજી કહી રહ્યાં છે ભાજપ બંગાળની સંસ્કૃતિની વિરુદ્ધ છે અને બંગાળી મતદાર માટે આ એક સંવેદનશીલ મુદ્દો છે.
અરુંધતિ કહે છે કે સામાન્ય માન્યતા એ છે કે મમતા બેનરજી એક લડવૈયાં છે. એવી વ્યક્તિઓની નજરોમાં પણ જેઓ તેમને પસંદ કરે છે અને એવી વ્યક્તિઓની નજરોમાં પણ જે તેમને પસંદ કરતા નથી. તેઓ એક લડવૈયા છે.
રજત રૉય અનુસાર માન્યતા એ પણ છે કે તેઓ પ્રમાણિક છે, પરતું પક્ષના મોટાભાગના નેતાઓ ભષ્ટ્ર છે. તેઓ વધુમાં જણાવે છે કે, એટલા માટે તેઓ દરેક જગ્યાએ કહે છે કે લોકો તેમને વોટ આપે અને બંગાળમાં ટીએમસીને નહીં પરતું મમતા બેનરજીને મત આપવામાં આવે છે.

ઓવૈસી ફૅક્ટર

ઇમેજ સ્રોત, SANJAY DAS/BBC
અમુક લોકો કહી રહ્યા છે કે અસદુદ્દીન ઓવૈસની ઑલ ઇન્ડિયા ઈત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટી મમતા બેનરજીની જીતમાં અવરોધ ઉભો કરી શકે છે. ઓવૈસીએ પહેલા જ જાહેરાત કરી નાંખી છે કે તેઓ બંગાળમાં ચૂંટણી લડશે.
વિધાનસભાની 294માં 70 બેઠકો એવી છે જ્યાં મુસ્લિમ મતદારો 20 ટકાથી વધુ છે અને રાજ્યમાં 4 ટકા મુસ્લિમ એવા છે જેમની એકમાત્ર ભાષા ઉર્દૂ છે. અને તેઓ જે વિસ્તારોમાં રહે છે અથવા બિહારના એ વિસ્તાર સાથે જોડાયેલા છે, જ્યાં ઓવૈસીને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જીત મળી છે.
ઓવૈસી પોતે બંગાળનો પ્રવાસ કરી ચૂક્યા છે અને છેલ્લા 6 મહિનામાં તેમની પાર્ટીની ઘણી શાખાઓ ખુલી ગઈ છે.

શું તેઓ ટીએમસીની બાજી બગાડી રહ્યા છે?

ઇમેજ સ્રોત, SANJAY DAS/BBC
અરુંધતિ મુખરજી કહે છે કે ઓવૈસીની અસર થશે. તેઓ કહે છે, "મમતા બેનરજી મુસ્લિમો પર ખરેખર પકડ ધરાવે છે, પરતું ઓવૈસીની થોડી અસર તો પડશે."
"ઓવૈસી એવા મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે, જેની અસર મુસ્લિમો પર થઈ રહી છે. તેઓ તેમની નોકરી અને શિક્ષણ જેવા મુદ્દાઓ પણ ઉઠાવી રહ્યા છે. ટીએમસીનો મુસ્લિમ વોટ શૅર ઘટી શકે છે."
રજત રૉય જણાવે છે કે, "મુસ્લિમ મતદારો મમતા બેનરજીને વોટ આપતા આવ્યા છે પરંતુ એક મોટો જૂથ છે, જે રાજ્ય સરકારથી ખુશ નથી કારણ કે મુસ્લિમોને નોકરીઓ અને શિક્ષણમાં સુધારા માટે કરવામાં આવેલ વાયદા પૂરા કરવામાં આવ્યા નથી."
પરતું મારા મતે મમતાથી નારાજ મુસ્લિમ પણ વ્યૂહાત્મક રીતે વોટીંગ કરશે કારણકે મુસ્લિમ ભાજપની વિરુદ્ધ મતદાન કરશે. પરતું વિશ્વજીત ભટ્ટાચાર્ય કહે છે કે આ ચૂંટણીમાં ઓવૈસીની કોઈ ખાસ અસર નહીં થાય.

મમતા બેનરજી ભાજપના રસ્તામાં છેલ્લાં અવરોધ છે?

ઇમેજ સ્રોત, SANJAY DAS/BBC
ભાજપના મોટા નેતા રાજ્યમાં પક્ષના નેતાઓને આ સંદેશ આપી રહ્યા છે કે તેઓ 200 બેઠકો જીતવાના તેમના પ્રચાર પર ભાર મૂકે. અમિત શાહ પણ જાહેર સભાઓમાં ઓછામાં-ઓછી 200 બેઠકો જીતવાનો દાવો કર્યો છે.
પરંતુ અંદરથી પક્ષને પણ ખબર છે કે 200 બેઠકોનું લક્ષ્ય એ વાસ્તવિક નથી. હા, પક્ષને જરુર લાગે છે કે ધ્રુવીકરણથી આ લક્ષ્યને નજીક જરુર લાવી શકાય છે. આવી પરિસ્થિતિમાં ભાજપ જરૂર ઇચ્છશે કે ઓવૈસીનો પક્ષ ચૂંટણી લડે.
રાજ્યમાં મુસ્લિમોની વસ્તી આશરે 28-30 ટકા છે. જે જમ્મુ-કાશમીર અને આસામ બાદ સૌથી વધુ છે. વિશ્વજીત ભટ્ટાચાર્ય મુજબ મોહન ભાગવતે ઘણી વખત કહ્યું છે કે હિંદુરાષ્ટ્રની કલ્પના મુસ્લિમ વસ્તી ધરાવતા રાજ્યોમાં સત્તા પર આવ્યા વગર ન થઈ શકે.
વિશ્વજીત કહે છે, "આ આરએસએસનો હેતુ છે. આપણા દેશની સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા રાજ્ય જમ્મુ - કાશમીરમાં જ ગયા અને સત્તા પર આવ્યા. આસામ બીજું સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતું રાજ્ય છે. તેઓ ત્યાં પણ ગયા અને ચૂંટણી જીતી ગયા અને ત્રીજું સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતું રાજ્ય બંગાળ છે. ભાજપ પશ્ચિમ બંગાળમાં સત્તામાં આવવા માટે તલપાપડ છે. આ પ્રયાસમાં મમતા બેનરજી છેલ્લાં અવરોધ છે."

ઇમેજ સ્રોત, DIBYANGSHU SARKAR
બીજું એ કે 2025માં આરએસએસની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થઈ જશે. આરએસએસનું પ્રથમ રાજકીય ઘટક અહીં બન્યું હતું. એટલા માટે ભાજપ સત્તામાં આવવા માટે ઉતાવળ કરી રહી છે.
દાયકાઓ સુધી ગુમનામ રહ્યા બાદ આરએસએસ બંગાળમાં ફરીથી એક મહત્ત્વની સામાજિક સંસ્થા બનીને બહાર આવી છે. આરએસએસ એવી સંસ્થા છે જે પોતાની શાખાઓની માહિતી આપતી નથી પરતું બંગાળની મીડિયા મુજબ 2011માં તેમની શાખાની સંખ્યા 800 હતી જે 2018માં 2000થી પણ વધારે થઈ ગઈ.
રાજકીય વિશ્લેષક રજત રૉય સ્વીકારે છે કે પશ્ચિમ બંગાળમાં આરએસએસની શાખાની સંખ્યા વધી છે. તેમના મુજબ મધ્યમ વર્ગના હિંદુઓ હિંદુત્ત્વની વિચારધારાથી પ્રભાવિત થયા છે અને એક વિચાર બહાર આવ્યો છે કે મુસ્લિમોને પાઠ ભણાવવો છે.
તેઓ કહે છે, "આ વિચારનો રાજકીય પક્ષો અને બૌદ્ધિક વર્ગ વિરોધ કરી શક્યા નથી.રાજ્યમાં આ વધવા પાછળનો એક મોટું કારણ છે કે દિલીલ ઘોષ જેમણે 2014ના અંતમાં પશ્ચિમ બંગાળ ભાજપ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો. તેઓ એક જૂના પ્રચારક છે, જેમણે આશરે 25 વર્ષો સુધી પૂર્વ અને પૂર્વોત્તર રાજ્યોમાં કામ કર્યું છે."
તેમના પોતાના શબ્દોમાં ઘોષ કહે છે, "હું આજે જે કંઈ પણ છું તે આરએસએસના કારણે છું. સંઘ એક નિયમ પ્રમાણે જીવન જીવવાની રીત શીખવે છે અને આ જ પ્રશિક્ષણના કારણે મને પ્રદેશ ભાજપ પ્રમુખ બનવાની તાકાત મળી છે. આપણા દેશ માટે આરએસએસ સાચી રીતે પુરુષોનું નિર્માણ કરે છે. અમારો મંત્ર છે સાઉન્ડ બોડી, સાઉન્ડ માઈન્ડ. આરએસએસના પ્રચારક હોવાનો મને ગર્વ છે અને આજે પણ હું સંઘમાં દરરોજ અભ્યાસનું પુનરાવર્તન કરું છું, જેમ હું એક યુવા કૅડરના સમયે કરતો હતો."

સુવેંદુ અધિકારી એક ફૅક્ટર
ટીએમસીના એક મોટા નેતા તરીકે સુવેંદુ અધિકારીને જોવામાં આવતા હતા. તેમનું ભાજપમાં જોડાવું એ મમતા બેનરજી માટે એક મોટો આંચકો હતો.
વિશ્વજિત ભટ્ટાચાર્ય કહે છે કે, બંગાળના ઘણા વિસ્તારોમાં તેમનો પ્રભાવ છે. તેઓ ત્રણ સહકારી બેંકોના ચૅરમૅન છે અને તેમના નજીકના સાથીદાર બે સહકારી બેંકોના ચૅરમૅન છે. ઘણાં કુટીર ઉદ્યોગો આ બેંકોથી લોન લે છે.
ભાજપમાં સામલે થતા પહેલા અધિકારીએ ઘણી રેલીઓ યોજી હતી જેથી તેઓ તપાસ કરી શકે કે જનતા તેમની સાથે છે કે નહીં. તેમની સાથે બીજા નેતાઓ પણ ટીએમસીમાંથી ભાજપમાં જોડાયા છે, પરંતુ તેઓ સૌથી મોટા ગજાના નેતા છે.
પરંતુ આ વાર્તા હજુ પૂરી થતી નથી. વિશ્વજિત ભટ્ટાચાર્ય કહે છે, "મને લાગે છે કે હજુ અમુક વસ્તુઓ બદલાશે. સુવેંદુના તૃણમૂલ કૉંગ્રેસ છોડી દેવા જેવા બીજી ઘટનાઓ પણ સામે આવી શકે છે."
રજત રોયના કહેવા મુજબ સુવેંદુ અધિકારીના ભાજપમાં જોડાવાથી પાર્ટીને આંચકો લાગ્યો છે, પરંતુ ચૂંટણીમાં તેની અસર દક્ષિણ બંગાળના અમુક વિસ્તારો પૂરતી મર્યાદિત રહેશે, ખાસ કરીને તે વિસ્તારોમાં જ્યાં તેઓ પ્રભાવ ધરાવે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












