IPL 2020 : દિલ્હી કૅપિટલ્સ પહેલી વાર ફાઇનલમાં, ઇતિહાસ પલટાશે?

બીસીસીઆઈ આઈપીએલ

ઇમેજ સ્રોત, BCCI/IPL

    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

પ્લે-ઑફની છેલ્લી મૅચની બીજી ઇનિંગ્સની 19મી ઓવર શરૂ થઈ ત્યાં સુધી એ નક્કી થઈ શકતું નહોતું કે મંગળવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે ફાઇનલમાં કોણ રમશે.

આ એક જ ઓવરે ફેંસલો લાવી દીધો અને એ નિર્ણાયક ઓવર ફેંકનારા બૉલર હતા કગિસો રબાડા,આ જીત સાથે જ દિલ્હી કૅપિટલ્સની ટીમે આઈપીએલના ઇતિહાસમાં પહેલી વાર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો.

193 મૅચ રમ્યા બાદ તેમને પહેલી વાર ફાઇનલમાં રમવાનો મોકો મળ્યો. મંગળવારે તેમનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે, જે ચાર ટાઇટલ જીતી ચૂકી છે.

રબાડા, માર્ક્સ સ્ટોઇનિસ અને શિખર ધવન આ ત્રણ ખેલાડી રવિવારની મૅચનું આકર્ષણ રહ્યા અને તેમણે ગજબનો દેખાવ કર્યો હતો.

સ્ટોઇનિસે પહેલાં તો ધવન સાથે ઓપનિંગ કર્યું અને ધમાકેદાર બેટિંગ કરી અને ત્યાર બાદ પાંચમી ઓવરમાં ઉપરાઉપરી બે વિકેટ ખેરવી દીધી.

ધવને આ સિઝનમાં તેમનું ફોર્મ જાળવી રાખ્યું અને છેલ્લે રબાડાએ કમાલ કરીને એક જ ઓવરમાં ત્રણ વિકેટ ખેરવી દીધી.

જોકે તેમણે પહેલી જ ઓવરમાં ડેવિડ વોર્નરની વિકેટ લઈને ટીમના વિજયનો પાયો નાખી દીધો હતો.

line

સ્ટોઇનિસ અને ધવને મૂક્યો જીતનો પાયો

દિલ્હી કૅપિટલ્સ

ઇમેજ સ્રોત, BCCI/IPL

સ્ટોઇનિસ અને ધવને મજબૂત પ્રારંભ કરતાં દિલ્હીએ નોંધપાત્ર સ્કોર નોંધાવ્યો હતો.

ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં દિલ્હી કૅપિટલ્સે 20 ઓવરમાં ત્રણ વિકેટે 189 રન નોંધાવ્યા અને ત્યાર બાદ સનરાઇઝર્સ હૈદરાબાદને 20 ઓવરને અંતે આઠ વિકેટે 172 રનના સ્કોરે અટકાવી દીધું હતું.

જોકે સનરાઇઝર્સ હૈદરાબાદે બીજી ઓવરના પ્રથમ બૉલે અને રબાડાની પહેલી ઓવરના પહેલા બૉલે ડેવિડ વોર્નરની વિકેટ ગુમાવી તે સાથે જ આ ટાર્ગેટ પહાડ જેવો મોટો વર્તાવા લાગ્યો.

પાંચમી ઓવર સુધીમાં તો શ્રેયસ ઐય્યરે ચાર બૉલર બદલી નાખ્યા અને તેમની આ રણનીતિ કામ કરી ગઈ કારણ કે પાંચમી ઓવરમાં સ્ટોઇનિસે પ્રિયમ ગર્ગ અને મનીષ પાંડેને આઉટ કરી દીધા.

અગાઉ રૉયલ ચૅલેન્જર્સ બેંગલોર સામેની મૅચમાં કેઇન વિલિયમ્સન અને જેસન હોલ્ડરની જોડી જામી ગઈ હતી.

બંનેએ ટીમનો સ્કોર 90 સુધી તો પહોંચાડી દીધો હતો પરંતુ સમગ્ર ટુર્નામેન્ટમાં ટીમ વર્ક દાખવીને આગળ વધેલી દિલ્હીની ટીમના ગુજરાતી ઑલરાઉન્ડર અક્ષર પટેલે 12મી ઓવરમાં હોલ્ડરને આઉટ કરીને ટીમને મૅચમાં પરત લાવવામાં મદદ કરી.

એક રીતે દિલ્હી માટે આ ટર્નિંગ પૉઇન્ટ હતો. આ તબક્કે એવી આશા ઊજળી બની હતી કે દિલ્હી હવે જીતી શકે છે.

17મી ઓવરમાં ફરીથી સ્ટોઇનિસે સૌથી મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપીને કેઇન વિલિયમ્સનને પૅવેલિયન ભેગા કરી દીધા, વિલિયમ્સને ચાર સિક્સર અને પાંચ ચોગ્ગા સાથે 45 બૉલમાં 67 રન ફટકાર્યા હતા.

line

સનરાઇઝર્સ હૈદરાબાદનો સનસેટ

દિલ્હી કૅપિટલ્સ

ઇમેજ સ્રોત, BCCI/IPL

વિલિયમ્સનની વિકેટ સાથે હૈદરાબાદની લડતનો અંત આવી ગયો હોય તેમ લાગતું હતું પણ રાશીદ ખાન અને અબ્દુલ સમદ બાજી પલટી નાખવાના મૂડમાં હતા.

19મી ઓવરના ત્રીજા અને ચોથા બૉલે રબાડાએ આ બંનેને આઉટ કરી દીધા, પાંચમા બૉલે તેમણે શ્રીવત્સ ગોસ્વામીને આઉટ કરતાં હૈદરાબાદનો સનસેટ થઈ ગયો અને પડકાર શમી ગયો.

રબાડાએ આ મૅચમાં 29 રનમાં ચાર વિકેટ લીધી અને એ સાથે ફરીથી પર્પલ કૅપ હસ્તગત કરી લીધી હતી, તેઓ આ સિઝનમાં 29 વિકેટ લઈ ચૂક્યો છે.

બીજી તરફ જસપ્રિત બુમરાહ 27 વિકેટ સાથે રમી રહ્યા છે. આ બંને બૉલર ફાઇનલમાં પણ રમવાના છે. આમ પર્પલ કૅપનો મુકાબલો છેક છેલ્લી મૅચ સુધી ચાલશે.

ધવન અને સ્ટોઇનિસે ઇનિંગ્સનો પ્રારંભ કર્યો હતો, બંનેએ ખૂબ સુંદર બેટિંગ કરી હતી. 8.2 ઓવરમાં 86 રનના મજબૂત પ્રારંભને કારણે જ દિલ્હીની ટીમ 20 ઓવરને અંતે ઘણી મજબૂત સ્થિતિમાં આવી ગઈ હતી.

સ્ટોઇનિસે પ્રારંભમાં સહયોગીની ભૂમિકા અદા કરી હતી. તેમણે 37 બોલમાં 38 રન ફટકાર્યા હતા.

line

હેતમાયરેનો ઝંઝાવાત

દિલ્હી કૅપિટલ્સ

ઇમેજ સ્રોત, BCCI/IPL

ધવને ખરે સમયે ફોર્મ દાખવીને અફલાતુન બેટિંગ કરી હતી. તે આ સાથે તેઓ ઑરેન્જ કૅપ ધારક લોકેશ રાહુલના 670 રનના આંકની વધુ નજીક પહોંચી ગયા હતા.

તેમણે 50 બૉલમાં 78 રન ફટકાર્યા હતા જેમાં બે સિક્સરનો સમાવેશ થતો હતો.

જોકે ધવન અને સ્ટોઇનિસની ઇનિંગ્સથી દિલ્હી 150ની નજીક પહોંચ્યું હતું પરંતુ શિમરોન હેતમાયરની આક્રમક બેટિંગે દિલ્હીને અત્યંત મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું.

હેતમાયરે ઇનિંગ્સના અંત ભાગમાં ઝંઝાવાત સર્જ્યો હતો અને માત્ર 22 બૉલમાં 42 રન ફટકારીને અણનમ રહ્યા હતા.

સનરાઇઝર્સ માટે ત્રણ બૉલરે એક-એક વિકેટ લીધી હતી પરંતુ દર વખતની માફક આ વખતે પણ રાશીદ ખાનની બૉલિંગ ચુસ્ત રહી હતી, જેમણે ચાર ઓવરમાં 26 રન આપીને એક વિકેટ લીધી હતી.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો