ફ્રાન્સમાં ફરી હુમલો, ગોળીબારમાં પાદરી ઘાયલ - BBC TOP NEWS

ફ્રાન્સના લિયોં શહેરમાં એક ઑર્થોડૉક્સ પાદરી ગોળીબારમાં ઘાયલ થયા છે.
પોલીસસૂત્રોએ જણાવ્યું છે કે ગોળીબાર બાદ હુમલાખોર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો.
ફ્રાન્સના ગૃહમંત્રાલયે ટ્વીટ કરીને જણાવ્યું કે આ ઘટનામાં કાર્યવાહી ચાલુ છે. જોકે, હજુ આ મામલે શું થઈ રહ્યું છે એ અંગે કોઈ જાણકારી નથી આપી.
ટ્વીટમાં કહેવાયું છે કે સુરક્ષાદળો લિયોંના 'સેવેન્થ ઍરોન્ડીસમૉન'માં છે અને લોકોને વિસ્તારમાં જવાનું ટાળવા માટે જણાવાયું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ગોળીબાર ત્યારે કરાયો જ્યારે પાદરી ચર્ચ બંધ કરી રહ્યા હતા.

જૅમ્સ બૉન્ડને પહેલી વાર પડદે લાવનારા અભિનેતાનું નિધન

ઇમેજ સ્રોત, PA Media
જૅમ્સ બૉન્ડનું પાત્ર ભજવવા બદલ પ્રખ્યાત થયેલા અભિનેતા સર શૉન કૉનરીનું 90 વર્ષની વયે નિધન થઈ ગયું. જૅમ્સ બૉન્ડને પડદા પર લાવનારા તેઓ પ્રથમ અભિનેતા હતા. તેમણે સાત ફિલ્મોમાં આ પાત્ર ભજવ્યું હતું.
તેમણે ફિલ્મી પડદે દાયકાઓ સુધી રાજ કર્યું. વર્ષ 1998માં 'ધ અનટચેબલ્સ' નામની ફિલ્મ માટે તેમને ઑસ્કર ઍવૉર્ડ મળ્યો હતો.
તેમના પુત્ર જૅસન કૉનરીએ જણાવ્યું કે તેમનું નિધન બહામાસમાં થયું. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ બીમાર હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બહામાસમાં તેમના અંતિમ સમયે પરિવારના કેટલાય સભ્યો હાજર હતા.
તેમના પુત્રે કહ્યું, "તેઓ છેલ્લા કેટલાય દિવસોથી બીમાર હતા. જોકે, અમને હજુ પણ આ સ્થિતિમાંથી બહાર આવતા વખત લાગશે."

ICUમાં દાખલ 21 વર્ષીય યુવતી પર કથિત બળાત્કાર

ઇમેજ સ્રોત, ISTOCK
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર હરિયાણાના ગુરુગ્રામની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ 21 વર્ષીય યુવતી પર કથિત દુષ્કર્મની ઘટનાની રાજ્ય મહિલાઓ આયોગે નોંધ લીધી છે.
છોકરીના પિતાએ મંગળવારે ફરિયાદ નોંધાવી હતી કે જ્યારે તેમની દીકરી હૉસ્પિટલના આઈસીયુમાં વૅન્ટિલેટર પર સેમિ-કૉન્સિયસ હતી, ત્યારે હૉસ્પિટલના એક સભ્ય દ્વારા તેમની પર રેપ કરવામાં આવ્યો હતો.
ગુરુગ્રામની સિવિલ હૉસ્પિટલના ચીફ મેડિકલ ઑફિસર વીરેન્દ્ર યાદવે પોલીસને લખ્યું, "પીડિતાની મેડિકલ તપાસ માટે ત્રણ સભ્યની ટીમ બનાવવામાં આવી છે. શારીરિક હિંસાને નકારી શકાય તેમ નથી."
"હાલ ફિઝિયોલૉજિકલ ઍસેસ્મૅન્ટ સહિત બીજા અનેક ટેસ્ટની જરૂરિયાત છે. જ્યારે તે ભાનમાં આવશે ત્યારે કરીશું અને તેનું નિવેદન લઈશું."
છોકરી ગુરુગ્રામની એક ખાનગી હૉસ્પિટલમાં ટ્યુબરક્યૂલોસિસની સારવાર લઈ રહી હતી અને તેને આઈસીયુના ખાનગી રૂમમાં રાખવામાં આવી હતી.
હાલ વૅન્ટિલેટર હઠાવી દેવામાં આવ્યું છે પરંતુ છોકરી પોતાનું નિવેદન નોંધાવી શકવાની સ્થિતિમાં નથી.

વડોદરામાં ફ્રેન્ચ સામાનનો બહિષ્કાર કરવાનાં પોસ્ટર લાગ્યાં

ઇમેજ સ્રોત, Getty Images
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર વડોદરાના મુસ્લિમ વિસ્તારમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મેક્રોંનો વિરોધ કરતાં અને ફ્રાન્સના સામાનનો બહિષ્કાર કરવાની અપીલ કરતાં પોસ્ટર લાગ્યાં હતાં. આ પોસ્ટરને શુક્રવારે પોલીસે હઠાવી લીધાં હતાં.
ફ્રાંસમાં ઉગ્રવાદી હુમલા બાદ રાષ્ટ્રપતિએ કરેલી ટિપ્પણીથી વિવાદ વકર્યો છે અને વિશ્વના વિવિધ દેશોમાં તેમનો વિરોધ થઈ રહ્યો છે.
પોલીસના કમિશનર આર. બી. બ્રહ્મભટ્ટે કહ્યું, "આ ઉપરાંત, જ્યારે પોલીસ તપાસ માટે ગઈ ત્યારે ત્યાં આ પોસ્ટર લટકેલું હતું."
ભારતમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મુંબઈમાં પણ આ પ્રકારના પોસ્ટર લાગ્યાં હતાં.

ભારત-ચીન સરહદનું સંકટ આ દાયકાનું સૌથી ખરાબ સંકટ : ભારતના વિદેશ સચિવ

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગાલાએ ભારત અને ચીન સરહદે ઉભી થયેલી કટોકટીની સ્થિતિને દાયકાનું 'સૌથી ખરાબ સંકટ' કહ્યું છે.
ઇન્સ્ટિટ્યૂટ ફ્રાન્કૅસ ડેસ રિલેશન્સ ઇન્ટરનેશનલ ખાતે બોલતાં તેમણે કહ્યું હતું કે ચીનની સરહદે ઊભા થયેલા 'દાયકાના સૌથી ખરાબ સંકટ'નો સામનો ભારત કરી રહ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે ભારતે 'મક્કમતાથી લડવાની જરૂર' છે.
શ્રીંગાલાએ ફ્રાન્સને ભારતનું સૌથી જૂનું સ્ટ્રેટેજિક ભાગીદાર અને તમામ સમયનું મિત્ર ગણાવ્યું હતું.

જો તમે ગાડી ખરીદશો તો તમને સસ્તા અનાજનો લાભ નહીં મળે

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર રાજ્યના ફૂડ અને સિવિલ સપ્લાય વિભાગે આરટીઓ સાથે કરાર કર્યો છે.
જે મુજબ ઘરે ગાડી હોય તેવા લોકોની માહિતી આરટીઓ પાસેથી લઈને તેમનાં નામ મફત અનાજ આપવાની યાદીમાંથી હઠાવી દેવામાં આવશે.
ફૂડ અને સિવિલ સપ્લાય વિભાગના ડિરેક્ટર તુશાર ધોળકિયાએ કહ્યું,"અમે ટ્રાન્સપોર્ટ વિભાગને પત્ર લખ્યો છે કે જે લોકો પાસે ચાર પૈડાવાળાં વાહનો છે, તેમની માહિતી અમને આપો."
"અમે તેમનાં આધારકાર્ડની માહિતી ચકાસીશું જો તે મૅચ થશે તો, અમે તેમને યાદીમાંથી કાઢી નાખીશું."
તેમણે વધુમાં કહ્યું, "જન્મ-મરણ નોંધણી વિભાગ સાથે પણ કરાર કરીશું, જેથી મૃતકોનાં નામ પણ લાભાર્થીમાંથી નીકળી જાય."
ઉલ્લેખનીય છે કે લૉકડાઉન સમયે અનેક લોકોએ ઘરમાં સ્ટોક કરવા માટે સસ્તાં અનાજનો લાભ લીધો હતો માટે આ કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે.
આરટીઓના બીવી લિમ્બાસિયાએ કહ્યું કે મને આની જાણ થઈ છે અમે ફૂડ અને સિવિલ સપ્લાય વિભાગને ગાડી ખરીદનારનાં નામોની યાદી આપીશું.

અમેઠીમાં દલિત ગ્રામ પ્રધાનના પતિને જીવતા સળગાવી દેવામાં આવ્યા
ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં દલિત સમયુદાયની એક વ્યક્તિને કેટલાક લોકોએ જીવતા સળગાવી દીધા છે, જેમનું હૉસ્પિટલ લઈ જતી વખતે મૃત્યુ થયું છે. મૃતક બંદોઇયા ગામનાં પ્રધાનના પતિ હતા.
આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે અને ગામમાં તણાવની સ્થિતિ હોવાથી પોલીસ તહેનાત કરવામાં આવી છે.
અમેઠીમાં પોલીસ અધિક્ષક દિનેશ સિંહે કહ્યું, "પોલીસને રાત્રે અંદાજે 12 વાગે માહિતી મળી હતી કે પ્રધાનના પતિ અર્જુન સળગેલી હાલતમાં ગામની એક વ્યક્તિના ઘરમાંથી મળ્યા છે."
"તેમને પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા, ત્યાંથી સુલ્તાનપુર જિલ્લા હૉસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા. શુક્રવારે સવારે તેમને લખનૌ લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે તેઓ મૃત્યુ પામ્યા."
એસપીના કહેવા પ્રમાણે અર્જુનના પરિવારે ગામના પાંચ લોકોની સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાંથી ત્રણ લોકોની ધરપકડ કરાઈ. જ્યારે બે લોકોની શોધખોળ ચાલુ છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












