You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જામનગરમાં રહસ્યમય બીમારી બાળકોનો ભોગ લઈ રહી છે?
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
જામનગરના મહેશ્વરીનગરમાં મજૂર પરિવારના બે સગા ભાઈઓનાં ભેદી માદગીના કારણે મૃત્યુ નીપજ્યાં છે. ચાર દિવસમાં એક પછી એક બંને ભાઈઓનાં મૃત્યુ થતાં પરિવાર પર દુ:ખનું આભ તૂટી પડ્યું છે.
21 ડિસેમ્બરે બે વર્ષીય બાળક અને તેના ચાર દિવસ બાદ દસ વર્ષીય બાળકનું ભેદી માંદગીને કારણે મૃત્યુ નીપજ્યું હતું.
બંને બાળકોને જામનગરની જી. જી. હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. સૌપ્રથમ નાના બાળકને ઝાડા, ઊલટી અને તાવને લગતી ફરિયાદને કારણે હૉસ્પિટલમાં દાખલ કરાયું હતું, જ્યાં એક અઠવાડિયાના બાદ ઇલાજ દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
ત્યાર બાદ મોટા ભાઈને પણ પેટમાં દુખાવો, ઊલટી અને તાવની ફરિયાદ સાથે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમની હાલતમાં સુધારો ન આવતાં અઠવાડિયા બાદ તેમનું પણ મૃત્યુ નીપજ્યું હતું.
આ સમગ્ર ઘટના અંગે વિગતવાર માહિતી મેળવવા માટે બીબીસી ગુજરાતીએ સંબંધિત હૉસ્પિટલના તબીબો અને પરિવારજનો સાથે વાત કરી.
શું કહે છે તબીબ?
જામનગરની જી. જી. હૉસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના વડા ડૉ. ભદ્રેશ વ્યાસ જણાવે છે, "બંને બાળકો તાવ, ઝાડા અને ઊલટી જેવી સમસ્યાઓ સાથે હૉસ્પિટલમાં દાખલ થયાં હતાં."
"તેમની પ્રાથમિક સારવાર ચાલુ હતી. દરમિયાન ઋતુ પ્રમાણે જુદી-જુદી માંદગીઓનાં પરીક્ષણો કરવામાં આવ્યાં પરંતુ બાળકોની માંદગીનું ખરું કારણ ખબર પડી શક્યું નહોતું."
"સારવાર દરમિયાન જુદાં-જુદાં પરીક્ષણોમાં બાળકોની માંદગી અને પછી મૃત્યુનું ખરું કારણ સામે ન આવતાં આગળની તપાસ માટે અમે નમૂના પુણે ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજી મોકલી આપ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારમાં કારણોની તપાસ અને દર્દીઓનાં સ્ક્રીનિંગ માટે સર્વેલન્સ ટીમ પણ મોકલી દેવામાં આવી છે. આ ટીમ વિસ્તારમાં પાણી અને બીજા અન્ય કારકોની તપાસ કરીને, વિસ્તારમાં રહેલા બીજા દર્દીઓને શોધવાની કામગીરી કરશે. પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે આ બે જ બાળકો સારવાર માટે આવ્યાં હતાં."
બીમારીના કારણ અંગે અસ્પષ્ટતાની સ્થિતિ હોવાનું જણાવતાં તેઓ કહે છે કે "ઘણી વાર વાઇરલ ઇન્ફૅક્શનમાં માંદગીનું કારણ પકડમાં આવી શકતું નથી. જોકે, બૅક્ટેરિયલ ઇન્ફૅક્શનના કિસ્સામાં માંદગીનું કારણ ખબર પડી જતી હોય છે. આ કેસમાં પણ બીમારીનું ખરું કારણ ખબર પડી શકી નથી."
જી. જી. હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ દીપક તિવારી કહે છે કે "બાળકોનાં મૃત્યુ તાવના કારણે મલ્ટિપલ ઑર્ગન ફેલ્યોરના કારણે થયાં હતાં. હૉસ્પિટલના પીડિયાટ્રિક વિભાગની પ્રાથમિક તપાસમાં બાળકોને વાઇરલ ફીવર હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે."
"બંને બાળકોના જીવ બચાવવા માટે ડૉક્ટરોની ટીમે પૂરતા પ્રયત્નો કર્યા હતા. તેમ છતાં બાળકોને બચાવી નહોતાં શકાયાં."
આ માંદગીના મૂળ સુધી પહોંચવા હૉસ્પિટલ અને તંત્ર દ્વારા કરાઈ રહેલા પ્રયત્નો અંગે વાત કરતાં તેઓ કહે છે, "જ્યારે આવી રીતે દર્દી મૃત્યુ પામે અને તેમની માંદગીનું કારણ અસ્પષ્ટ હોય તેવી સ્થિતિમાં જિલ્લા સ્તરની રેપિડ રિસ્પોન્સ ટીમ કારણોની તપાસ કરે છે."
"આ કિસ્સામાં પણ રેપિડ રિસ્પોન્સ ટીમ મૃતકોના પરિવાર અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરીને મૃત્યુનાં કારણો વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. અમારા હૉસ્પિટલ દ્વારા ટીમને જરૂરી ડૉક્ટરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે."
'પાણીજન્ય રોગચાળામાં થયાં મૃત્યુ'
ભેદી રોગનો ભોગ બનનારાં ભૂલકાંના કાકા તેજાભાઈ વિંઝોડા પરિવારની સ્થિતિ વિશે વાત કરતાં જણાવે છે કે "આ બંને બાળકોના પિતા મજૂરી કામ કરતા હતા. આ દંપતીને સંતાનમાં બંને પુત્રો હતા. જે આ માંદગીમાં ગુજરી ગયા છે."
તેઓ આગળ જણાવે છે કે, "બંને ભાઈઓ એક સાથે બીમાર પડ્યા હતા. જે પૈકી નાનાને પહેલાં હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો."
"ત્યાર બાદ અમુક દિવસ બાદ મોટાને પણ ભોજન કરતાંની સાથે ઊલટી થઈ જતી હોવાથી દાખલ કરવો પડ્યો. સારવાર દરમિયાન બંને બાળકોના તમામ રિપોર્ટ નૉર્મલ આવ્યા છતાં પહેલાં નાનો પછી મોટો છોકરો આ માંદગીમાં ગુજરી ગયો."
બબ્બે બાળકોનાં મૃત્યુના કારણ વિશે જાણવા માટે ડૉક્ટરો સાથે થયેલી વાતચીત અંગે તેઓ કહે છે, "જ્યારે બંને બાળકો મૃત્યુ પામ્યાં ત્યારે અમે લોકો ભેગા થઈ અને ડૉક્ટરોને તેમનાં મૃત્યુનાં કારણો વિશે પ્રશ્ન કરવા ગયા."
"ત્યારે તેમણે અમને કહ્યું કે બાળકોનાં મૃત્યુ પાણીજન્ય રોગચાળાના કારણે થયાં હોઈ શકે. તેમજ બંને કેસ ઝેરી તાવના હોય તેવું બની શકે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો