હરિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનું ખરાબ પ્રદર્શન - BBC TOP NEWS

કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણ કૃષિકાયદાના વિરુદ્ધમાં છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આ ખેડૂતોમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતોની બહોળી સંખ્યા છે.

આ આંદોલન વચ્ચે હરિયાણામાં નગરનિગમની ચૂંટણીમાં રાજ્યનો સત્તાધારી પક્ષ ભાજપ માત્ર ત્રણ મેયર/અધ્યક્ષની બેઠકો જીતી શક્યો.

આ વખતે રાજ્યમાં મેયર, નગરપરિષદ અને નગરપાલિકાના અધ્યક્ષ માટે ચૂંટણી યોજાઈ હતી. આ પહેલાં પાર્ષદ જ મેયરને ચૂંટતા હતા.

સોનિપત બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર નિખિલ મદાન મેયરની બેઠક જિત્યા. આ જ વિસ્તારની કુંડલી-સિંઘુ બૉર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે.

પૂર્વ મંત્રી કવિતા જૈન સોનિપત બેઠક પરથી ભાજપનાં ધારાસભ્ય છે. જોકે, એમ છતાં અહીં ભાજપના ઉમેદવારનો પરાજય થયો અને કૉંગ્રેસના ઉમેદવારને 13,818 મતોના અંતરે વિજય મળ્યો.

રાજ્યના ગૃહમંત્રી અનિલ વિજ જે અંબાલા વિધાનસભાક્ષેત્રના ધારાસભ્ય છે, ત્યાં જનચેતના પાર્ટીનાં શક્તિરાનીનો વિજય થયો છે. તેમણે 8084 મતોથી વિજય મેળવ્યો છે.

પંચકુલ મેયરની બેઠક પર ભાજપના ઉમેદવાર કુલભૂષણ ગોયલ વિજયી થયા છે અને ઉકલાના ચૅરમૅન બેઠક પર અપક્ષ ઉમેદવાર સુશીલ સાહુનો વિજય થયો છે.

27 ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીનાં પરિણામો આજે આવ્યાં છે. ભાજપ-જેજેપીએ તમામ બેઠકો પર ઉમેદવાર ઊતાર્યા હતા.

ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોરોના રસીને બ્રિટનમાં મંજૂરી

ઑક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ બનાવેલી કોરોના વાઇરસની રસીને રસીના ઉપયોગને મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરીને બ્રિટનમાં રસીકરણના અભિયાન માટે સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ રસીને બનાવનારી દવાનિર્માતા કંપની એસ્ટ્રાઝેનેકાને બ્રિટને 10 કરોડ રસી બનાવવાનો ઑર્ડર આપી દીધો છે, જે બ્રિટનના પાંચ કરોડ લોકો માટે પૂરતી હોવાનું મનાય છે.

મેડિસિન રેગ્યુલેટર તરફથી આ વૅક્સિનને મળેલી મંજૂરીને સુરક્ષિત અને અસરદાર માનવામાં આવે છે.

ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા વૅક્સિનને વર્ષ 2020ના આરંભે બનાવવાનું શરૂ કરાયું હતું.

એ પછી એપ્રિલમાં વૉલન્ટિયર્સ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એ પછી હજારો લોકો પર ક્લિનિકલ ટ્રાયલ થઈ હતી.

'હું બીફ ખાઉં છું, તમે મને પૂછવાવાળા કોણ?' : કર્ણાટકના પૂર્વ CM સિદ્ધારમૈયા

સોમવારે કર્ણાટક કૅબિનેટ દ્વારા ગૌહત્યા વિરોધી બિલને મંજૂરી અપાતાં કૉંગ્રેસના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે તેમને બીફ ખાવું ગમે છે તેમજ તેમને પોતાના ભોજનની પસંદગીનો પૂરો અધિકાર છે.

સ્ક્રોલ ડોટ ઇને સમાચાર એજન્સી PTIના હવાલાથી આ સમાચાર પ્રસિદ્ધ કર્યા છે.

બેંગ્લુરૂમાં કૉંગ્રેસના સ્થાપના દિનની ઉજવણી વખતે સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે “મેં એક વખત વિધાનસભામાં કહ્યું છે કે હું બીફ ખાઉં છું. તમે મને પૂછવાવાળા કોણ?”

તેઓ આગળ જણાવે છે કે, “ભોજનની પસંદગી કરવાનો મને અધિકાર છે. એના પર પ્રશ્ન ઉઠાવવાવાળા તમે કોણ? જો તમે ગૌમાંસ ન ખાતા હોવ તો ન ખાવ, હું તમને એના માટે દબાણ કરવાનો નથી.”

અહેવાલ પ્રમાણે તેમણે આગળ કહ્યું કે, “આ નવા કાયદાથી લોકોની ફૂડ હૅબિટ પર જ અસર પડશે એવું નથી. પરંતુ આ કાયદાના કારણે રાજ્યના ખેડૂતો પર પણ વિપરીત અસર પડશે.”

તેમણે કહ્યું કે, “ખેડૂતો વૃદ્ધ ગાય કે ભેંસને ક્યાં મોકલશે? એક ગાય કે ભેંસની સંભાળ લેવા માટે દરરોજ 100 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. જે નાના ખેડૂતો ન ભોગવી શકે. આ નાણાં તેમને કોણ આપશે?”

ગુજરાત વૅક્સિનના એક કરોડ ડોઝનો સંગ્રહ કરી શકે છે

ધ લાઇવ મિન્ટ ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે મંગળવારે ગાંધીનગર અને રાજકોટ જિલ્લાના વિવિધ ભાગોમાં કોરોના વૅક્સિનના ડ્રાય રનના બીજા તબક્કામાં નોંધાયેલા લાભાર્થીઓને ડમી વૅક્સિન આપવામાં આવી હતી.

બે દિવસીય ડ્રાય રનનું આયોજન રાજ્યમાં કોવિડ-19ના વૅક્સિનૅશનના મિકેનિઝ્મની ચકાસણી કરવા અને તેમાં રહેલી ખામીઓની ઓળખ માટે કરાયું હતું.

નોંધનીય છે કે અહેવાલ પ્રમાણે ગુજરાત કોવિડ-19ની મોક વૅક્સિનૅશન ડ્રાઇવ માટે કેન્દ્ર દ્વારા પસંદ કરાયેલ ચાર રાજ્યો પૈકી એક છે.

અહેવાલ પ્રમાણે ગુજરાતમાં હાલ 2,195 કૉલ્ડ ચેઇન પૉઇન્ટ છે જેમાં કોરોના વાઇરસના એક કરોડ ડોઝનો સંગ્રહ કરી શકાય છે.

આજે સરકાર અને પ્રદર્શનકારી ખેડૂતો વચ્ચે સાતમા તબક્કાની વાતચીત

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર આજે કેન્દ્ર સરકાર અને દિલ્હીની સરહદે પ્રદર્શન કરી રહેલા ખેડૂતો વચ્ચે સાતમા તબક્કાની વાતચીત યોજાવાની છે. ત્યારે ખેડૂત સંગઠનોએ પોતાની માગને વધુ ધાર આપવાનો નિર્ણય કર્યો છે.

અહેવાલ પ્રમાણે હવે ખેડૂતો યુનિયનો દ્વારા પ્રસ્તાવિત વીજ સંશોધન બિલમાં જરૂરી ફેરફારો કરવાની માગને સ્થાને આ બિલ પાછો ખેંચી લેવાની માગ કરાઈ છે.

પ્રદર્શનકારી 40 ખેડૂત સંગઠનો દ્વારા મંગળવારે કેન્દ્ર સરકાર દ્વારા મોકલાવાયેલ વાતચીતનું આમંત્રણ સ્વીકારતાં પત્રમાં દાવો કરાયો હતો પ્રસ્તાવિત વીજ સંશોધન બિલમાં સુધારાની અગાઉની તેમની માગણી એક ભૂલને કારણે ઉમેરાઈ હતી.

અહેવાલ પ્રમાણે કૃષિ મંત્રાલયના અધિકારીઓ ખેડૂતોની આ માગને કારણે આશ્ચર્યમાં મુકાયા છે. જો સાતમા તબક્કાની વાતચીતમાં પણ આ મડાગાંઠ નહીં ઉકેલાય તો કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો દ્વારા આગળ પ્રયત્નો કરવાનું બંધ થઈ શકે છે.

દસ્તાવેજો ન ધરાવનાર એક કરોડ દસ લાખ લોકો માટે નાગરિકતા ખરડો લાવીશું : કમલા હેરિસ

ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર અમેરિકાના ચૂંટાયેલા ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસે મંગળવારે દસ્તાવેજો વિનાના એક કરોડ દસ લાખ લોકોને નાગરિકતા આપવા માટેનો ખરડો લાવવાનો વાયદો કર્યો છે.

તેમણે ટ્વિટર પર લખ્યું કે પદભાર સંભાળતાંની સાથે જ તેમની પ્રાથમિકતા અમેરિકનોને કોરોના વાઇરસથી બચાવવાની હશે.

આ સાથે જ તેમણે પૅરિસ ક્લાઇમેટ ચૅન્ટ સમજૂતીમાં જોડાવવાની પણ કરી હતી. નોંધનીય છે કે આ સમજૂતીમાંથી ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રશાસન બહાર નીકળી ગયું હતું.

તેમણે ટ્વિટર પર લખ્યું કે, “પ્રથમ દિવસથી જ હું અને જો બાઇડન દેશમાં કોવિડ-19ની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાનો અને અમેરિકનોના જીવ બચાવવાના કામમાં લાગી જઈશું. આ સિવાય અમે એક કરોડ દસ લાખ દસ્તાવેજ વગરના લોકો માટે નાગરિકતા ખરડો લાવીશું. તેમજ પૅરિસ સમજૂતીમાં પાછા જોડાઈશું. આ તો માત્ર શરૂઆત છે.”

ગુજરાત : મંગળવારે કોરોના વાઇરસના નવા 804 કેસ નોંધાયા

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગુજરાતમાં મંગળવારે કોરોના વાઇરસના 804 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કેસોનો આંકડો 2,43,459 સુધી પહોંચી ગયો હતો.

રાજ્યમાં કોરોના વાઇરસના કારણે સાત લોકોનાં મૃત્યુ સાથે રાજ્યનો કુલ મૃત્યાંક 4,295 થઈ ગયો હતો.

આ સિવાય મંગળવારે રાજ્યમાં કુલ 999 લોકો આ વાઇરસની માંદગીમાંથી બેઠા થયા હતા. જે બાદ કોરોનાની માંદગીમાંથી સાજા થયેલા લોકોનો આંકડો 2,29,143 થઈ ગયો હતો.

ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર ગુજરતાનો રિકવરી રેટ 94.12 ટકા થઈ ગયો હતો.

રાજ્યમાં મંગળવારે કુલ 53,389 ટેસ્ટ થયા હતા. જે સાથે કોરોનાના કુલ ટેસ્ટની સંખ્યા અત્યાર સુધી 95,43,400 સુધી પહોંચી ગઈ હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો