You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-ચીન સીમા વિવાદ : ચીને પહેલી વાર સ્વીકાર્યું, ભારત સાથે ગલવાન સંઘર્ષમાં મર્યા હતા તેના સૈનિકો
ચીને પહેલી વખત માન્યું છે કે ગત વર્ષે જૂનમાં પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય સૈન્યની સાથે થયેલા ઘર્ષણમાં તેમના પાંચ અધિકારી અને સૈનિકો મૃત્યુ પામ્યા હતા.
ચીનના સરકારી સમાચાર પત્ર 'ગ્લોબલ ટાઇમ્સ'એ ચીનના સૈન્યના અધિકૃત અખબાર 'પીએલએ ડેલી'ને ટાંકીને સમાચાર આપ્યા છે કે ચીને પહેલીવખત પોતાની સંપ્રભુતાની રક્ષામાં કુરબાની આપનારા સૈનિકોને શ્રદ્ઘાંજલિ આપવા માટે તેમનાx નામ અને તેમના વિશે વિવરણ આપ્યું છે.
પીએલએ ડેલીએ શુક્રવારે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે ચીનના સૅન્ટ્રલ મિલિટરી કમિશને કારાકોરમ પહાડોમાં મૃત્યુ પામનાર ચીનના પાંચ અધિકારીઓ અને સૈનિકોની ઓળખ કરી છે અને તેમને પદવીઓથી સન્માનિત કરવામાં આવ્યા છે.
રિપોર્ટમાં પહેલી વખત ચીનના સૈન્યએ ગલવાન સંઘર્ષનું વિસ્તૃત વર્ણન કર્યું છે અને કહ્યું છે કે કેવી રીતે ભારતીય સૈન્યએ ત્યાં મોટી સંખ્યામાં સૈનિકોને મોકલ્યા હતા અને ચીનના સૈન્યને પાછળ ધકેલવા મજબૂર કરી રહ્યા હતા.
રિપોર્ટમાં એ પણ કહ્યું હતું કે કેવી રીતે ચીનના સૈનિકોએ સ્ટીલના દંડા, અણીદાર દંડા અને પત્થરોના હુમલાની વચ્ચે પોતાના દેશની સંપ્રભુતાની રક્ષા કરી.
પીએલએ ડેલીના રિપોર્ટમાં લખ્યું છે કે એપ્રિલ 2020 પછી પણ વિદેશી સૈન્યએ ગત કરારનું ઉલ્લંઘન કર્યું હતું અને તે માર્ગ અને પુલ બનાવવા માટે સરહદ પાર કરવા લાગ્યું હતું. સરહદ પર યથાસ્થિતિ બદલીને જાણી જોઈને ચીનને ઉશ્કેર્યું હતું. તેમણે ચીનના સૈનિકો પર હુમલો પણ કર્યો જેમને વાત કરવા માટે મોકલવામાં આવ્યા હતા.
અખબારે ચીનના એક સૈનિક ચેન શિયાંગરૉન્ગનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે સૈનિકે પોતાની ડાયરીમાં લખ્યું છે કે દુશ્મનોની સંખ્યામાં વધારે હતી, પરંતુ અમે ઘૂંટણ ટેક્યા નહીં. પથ્થરોથી તેમના હુમલા પછી પણ તેમને ભગાડી દેવાયા.
ગલવાનમાં શું થયું હતું?
પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ગત વર્ષે 15 જૂને થયેલા સંઘર્ષને ભારત-ચીન સરહદ પર ગત ચાર દાયકામાં સૌથી ગંભીર સંઘર્ષ ગણવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમાં ભારતના 20 સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં. ભારતે પોતાના સૈનિકોના ઘાયલ થવાની જાહેરાત તે સમયે કરી દીધી હતી પરંતુ ચીને હાલ સુધી પોતાના કોઈ પણ સૈનિકોને નુકસાન થયાની વાત કરી નહોતી.
જોકે ભારત કહી રહ્યું હતું કે ચીનના સૈન્યને સારું નુકસાન થયું છે.
રશિયાની સમાચાર એજન્સી તાસે 10 ફેબ્રુઆરીએ એક સમચાર આપ્યા હતા કે સંઘર્ષમાં ચીનના 45 સૈનિકના મૃત્યુ થયાં છે.
શિન્હુઆ યુનિવર્સિટીના નેશનલ સ્ટ્રેટર્જિ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ચિયાન ફેંગે ગ્લોબલ ટાઇમ્સને કહ્યું કે ચીને સંઘર્ષમાં થયેલા નુકસાનની માહિતી એ જ ભ્રામક માહિતીનો જવાબ આપવા માટે કર્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે ભારતની સરખામણીમાં વધારે નુકસાન ચીનને થયું છે.
ચીનના સૈન્યએ ગલવાન સંઘર્ષમાં પોતાના સૈનિકોના મૃત્યુની વાત એવા સમયે કરી છે જ્યારે પેંગોગના ઉત્તર અને દક્ષિણ ભાગમાંથી બંને દેશોના સૈનિકોએ પરત ફરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
ગત વર્ષે મે મહિનામાં બંને દેશોની વચ્ચે શરૂ થયેલા તણાવમાં આ જગ્યાને લઈને સૌથી વધારે વિવાદ રહ્યો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો