IPL 2020 : એ બે ગુજરાતી જેમણે મુંબઈ ઇન્ડિયન્સ માટે ફાઇનલના દરવાજા ખોલ્યા

ઇમેજ સ્રોત, Bcci/ipl
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
બે કે ત્રણ બૅટ્સમૅને અડધી સદી ફટકારી હોય, કોઈ બૅટ્સમૅને પાંચ-પાંચ સિક્સર ફટકારીને 264ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હોય પણ અંતે આકર્ષણનું કેન્દ્ર જસપ્રીત બુમરાહની બૉલિંગ બને એ શક્ય છે.
ગુરુવારની મૅચમાં બુમરાહે જે રીતે બૉલિંગ કરી એ પછી કંઈક આવું જ થયું.
ગુરુવારે મુંબઈ ઇન્ડિયન્સની ટીમે આઈપીએલમાં છઠ્ઠી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો. મૅચ દરમિયાન કોઈ પણ તબક્કે દિલ્હી કૅપિટલ્સ ટીમ લડત આપવાની સ્થિતિમાં નહોતી.
ઝડપી બૉલર બુમરાહ અને ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તરખાટ મચાવતાં મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ ક્વૉલિફાયર મૅચમાં દિલ્હીને 57 રનથી પરાજય આપ્યો.
આમ મુંબઈની ટીમ હવે દસમી નવેમ્બરે ફાઇનલ રમશે, જ્યારે દિલ્હીની ટીમ માટે હજી પણ એક તક છે.
દિલ્હી હવે શુક્રવારે રમાનારી સનરાઇઝર્સ હૈદરાબાદ અને રૉયલ ચૅલેન્જર્સ બેંગલોરની મૅચની વિજેતા ટીમ સામે રમશે.

ઇમેજ સ્રોત, Bcci/ipl
પ્રથમ બેટિંગ કરતાં મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં પાંચ વિકેટે 200 રન કર્યા, જવાબમાં દિલ્હીનો ધબડકો થયો. દિલ્હીએ 20 ઓવરમાં આઠ વિકેટે 143 રન નોંધાવ્યા હતા.
દિલ્હીએ અત્યંત કફોડી શરૂઆત કરી હતી, ક્યારેક શિખરે હોય અને ક્યારેક સાવ તળીયે તેવું ફોર્મ ધરાવતા શિખર ધવન આ વખતે પણ શૂન્યમાં જ પૅવેલિયનમાં પરત ફર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્તમાન સિઝનમાં સળંગ બે સદી ફટકારનારા ધવન 500થી વધારે રન કરી ચૂક્યા છે, તો સાથે-સાથે ચાર વખત શૂન્ય પર પણ આઉટ થયા છે.
ધવન તો ખાતું ખોલાવી ન શક્યા પણ સાથે-સાથે પૃથ્વી શો અને અજિંક્ય રહાણે પણ શૂન્ય પર આઉટ થયા.
કમાલ હતી બોલ્ટની જેમણે પહેલી જ ઓવરમાં પૃથ્વી અને રહાણેને આઉટ કરી દીધા.
દિલ્હીની ટીમ હજી ખાતું ખોલાવે તે પહેલાં તો બુમરાહ સામે છેડેથી ત્રાટક્યા અને ધવનને આઉટ કરી દીધા.
આગળ જતાં બુમરાહે આવી જ કમાલ માર્ક્સ સ્ટોઇનિસને બોલ્ડ કરવામાં કરી હતી. 46 બૉલ રમી ચૂકેલા સ્ટોઇનિસ થાપ ખાઈ ગયા અને બોલ્ડ થઈ ગયા. તેમણે ત્રણ સિક્સર સાથે 65 રન ફટકાર્યા હતા.

ઇમેજ સ્રોત, Bcci/ipl
તેમણે અક્ષર પટેલ સાથે 71 રન ઉમેર્યા હોવાથી દિલ્હીની ટીમ 100નો આંક પાર કરી શકી હતી.
અક્ષરે છેક સુધી લડત આપીને ત્રણ સિક્સર સાથે 42 રન ફટકાર્યા.
હરીફ ટીમમાં તેમની જ ગુજરાતની રણજી ટીમના સાથી બૉલર બુમરાહ બૉલિંગ કરી રહ્યા હતા, જેમણે ડબલ વિકેટ મેડન સાથે ચાર ઓવરમાં માત્ર 14 રન આપીને ચાર વિકેટ લીધી હતી.
આ ઉપરાંત વર્તમાન સિઝનમાં 27 વિકેટ સાથે પર્પલ કૅપ પણ બુમરાહના નામે થઈ ગઈ હતી. તેમણે કગિસો રબાડાને (25 વિકેટ) ફરીથી પાછળ રાખી દીધા છે.
મુંબઈના વિજયમાં માત્ર બુમરાહનું યોગદાન હતું તેમ ન કહી શકાય. દિલ્હીને હંફાવવા બુમરાહ માટે તખ્તો રચવામાં ઇશાન કિશન, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવનો સિંહફાળો હતો.
સૂર્યકુમાર યાદવ અને ડી કોકે મજબૂત બેટિંગ કરી, ઈજામાંથી પરત આવેલા રોહિત શર્માની વિકેટ સસ્તામાં પડી ગઈ હતી.
જોકે ખરો રોમાંચ તો ઇશાન કિશન અને હાર્દિક પંડ્યાએ દાખવ્યો હતો. કેઇરોન પોલાર્ડ અને કૃણાલ પંડ્યા સસ્તામાં આઉટ થઈ ગયા બાદ આ બંનેએ ઝંઝાવાત સર્જ્યો હતો.
હાર્દિક અને કિશને છેલ્લી ત્રણ ઓવરમાં જ 55 રન ફટકારી દીધા હતા. હાર્દિકે 14 બોલમાં પાંચ સિક્સર ફટકારી હતી.
છેલ્લી ઓવરમાં ઇશાન કિશને શાનદાર સિક્સર ફટકારીને 30 બૉલમાં ત્રણ સિક્સર સાથે 55 રન ફટકાર્યા હતા. તેના પ્રયાસને કારણે જ મુંબઈની ટીમ છેલ્લા બૉલે 200ના આંક પર પહોંચી હતી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












