આંદોલનકારી ખેડૂતોનો નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર, મૂકી વધુ છ માગણી

કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ કૃષિકાયદા પરત ખેંચવાની જાહેરાત કરાઈ, એ બાદ સંયુક્ત કિસાન મોરચાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખ્યો છે.

આ પત્રમાં છ માગણીઓ મૂકવામાં આવી છે અને જ્યાં સુધી આ માગણીઓ અંગે વાટાઘાટ શરૂ નહીં થાય, ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ત્રણ કૃષિકાયદાનો દેશભરના સેંકડો ખેડૂતસંગઠનો વિરોધ કરી રહ્યા હતા.

આ સંગઠનનોના મંચ સંયુક્ત કિસાન મોરચાએ રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને છ માગણીઓ સાથે પત્ર લખ્યો છે.

આ પત્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને લખ્યું છે કે, "19 નવેમ્બરની સવારે દેશના કરોડો ખેડૂતોએ તમારો રાષ્ટ્રજોગ સંદેશો સાંભળ્યો."

"અમે નોંધ્યું છે કે 11 વખતની વાટાઘાટો બાદ દ્વિપક્ષીય ઉકેલના સ્થાને તમે એકપક્ષીય ઘોષણાનો માર્ગ પસંદ કર્યો, પરંતુ અમને આનંદ છે કે તમે કૃષિકાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી."

સંયુક્ત કિસાન મોરચાએ વડા પ્રધાનની જાહેરાતને આવકારતાં લખ્યું છે કે, "અમે આશા રાખીએ છીએ કે તમારી સરકાર આ વચન વહેલી તકે પૂર્ણ કરશે, પરંતુ તમે સારી રીતે જાણો છો કે, અમારી માગ માત્ર 3 કાયદાઓ રદ કરવા પૂરતી ન હતી. અમે આ સિવાય પણ શરૂથી વધુ ત્રણ માગણીઓ ઉઠાવી હતી.'

પત્રમાં જણાવ્યું છે કે, "વડા પ્રધાનના સંબોધનમાં અન્ય માગણીઓનો સમાવેશ ન કરાયો હોવાથી ખેડૂતોને નિરાશા સાંપડી છે."

કૃષિકાયદા વિષયક માગણીઓ

ખેડૂતોએ સાથે-સાથે આ ત્રણ માગણીઓ પણ મૂકી હતી.

  • તમામ કૃષિઉપજો માટે એમએસપીને ખેડૂતોનો કાયદાકીય હક બનાવવામાં આવે.
  • સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ 'વિદ્યુત અધિનિયમ સંશોધન વિધેયક 2020/2021' નો ડ્રાફ્ટ પરત ખેંચવામાં આવે.
  • રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને તેની સાથે જોડાયેલા વિસ્તાર માટેના 'વાયુગુણવત્તા પ્રબંધન આયોગના અધિનિયમ 2021' માંથી ખેડૂતોને સજા આપવાની જોગવાઈ હઠાવવામાં આવે.

વધુ ત્રણ માગણીઓ

છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા આંદોલનને પગલે પણ કેટલાક મુદ્દાઓ ઊભા થયા હોવાનું સંયુક્ત કિસાન મોરચાના ધ્યાને આવ્યું છે.

આ મુદ્દાઓના નિરાકરણ માટે પણ પત્રમાં કેટલીક માગણીઓ ઉમેરવામાં આવી છે.

  • જૂન 2020થી અત્યાર સુધીમાં દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં હજારો ખેડૂતો વિરુદ્ધ આંદોલન દરમિયાન પોલીસ કેસ કરવામાં આવ્યા છે, જે પાછા લેવામાં આવે.
  • લખીમપુર ખીરી હત્યાકાંડના સૂત્રધાર અજય મિશ્રા ટેની આજે પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન ધરાવે છે. તેમનું મંત્રીપદ પાછું લેવામાં આવે અને તેમની ધરપકડ કરવામાં આવે.
  • આ આંદોલનમાં લગભગ 700 ખેડૂતોએ 'શહાદત' વહોરી છે. તેમના પરિવાર માટે વળતર અને પુનર્વસનની વ્યવસ્થા કરવામાં આવે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો