You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિશા રવિની ધરપકડનો રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ વિરોધ કેમ કરે છે?
દિલ્હીની એક અદાલતે 22 વર્ષીય પર્યાવરણ ઍક્ટિવિસ્ટ દિશા રવિને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યાં છે અને તેમની ધરપકડને લઈને વિવાદ થઈ રહ્યો છે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ તથા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પણ આ મામલે ટિપ્પણી કરી છે.
દિશા રવિને મુક્ત કરવાની માગ કરતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે બંદૂકધારીઓ એક હથિવાર વગરની છોકરીથી ડરે છે.
રાહુલ ગાંધીએ કવિતા બોલ કિ લબ આઝાદ હૈ તેરેની પંક્તિઓ લખી અને કહ્યું કે, તેઓ ડરે છે દેશ નહીં.
અરવિંદ કેજરીવાલે દિશા રવિની ધરપકડને લોકશાહી પરનો હુમલો ગણાવ્યો છે.
બેંગ્લુરુમાં વરિષ્ઠ પત્રકાર ઈમરાન કુરૈશી અનુસાર દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા બેંગ્લુરુ ખાતેથી શનિવાર સાંજે ખેડૂત આંદોલનની એક ટૂલકિટ મામલે દિશા રવિની ધરપકડ કરી હતી. દિશાએ બેંગ્લુરુની ખાનગી કૉલેજથી બીબીએનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને તેઓ પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા ફ્રાઇડેઝ ફૉર ફ્યૂચર ઈન્ડિયાનાં સંસ્થાપકો પૈકી એક છે.
દિલ્હી પોલીસે તેમનાં પર ખેડૂતોના સમર્થન સાથે કથિત રીતે સંકળાયેલ ટૂલકિટને એડિટ કરવાનો અને સોશિયલ મીડિયામાં શૅર કરવાનો આરોપ મૂક્યો છે. આ એજ ટૂલકિટ છે જે પર્યાવરણ ઍક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે સોશિયલ મીડિયામાં શેર કરી હતી.
બીબીસી સાથે નામ ન જાહેર કરવાની શરતે બેંગ્લુરુ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, દિશાને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યાં છે, જેથી ટૂલકિટ મામલામાં તેમની પૂછપરછ કરી શકાય.રવિવારે દિલ્હી પોલીસના એપીઆરઓ અનિલ મિત્તલે એક નિવેદનમાં જણાવ્યું કે, જે લોકો એ ટૂલકિટને એડિટ કરી રહ્યાં હતા તેમાં દિશા પણ સામેલ હતાં.
કસ્ટડીમાં મોકલવા લઈને પ્રશ્નો કેમ ઉઠી રહ્યા છે?
દિલ્હી પોલીસ અનુસાર દિશાને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવશે અને આ દરમિયાન તેમની પૂછપરછ કરવામાં આવશે. પોલીસે તપાસ માટે દિશાનો મોબાઇલ ફોન અને લેપટોપ પણ સીઝ કરી લીધું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લાઇવ લો વેબસાઇટ અનુસાર દિશાને પાંચ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય લેતી વખતે કોર્ટમાં તેમનાં વકીલની ગેરહાજરી અંગે પ્રશ્નો ઉઠી રહ્યાં છે. તેમનાં વકીલની ગેરહાજરીમાં તેમને પોલીસ કસ્ટડીમાં મોકલી આપતા સોશિયલ મીડિયામાં આ અંગે ચર્ચા શરુ થઈ ગઈ છે.
સુપ્રીમ કોર્ટના વકીલ રેબેકા જોન આ અંગે ફેસબુક પર લખ્યું છે કે, આજે પટિયાલા કોર્ટના ડેપ્યૂટી મૅજિસ્ટ્રેટના આચરણથી મને ઘણી નિરાશા થઈ છે. યુવાન મહિલાના પ્રતિનિધિત્વ માટે કોર્ટમાં વકીલ છે કે નહીં તે સુનિશ્ચિત કર્યા વગર તેમણે મહિલાને પાંચ દિવસના પોલીસ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે.
મૅજિસ્ટ્રેટે રિમાન્ડ માટેની પોતાની ફરજને ગંભીરતાથી લેવી જોઈએ અને સુનિશ્ચિત કરવું જોઈએ કે બંધારણના અનુચ્છેદ 22નું બધી રીતે પાલન કરવામાં આવે. જો સુનાવણી દરમિયાન મહિલાના પ્રતિનિધત્વ માટે કોઈ વકીલ નહોતો તો મૅજિસ્ટ્રેટને તેમનાં વકીલ માટે રાહ જોવી જોઈતી હતી અથવા તો તેમને કાયદાકીય મદદ પહોંચાડવી જોઈતી હતી. શું કેસ ડાયરી અને એરેસ્ટમ મેમોને જોવામાં આવ્યો છે?
રેબેકા જોને પ્રશ્ન કર્યો કે શું મૅજિસ્ટ્રેટે દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલને પૂછ્યું છે કે શા માટે બેંગ્લુરુ કોર્ટના ટ્રાન્ઝિટ રિમાન્ડ વગર મહિલાને દિલ્હી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં છે. રેબેકા જોનની આ પોસ્ટને કાયદાના જાણકાર ટ્વિટર પર શેયર કરી રહ્યાં છે અને પ્રશ્ન કરી રહ્યાં છે.
સુપ્રીમ કોર્ટના વકલી દુષ્યંત અરોરા લખે છે, જજ કહી શક્યા હોત કે તેમને કસ્ટડીમાં મોકલવાની જરુર નથી. તેઓ તપાસમાં સહકાર આપશે અને દિલ્હી છોડીને બહાર નહીં જાય.
રેબેકાની પોસ્ટને શેયર કરતા વકીલ વિનય શ્રીનિવાસ કહે છે, દિશાની ધરપકડમાં ધણી અનિયમિતતા છે. તેમાંથી અમુક વિશે વરિષ્ઠ વકીલ રેબેકા જોને લખ્યું છે.
વરિષ્ઠ વકીલ સૌરભ કૃપાલે સોશિયલ મીડિયામાં સવાલ કર્યો છે કે, સહેજ અવાજ થાય એમાં લોકોની ધરપકડ કેમ કરવામાં આવે છે?
તેઓ લખે છે, જો તેઓ ગુનેગાર છે તો તેમની સામે કેમ ચલાવો અને તેમને સજા આપો. સજાના વિકલ્પ તરીકે પ્રિ-ટ્રાયલ ધરપકડ એ પોલીસની તપાસ કરવાની જવાબદારીથી બચવાના સંકેત આપે છે. આ નાગરિક તરીકે ચિંતાનો વિષય છે.
કૉંગ્રેસ નેતા જયરામ રમેશે પણ દિશા રવીની ધરપકડની નિંદા કરી છે. એમણે ટ્વીટર પર લખ્યું કે "આ અનુચિત ઉત્પીડન છે. આ ધમકાવવાની કોશિશ છે. આ સમયે હું પૂર્ણ રીતે દિશાની સાથે છું."
દિલ્હી પોલીસનું શું કહેવું છે?
દિલ્હી પોલીસે પોતાના સત્તાવાર ટ્વિટર હેંન્ડલથી ટ્વિટ કરીને જણાવ્યું છે કે, "દિશા રવિ, જેમની દિલ્હી પોલીસની સાયબર ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, તેઓ એ ટૂલકિટનાં એડિટર છે અને એ ડોક્યુમેન્ટને તૈયાર કરવામાં અને સોશિયલ મીડિયામાં સર્કુલેટ કરનાર મુખ્ય કાવતરાંખોર છે.
દિલ્હી પોલીસનો દાવો છે કે, "તેમણે (દિશા રવિ) એક વૉટિસ્ઍપ ગ્રુપ પણ બનાવ્યું હતું, જેનાં પર આ ટૂલકિટ બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. આ ટૂલકિટનો અંતિમ ડ્રાફ્ટ બનાવનાર ટીમની સાથે મળીને તેમણે કામ કર્યું હતું."
આ ઉપરાંત દિલ્હી પોલીસે ટ્વિટર પર લખ્યું છે કે "આ પ્રક્રિયામાં દિશા અને તેમનાં સાથીઓએ ખાલિસ્તાન- સમર્થિત 'પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન' નામની સંસ્થા સાથે કામ કર્યું જેથી ભારત સામે નફરત ફેલાવી શકાય.
દિશાએ ટૂલકિટ દસ્તાવેજને ગ્રેટા થનબર્ગ સાથે શૅર કર્યો હતો. ત્યારબાદ દિશાએ ગ્રેટાને એ દસ્તાવેજ સોશિયલ મીડિયાથી હઠાવવા માટે જણાવ્યું હતું, જેનો અમુક ભાગ સોશિયલ મીડિયામાં શૅર થવા લાગ્યો હતો. "
4 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસે માહિતી આપી હતી કે તેમણે ટૂલકિટ ડોક્યુમેન્ટની નોંધ લઈને ફરિયાદ દાખલ કરી છે.
દિલ્હી પોલીસ મુજબ 26 જાન્યુઆરીના રોજ થયેલ હિંસા પૂર્વનિયોજિત હતી, જેમાં આ દસ્તાવેજની ભૂમિકા હોવાનું કહેવામાં આવ્યું હતું.
દિલ્હી પોલીસ અનુસાર આ ટૂલકિટમાં ભારતની વિરુદ્ધ આર્થિક, સમાજિક, સાસ્કૃતિક અને પ્રાદેશિક યુદ્ધ છેડવાનો આહ્વાન કરવામાં આવ્યું હતું. કેટલાક દિવસો પહેલાં દિલ્હી પોલીસે કહ્યું હતું કે ટૂલકિટ પર કામ કરતાં લોકોની માહિતી ભેગી કરવા માટે ગૂગલનો સંપર્ક કરવામાં આવશે.
શરુઆતમાં એ અફવા પણ હતી કે દિલ્હી પોલીસે પોતાની એફઆઈઆરમાં ગ્રેટા થનબર્ગનું નામ સામેલ કર્યું છે. પરંતુ ત્યારબાદ પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે 'તેમની એફઆઇઆરમાં કોઈ વ્યક્તિનું નામ સામેલ કરવામાં આવ્યું નથી અને એફઆઈઆર અજાણ્યા લોકો સામે દાખલ કરવામાં આવી છે.
સરકાર કાર્યકરોને નિશાન ન બનાવે
કોલેશન ફૉર એનવાર્યમેન્ટ જસ્ટિસ ઇન ઇન્ડિયા નામની સંસ્થાએ દિશાની ધરપકડનો વિરોધ કર્યો છે અને એક નિવેદન બહાર પાડ્યું છે.
સંસ્થાએ લખ્યું છે કે, 'કેન્દ્ર સરકાર યુવા અને પર્યાવરણ કાર્યકર્તાઓને નિશાન બનાવવાનું બંધ કરે અને દેશમાં પર્યાવરણ અને સામાજિક ન્યાયના મુદ્દાઓ પર ધ્યાન આપે.'
નિવેદન જણાવે છે કે, "દિશા રવીની ધરપકડ ન્યાયસંગત નથી. દિલ્હી પોલીસ નિયમોનું સન્માન નથી કરતી એ કોઈ ગુપ્ત વાત નથી. દિશાની ધરપકડ નિંદનીય છે અને બંધારણીય સિદ્ધાંતોની અવમાનના છે."
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે "ભારત સરકારના આવા પગલાં લોકશાહીનું ગળું ટૂંપવા બરાબર છે."
શું હોય છે ‘ટૂલકિટ’?
હાલના સમયમાં વિશ્વના જુદા જુદા ભાગોમાં જે પણ આંદોલન થાય પછી ભલે તે 'બ્લેક લાઇવ્સ મેટર' હોય, અમેરિકાની 'ઍન્ટી-લૉકડાઉન પ્રોટેસ્ટ' હોય, પર્યાવરણને લગતા 'ક્લાયમેટ સ્ટ્રાઇક કૅમ્પેન' હોય અથવા અન્ય કોઈ આંદોલન, બધી જગ્યાએ આંદોલન સાથે સંકળાયલા લોકો અમુક ઍક્શન પૉઇન્ટ તૈયાર કરે છે. એટલે અમુક એવી વસ્તુઓ પ્લાન કરે છે જે આંદોલનને આગળ વધારવા માટે કરી શકાય છે.
જે દસ્તાવેજમાં આ 'ઍક્શન પૉઇન્ટ્સ' દાખલ કરવામાં આવે છે તેને ટૂલકિટ કહેવામાં આવે છે.દસ્તાવેજ માટે ટૂલકિટ શબ્દનો સોશિયલ મીડિયામાં વધુ ઉપયોગ થાય છે. પરંતુ સોશિયલ મીડિયાની વ્યૂહરચના ઉપરાંત, ગ્રાઉન્ડ સ્તરે થતા પ્રભાવ વિશેની માહિતી પણ આપવામાં આવે છે.ટૂલકિટ ઘણીવાર તે લોકોમાં વહેંચાયેલી હોય છે જેમની હાજરી ચળવળની અસરને વધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
આવી સ્થિતિમાં ટૂલકિટને કોઈપણ ચળવળની વ્યૂહરચનાનો મહત્વપૂર્ણ ભાગ કહેવું ખોટું નથી.
તમે ટૂલકિટને દીવાલો પર લગાવવામાં આવતા પોસ્ટરોનું આધુનિક સ્વરૂપ કહી શકો છો. જેનો ઉપયોગ આંદોલનકારીઓ વર્ષોથી અપીલ કરવા અથવા વિનંતી કરવા માટે કરે છે.સોશિયલ મીડિયા અને માર્કેટિંગ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ દસ્તાવેજનો મુખ્ય ઉદ્દેશ લોકો (આંદોલનના સમર્થકો) વચ્ચે સંકલન સ્થાપિત કરવાનો હોય છે.
ટૂલકિટ સામાન્ય રીતે વર્ણવે છે કે લોકો શું લખી શકે છે, કયા હૅશટૅગનો તેઓ ઉપયોગ કરી શકે છે, કયા ટ્વીટ અથવા પોસ્ટ વચ્ચે કેટલા સમયનું અંતર રહેશે અને તે સમયનો કેટલો ફાયદો થશે.ઉપરાંત ટ્વીટ્સ અથવા ફેસબુક પોસ્ટ્સમાં કયા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે તે પણ સામેલ હોય છે.
નિષ્ણાતોના મતે, આની અસર એ છે કે કોઈ પણ હિલચાલ અથવા અભિયાનની હાજરી તે જ સમયે લોકોની ક્રિયા દ્વારા રૅકોર્ડ કરવામાં આવે છે, એટલે કે, સોશિયલ મીડિયાનાં વલણોમાં અને પછી તેમને વ્યક્ત કરવાની વ્યૂહરચના દ્વારા તેને નોંધવામાં આવે છે.
આંદોલનકારીઓ જ નહીં, પરંતુ તમામ રાજકીય પક્ષો, મોટી કંપનીઓ અને અન્ય સામાજિક જૂથો પણ ઘણા કિસ્સામાં આવી 'ટૂલકિટ્સ' નો ઉપયોગ કરે છે.
3 ફેબ્રુઆરીએ ગ્રેટા થનબર્ગે ખેડૂતોના સમર્થનમાં એક ટ્વીટ કર્યું હતું. તે દિવસે એક અન્ય ટ્વીટમાં ગ્રેટાએ એક ટૂલકિટ પણ શૅર કરી હતી અને લોકોને ખેડૂતોની મદદ કરવાની અપીલ પણ કરી હતી.
પરંતુ પછી તે ટ્વીટ તેમણે ડિલીટ કરી નાખ્યું હતું અને કહ્યું હતું કે "જે ટૂલકિટ તેમણે શૅર કરી હતી, તે જૂની હતી."4 ફેબ્રુઆરીએ ગ્રેટાએ એક વખત ફરીથી ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કર્યું.
સાથે જે તેમણે એક બીજી ટૂલકિટ શેર કરી, જેની સાથે લખવામાં આવ્યું હતું, "આ નવી ટૂલકિટ છે જેને એ લોકોએ બનાવી છે જે આ સમયે ભારતમાં જમીન પર કામ કરી રહ્યા છે. આના દ્વારા તમે ઇચ્છશો તો તેમની મદદ કરી શકો છો."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો