પ્રિન્સ વિલિયમે હૅરી-મેગનનાં ઇન્ટરવ્યૂ પર કહ્યું, બ્રિટનનો શાહી પરિવાર વંશભેદમાં માનતો નથી

ઇમેજ સ્રોત, PA Media
ધ ડ્યૂક ઑફ કૅમ્બ્રિજ પ્રિન્સ વિલિયમે કહ્યું છે કે બ્રિટનનો શાહી પરિવાર નસલવાદી પરિવાર નથી.
એમના ભાઈ પ્રિન્સ હૅરી અને એમનાં પત્ની મેગન મર્કેલનાં ટીવી ઇન્ટરવ્યૂ પછી શરૂ થયેલાં વિવાદ બાદ પ્રિન્સ વિલિયમનું આ પહેલું નિવેદન છે.
પ્રિન્સ વિલિયમે એમ પણ કહ્યું કે એમણે હજી સુધી ભાઈ સાથે વાત નથી કરી પરંતુ તેઓ જલદી જ ભાઈ પ્રિન્સ હૈરી સાથે વાત કરશે.
મેગન અને પ્રિન્સ હૅરીએ કહ્યું હતું કે શાહી પરિવારના એક માણસે એ વાતને લઈને ચિંતા વ્યક્ત કરી હતી કે એમનાં પુત્ર આર્ચીનો રંગ 'કેટલો કાળો' હશે
આ અગાઉ શાહી મહેલ બકિંઘમ પેલેસે એક નિવેદન બહાર પાડી કહ્યું હતું કે મેગન અને પ્રિન્સ હૅરીનો દાવો ચિંતાજનક છે અને શાહી પરિવાર અંગતપણે તેની તપાસ કરશે.
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે શાહી પરિવાર માટે પ્રિન્સ હૅરી અને મેગન હંમેશાં સ્નેહપાત્ર પરિવારનાં સભ્યો રહેશે.

વંશભેદના દાવા પર રાજવી પરિવાર ગંભીર - બકિંઘમ પૅલેસ

ઇમેજ સ્રોત, IMAGE COPYRIGHTJOE PUGLIESE / HARPO PRODUCTIONS /
બ્રિટનના શાહી નિવાસ બકિંઘમ પૅલેસે કહ્યું કે સસેક્સનાં ડ્યૂક અને ડચેઝે શાહી પરિવારમાં જે વંશભેદનો મુદ્દો ઉઠાવ્યો છે એ 'ચિંતાજનક' છે અને પરિવાર તેની ખાનગી રીતે ચર્ચા કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રિન્સ હૅરી અને તેમનાં પત્ની મેગન મર્કેલે હાલમાં અમેરિકન ટીવી પ્રેઝેન્ટર ઑપ્રા વિન્ફ્રેને આપેલા ઇન્ટરવ્યૂમાં રાજવી પરિવારના એક સભ્ય દ્વારા કરાયેલી વંશભેદની ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો હતો.
આ ઇન્ટરવ્યૂ બાદ બકિંઘમ પૅલેસે બ્રિટનનાં મહારાણી તરફથી એક નિવેદન જાહેર કર્યું છે.
આ નિવેદનમાં કહેવાયું છે, "આખા શાહી પરિવારને એ જાણીને બહુ દુખ થયું છે કે ગત કેટલાંક વર્ષો હૅરી અને મેગન માટે કેટલાં પડકારજનક રહ્યાં."
નિવેદન અનુસાર, "બંનેએ ઉઠાવેલા મુદ્દાઓ, ખાસ કરીને વંશ સાથે જોડાયેલો મુદ્દો ચિંતાજનક છે. બની શકે કે લોકોને કેટલીક ચીજો અલગ રીતે યાદ હોય, પણ તેને બહુ ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને શાહી પરિવારમાં તેના પર ખાનગી રીતે વાત કરાશે."

ઇમેજ સ્રોત, ROYAL COMMUNICATIONS/SM
બકિંઘમ પૅલેસના નિવેદનમાં કહેવાયું કે શાહી પરિવારના સભ્યો હૅરી, મેગન અને તેમના પુત્ર આર્ચીને હંમેશાં પ્રેમ કરશે.
ઑપ્રા વિન્ફ્રેના આપેલા ઇન્ટરવ્યૂમાં હૅરી અને મેગને જણાવ્યું હતું કે શાહી પરિવારના એક સભ્યે હેરીને પૂછ્યું હતું કે તેમના પુત્રનો રંગ 'કેટલો કાળો' હોઈ શકે છે.
જોકે બાદમાં હૅરીએ ઇન્ટરવ્યૂમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે વંશભેદની ટિપ્પણી મહારાણી કે પ્રિન્સ ફિલિપે નહોતી કરી. અમેરિકન અભિનેત્રી મેગન મર્કેલ બ્રિટનના રાજઘરાનામાં 'મિક્સ્ડ રેસ'નાં પહેલાં સભ્ય છે.

ઇન્ટરવ્યૂમાં કેવા દાવા કરાયા?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રિન્સ હૅરી અને મેગન મર્કલ જાણીતાં ટીવી પર્સનાલિટી ઑપ્રા વિન્ફ્રે સાથેના ઇન્ટરવ્યૂને કારણે ચર્ચામાં છે. આ ઇન્ટરવ્યૂમાં બંનેએ ઘણા ખુલાસા કર્યા છે અને બ્રિટનના રૉયલ પરિવાર અંગે પણ કેટલીટ ટિપ્પણીઓ કરી છે.
અમેરિકન ન્યૂઝ ચેનલ સીબીએસ પર પ્રસારિત ઇન્ટરવ્યૂમાં મેગને કહ્યું, "મને શાહી પરિવાર વિશે એટલો જ ખ્યાલ હતો, જેટલું મારા પતિ હૅરીએ મને જણાવ્યું હતું. લોકોની ધારણા પ્રમાણે આ પરીઓની દુનિયા છે પણ વાસ્તવિકતા ઘણી અલગ છે."
આ મુલાકાતમાં મેગને એવું પણ કહ્યું કે એવો પણ વખત હતો કે જ્યારે જીવવાની ઇચ્છા ખતમ થઈ ગઈ હતી.
મેગનની આ ટિપ્પણી બદલ પણ ચર્ચાઓ થઈ રહી છે.મેગને કહ્યું કે લગ્નના દિવસે તેમને ખ્યાલ હતો કે આ દિવસ તેમની અને હૅરી માટે નહીં પણ દુનિયા માટે હતો.
તેમણે કહ્યું કે "જ્યારે હું મહારાણીને મળવા માટે પહેલી વખત જઈ રહી હતી ત્યારે તેઓ વિન્ડસર કૅસલમાં હતાં, મને હૅરીએ પૂછ્યું કે શું મને મહારાણીને મળતી વખતે અનુસરવાની ઔપચારિકતા વિશે ખબર છે."
"મારી માટે આ વાત ચોંકાવનારી હતી, મને ખ્યાલ નહોતો કે કોઈ પ્રાઇવેટ મુલાકાતમાં પણ ઔપચારિકતાનું પાલન કરવાનું હોય છે."
"હું ઔપચારિકતાઓ શીખી અને મહારાણીને મળી."મેગને ઓપ્રાને જણાવ્યું કે તેમણે પ્રિન્સ હૅરીની સાથે જાહેર સમારોહના ત્રણ દિવસ પહેલાં જ લગ્ન કરી દીધાં હતાં.મેગને જણાવ્યું કે "અમે અર્ચબિશપ ઑફ કૅન્ટબરીને કહ્યું કે આ સમારોહ દુનિયા માટે હશે પણ અમે ઇચ્છીએ છીએ કે અમારાં લગ્ન દુનિયાથી દૂર અમારી માટે થાય."
વર્ષ 2018ની મહારાણી સાથેની પહેલી જાહેર મુલાકાત વિશે મેગને મુલાકાતમાં કહ્યું, "મને મહારાણીએ મોતીનો સેટ ભેટમાં આપ્યો હતો."
શાહી પરિવાર સાથે રહેવાના અનુભવ વિશે વાત કરતાં તેમણે કહ્યું, "અનેક દિવસો સુધી એકલતા અનુભવતી હતી. એટલી એકલતા મેં મારા જીવનમાં કદી નથી જોઈ."
"અનેક પ્રકારના નિયમોથી બાંધી દેવામાં આવ્યાં હતાં. હું મિત્રો સાથે લંચ માટે બહાર જઈ શકતી ન હતી."
તેમણે કહ્યું, "હું હૅરી સાથે એકલતા નહોતી અનુભવતી, પણ જ્યારે તેમને કામથી બહાર જવું પડતું હતું ત્યાર ઘણી એવી પળો હતી જ્યારે હું બહું જ એકલતા અનુભવતી હતી."
"અનેક બાબતો શીખવાની મને પરવાનગી નહોતી. એટલે જ કદાચ એકલતા વધતી ગઈ."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













