UAPA : નરેન્દ્ર મોદી સરકારનો એ વિવાદિત કાયદો જેમાં 98 ટકા કેસમાં આરોપનામું જ નથી ઘડાતું

    • લેેખક, સલમાન રાવી
    • પદ, બીબીસી સંવાદદાતા

ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (અટકાવ) કાયદો એટલે કે ‘UAPA’ અને રાજદ્રોહ એટલે ભારતીય દંડ સંહિતાની કલમ 124એ હેઠળ સૌથી વધુ મામલા વર્ષ 2016થી માંડની વર્ષ 2019 વચ્ચે નોંધવામાં આવ્યા છે. તેમાં એકલા ‘UAPA’ અંતર્ગત 5,922 મામલા નોંધવામાં આવ્યા છે.

આ જાણકારી રાષ્ટ્રીય અપરાધ રેકૉર્ડ બ્યૂરો એટલે કે ‘NCRB’ના તાજેતરના રિપોર્ટમાં અપાઈ છે. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે તેમાંથી કુલ 132 લોકો વિરુદ્ધ જ આરોપ નક્કી થઈ શક્યા છે.

એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ રાજ્યસભાને જણાવ્યું હતું કે આ આંકડાઓમાં એ નથી જણાવાયું કે જેમની વિરુદ્ધ UAPA હેઠળ મામલા નોંધાયા છે તેઓ કઈ જ્ઞાતિના છે.

તેમનું કહેવું હતું કે રિપોર્ટથી એ વાતની પણ ખબર નથી પડતી કે ધરપકડ કરાયેલા લોકો પૈકી કેટલા એવા છે જેમનું કામ નાગરિક અધિકારો માટે સંઘર્ષ કરવાનું છે.

રેડ્ડીએ ‘NCRB’ના રિપોર્ટના હવાલાથી ગૃહને એ પણ જણાવ્યું કે માત્ર 2019માં જ UAPA હેઠળ સમગ્ર દેશમાં 1,948 મામલા નોંધવામાં આવ્યા છે. આંકડા જણાવે છે કે આ વર્ષે ફરિયાદી પક્ષ કોઈના પર પણ આરોપ સાબિત કરવામાં અસફળ રહ્યો છે જેના કાણે 64 લોકોને કોર્ટે દોષમુક્ત જાહેર કરી દીધા.

જો વર્ષ 2018ની વાત કરવામાં આવે તો જે 1,421 લોકો પર UAPA હેઠળ મામલા નોંધવામાં આવ્યા તે પૈકી માત્ર ચાર મામલાઓમાં જ ફરિયાદી પક્ષ વ્યક્તિ પર આરોપ નક્કી કરવામાં કામયાબ રહ્યો, જ્યારે આ પૈકી 68 લોકોને કોર્ટે છોડી મૂક્યા.

આ આંકડાઓને જોવાથી એ વાત પણ ખબર પડે છે કે આ કાયદા હેઠળ 2016થી માંડીને 2019 સુધી ધરપકડ કરાયેલા લોકોમાંથી માત્ર બે ટકા કરતાં અમુક વધારે લોકો એવા છે જેમની વિરુદ્ધ આરોપ નક્કી કરી શકાયા છે.

આવી જ રીતે 2019માં ભારતીય દંડ વિધાનની કલમ 124એ એટલે કે રાજદ્રોહના આરોપ હેઠળ કુલ 96 લોકોની ધરપકડ કરાઈ જેમાં માત્ર બે લોકો પર જ આરોપ નક્કી કરી શકાયા, જ્યારે 29 આરોપીઓને છોડી મુકાયા.

‘વિરોધના સ્વર દબાવવા માટે કાયદાનો ઉપયોગ’

પીપલ્સ યુનિયન ફૉર સિવિલ લિબર્ટિઝ (PUCL)નાં લારા જેસાની અનુસાર UAPA અને રાજદ્રોહના મામલાનો ઉપયોગ વિરોધના અવાજોને દબાવવા માટે કરવામાં આવે છે.

એક વેબસાઇટ અનુસાર તેમનું કહેવું છે કે આ મામલાઓમાં જે લોકો પર એવા આરોપ મૂકવામાં આવે છે તેમને જે પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે તે પણ કોઈ સજા કરતાં ઓછું હોતું નથી.

જેસાની અનુસાર તમામ મામલાઓના અધ્યયન પર એક ખાસ પ્રકારના ‘પૅટર્ન’ની ખબર પડે છે. તેઓ લખે છે, “કાવતરાનો આરોપ છે તો UAPA તો લાગશે જ. આ મામલાઓમાં જ્યારે સરકારી પક્ષ આરોપ સાબિત નથી કરી શકતો ત્યારે સ્પષ્ટ છે કે આરોપ એટલા માટે મૂકવામાં આવે છે જેથી લોકો પરેશાન થાય. સજા મળે છે કે નહીં તે તો પછીની વાત છે. ઘણા મામલાઓમાં આરોપીઓ વિરુદ્ધ સમયસર સુનાવણી શરૂ નથી કરવામાં આવતી.”

પરંતુ ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડી પ્રમાણે એ કહેવું મુશ્કેલ છે કે આ કાયદાઓ હેઠળ માત્ર નાગરિક અધિકારો માટે સંઘર્ષ કરનારાઓ પર જ કાર્યવાહી કરાઈ છે.

તેમનું કહેવું છે કે તે એટલા માટે પણ મુશ્કેલ છે કારણ કે ‘NCRB’એ આ વાતનું અલગથી આકલન નથી કર્યું કે જેમના પર મામલા દાખલ થયા છે તેઓ કોણ છે અને કયા કામ સાથે સંકળાયેલા છે.

UAPA પર શું છે જાણકારોનો મત?

UAPAના આરોપીઓના મામલા લડનારાં જાણીતાં વકીલ સૌજન્યાએ બીબીસીને કહ્યું કે કોર્ટોએ UAPA અને રાજદ્રોહ જેવા કાયદાઓની બંધારણીય માન્યતાઓને લઈને અત્યાર સુધી કોઈ નિર્દેશ જારી નથી કર્યા. તેમનું કહેવું છે કે, “આ કાયદાઓને પડકારાયા પણ છે પરંતુ અત્યાર સુધી તેના પર કોઈ રોક લગાવવામાં નથી આવી.”

તેમનું કહેવું છે કે, “જ્યાં સુધી આરોપ સાબિત થવાની વાત છે તો તેમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ છે અને ફરિયાદી પક્ષના અધિકારીઓએ તે સાબિત કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. લાંબા સમય સુધી સુનાવણી ઠેલાતી રહેવાના કારણે સાક્ષીઓ નિવેદન બદલતા રહે છે, જે એક મોટો પડકાર છે.”

તેમજ આ મામલાઓને લઈને કોર્ટોમાં વાદવિવાદ કરનાર વરિષ્ઠ વકીલ બદ્રીનાથ પણ કહે છે કે UAPA અંતર્ગત મામલો નોંધાય છે તો તે ખોટો જ હશે, એવું કહેવું ઠીક નથી.

તેઓ કહે છે કે, “જુદા જુદા આરોપીઓના મામલા જુદા જુદા પુરાવાઓ પર આધારિત હોય છે. કોઈ એક મામલાને લઈને કહેવું કે બધા મામલાઓમાં ખોટું થયું છે, એ યોગ્ય નથી. આ મામલાઓમાં ફરિયાદ પક્ષ માટે પણ કોર્ટમાં પુરાવાઓ અને સાક્ષીઓને લાંબા સમય સુધી મજબૂતી સાથે ઊભા રાખવાનું મુશ્કેલ હોય છે. આમ અત્યાર સુધી કોર્ટોએ આવા મામલાઓમાં ન્યાય જ કર્યો છે.”

વરિષ્ઠ વકીલ તારા નરૂલા પણ UAPA સાથે જોડાયેલા મામલાઓને નજીકથી જોતાં રહ્યાં છે. આ આરોપો સાથે જોડાયેલા ઘણા મામલા તેઓ કોર્ટોમાં લડી ચૂક્યાં છે.

તેમણે બીબીસીને કહ્યું કે ફરિયાદ પક્ષમાં ઊણપો જરૂર હશે અને હોય પણ છે, પરંતુ તેનાથી કોઈ પરિણામ પર ન પહોંચી શકાય.

તેઓ કહે છે, “એવા આરોપો લાગતા રહ્યા છે કે સરકારો વિરોધના અવાજોને ચૂપ કરાવવા માટે UAPA કે રાજદ્રોહ જેવા કાયદાઓનો ઉપયોગ કરતી રહી છે. કાયદો અને વ્યવસ્થા રાજ્ય સરકારોનો વિષય છે જએથી એકલી કેન્દ્ર સરકાર જવાબદાર નથી.”

તેમજ બંધારણના જાણકાર અને સુપ્રીમ કોર્ટના વકીલ વિરાગ ગુપ્તા જણાવે છે કે માત્ર UAPA અને રાજદ્રોહના કાયદાના આંકડાઓને અલગથી ન જોવા જોઈએ.

તેમનું કહેવું છે, “તેમની સરખામણી દેશમાં ઘટી રહેલા અન્ય અપરાધો સાથે પણ થવી જોઈએ, ત્યારે જ ખબર પડી શકશે કે આ અપરાધોમાં આરોપ સાબિત થવાની અસલ ટકાવારી કેટલી છે.”

વિરાગ ગુપ્તા કહે છે કે આંકડા અલગથી જોવા પર વાસ્તવિક તસવીરની ખબર નથી પડતી.

તેઓ કહે છે કે, “અન્ય અપરાધિક મામલામાં ફરિયાદી પક્ષની સફળતા કેટલી છે તેનું પણ આંકલન કરવું જરૂરી છે, ત્યારે જ ખબર પડી શકશે કે UAPA અને રાજદ્રોહના મામલાઓની તુલાનામાં તેની સ્થિતિ શું છે.”

પત્રકાર કુણાલ પુરોહિતે આ મામલાઓને લઈને સંશોધન કર્યું છે. તેની સાથે સંકળાયેલ રિપોર્ટ ‘ન્યૂઝ ક્લિક’ પોર્ટલે પબ્લિશ કર્યો છે. આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે વર્ષ 2014થી આ પ્રકારના 96 ટકા મામાલા સરકાર અને નેતાઓની ટીકાને લઈને નોંધવામાં આવ્યા છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે “જે રાજ્યોમાં આ પ્રકારના મામલા સૌથી વધુ નોંધાયા છે તેમાં મુખ્યત્વે બિહાર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને ઝારખંડ છે.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો