You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિશા રવિને ટૂલકિટ કેસ મામલે ત્રણ દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયાં
ખેડૂત આંદોલન સાથે જોડાયેલી ટૂલકિટને શૅર કરવાના કેસમાં જેમની ધરપકડ કરવામાં આવી છે તે દિશા રવિને ત્રણ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ દિલ્હીની અદાલતે આપ્યો છે.
દિલ્હી પોલીસે પર્યાવરણ ઍક્ટિવિસ્ટ દિશા રવિને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યાં હતાં અને કસ્ટડીની માગણી કરી હતી. પોલીસનું કહેવું હતું કે અન્ય આરોપીઓની વાત દિશા રવિથી અલગ છે અને તેના પ્રતિકાર માટે એમની કસ્ટડી જરૂરી છે.
પોલીસ તરફથી કોર્ટમાં હાજર સરકારી વકીલે કહ્યું કે દિશા રવિએ આરોપ સહઆરોપી શાંતનુ અને નીકિતા પર મૂક્યો છે અને દિશા રવિ અને અન્ય આરોપીની સામસામે તપાસ જરૂરી છે એટલે ત્રણ દિવસ કસ્ટડી આપવામાં આવે.
પોલીસના કહેવા મુજબ, નીકિતા જેકોબ, સહયોગી શાંતનું અને દિશા રવિએ ટૂલકિટ બનાવી હતી અને દિશાએ ટૂલકિટ ગ્રેટા થનબર્ગને ટેલીગ્રામ મારફતે મોકલી હતી.
અગાઉ દિશા રવિએ દિલ્હી હાઈકોર્ટમાં દાદા માગી હતી કે તેમની સામે પોલીસે નોંધેલી એફઆઈઆર સાથે જોડાયેલી તપાસની કોઈ પણ સામગ્રીને મીડિયામાં લીક થતાં અટકાવવામાં આવે. દિશા રવિએ માગ કરી હતી કે મીડિયાને તેમની અને ત્રીજી કોઈ પણ વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને પ્રકાશિત કરવાથી રોકવામાં આવે.
હાઈકોર્ટે આ માગ ફગાવી દીધી છે અને કહ્યું કે પિટિશનરના કોઈ અધિકારનો ભંગ નથી થતો એ જોતાં દિલ્હી પોલીસને પત્રકારપરિષદ કરવાનો અધિકાર છે.
દિશા રવિના વકીલ અખિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું કે ધરપકડના એક દિવસ પછી ટીવી ચેનલ કથિત ચેટ પર રિપોર્ટિંગ કરી રહી છે. તેમણે કહ્યું કે "મેં અથવા મારા અસીલે આ ચેનલોની સાથે કોઈ માહિતી શૅર કરી નથી."
સરકારનો મત રજૂ કરતાં વકીલ તુષાર મહેતાએ કહ્યું કે પોલીસે કોઈ જાણકારી મીડિયામાં લીક કરી નથી અને તે આની ઉપર સોગંદનામું રજૂ કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાંથી કોઈ મજૂરે લૉકડાઉનમાં સ્થળાંતર કર્યું નથી : સી. આર. પાટીલ
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું કે કોરોના વાઇરસની મહામારીના કારણે ગુજરાતમાં કામ કરતા કોઈ પણ મજૂરે પોતાના વતનમાં સ્થળાંતર કર્યું નથી.
પાટીલ સુરતમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું. તેમના ભાષણને વર્ચ્યૂયલી ગુજરાતની મહાનગરપાલિકાઓના પાંચ વોર્ડમાં દેખાડવામાં આવ્યું હતું.
મહામારીને ટાંકીને પાટીલે કહ્યું, "જ્યારે આખા દેશમાં, એ દિલ્હી હોય કે મુંબઈ અથવા બીજું કોઈ રાજ્ય, જ્યારે લૉકડાઉન લાગુ થયું તે સાંજથી જ લોકો પોતાના વતન જવા માટે નીકળી ગયા હતા. પરંતુ એક પણ મજૂરે ગુજરાતથી સ્થળાંતર કર્યું નથી."
પાટીલે ઉમેર્યું, "આખા ગુજરાતના ભાજપના કાર્યકર્તાઓ વિવિધ જગ્યાએ ગયા અને જ્યાં મજૂરો રહેતા હતા તેમના માટે ખોરાકની વ્યવસ્થા કરી."
"મહિલાઓએ રોટલીઓ બનાવી અને મજૂરોના ઘરે પહોંચાડવામાં આવી. તેના કારણે પહેલાં અને બીજા લૉકડાઉન સમયે સ્થળાંતર ન થયું. કારણ કે તેમના માટે રોટલી અને ઓટલો બંને હતાં."
મહારાષ્ટ્રના અમરાવતીમાં કોરોનાના કેસ વધતા વીકેન્ડ લૉકડાઉન
લાઇવ મિન્ટના અહેવાલ અનુસાર મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના કેસની સંખ્યામાં વધારો નોંધાતા અનેક જિલ્લામાં વિવિધ પ્રકારના પ્રતિબંધ લાદવામાં આવ્યા છે.
વહીવટી તંત્ર દ્વારા મહારાષ્ટ્રના અમરાવતીમાં વીકેન્ડ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના તમામ જિલ્લામાં સૌથી વધારે કેસ અમરાવતીમાં ગુરુવારે નોંધાયા હતા. બુધવારે ત્યાં 82 કેસ હતા જે ગુરુવારે 230એ પહોંચ્યા હતા.
આ ઉપરાંત યવતમાલ જિલ્લામાં પણ આકરા પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. શાળાઓ અને કૉલેજોને 28 ફેબ્રુઆરી સુધી બંધ કરી દેવાઈ છે. તમામ જાહેર કાર્યક્રમોમાં 50 ટકાથી ઓછા લોકોને બોલાવવામાં આવશે.
કોઈ પણ સ્થળે પાંચ લોકોથી વધારે એકઠા નહીં થઈ શકે. મુંબઈમાં જે ઇમારતમાં પાંચથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત મળશે તે ઇમારતને સીલ કરવામાં આવશે અને માસ્કનો કડકાઈથી અમલ કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં બુધવારે 4787 કોરોના વાઇરસના કેસ નોંધાયા હતા. જે છેલ્લા બે મહિનામાં સૌથી વધારે હતા.
ગુજરાતમાં લોકસભાની બન્ને બેઠકો ભાજપને ફાળે જશે?
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગુજરાતથી રાજ્યસભાની પેટા ચૂંટણીમાં ભાજપના બંને ઉમેદવાર ચૂંટણી પહેલાં જ વિજેતા જાહેર થઈ શકે છે.
ગુરુવારે નૉમિનેશન ફાઇલ કરવાનો છેલ્લો દિવસ હતો પરંતુ કૉંગ્રેસ પાર્ટીના કોઈ ઉમેદવારે નોમિનેશન ફૉર્મ ભર્યું નહોતું.
ગુજરાતના મુખ્ય ચૂંટણીઅધિકારીએ કહ્યું હતું કે રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી માટે ચાર ઉમેદવારોએ ફૉર્મ ભર્યા છે પરંતુ આ ચારેય ભાજપના જ છે.
રાજ્યસભામાં દાવેદારી ન કરવા અંગે કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, "અમારી લડાઈ સિદ્ધાંતોની છે. અમે આ અગાઉ પણ બે બેઠકોની ચૂંટણી એક સાથે ન યોજવાને લઈને કેસ કર્યો છે. જે હાલ કોર્ટમાં છે. "
"બે બેઠકની ચૂંટણી અલગઅલગ થવાથી અમારી સાથે યોગ્ય સંખ્યા નહોતી માટે અમે નોમિનેશન ફાઇલ કર્યાં નથી."
જો ભાજપ ચૂંટણી જીતે તો ગુજરાતની રાજ્યસભાની કુલ 11 બેઠકોમાં આઠ ભાજપને અને ત્રણ કૉંગ્રેસ ફાળે જશે.
દિશા રવિની હાઈકોર્ટમાં ફરિયાદ, પર્સનલ ચેટ લીક કરવાથી પોલીસ અને મીડિયાને રોકવામાં આવે
'એનડીટીવી'ના અહેવાલ અનુસાર ખેડૂત આંદોલન સાથે જોડાયેલી ટૂલકિટને શૅર કરવાના કેસમાં જેમની ધરપકડ કરવામાં આવી છે તે દિશા રવિએ હાઈકોર્ટમાં દાદ માગી કે તેમની સામે પોલીસે નોંધેલી એફઆઈઆર સાથે જોડાયેલી તપાસની કોઈ પણ સામગ્રીને મીડિયામાં લીક થતાં અટકાવાય.
દિશા રવિએ માગ કરી છે કે મીડિયાને તેમની અને ત્રીજી કોઈ પણ વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને પ્રકાશિત કરવાથી રોકવામાં આવે.
દિશા રવિના વકીલ અખિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું કે ધરપકડના એક દિવસ પછી ટીવી ચેનલ કથિત ચેટ પર રિપોર્ટિંગ કરી રહી છે. તેમણે કહ્યું કે "મેં અથવા મારા અસીલે આ ચેનલોની સાથે કોઈ માહિતી શૅર કરી નથી."
સરકારનો મત મૂકવા આવેલા વકીલ તુષાર મહેતાએ કહ્યું કે પોલીસે કોઈ જાણકારી મીડિયામાં લીક કરી નથી અને તે આની ઉપર સોગંદનામું રજૂ કરશે.
આ મામલે બે મીડિયા જૂથને પણ કોર્ટે નોટિસ આપી છે.
ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકા અને યુરોપના દેશોની બેઠક
અમેરિકા અને યુરોપના ત્રણ મોટા દેશ બ્રિટન, ફ્રાન્સ અને જર્મની ઈરાનની સાથે પરમાણુ કરાર પર ફરી વાતચીત કરવા પેરિસમાં મળી રહ્યા છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સમયના આ કરારને ફરીથી બહાલ કરવાના પ્રયત્નો ત્યારે થઈ રહ્યા છે જ્યારે ઈરાને પોતાના તરફથી કરારની શરતોને પૂર્ણ કરવાની જાહેરાત કરી છે.
ઈરાનની આ ડેડલાઈન 23 ફેબ્રુઆરીએ પૂર્ણ થાય છે. આ કરારને ટ્રમ્પ વહીવટી તંત્રે પૂર્ણ કરી દીધો હતો અને ઈરાન પર ફરી આર્થિક પ્રતિબંધ લાદ્યા હતા. જેના કારણે ભારત જેવા દેશ ક્રૂડનો વેપાર કરી શકતા નથી.
આ પહેલાં ઈરાને 2015માં કરેલા પરમાણુ કરારની એક શરતને બાજુ પર મૂકીને યૂરેનિયમના સંવર્ધનના ગ્રેડને વધારી દીધો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો