You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વૅક્સિન ડ્રાય રન : આખા દેશમાં કોરોના વૅક્સિન મફત અપાશે - કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન
- લેેખક, ઋષિ બેનરજી
- પદ, બીબીસી ગુજરાતી
કોરોના વાઇરસની રસીને લઈને ભારત સતત આગળ વધી રહ્યું છે. દેશમાં આજે એકસાથે કોરોના વૅક્સિન માટે ડ્રાય રન થઈ રહ્યો છે.
દિલ્હીમાં ડ્રાય રનની કામગીરી પર દેખરેખ રાખી રહેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું છે કે કોરોના વૅક્સિન ફક્ત દિલ્હીમાં જ નહીં આખા દેશમાં મફતમાં અપાશે.
વૅક્સિન ડ્રાયમાં આરોગ્યકર્મીઓ કઈ હદૈ તૈયાર છે અને કેવા પ્રકારની તાલીમની કમી છે એ પ્રાયોગિક ધોરણે તપાસ કરાશે.
આની સાથે સુવિધાઓનું પણ આકલન કરાશે. એમાં તપાસવામાં આવશે કે વૅક્સિનને સ્ટોરેજથી રસીકેન્દ્ર સુધી પહોંચાડવામાં કેટલો સમય લાગશે.
સમાચાર સંસ્થા રૉયટર્સ મુજબ સરકારે ઑક્સફર્ડ કોવિડ-19 વૅક્સિનને મંજૂરી આપી છે. આ વૅક્સિન પૂણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયામાં બની છે.
આ બીજા તબક્કાનું ડ્રાય રન છે અને આ અગાઉ 28 ડિસેમ્બરે અસમ, આંધ્ર પ્રદેશ, પંજાબ અને ગુજરાતમાં ડ્રાય રન કરવામાં આવ્યું હતું.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે 96 હજાર લોકોને વૅક્સિન આપવાની તાલીમ આપવામાં આવી છે.
બુધવારે બ્રિટને ઑક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વૅક્સિનને કટોકટી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. જે બાદ હવે ભારતમાં પણ આ રસીને મંજૂરી મળવાની આશા પ્રબળ બની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા આ વૅક્સિન (કોવિશિલ્ડ)નું ઉત્પાદન કરી રહી છે અને તેણે શરૂઆતમાં જ 50 ટકા રસી ભારતને આપવાનો વાયદો કર્યો હતો.
ગુજરાતમાં કોરોનાની રસી માટે ડ્રાય રન
કોરોના વાઇરસની વૅક્સિન મૂકવા માટેની તૈયારીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર અને રાજકોટમાં વૅક્સિન ડ્રાય રન યોજવામાં આવી. કેન્દ્ર સરકાર ગુજરાત ઉપરાંત, આંધ્ર પ્રદેશ, આસામ અને પંજાબમાં ડ્રાય રનનું આયોજન કરાયું હતું.
આરોગ્યવિભાગના કર્મચારીઓ રસીકરણના કાર્યક્રમ માટે સજ્જ થઈ શકે તે માટે રાજકોટમાં નવ અને ગાંધીનગરમાં 10 સ્થળે ડ્રાય રનનું આયોજન કરાયું હતું.
કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ આ ડ્રાય રનમાં વૅક્સિન આપવાની સાથે સાથે કૉલ્ડ સ્ટોરેજ અને વાહનવ્યવહારની વ્યવસ્થાની પણ સમીક્ષા કરાવામાં આવી.
ડ્રાય રનમાં શું હોય?
રસીકરણ-કાર્યક્રમનું યોગ્ય રીતે આયોજન થઈ શકે અને કોઈ પણ અગવડ વગર દરદીઓને રસી આપી શકાય તે માટે ડ્રાય રનનું આયોજન કરાય છે.
દરદીને કોરોના વૅક્સિન કઈ રીતે આપવી, વૅક્સિનનો સંગ્રહ કઈ રીતે કરવો, દરદીઓ અને આરોગ્યકર્મચારીઓ માટે શું પ્રૉટોકોલ હોવા જોઇએ અને રસીકરણ માટે દરદીઓને કઈ રીતે લાવવામાં આવશે તેનું રિહર્સલ આ ડ્રાય રનમાં કરવામાં આવે છે.
જો વૅક્સિનથી કોઈ દરદીને આડઅસર થાય તો શું કરવું તે અંગેનું પણ આકલન કરવામાં આવે.
'ઇન્ડિન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ, ગાંધીનગર'ના ઍસોસિએટ પ્રોફેસર, ડૉ. અનીશ સિન્હાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું, "દરદીને રસી સુરક્ષિત રીતે કઈ રીતે આપવી એની તપાસ કરવા માટે આ ડ્રાય રનનું આયોજન કરાયું હતું. આ એક પ્રકારની મૉક-ડ્રિલ છે, જેનો હેતુ એ તપાસવાનો છે કે શું અમારી વ્યવસ્થા રસીકરણના કાર્યક્રમ માટે તૈયાર છે કે નહીં?"
ડેટા પ્રમાણે લાભાર્થીઓને હૉસ્પિટલ અથવા હેલ્થ સેન્ટરમાં બોલાવવામાં આવે છે, જ્યાં આરોગ્યકર્મચારીઓ રસી મૂકવાની પ્રક્રિયા હાથ ધરે છે.
પહેલાં લાભાર્થીના તમામ દસ્તાવેજો તપાસવામાં આવે અને ત્યારબાદ રસી આપવામાં આવે. ગુજરાતમાં યોજાયેલા ડ્રાય રન દરમિયાન ત્રણ રૂમની વ્યવસ્થા કરાઈ. - વેઈટિંગ રૂમ, વૅક્સિનેશન રૂમ અને ઑબ્ઝર્વેશન રૂમ.
તેઓએ વધુમાં જણાવ્યું કે ડ્રાય રનમાં આરોગ્યકર્મચારીઓ દ્વારા 25 ડમી ઍન્ટ્રી કરવામાં આવી જે કૉ-વિન (Co-WIN)માં અપલૉડ કરવામાં આવશે.
'બિઝનેસ સ્ટાન્ડર્ડબિઝનેસ સ્ટાન્ડર્ડ'ના અહેવાલ અનુસાર રાજ્યના રસીકરણ-અધિકારી નયન જાનીએ જણાવ્યું હતું કે, "ડ્રાય રન રાજકોટ શહેર, રાજકોટ જિલ્લા, ગાંધીનગર શહેર અને ગાંધીનગર જિલ્લામાં યોજવામાં આવ્યું. પ્રથમ દિવસે આરોગ્ય કર્મચારીઓ વહીવટી કામ પૂર્ણ કરાયું."
મંગળવારે આરોગ્યકર્મચારીઓ ફિલ્ડ વિઝિટ કરી અને રસીકરણ-અભિયાન હાથ ધર્યું.
ફરક માત્ર એટલો હતો કે રસી નહોતી. ડ્રાય રન મંગળવારે પૂર્ણ થયું અને જે પણ માહિતી ભેગી થઈ, તેને કૉ-વિન (Co-WIN) પૉર્ટલમાં અપલૉડ કરાઈ.
'કૉ-વિન'એ રસીકરણના કાર્યક્રમ માટે વિકસાવવમાં આવેલું સૉફ્ટવેર છે.
ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્યઅધિકારી ડૉ. કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ડ્રાય રનમાં ભાગ લેવા માટે મહાનગર પાલિકા દ્વારા 125 લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી.
50 આરોગ્યકર્મચારીઓ પાંચ જગ્યાએ લાભાર્થીઓની મુલાકાત લીધી અને રસીકરણ કાર્યક્રમ માટેનો ડ્રાય રન કરી.
ડ્રાય રનથી શો ફાયદો?
ડૉ. અનીશ સિન્હા જણાવે છે કે, "ડ્રાય રનથી ફાયદો એ થાય કે રસીકરણ-અભિયાનમાં જો કોઈ ખામી દેખાય તો તે માટે આગોતરું આયોજન કરી શકાય. સૌથી મહત્વનું છે કૉલ્ડચેન અને ટ્રાન્સર્પોટેશન. કારણ કે વૅક્સિનને દેશમાં પહોંચાડવી એક મોટો પડકાર છે."
રસીકરણ માટે આપણું આરોગ્ય-વ્યવસ્થાતંત્ર કેટલું મજબૂત છે, તે જાણવા માટે ડ્રાય રન બહુ અગત્યની છે.
દરદીની નોંધણીથી લઈને વૅક્સિન ક્યારે આપવામાં આવી તે અંગની માહિતી એકત્ર અને સંગ્રહ કરવા માટે પણ આ સરવે જરૂરી છે.
બીજાં ત્રણ રાજ્યોમાં પણ ડ્રાય રન યોજાઈ
ગુજરાતની સાથેસાથે આંધ્ર પ્રદેશ, પંજાબ અને આસામમાં પણ ડ્રાય રનનું આયોજન કરાયું. ચારેય રાજ્યોમાં પસંદગી પામેલા જિલ્લામાં ડ્રાય રન કરવામાં આવી.
આંધ્ર પ્રદેશમાં કૃષ્ણા જિલ્લામાં ડ્રાય રન કરવામાં આવી. પંજાબમાં લુધિયાણા અને ભગતસિંહનગર જિલ્લામાં ડ્રાય રનનું આયોજન કરાયું.
આસામમાં સોનતીપુર અને નલબારી જિલ્લાઓમાં પણ ડ્રાય રન યોજાઈ.
'મિન્ટ' વેબસાઈટના એક અહેવાલ અનુસાર ડ્રાય રનમાં જિલ્લા હૉસ્પિટલો, પ્રાથમિક અને સામૂહિક આરોગ્યકેન્દ્રો, શહેરી અને ગ્રામ્ય વિસ્તારો અને ખાનગી હૉસ્પિટલોમાં કોરોના વૅક્સિન કઈ રીતે આપી શકાય તેનું પણ આકલન કરવામાં આવ્યું.
અહેવાલ અનુસાર નેશનલ એક્સપર્ટ ગ્રૂપ ઑન વૅક્સિન ઍડમિનિસ્ટ્રેશન ઑફ કોરોના વાઇરસ (એનઈજીવીએસી) દ્વારા પ્રથમ તબક્કામાં વૅક્સિન આપવા માટે ત્રણ જૂથોની પસંદગી કરી છે.
જેમાં આરોગ્યકર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કરો અને પ્રાથમિકતા ધરાવનાર વયજૂથનો સમાવેશ થાય છે.
પ્રથમ તબક્કામાં 30 કરોડ લોકોને કોરોના વૅક્સિન આપવામાં કોઈ કચાશ ન રહી જાય તે માટે ડ્રાય રનનું આયોજન કરાયું છે.
(મૂળ આર્ટિકલ 28 ડિસેમ્બર 2020 એ પ્રકાશિત થયો હતો. જેમાં અપડેટ કરાઈ છે)
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો